ગયા મહિને પેરિસ પર આતંકવાદી હુમલો થયો તેના થોડા સમયમાં, પેરિસમાંના લોકો ફેસબુક પર પીસી કે સ્માર્ટફોનમાં લોગ-ઇન થાય ત્યારે તેમે સ્ક્રીન પર એક મેસેજ દેખાવા લાગ્યો : “એવું લાગે છે કે તમે પેરિસમાં છો. તમે સલામત છો? જો હા, તો તમારા મિત્રોને જાણ કરો.”

આના જવાબમાં ૨૪ કલાકમાં લગભગ અડધો કરોડ લોકોએ પોતે સલામત હોવાનું ફેસબુક પર જણાવ્યું અને તેના પ્રતાપે દુનિયાભરમાં ૩૬ કરોડ જેટલા લોકોને જાણ થઈ અને હાશકારો થયો કે તેમા અમુક-તમુક મિત્રો સલામત છે.
સોશિયલ મીડિયાનો આ છે નવો લાભ, નામ છે ફેસબુક સેફ્ટી ચેક.
વર્ષ ૨૦૧૧માં જાપાનમાં ત્સુનામી અને ભૂકંપ વખતે લોકોએ એકબીજાના સંપર્કમાં રહેવા સોશિયલ મીડિયાનો જે રીતે ઉપયોગ કર્યો, તેનાથી પ્રેરાઇને ફેસબુકે લોકો પોતે સલામત હોવાની એકબીજો જાણ કરી શકે એવી વ્યવસ્થા વિકસાવી, જે પહેલીવાર નેપાળના ભૂકંપ પછી ઉપયોગમાં લેવાઈ હતી. હમણાંના અફઘાનિસ્તાન ભૂકંપ સુધી કુદરતી આફતો દરમિયાન તેનો ઉપયોગ તો આવ્યો છે.
આવી કોઈ પણ આફત સમયે, ફેસબુક તેના યૂઝર્સને ડેટાબેઝના આધારે, જે તે અસરગ્રસ્ત વિસ્તારને પોતાનું હોમટાઉન ગણાવનારા લોકો અને સ્માર્ટફોન જીપીએસ ડેટાના આધારે, અસરગ્રસ્ત વિસ્તારમાં પ્રવાસ કરી રહેલા લોકોને ઓળખીને તેમને તેમની સલામતી પૂછતું નોટિફિકેશન મોકલે છે. આ વ્યક્તિઓ સલામત હોવાની જાણ કરે એટલે એમના મિત્રવર્તુળોમાં રહેલા તમામ લોકોને એની જાણ થાય. આવી સ્થિતિમાં કોઈ મજાક ન કરે એવી અપેક્ષાએ, અસરગ્રસ્ત વિસ્તારમાંથી વ્યક્તિને બદલે તેમના કોઈ મિત્ર પણ જે તે વ્યક્તિ સલામત હોવાની જાણ કરી શકે છે.
વાચકોને યાદ હશે કે ઉત્તરાખંડમાં મહાપ્રલય વખતે ગૂગલે પણ ‘પર્સન આઇડેન્ટીફાયર’ નામે એક વેબસર્વિસ શરૂ કરી હતી, જેની મદદથી આફતમાં ગૂમ થયેલા લોકોની તેમના સ્વજનો ભાળ મેળવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
જોકે ફેસબુકે પેરિસમાં આતંકવાદી હુમલા પછી સેફ્ટીચેક એક્ટિવેટ કર્યા બાદ, ટીકાનો પણ સામનો કરવો પડ્યો. આ પહેલી જ વાર ફેસબુકે કોઈ માવસર્જિત આફત પછી સેફ્ટીચેક એક્ટિવેટ કર્યું હતું. સંખ્યાબંધ લોકોએ કહ્યું કે ફેસબુકે આ પહેલાંના આતંકી હુમલાઓ વખતે આવું પગલું કેમ નથી લીધું? ‘દરેક વાતની ક્યારેક તો શરૂઆત જ હોય’ એવા જવાબ સાથે હવે ફેસબુકે બીજી માવસર્જિત આફતો વખતે પણ સેફ્ટીચેક એક્ટિવેટ કરવાનો નિર્ણય કર્યો છે.
ફેસબુક અને બીએસએનએલ ભાગીદારી કરીને ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં વાઈ-ફાઈ કનેક્ટિવિટી આપવાનું આયોજન કરી રહ્યા છે. શરૂઆતનું આયોજન ફક્ત ૧૦૦ વાઇ-ફાઈ હોટસ્પોટ્સ ઊભા કરવાનું છે.
