ઇન્ટરનેટ પર રેલવે બુકિંગ કરવા માટે કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને ટાઇપિંગની આપણી પોતાની સારી સ્પીડ હોવી જરૂરી છે. જાણી લઈએ, ફોર્મ ભરવાની આપણી સ્પીડ વધારવામાં મદદરૂપ થાય એવું એક ટૂલ!
આ દિવાળી વેકેશનમાં કોઈ સ્થળે પ્રવાસે જવાનું તમે વિચાર્યું હશે તો ઇન્ટરનેટ પર રેલવે બુકિંગ કરવાની કસરત તમને આકરી પડી હશે.
બહુ વેળાસર આયોજન કર્યું હોય અને સમયસર બુકિંગ કરવાની મહેનત કરો તો ખાસ તકલીફ ન પડે, બાકી ખાસ કરીને રજાઓમાં મોટા ભાગની ટ્રેનમાં એટલું ઝડપથી બુકિંગ થતું હોય છે કે આપણે રજાઓની પાક્કી અનુકુળતા જોઈને તારીખ નક્કી કરીએ, ટ્રેન નક્કી કરીએ અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર ઝંપલાવીએ, પછી પ્રાથમિક અંતરાયો પાર કરીને જોઈતી ટ્રેનમાં સીટ્સ અવેલેબલ જોઈને આપણી વિગતો ભરવા રહીએ ત્યાં તો આપણી પહેલાં બીજું કોઈ મેદાન મારી જાય!
ઇન્ટરનેટ પર રેલવે બુકિંગ કરવામાં ઇન્ટરનેટ, કમ્પ્યુટર અને આપણી પોતાની ઝડપ બધું બહુ મહત્વનો ભાગ ભજવે છે. આ ત્રણે બાબતમાંથી, આપણી ટાઇપિંગની ઝડપ વધારી શકાય એવી સગવડ કેટલાક જાણકાર લોકોએ તૈયાર કરી છે, જેમાંના એક છે, અમિત અગ્રવાલ. ભારતમાં ટેકનોલોજીને લગતા બ્લોગિંગમાં આદરપાત્ર નામના ધરાવતા અમિત અગ્રવાલ (labnol.org)એ એક ટૂલ ડેવલપ કર્યું છે, નામ આપ્યું છે ‘મેજિક ઓટોફિલ ફોર આઇઆરસીટીસી’.
ઇન્ટરનેટ પર રેલવે બુકિંગ કરાવતી વખતે આપણે તારીખ, સ્ટેશન, ટ્રેન, ક્લાસ વગેેરે તો જાતે જ નક્કી કરવું પડે, પણ એ પછી જ્યારે બુકિંગ માટે દરેક મુસાફરનું નામ, ઉંમર વગેરે વગેરે વિગતો ભરવાની થાય ત્યારે આ ટૂલ આપણો ખાસ્સો સમય બચાવી શકે છે.
આ ટૂલ કઈ રીતે મદદરૂપ થાય છે એ સમજવા, સીધા તેની સાઇટ http://ctrlq.org/irctc/ પર પહોંચીએ.

અહીં આપેલા ‘રીઝર્વેશન ફોર્મ’ બટન પર ક્લિક કરો. હવે જે ફોર્મ ખૂલશે તે આઇઆરસીટીસીની સાઇટ પર જોવા મળતા ફોર્મ જેવું જ છે. તેમાં પેસેન્જરનું નામ, ઉંમર, જાતિ, લોઅર-મીડલ કે અપર વગેરે કઈ બર્થ જોઈએ છે, વેજ-નોનવેજ ફૂડની પસંદગી, આઇડી કાર્ડની વિગત, તેના નંબર, સિનિયર સિટિઝન છે કે કેમ વગેરે વિગતો ભરી દો. પાંચ વર્ષથી નાનાં બાળકો, જેમની ટિકિટ બનતી નથી તેમની વિગતો પણ ઉમેરી શકાશે.
આગળ વધતાં, તમે કયા સ્ટેશનેથી ટ્રેનમાં ચઢશો તેની વિગત, મોબાઇલ નંબર, ઓટો અપગ્રેડેશન જોઈએ છે કે નહીં, માત્ર કન્ફર્મ બર્થ મળે તો જ બુકિંગ કરાવવું છે કે નહીં તે પણ કહી શકાય. પછી કઈ રીતે પેમન્ટ કરશો, નેટ બેન્કિંગ, પેમેન્ટ ગેટવે, ક્રેડિટ/ડેબિટ કાર્ડ વગેરેની પસંદગી કરી શકાશે. યાદ રહે, અહીં બેન્ક ખાતાની વિગતો કે કાર્ડની કોઈ વિગત આપવાની જરૂર નથી, ફક્ત પેમેન્ટની પદ્ધતિ કઈ રહેશે તે જ કહેવાનું છે અને ઇચ્છો તો બેન્ક પસંદ કરી લઈ શકો છો.
આટલું થઈ જાય એટલે ફોર્મની નીચે આપેલા ‘આઇ એમ ફીલિંગ લકી’ બટન પર ક્લિક કરો. આપણું કામ લગભગ પૂરું થયું, હવે જે મેસેજ મળે, તેમાં નીચે ‘મેજિક ઓટોફિલ’નું બટન આપેલું હશે, તેને માઉસથી ક્લિક ડ્રેગ કરીને તમારા ફાયરફોક્સ કે ગૂગલ ક્રોમના બુકમાર્ક બારમાં લઈ જઈને ત્યાં ગોઠવી દો (બુકમાર્ક બાર બંધ રાખ્યો હોય તો સેટિંગ્સમાં જઈને એ દેખાય તેવું કરવું પડશે). આ એક જાતની બુકમાર્કલેટ જ છે, જેના વિશે આપણે સપ્ટેમ્બર ૨૦૧૫ના અંકમાં વિગતવાર માહિતી મેળવી હતી.
મેજિક ફિલ બુકમાર્કલેટ પોતાની જગ્યાએ ગોઠવાઈ જાય તે પછી, આઇઆરસીટીસીની વેબસાઇટ (irctc.co.in) પર જાઓ અને અભિમન્યુના ચક્રવ્યૂહ જેવા શરૂઆતના કોઠા ભેદીને પેસેન્જર્સની વિગતો ભરવાનો તબક્કો આવે ત્યારે એ ફોર્મમાં કશું લખવાને બદલે બુકમાર્ક બારમાંના મેજિક ફિલ બટનને ક્લિક કરતાં, આપણે અગાઉ ભરેલી તમામ વિગતો ફટાક દઈને, આઇઆરસીટીસીની સાઇટના ફોર્મમાં ભરાઈ જશે, આપણે તત્કાલ પેમેન્ટ કરવાની કાર્યવાહી જ હાથ ધરવાની!
આમ જુઓ તો જુદાં જુદાં બ્રાઉઝરમાં ઓટો ફોર્મ ફિલ અપ કરવાની સગવડ હોય છે તેનું જ આ આગવું સ્વરૂપ છે, જે ખાસ રેલવે બુકિંગની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. અમિત અગ્રવાલ સ્પષ્ટતા કરે છે તેમ આ ટૂલ કોઈ રીતે ઇન્ડિયન રેલવે સાથે સંકળાયેલ નથી અને આપણી માહિતી અન્ય કોઈ સાથે શેર કરવામાં આવતી નથી કે બીજે ક્યાંય અપલોડ થતી નથી, આપણી માહિતી આપણા કમ્પ્યુટરમાં જ રહે છે.

