(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

શાળાઓ માટે શાર્કોપીડિયા!

વિકિપીડિયાને તો આપણે બરાબર જાણીએ છીએ, પણ ઇન્ટરનેટ પર તેના જેવા બીજા, અલગ અલગ વિષયની માહિતીના અનોખા ભંડાર પણ છે. ડિસ્કવરી ચેનલે શાર્ક વિશે તૈયાર કરેલી સાઇટ નવી ટેક્નોલોજીની દ્રષ્ટિએ પણ જોવા જેવી છે.

હમણાં આવેલી જુરાસિક વર્લ્ડ ફિલ્મ તમે જોઈ? જુરાસિક સીરિઝની આ ચોથી ફિલ્મ છે અને આ ફિલ્મના ડિરેક્ટર તો કોઈ બીજા છે, પહેલી ફિલ્મ જુરાસિક પાર્ક સ્ટીવન સ્પીલબર્ગે બનાવી હતી. સ્પીલબર્ગની ફિલ્મની યાદી જુઓ તો એક-એકથી ચઢે એવાં નામ જોવા મળે (અને રેન્જ કેવી? ઇન્ડિયાના જોન્સ, ઇટી, લિંકન અને જોઝ આ બધી એમની!).

અત્યારે સ્પીલબર્ગને યાદ કરવાનું કારણ, ૪૦ વર્ષ પહેલાં, ૧૯૭૫માં આવેલી એમની ફિલ્મ જોઝ છે. મહાસાગરોમાં સરકતી રહેતી ભયાનક શાર્ક વિશેની એ ફિલ્મ પણ જુરાસિક પાર્ક જેવી જ પાથ-બ્રેકર હતી અને તેની સિક્વલમાં બીજી ચાર ફિલ્મ પણ બની (આ ફિલ્મના ચાહકોએ એક ખાસ વેબસાઇટ પણ બનાવી છે: http://jawsmovie.com/).

જુરાસિક સીરિઝમાં અત્યારે લુપ્ત થઈ ગયેલાં ડાયનાસોર્સની કાલ્પનિક વાતો છે, પણ જોઝમાં જેની વાત છે એ શાર્ક અત્યારે પણ મહાસાગરોમાં ફરે છે અને સામાન્ય મત અનુસાર, અવારનવાર મોત બનીને ત્રાટકે છે.

આ છેલ્લા મુદ્દા માટે સામાન્ય માન્યતા અનુસાર લખવાનું કારણ એ કે હકીકત જુદી છે! ડિસ્કવરી ચેનલ ૧૯૮૮થી, દર વર્ષે જુલાઈ મહિનામાં શાર્ક સંબંધિત અનેક પ્રકારની માહિતી જુદી જુદી રીતે દર્શાવીને શાર્ક વીક ઉજવે છે અને થેન્ક્સ ટુ અમેઝિંગ વેબ, એમાંનું ઘણું ખરું આપણે ઘેરબેઠાં જાણી-માણી શકીએ છીએ!

આ જ કારણે જાણી શકાયું કે હકીકતે દર વર્ષે શાર્ક સરેરાશ ૭૦ વાર માણસ પર હુમલો કરે છે, તેમાં સરેરાશ ૬ લોકો મૃત્યુ પામે છે અને સામે પક્ષે આપણે માનવો દર વર્ષે સરેરાશ ૧૦ કરોડ શાર્કનો ખાતમો બોલાવીએ છીએ (હજી તો આ બહુ ઓછો અંદાજ હોવાનું કહેવાય છે).

શાર્ક વિશે આવી બીજી અનેક વાતો તમે જાણવા માગતા હો, સાથોસાથ હજી હમણાં સુધી આપણી નજર બહાર રહેલી દુનિયાભરની વિસ્યમકારક વાતો ઇન્ટરનેટની મદદથી કેવી રોમાંચક રીતે આપણા સુધી પહોંચવા લાગી છે એ જોવું હોય તો તમારે શાર્ક પરના વીકિપીડિયા સમી આ વેબસાઇટ જોવી રહી: http://sharkopedia.discovery.com/

અત્યારે આપણે સાઇટ પરથી કેટલીક નવી માહિતી જાણી લઈએ…

આ સાઇટ પર પહોંચ્યા પછી આપણને ખબર પડે કે પૃથ્વી પર શાર્કનું અસ્તિત્વ દુનિયા પરના પહેલા ડાયનોસોર કરતાં લગભગ ૨૦ કરોડ વર્ષ જૂનું છે. સાઇટ પર શાર્કના અસ્તિત્વ વિશેની એક ઇન્ટરએક્ટિવ ટાઇમલાઇન તમે તપાસી શકો છો.

વિજ્ઞાનીઓનો અંદાજ છે કે દુનિયાભરના દરિયામાં ૫૦૦ કરતાં વધુ પ્રકારની શાર્ક તરી રહી છે અને દર વર્ષે તેની કોઈ ને કોઈ નવી પ્રજાતિ જાણવા મળે છે. શાર્કની એક પ્રજાતિનું નામ ટાઇગર શાર્ક છે (શાર્કમાં પણ ટાઇગર!). આ પ્રકારની શાર્ક એટલી ખાઉધરી હોય છે કે શિકાર બનેલા લોકોના ઓવરકોટ ને બૂટ ઉપરાંત તેના પેટમાંથી બોટમાંના ગાદી-તકિયા, એક્સપ્લોઝિવ્સ, બટાકાની થેલી વગેરે પણ મળ્યા છે. ટાઇગર શાર્ક ગાર્બેજ ગટ્સ તરીકે પણ ઓળખાય છે.


શાર્ક મહાસાગરના પેટાળથી માંડીને મહાસાગરનાં ગાઢ ઊંડાણ સુધી બધે જોવા મળે છે. મહાનદીઓ જ્યાં સાગરને મળતી હોય, મીઠા અને ખારા પાણીનો સંગમ થતો હોય એવા વિસ્તારોમાં પણ શાર્ક મોટા પ્રમાણમાં જોવા મળે છે. છ પ્રકારની શાર્ક નદીઓમાં પણ જોવા મળે છે અને તેમાંની એક, ભારતની ગંગા અને બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળે છે.

‘સાયબરસફર’માં અગાઉ (જાન્યુઆરી ૨૦૧૩) આપણે ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠાની કોરલ રીફના બેન્ચમાર્ક સર્વે અને ગૂગલના પહેલા અન્ડરવોટર સ્ટ્રીટવ્યૂ વિશે વાત કરી હતી (catlinseaviewsurvey.com). કોરલ રીફમાં કુદરતની અદભુત કલાકારી જોવા મળે છે, પણ એમ મનાય છે કે જેમાં શાર્ક ન હોય એ કોરલ રીફ ન હોય! સદભાગ્યે શાર્ક સાથે આપણે સીધો પનારો નથી, પણ એના વિશે આવી અવનવી વાતો, ઇન્ટરએક્ટિવ ગ્રાફિક્સ, વીડિયો અને બીજી અનોખી રીતે જાણવા માટે આ શાર્કોપીડિયા એક અનન્ય સ્રોત છે.

હવે એક આડ વાત, આવી બધી સાઇટ્સ, સજાગ શિક્ષકની મદદ સાથે આપણી શાળાઓનાં બાળકોને શા માટે બતાવી ન શકાય? વાત ફક્ત શાર્કની નથી, જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારતાં શીખવવાની છે. ગુજરાત સરકારે સંખ્યાબંધ શાળાઓમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટ કનેક્શન પહોંચાડ્યાં છે, પણ અવારનવાર સમાચાર આવે છે કે આ કમ્પ્યુટર ધૂળ ખાતાં પડ્યાં રહે છે. એનાં કારણો ચોક્કસ હશે, શિક્ષકોને આ કારણો ૯૨૨૭૨ ૫૧૫૧૩ ઉપર વોટ્સએપ કરવા કે himanshuduplics.cybersafar.in પર મોકલવા આગ્રહભરી વિનંતી. આપણે સાથે મળીને ઉપાય શોધીએ. આપણા સૌના દાદા જેવા ડો. કલામને સાચી શ્રદ્ધાંજલિ આપવાનો આ પણ એક રસ્તો હોઈ શકે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!