જો તમે તમારા બાળકો યુટ્યૂબનો યોગ્ય ઉપયોગ કરી શકે તેવું ઈચ્છતા હો તો યુટ્યૂબમાં પેરેન્ટલ ક્ન્ટ્રોલ્સ અને સેફ્ટી મોડ જાણી લેવા જોઈએ…
ઇન્ટરનેટ પર યુટ્યૂબ એક રીતે જોઈએ તો આપણી દુનિયાનો અરીસો છે. અહીં ઘણું બધું જાણવા જેવું, સર્જનાત્મકતા ખીલવે તેવું તથા ઘણું નવું શીખવે તેવું મળી રહે છે પરંતુ સાથોસાથ યુટ્યૂબ પર અઢળક વીડિયો એડલ્ટ ક્ન્ટેન્ટ ધરાવતા હોય છે.
હમણાં થોડા સમયથી એવા છૂટાછવાયા અહેવાલ મળી રહ્યા છે કે ગૂગલ યુટ્યૂબ સહિતની તેની કેટલીક સર્વિસીઝ બાળકોને બધી રીતે અનુરૂપ અને અનુકૂળ હોય તેવી બનાવવાની વેતરણમાં છે. કદાચ આ નવા વર્ષમાં આપણને આ ભેટ મળી પણ જાય પરંતુ ત્યાં સુધી જો તમે તમારા બાળકો યુટ્યૂબનો યોગ્ય ઉપયોગ કરી શકે તેવું ઈચ્છતા હો તો યુટ્યૂબમાં પેરેન્ટલ કન્ટ્રોલ્સ અને સેફ્ટી મોડ જાણી લેવા જરુરી છે.
એક સ્પષ્ટતા જોકે ચોક્કસ જરુરી છે કે ઇન્ટરનેટ એક એવું માધ્યમ છે કે તેમાં કોઈ પણ પ્રકારના પેરેન્ટલ કન્ટ્રોલ કે સેફ્ટી મોડ સો એ સો ટકા કારગત નીવડી શકતા નથી. આજની નવી પેઢી મા-બાપ કરતાં આ બધી બાબતે વધુ સ્માર્ટ હોવાથી આપણે કોઈ પણ તાળું મારીએ તો તેની ચાવી તેઓ શોધી કાઢતા હોય છે. આથી ઘરમાં સૌ જોઈ શકે એવી રીતે કમ્પ્યુટરનું મોનિટર રાખવું કે સંતાનો સાથે ઇન્ટરનેટની સારી નરસી બાબતોની મોકળી ચર્ચા કરવી એ વધુ સારો રસ્તો છે.
મોબાઈલ પર ઇન્ટરનેટમાં પેરેન્ટલ કન્ટ્રોલની સુવિધા આપતી કોઈ એપ છે કે નહીં એવી ચર્ચા દરમિયાન એક મિત્રે કહ્યું હતું કે, “આવી તો ફક્ત એક એપ છે કે જે સૌથી અસરકારક બની શકે અને એ છે સંસ્કાર! આ વાત ધ્યાને રાખીને આપણે યુટ્યૂબમાં પેરેન્ટલ કન્ટ્રોલની થોડી વાતો સમજી લઈએ.
યુટ્યૂબમાં સેફ્ટી મોડ આ રીતે ઓન કરી શકાય
- યુટ્યૂબના કોઈ પણ પેજ પર બિલકુલ બોટમ પર જાઓ અને સેફ્ટી બટન સિલેક્ટ કરો.
- આ બટન માટે ઓન સિલેક્ટ કરો અને ‘લોક સેફ્ટી મોડ ઓન ધીસ બ્રાઉઝર’ વિકલ્પ પસંદ કરો.
- હવે સેવ ક્લિક કરતાં જો તમે યુટ્યૂબમાં તમારા ગૂગલ એકાઉન્ટથી સાઇન ઇન નહીં હો તો સિસ્ટમ તમને સાઇન ઇન કરવા કહેશે.
- હવે તમારા એ વેબ બ્રાઉઝરમાં યુટ્યૂબમાં સેફ્ટી મોડ ઈનેબલ્ડ થશે અને લોક્ડ પણ રહેશે. જો તમે તેને બંધ કરવા માગતા હો તો તમારે જ તેને તમારા ગૂગલ એકાઉન્ટની મદદથી અનલોક કરવાનો રહેશે.
આગળ કહ્યું તેમ ફરી યાદ કરી લઈએ કે સેફ્ટી મોડ સંપૂર્ણપણે સલામત નથી. યુટ્યૂબ જ્યારે સેફ્ટી મોડમાં હશે ત્યારે એ બાળકો માટે અયોગ્ય એવા મોટા ભાગના વીડિયો બતાવવાનું બંધ કરી દેશે તથા વીડિયો નીચે જોવા મળતી લોકોની કમેન્ટસ પણ ડિસેબલ્ડ કરી દેશે.
આટલે સુધી સેફ્ટી મોડ ઉપયોગી થઈ શકે છે પરંતુ ઘણી બધી વાર યુટ્યૂબનો સેફ્ટી મોડ કોઈ વીડિયો યોગ્ય છે કે નહીં એ બરાબર સમજી શકતો નથી.
ઉપરાંત જો તમારું બાળક આ બધી બાબતે તમારા કરતાં વધુ જાણકાર હોય અને એ બીજું બ્રાઉઝર કે મોબાઈલનો ઉપયોગ કરીને યુટ્યૂબ એક્સેસ કરે તો સેફટી મોડ લાગુ પડતો નથી.
આખી વાતનો સાર એ કહી શકાય કે જો તમે યુટ્યૂબના વીડિયોનો તમારા સંતાનોને લાભ અપાવવા માગતા હો તો સેફ્ટી મોડ પર આધારિત રહેવાને બદલે તમારી પોતાની હાજરીમાં અને તમે પોતે અગાઉ જે પૂરેપૂરા જોયા હોય એવા વીડિયો જ બાળકો સાથે જુઓ એ વધુ સલામત રહેશે.

