ગયા અંકની કવરસ્ટોરીમાં આપણે આલ્ફાબેટના એ ટુ ઈ સુધીમાં પથરાયેલી ગૂગલ/આલ્ફાબેટની કંપની અને પ્રોજેક્ટ્સ વિશે જાણકારી મેળવી હતી. ગૂગલ/આલ્ફાબેટ કેટલી અલગ અલગ રીતે આપણા જીવન પર અસર કરે છે એ સમજવા આ અંકમાં આગળના આલ્ફાબેટમાં થોડા વધુ ઊંડા ઊતરીએ!
આગળ શું વાંચશો?
- ફાઇબર
- ફાઇ
- ફ્લાઇટ
- ફીડબર્નર
- ફાયરબેઝ
- ફાઇનાન્સ
- ગૂગલ અને જીમેઇલ
- ગ્લાસ
- ગ્રૂપ્સ
- હેંગઆઉટ્સ
- ઇમેજીસ
- ઇન્ગ્રેસ
- ઇનબોક્સ
ફાઇબર
ગૂગલની ફાઇબર સર્વિસ શું છે એ સમજવા ફક્ત એક જ વાક્ય પૂરતું છે : ભારતમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શનની સરેરાશ સ્પીડ ૨ એમબીપીએસ છે અને ગૂગલ ફાઇબર ૧૦૦૦ એમબીપીએસની સ્પીડ આપે છે!
હાલમાં ગૂગલ અમેરિકાનાં અમુક શહેરોના અમુક વિસ્તારોમાં જ આ સર્વિસ આપી શકે છે, જેમાં લોકોને ઘરઆંગણે ફાઇબર કેબલ દ્વારા ઇન્ટરનેટ અને ટીવી ચેનલ્સનું કનેક્શન મળે છે. એક મત મુજબ, ગૂગલ કંપની પોતે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર બનવા માગતી નહોતી, પણ ગૂગલ આ સર્વિસ દ્વારા ફક્ત સાબિત કરવા માગતી હતી કે ઇન્ટરનેટની કેટલી સ્પીડ ખરેખર શક્ય છે અને સામાન્ય ટેલિકોમ કેટલી સ્પીડ આપે છે! હવે આ સર્વિસનું કવરેજ ધીમે ધીમે વધી રહ્યું છે. ફાઇબરથી કેવી સ્પીડ મળે છે એ જોવું હોય તો તેની વેબસાઇટ પર આપેલી રેસ તપાસી જુઓ!
ફાઇ
જેમ ગૂગલ ફાઇબર સર્વિસ ફાઇબર કેબલ દ્વારા નેટ કનેક્શન આપે છે, તેમ પ્રોજેક્ટ ફાઇથી ગૂગલ કદાચ બતાવવા માગે છે કે મોબાઇલમાં વાઇ-ફાઇ કનેક્શનની સર્વિસ કેવી હોવી જોઈએ! આ સર્વિસમાં કરામત એ છે કે આપણે એક નિશ્ચિત માસિક ફી ચૂકવીએ તે પછી, (અમેરિકામાં) ૧૦ લાખ જેટલાં ફ્રી વાઇ-ફાઇ હોટસ્પોટ (જે સલામત હોવાની ગૂગલે ખાતરી કરી છે) અને બે ટેલિકોમ કંપનીનાં સિગ્નલ – આ ત્રણમાંથી જે સ્થળે જેનાં સિગ્નલ સૌથી સ્ટ્રોંગ હોય તેનો લાભ લઈ શકીએ! ધારો કે આપણે ઘરમાં વાઇ-ફાઇની મદદથી કોઈને વોઇસ કોલ જોડ્યો અને વાત કરતાં કરતાં, ઘર અને વાઇ-ફાઇ રેન્જની બહાર નીકળી ગયા, તો ત્યાંથી ફોન ટેલિકોમ કંપનીના સિગ્નલ પર શિફ્ટ થઈ જશે, ઓટોમેટિકલી.
ઉપરાંત, અત્યાર સુધી આપણા ફોનનંબરનો ફક્ત એક જ ફોન સાધન પર ઉપયોગ થઈ શકે છે. પ્રોજેક્ટ ફાઇ આ સ્થિતિ પણ બદલી નાખે છે – તેમાં આપણો ફોનનંબર ગૂગલ એકાઉન્ટનો એક ભાગ બનીને ક્લાઉડમાં સ્ટોર થાય છે. એટલે, જેમ આપણે પીસી, ફોન કે ટેબલેટ ગમે તેની મદદ લઈને જીમેઇલનો ઉપયોગ કરી શકીએ છીએ, એ જ રીતે, કોઈ પણ સાધનમાંથી, ગમે ત્યાંથી આપણા ફોનનંબરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ! તેમાં ડેટા પ્લાન કિફાયતી છે, સમજવામાં સાવ સરળ છે અને જેટલો ઉપયોગ એટલું જ બિલિંગ છે (મહિનાનો એક જીબીનો પ્લાન હોય અને વપરાયા વગરનો રહે તો રૂપિયા જાય એવું નહીં!)
હજી આ વર્ષે, એપ્રિલમાં જ લોન્ચ થયેલી સર્વિસ પણ અત્યારે ફક્ત અમેરિકાના લોકો માટે છે.
ફ્લાઇટ
આપણે અમદાવાદથી મુંબઈ કે સિંગાપોર જવું હોય તો શું કરીએ? સામાન્ય રીતે, પહેલાં ગૂગલિંગ કરીએ અને પછી ફ્લાઇટ બુકિંગ કરી આપતી કોઈ સાઇટ પર પહોંચીને ત્યાં જુદી જુદી ફ્લાઇટ અને તેના ટિકિટ ભાડાની સરખામણી કરીએ. ગૂગલ ફ્લાઇટ સર્વિસ, ગૂગલના સર્ચ રીઝલ્ટમાં જ જોઈતી બધી સરખામણી આપી દે છે.
આ વર્ષની શરૂઆતમાં આ સગવડ ભારતમાં પણ શરૂ થઈ ગઈ છે. તમે ગૂગલ સર્ચમાં ‘ફ્લાઇટ ફ્રોમ અમદાવાદ ટુ મુંબઈ’ જેવું કંઈ સર્ચ કરો એટલે રીઝલ્ટ પેજ પર એક બોક્સમાં ફ્લાઇટ્સની સરખામણી મળે છે. તમે આ સર્વિસની વેબસાઇટ પર પણ જઈ શકો છો.
થોડાં ખાંખાંખોળાં કરશો એટલે ઝીણી ઝીણી ઘણી ખૂબીઓ નજરે ચઢશે. જે ફ્લાઇટ પસંદ પડે, તેના પર ક્લિક કરતાં, એ એરલાઇન અથવા હાલમાં ભારતમાં ગૂગલ ફ્લાઇટના બુકિંગ પાર્ટનર ગોઆઇબીબોની સાઇટ પર જઈને બુકિંગ કરી શકાય છે. કોઈ ફ્લાઇટ આપણે સેવ કરી રાખીએ અને તેના ભાડામાં ફેરફાર થાય તો સ્માર્ટફોનનમાં ગૂગલ નાઉ મારફત આપણને તેની જાણ થાય છે. આપણે જે કંઈ સર્ચ કરીએ એની ખરીદી ગૂગલ મારફત થઈ શકે એ દિવસો લગભગ આવી જ ગયા છે, એનો આ વધુ એક દાખલો છે.
ફીડબર્નર
ગૂગલ જેટલી નવી સર્વિસ કે પ્રોજેક્ટ શરૂ કરે છે, એટલા જ સામે બંધ પણ કરે છે. આવી, એક સમયની અત્યંત લોકપ્રિય સર્વિસ છે ફીડબર્નર. જે હજી તદ્દન બંધ થઈ નથી, પણ ઘણા સમયથી લોકો તેના અંતની આગાહી કરી રહ્યા છે.
તમે એવા ઘણા બ્લોગ કે વેબસાઇટ જોઈ હશે, જેના પર આપણે પોતાનું ઈ-મેઇલ આઇડી આપીને એ બ્લોગ પરની નવી પોસ્ટ વિશે આપણા ઈ-મેઇલમાં માહિતી મેળવી શકીએ છે, તે આ ફીડબર્નર જેવી સર્વિસને આભારી છે. જોકે ગૂગલને લાગે છે કે ફેસબુક, ટવીટર વગેરે પર શેરિંગ એટલું સહેલું બન્યું છે કે અલગ ફીડરીડરનું હવે કોઈ ભાવિ નથી. ‘ગૂગલ રીડર’ નામની તેની ફીડરીડર સર્વિસ બંધ કરી છે અને ફીડ જનરેટ કરતી ફીડબર્નર પણ ગમે ત્યારે બંધ થાય તેમ લાગે છે.
ફાયરબેઝ
રોજબરોજ આપણે અનેક રીતે ગૂગલની વિવિધ સર્વિસનો ઉપયોગ કરીએ છીએ, પણ આ બધી સર્વિસ ફૂલે ફાલે છે વિવિધ ડેવલપર્સને કારણે. જેમ કે એન્ડ્રોઇડના પ્લે સ્ટોરમાં ગૂગલ ઉપરાંત બીજા અસંખ્ય ડેવલપર્સે બનાવેલી એપ્સથી પ્લે સ્ટોર સતત સમૃદ્ધ બનતો રહે છે. ગૂગલ (અને તેના જેવી બીજી બધી ટેક કંપનીઝ) આ ડેવલપર્સનું કામ સહેલું બને એ વાતનું ખાસ ધ્યાન રાખે છે. ફાયરબેઝ એ આ ડેવલપર્સને એક ખાસ પ્રકારનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.
હવે જાણીએ આ વાતમાં આપણો એંગલ. અત્યારે સમય રીયલ-ટાઇમ શેરિંગનો આવી રહ્યો છે. જુલાઈ ૨૦૧૫ના અંકમાં આપણે ‘ગૂગલ કીપ’ એપ વિશે જાણ્યું હતું, જેમાં અલગ અલગ સ્થળે શોપિંગ કરતાં પતિ-પત્ની કીપમાં ક્રિએટ અને શેર કરેલ શોપિંગ લિસ્ટનો એક સાથે ઉપયોગ કરી શકે અને પોતે ખરીદેલી વસ્તુ ટીક કરતાં જાય તેની વાત હતી. ફાયરબેઝ પ્લેટફોર્મથી આ પ્રકારની એપ ડેવલપ કરવાનું કામ ઘણું સહેલું બને છે.
ફાઇનાન્સ
જેમ સોશિયલ મીડિયા ક્ષેત્રે ગૂગલે જુદા જુદા ઘણા પ્રયાસ કયર્િ તેમ છતાં તે ફેસબુકને હંફાવી શકી નથી, તેમ ફાઇનાન્સ એક એવું સેક્ટર છે જેમાં યાહૂ હજી પણ ગૂગલથી આગળ છે. શેરબજારના અઠંગ ખેલાડીઓને વિશ્વભરનાં બજારોની અને તેમના પોતાના પોર્ટફોલિયોની રજેરજની માહિતી આપતી હવે તો અનેક સાઇટ્સ છે, પણ યાહૂ ફાઇન્સ (https://in.finance.yahoo.com/) હજી પણ ઘણી લોકપ્રિય છે. ગૂગલે લોકો જે કંઈ સર્ચ કરતા હોય તેમને પોતાની તરફ જ વાળવાની નીતિના ભાગ રૂપે, યાહૂ ફાઇનાન્સ જેવી જ ગૂગલ ફાઇનાન્સ શરૂ કરી પણ તે ખાસ લોકપ્રિય બની શકી નથી. એ પણ ગમે ત્યારે સમેટાઈને ગૂગલ સર્ચનો જ એક ભાગ બની જાય એવી શક્યતા છે. યાહૂ ફાઇનાન્સની ભારતીય આવૃત્તિ છે, ગૂગલની નથી.
ગૂગલ અને જીમેઇલ
ગૂગલમાંથી જન્મેલી આલ્ફાબેટની હવે પેટા કંપની બની ગઈ છે ગૂગલ! ગૂગલ અને જીમેઇલ બંને વિશે તમે ઘણું બધું જાણો જ છો!
ગ્લાસ
કદાચ, ગૂગલની સૌથી ચર્ચાસ્પદ પ્રોડક્ટ્સમાંની એક. એપ્રિલ ૨૦૧૨માં ગૂગલે ધૂમધડાકા સાથે ગ્લાસની જાહેરાત કરી હતી. એ સાથે, જાતભાતની ઘણી ક્ષમતા ઉપરાંત, કોઈને ખબર પણ ન પડે એ રીતે ફોટોગ્રાફી કે વીડિયો રેકોર્ડિંગ કરી શકતા આ સાધનની ટીકા પણ ઘણી થઈ. અંતે આ વર્ષે, જાન્યુઆરી મહિનામાં ગૂગલે ગૂગલ ગ્લાસનું વેચાણ બંધ કરવાની જાહેરાત કરી.
પણ વાત અહીં પૂરી થતી નથી. સરેરાશ લોકો માટે ગ્લાસનું વેચાણ બંધ થયું છે, પણ હેલ્થકેર, મેન્યુફેક્ચરિંગ, એનર્જી વગેરે ક્ષેત્રોમાં આ સાધન જુદી જુદી ઘણી રીતે ઉપયોગી થઈ શકે છે અને ગૂગલે તેમને ગ્લાસ પૂરા પાડવાનું ચાલુ જ રાખ્યું છે. આપણા માટે પણ તેનું નવું વર્ઝનન ગમે ત્યારે લોન્ચ થઈ શકે છે.
ગ્રૂપ્સ
વોટ્સએપ, ફેસબુક-ટવીટર અને ગૂગલની પોતાની ગૂગલ પ્લસ સર્વિસના જમાનામાં ઓનલાઇન ગ્રૂપ્સ ધીમે ધીમે અંત તરફ ધકેલાઈ રહ્યાં છે.
ઓનલાઇન ગ્રૂપ્સ એટલે એક એવી જગ્યા, જ્યાં સમાન રસ ધરાવતા લોકો એક ગ્રૂપ રચે, તેનું એક સિંગલ ઈ-મેઇલ આઇડી રચાય અને ગ્રૂપના દરેક સભ્યો એ એક આઇડી પર મેઇલ મોકલે તો તે મેઇલ દરેક વાંચી શકે – વોટ્સએપની ગ્રૂપ ચેટિંગ સુવિધાનું આ જૂનું સ્વરૂપ છે!
યાહૂ અને ગૂગલ બંનેનાં ગ્રૂપ્સ એક સમયે અત્યંત લોકપ્રિય હતાં, હવે મોટા ભાગે આપણા ઈનબોક્સમાં કારણ વગર ટપકી પડતા મેઇલનાં મૂળ આ ગ્રૂપમાં રહ્યાં છે. ગૂગલની ગ્રૂપ્સ સર્વિસના ઉપયોગ હજી પણ ઘણા બધા છે, છતાં તેની લોકપ્રિયતાનાં વળતાં પાણી છે.
હેંગઆઉટ્સ
દુનિયાના કોઈ પણ ખૂણે રહેલા લોકો એકબીજા સો જીવંત સંપર્ક કરી શકે એવી સગવડ આપતું આ પ્લેટફોર્મ આમ તો માઇક્રોસોફ્ટની સ્કાઈપ, એપની ફેસટાઇમ અને વિન્ડોઝની ફેસબુક વીડિયોચેટે મળતું આવે છે.
આ સર્વિસમાં એકથી વધુ લોકો એકબીજા સાથે વીડિયો કે વોઈસ ચેટ કરી શકે છે, મેસેજી આલે કરી શકે છે એ ફાઇલ્સ શેર કરી શકે છે.
હેંગઆઉટ્સનો એન્ડ્રોઇડ ડિવાઈસ અને આઇઓએસ ડિવાઇસમાં ઉપયોગ થઈ શકે છે. યૂઝર્સ જીમેઇલ કે ગૂગલપ્લસ અને ક્રોમમાંથી પણ તેનો લાભ લઈ શકે છે.
ગુજરાતા મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ હેંગઆઉટ્સો ઉપયોગ કરીને તેની લોકપ્રિયતા વધારી હતી. ‘હેંગઆઉટ ઓન એર’ નામની સુવિધાથી, તમે કેમેરા સામે બોલો અને આખી દુનિયામાં જેને રસ હોય તે લાઇવ યુટ્યૂબ પર જુએ એવું પણ થઈ શકે છે!
ઇમેજીસ
જુલાઈ ૨૦૦૧માં ગૂગલે શરૂ કરેલું, ઇમેજીસ માટેનું ખાસ સર્ચ એન્જિ. આમાં મજાની વાત એ છે કે આપણે ‘સચીન તેંડુલકર’ સર્ચ કરીએ અને સચીનની સંખ્યાબંધ તસવીરો જોવા મળે, પણ એ ફોટોગ્રાફ્સમાં ગૂગલનાં કમ્પ્યુટર સચીનને ઓળખી શકતાં નથી.
એ ફક્ત ઇમેજ સાથે આપવામાં આવેલી ટેક્સ્ટ અને કીવર્ડે આધારે આ તારવણી કરે છે! જોકે ફેસ રેકગ્નિશ ટેક્નોલોજીમાં બધી જાયન્ટ ટેક કંપનીઓ બહુ આગળ વધી ગઈ છે, એ વિશે આગામી અંકોમાં વિગતવાર વાત કરીશું.
ઇન્ગ્રેસ
તમે અમદાવાદમાં રીવરફ્રન્ટ પર ફરી રહ્યા હો અને તમારી આસપાસ, રીવરફ્રન્ટ પર કબજો જમાવવા માટે બે જૂથો વચ્ચે જોરદાર ઘમાસાણ ચાલી રહ્યું હોય એવી કલ્પના કરી શકો છો? દુનિયા આખીમાં, અત્યારે બે પ્રકારની દુનિયા રચાઈ ગઈ છે, એક વાસ્તવિક અને બીજી આભાસી. બંનેમાં બધું જ એક જ સમયે ચાલી રહ્યું છે!
આપણે સૌ ચોર-પોલીસની રમત રમીને મોટા થયા છીએ અને હવે આપણા સ્માર્ટફોનન (એન્ડ્રોઇડ કે આઇઓએસ) પરની ઓગમેન્ટેડ રીયાલિટી ગેમ સ્વરૂપે, આખી દુનિયામાં ફેલાયેલા લોકો સાથે એ રમી શકો છો.
સ્માર્ટફોનમાં ઇન્ગ્રેસ એપ ડાઉનલોડ કરો, લોગ-ઇન થાઓ અને દુનિયાને બચાવવા કે ખેદામેદા કરવા મેદાને પડો! ગેમનો પ્લોટ કંઈક એવો છે કે કેટલાક અજાણ્યા લોકો દુનિયા પર કબજો જમાવવા નીકળ્યા છે, આપણે તેમના પર અંકુશ નહીં કરીએ તો એ લોકો ધાર્યું કરી લેશે.
આપણે એનામાં લોગ-ઇન થઈએ એટલે ગૂગલ મેપ પર વિવિધ શહેરોમાંનાં જુદાં જુદાં સ્થળો હાઇલાઇટ કરેલા જોવા મળે (અમદાવાદમાં પાણીની ટાંકી આવા સ્થળ તરીકે જોવા મળે છે!), આપણે એ સ્થળ સુધી પહોંચી, તેના પર કબજો જમાવવાનો, તેના પરના સંભવિત હુમલો ખાળવાની તૈયારીઓ કરવાની અને આપણા ગ્રૂપના અન્ય લોકોને મદદ માટે ત્યાં બોલાવવાના!
આ ગેમમાં તમે પણ જોડાઈ શકો છો. આ ગેમ ફક્ત એ જોવા માટે પણ એક વાર રમી જોવા જેવી છે કે આપણી દુનિયાને સમાંતર કેવી નવી અને આભાસી દુનિયા વિકસી ગઈ છે. આ ગેમ નાઇએન્ટિક લેબ્સ એ ગૂગલે વિકસાવેલી છે.
ઇનબોક્સ
દુનિયાને વર્ષોથી જેની ટેવ પડી છે એ ઈ-મેઇલની સગવડને નવું સ્વરૂપ આપવાનો ગૂગલનો પ્રયાસ. ઇનબોક્સ વિશે આપણે જાન્યુઆરી ૨૦૧૫ અંકની કવરસ્ટોરીમાં વિગતવાર વાત કરી લીધી છે.
આખા આલ્ફાબેટમાં પથરાયેલી બાકીની કંપનીઓ કે પ્રોજેક્ટસ વિશે આપણે આવતા અંકોમાં માહિતી મેળવતા રહીશું.






