ઉપરની નીચેની ધ્યાનથી જુઓ. કંઈ જુદું લાગે છે? ઇમારતનો એક તરફનો ભાગ તદ્દન ભાંગેલ-તૂટેલ છે, જયારે બીજી તરફનો ભાગ નવોનક્કોર છે! આ તસવીર લંડન શહેરના સેવન સિસ્ટર્સ રોડ પર એક ખૂણે આવેલા ઇગલેટ પબ્લિક હાઉસની છે.
આ તસવીર ક્યારે લેવામાં આવી એ કહેવું મુશ્કેલ છે કેમ કે આ ખરેખર એક તસવીર નથી, ભૂતકાળની એક ચોક્કસ તારીખ અને નજીકના વર્તમાનની કોઈ તારીખની બે તસવીરો ભેગી કરીને આ તસવીર બનાવવામાં આવી છે. તસવીરમાં જે ખેદાન-મેદાન ભાગ દેખાય છે તે ભાગની તસવીર, ૨૯ સપ્ટેમ્બર, ૧૯૧૭ના દિવસે લેવાઈ હતી, જે દિવસે, આ ઇમારત પર પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન ૫૦ કિલોનો એક બોમ્બ ઝીંકાયો હતો. જ્યારે બાકીની, વર્તમાન સમય બતાવતી તસવીર આજના સમયની છે, જે ગૂગલ મેપની સ્ટ્રીટ વ્યૂ સર્વિસની મદદથી શોધી કાઢવામાં આવી છે.
વાસ્તવમાં, ઇંગ્લેન્ડની રાઇટમૂવ નામની એક રીયલ-એસ્ટેટ કંપનીએ એક મજાની ઇન્ટરએક્ટિવ વેબસાઇટ બનાવી છે, જેને નામ આપ્યું છે ‘ધેન એન્ડ નાઉ’. આ સાઇટ પર પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન ઇંગ્લેન્ડના વિવિધ વિસ્તારોમાં થયેલી તારાજીની જૂની તસવીરો લઈને તેના પર એ જ વિસ્તારની, લગભગ એ જ એંગલથી લેવાયેલી આજના સમયની તસવીરોનો સુપર ઇમ્પોઝ કરવામાં આવી છે.
કરામત એ છે કે ફોટોગ્રાફ પર ડાબે-જમણે જતા એરો સાથે એક સ્લાઇડર આપવામાં આવેલ છે. તેને આપણે આમતેમ લઈ જઈએ એટલે જૂની અને નવી તસવીરનો તફાવત સ્પષ્ટ થાય!
દરેક તસવીર સાથે, એ ક્યાંની છે અને વિશ્વયુદ્ધ દરમિયાન જૂની તસવીર ક્યારે લેવામાં આવી હતી તેની વિગતો પણ આપવામાં આવી છે.
‘ધ ગાર્ડિયન’ અખબારે પણ આવી એક જૂની-નવી તસવીરોને એકમેક પર ઓવરલેપ કરતી આવી એક સીરીઝ તૈયાર કરી છે, અલબત્ત તેમાં ‘ધેન એન્ડ નાઉ’ જેવી મજા નથી.
‘ધેન એન્ડ નાઉ’ જોવા ક્લિક કરો : http://www.rightmove.co.uk/
ગાર્ડિનની સીરીઝ જોવા માટે સર્ચ કરો : Second world war in Google Street View – The Guardian
