(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વિન્ડોઝમાં ફોટો મેનેજમેન્ટ

જો તમે તમારા ફોટોગ્રાફ્સની ઓનલાઇન લાઇબ્રેરી બનાવવા ન ઇચ્છતા હો તો પીસીમાં, વિન્ડોઝની મદદથી પણ લાઇબ્રેરીને વધુ સઘન બનાવી શકો છો. અલબત્ત, એ માટે તમારે ઘણી મગજમારી કરવાની તૈયારી રાખવી પડશે.

તમે તમારા ડિજિટલ ફોટોગ્રાફ્સ કેવી રીતે સાચવો છો? દુ:ખતી નસ દબાવી દીધી હોય તો સોરી, પણ સ્માર્ટફોન થકી ડિજિટલ ફોટોગ્રાફી જેટલી સહેલી બની છે, એટલું આપણે ક્લિક કરેલા ઢગલાબંધ ફોટોગ્રાફ્સને મેનેજ કરવાનું મુશ્કેલ બન્યું છે.

આમ તો ગૂગલે ફોટો મેનેજમેન્ટ સહેલું બનાવવા માટે સૌથી પહેલાં પિકાસા, પછી ગૂગલ પ્લસમાં ફોટોઝ સેક્શન અને પછી અંતે, એક-બે મહિના પહેલાં ફોટોગ્રાફ્સ અને વીડિયો માટે એક અલાયદી સર્વિસ (https://photos.google.com) આપીને આપણું કામ બિલકુલ સહેલું કરી દીધું છે. તમે સારું ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા હો તો તમારા સ્માર્ટફોન અને પીસીમાંના તમામ ફોટોઝ (ફુરસદે તપાસશો તો એની સંખ્યા હજારોમાં પહોંચી શકે છે!) ગૂગલની આ નવી સર્વિસમાં અપલોડ કરી શકો છો. આ સર્વિસ આપણા તમામ ફોટો-વીડિયો વગેરેને વર્ષ-મહિના અને તારીખવાર ઓટોમેટિકલી ગોઠવે છે અને પછી તેમાંથી જુદાં જુદાં કલેક્શન પણ તૈયાર કરે છે. આપણે આ સર્વિસ વિશે અગાઉ ‘સાયબરસફર’માં જ્યાં જેટલી જગ્યા મળી એ મુજબ વાત કરી છે, પણ તમે તમારા ફોટોગ્રાફ્સ ગૂગલને સોંપવા ન માગતા હો તો?

તો દેખીતી વાત છે કે તમારે તમારા પીસીમાં જ સારી ફોટોલાઇબ્રેરી તૈયાર કર્યા વિના છૂટકો નથી. તમારા તમામ ફોટોગ્રાફને કેલેન્ડર મુજબ ગોઠવવા કે ઇવેન્ટ મુજબ એ પહેલો, જબરો મૂંઝવણ ઊભી કરતો સવાલ છે. પરંતુ, તમારી આખી ફોટોલાઇબ્રેરીની વાત પડતી મૂકીએ અને કોઈ એકાદ પ્રસંગ કે ઓફિસના પ્રોજેક્ટ પૂરતા ફોટોગ્રાફ્સને કમ્પ્યુટરમાં યોગ્ય રીતે સાચવવા હોય તો વિન્ડોઝમાં જ આપણને કેટલીક સારી સુવિધાઓ મળે છે. અહીં એ સમજી લઈએ.

સૌથી પહેલાં, પીસીની કોઈ એક ડ્રાઇવમાં (બને તો સી સિવાયની, જેથી કોઈ કારણ સિસ્ટમ ફોર્મેટ કરવાની થાય તો ચિંતા ન રહે) ફોટોઝ માટે એક અલાયદું ફોલ્ડર બનાવી લો અને આપણા કામના ફોટોઝ તેમાં મૂવ કરી દો. હવે આપણે કોઈ પણ ફોટોગ્રાફને સિલેક્ટ કરીએ તો એ વિન્ડોની નીચેની પેનલમાં તેની વિગતો દેખાવી જોઈએ. જો દેખાતી ન હોય તો વિન્ડોના મથાળે, ઓર્ગેનાઇઝ મેનુ ઓપન કરી, તેમાં લેઆઉટ્સમાં ડિટેઇલ્સ પેન ક્લિક કરી દો. હવે ફોટોગ્રાફ સિલેક્ટ કરતાં, નીચેની બાજુએ તેની વિગતો દર્શાવતી પેનલ દેખાશે.

હવે તમે આ વિન્ડોને ફૂલ સ્ક્રીન કરીને અથવા શક્ય એટલી પહોળી કરીને જોશો તો તેમાં સિલેક્ટ કરેલા ફોટોગ્રાફ વિશે અલગ અલગ પ્રકારની ઇન્ફર્મેશન ઉમેરવાના વિકલ્પ મળશે.

સૌથી પહેલાં એ ફોટો ક્યારે લેવાયો એ તારીખ જોવા મળશે, જેને આપણે બદલી પણ શકીએ છીએ. ત્યાર પછી, આ બધામાં જે સૌથી અગત્યનો મુદ્દો છે, તે છે ટેગ ઉમેરવાનો. પેનલમાં સૌથી આગળ, આ સુવિધા જોવા મળશે. આપણે કોઈ પણ ફોટોગ્રાફ માટે ઇચ્છીએ એટલા ટેગ ઉમેરી શકીએ છીએ. જેમ કે, કોઈ પ્રવાસના ફોટોગ્રાફ હોય તો કોઈ એક ફોટોગ્રાફ માટે ગોઆ, સનસેટ, પરિવારના સભ્યનું નામ વગેરે જુદાં જુદાં ટેગ આપી શકાય છે. તેના પછી ફોટોગ્રાફને એકથી પાંચ સ્ટારનું રેટિંગ આપવાની સગવડ પણ છે. કોઈ પ્રોજેક્ટ માટે સંખ્યાબંધ ફોટોઝમાંથી અમુક ફોટો સિલેક્ટ કરવાના હોય ત્યારે આ સગવડ કામ લાગે છે.

આ સિવાય, દરેક ફોટોગ્રાફનું ટાઇટલ (ફાઇલનેમ ઉપરાંત), ઓથર (ફોટોગ્રાફર)નું નામ, તમારે કોઈ નોંધ લખવી હોય તો કમેન્ટ્સ, કઈ કંપનીનો અને કયા મોડેલનો કેમેરા છે તે, ફોટોગ્રાફનો સબ્જેક્ટ વગેરે વિગતો તમે ઉમેરી શકો છો.

હવે સવાલ એ થાય કે આ રીતે ફોટોગ્રાફ સંબંધિત માહિતી ઉમેરવાનો ફાયદો શો? ફાયદો એ કે ફોટોગ્રાફ્સની સંખ્યા ઘણી વધે ત્યારે તેને સહેલાઈથી અલગ અલગ રીતે સોર્ટ કરી શકીએ છીએ અને જોઈતો ફોટોગ્રાફ ઝડપથી શોધી શકીએ છીએ. તમારું ફોટો કલેક્શન મોટું થઈ જાય તે પછી એ ફોલ્ડરનો વ્યૂ ટાઇલ્સમાંથી બદલીને ડિટેઇલ્સનો કરો (એ સુવિધા ઓપન વિન્ડોમાં ઉપર જમણી બાજુ મળશે). ડિટેઇલ્સ વ્યૂમાં દરેક ફોટોગ્રાફનું ફાઇલનેમ, બીજી કેટલીક વિગતો અને આપણે ઉમેરેલી અન્ય વિગતો જોવા મળશે.

જો આપણે ઉમેરેલી વિગતો જોવા ન મળે તો આ પેનલમાંની હેડિંગની રોમાં રાઇટ ક્લિક કરી, અન્ય વિગતો ઉમેરવાનો વિકલ્પ મળશે. હવે આપણું લિસ્ટ એક પ્રકારની એક્સેલની ફાઇલની જેમ વર્તશે, જેને તમે ઇચ્છો તે રીતે સોર્ટ કરી શકો છો. ટેગ્સમાં જઈને ગોઆ ફિલ્ટર કરશો તો તેમાં ગોઆની બધી તસવીરો જોવા મળશે.


વિન્ડોઝની આ સગવડ ફોટોલાઇબ્રેરી મેનેજમેન્ટમાં ઉપયોગી ઘણી છે, પણ તેની ઘણી મર્યાદાઓ પણ છે. પહેલી એ કે આપણે દરેક ફોટોગ્રાફ પાછળ ઘણી મજૂરી કરવી પડે છે! એમાંથી બચવું હોય તો પછી પિકાસા અને તેનાથી વધુ સારો વિકલ્પ ઓનલાઇન ગૂગલ ફોટોઝ સર્વિસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!