લાંબા સમયથી આપણે જેના આડાઅવળા રસ્તા શોધતા હતા તે કામ – યુટ્યૂબના વીડિયો ડાઉનલોડ કરવાનું કામ – હવે કાયદેસર રીતે થઈ શકે છે, અલબત્ત કેટલીક શરતો સાથે.
આગળ શું વાંચશો?
- વીડિયો ડાઉનલોડ રીતે કરશો?
- યુ ટ્યૂબની શરતો
- હોટસ્હોટાર એપઃ હોટ વિચાર, ઠંડી કામગીરી
તમે પીકે ફિલ્મું છેલ્લું મજાનું ગીત ‘ચાર કદમ, બસ, ચાર કદમ, ચલ દો ના સાથ મેરે…’ યુટ્યૂબ પર જોવાનો પ્રયાસ કરી રહ્યા હો તો બની શકે કે થોડી થોડી વારે વીડિયો અટકી પડે અને બફરિંગનું ગોળ ચૉક્કર ફરવા લાગે અને એ જોઈને તમને ગીતા એ જ શબ્દો નેટના કનેકશન માટે ગણગણવાનું મન થાય, ‘ચાર મિનિટ, બસ, ચાર મિનિટ, ચલ દો ના સાથ મેરે…!’
આપણા દેશમાં ૩જીને સાથે હવે ૪જીની વાતો થવા લાગી છે, તેમ છતાં નેટ કનેક્ટિવિટી એ સ્પીડની તકલીફો યથાવત છે. પરિણામે યુટ્યૂબ જેવી ચેનલ પર વીડિયો ક્ન્ટેન્ટ જોવામાં હજી પણ લોકોને ઘણી મુશ્કેલી પડે છે.
ભારતમાં યુટ્યૂબના વપરાશકારોની સંખ્યા અને યુટ્યૂબ પર વીડિયો જોવાનું પ્રમાણ બંને સતત વધી રહ્યાં છે. એમાંય સ્માર્ટફોનના વપરાશમાં જબરજસ્ત ઉછાળા પછી યુટ્યૂબા ઉપયોગમાં હજી વધુ વેગ આવ્યો છે. એટલે જ ગૂગલ કંપનીને પણ ભારતમાં બહુ મોટું માર્કેટ દેખાઈ રહ્યું છે, પરંતુ ધીમી ગતિનું નેટ કનેકશન આ માર્કેટો પૂરતો લાભ લેવામાં આડે આવી રહ્યું છે.
ગૂગલે તેનો એક રસ્તો કાઢ્યો છે, જે આપણા સૌ માટે રણ લાભદાયી છે. અત્યાર સુધી લોકો યુટ્યૂબના વીડિયો ડાઉનલોડ કરવા માટે જાતભાતની વેબસર્વિસીઝ, ડાઉલોડર વગેરેનો ઉયોગ કરતા હતા, પણ એ દેખીતી રીતે ગેરકાયદેસર હતું. ઉપરાંત, ક્યારેક યુટ્યૂબના વીડિયોના ફોર્મેટે કમ્પ્યુટરમાં ચાલે તેવા ફોર્મેટમાં ફેરવવાની પણ માથાકૂટ રહેતી હતી.
હવે તેનો કાયદેસર ઉપાય મળી ગયો છે, અલબત્ત, ફક્ત મોબાઇલમાં.
યુટ્યૂબની મોબાઇલ એપમાં હવે કાયદેસર રીતે વીડિયો ડાઉનલોડ કરવાની સગવડ આપવામાં આવી છે, અલબત્ત કેટલીક શરતો સાથે.
જો તમે મોબાઇલમાં વીડિયો જોવાનો શોખ હોય પણ તે માટે ડેટા કનેકશન મોંઘું પડતું હોય તો હવે જ્યારે પણ વાઇ-ફાઇની સગવડ મળે ત્યારે તમે ગમતા વીડિયો ડાઉલોડ કરી લો એ પછી ડેટા કનેકશન કે વાઇ-ફાઇ વિના, ઓફલાઇન જોઈ શકો તેવું શક્ય છે.
વીડિયો ડાઉનલોડ કઈ રીતે કરશો
સૌથી તમારા મોબાઇલમાંની યુટ્યૂબ એપ અપડેટેડ ન હોય તો તેને અપડેટ કરી લો. (આ માટે તમે પ્લે સ્ટોરમાં જઈ, યુટ્યૂબ એ સર્ચ કરી તેનું પેજ ઓપન કરશો એટલે એ અપડેટેડ નહીં હોય તો તેને અપડેટ કરવાનો વિકલ્પ મળશે).- હવે યુટ્યૂબ ઓન કરશો ત્યારે તમને જાણ કરવામાં આવશે કે તેમાં ઓફલાઇન વ્યઇંગની સુવિધા ઉમેરવામાં આવી છે.
- પછીની વાત સહેલી છે, જે વીડિયો ઓફલાઇન જોઈ શકાય તેવા હશે (યુટ્યૂબની શરત પહેલી, બધા વીડિયો ડાઉનલોડ થઈ શકશે નહીં!) તેની ફ્રેમ નીચે જમણા ખૂણે, ડાઉન ડાઉનલોડનો નાનો એરો જોવા મળશે. તેને ક્લિક કરી દેશો એટલે એ એ આપણને પૂછે છે કે તમે કેવા રેઝોલ્યુશનમાં વીડિયો ડાઉનલોડ કરવા માગો છો? અત્યારે ૩૬0 પી અને ૭૨૦ પીના વિકલ્પ મળે છે, એની ઊંચા રેઝોલ્યુશનના વિકલ્પ નથી. આપણે એક સંદગી કરીને, અને તે કાયમ માટે યાદ રાખી લે એવું પણ કરી શકીએ છીએ. એ પછી વીડિયો ડાઉલોડ થવા લાગશે. દેખીતી રીતે, ઓછા રેઝોલ્યુશનવાળો વીડિયો ઝડપી ડાઉનલોડ થશે અને આપણા મોબાઇલમાં પણ ઓછી જગ્યા રોકશે.
- હવે તમે જ્યારે પણ ઓફલાઇન વીડિયો જોવા માગતા હો ત્યારે યુટ્યૂબ એપના હોમમાં જાઓ એ તેના મેઇન મેનુમાં જાઓ. તેમાં ‘ઓફલાઇનનો એક વિભાગ ઉમેરાઈ ગયો હશે. તમે ઓનલાઇન હશો ત્યારે તેમાં યુટ્યૂબની જુદી જુદી ઘણી કેટેગરી જોવા મળશે, પણ ઓફલાઇન હશો ત્યારે ફક્ત ઓફલાઇન કેટેગરી દેખાશે. તેના પર ક્લિક કરતાં, આપણે ડાઉલોડન કરેલા બધા વીડિયો દેખાશે, ચાહો તેને ક્લિક કરી, તેની મજા માણો!
અહીંથી જ એ વીડિયોને મોબાઇલમાંથી દૂર પણ કરી શકાશે.
યુટ્યૂબ એપના સેટિંગમાં જઈને, ફોનની સ્ટોરેજમાં કેટલી જગ્યા બચી છે એ પણ જોઈ શકાય છે.
યુટ્યૂબની શરતો!
આગળ લખ્યું, તેમ પહેલી શરત તો એ છે કે યુટ્યૂબ દ્વારા તમામ વીડિયો ઓફલાઇન વ્યૂ માટે ડાઉનલોડ થઈ શકતા નથી. બીજી મહત્ત્વની વાત એ છે કે આપણે ડાઉનલોડ કરેલા વીડિયો ફક્ત આવતા ૪૮ કલાક સુધીમાં જ ઓફલાઇન જોઈ શકાય છે!
તમે મોબાઇલમાં વીડિયો ડાઉનલોડ કરીને પછી લેપટોપ કે પીસીમાં ટ્રાન્સફર કરવાનો વિચાર કરતા હો તો એ પણ – એટલિસ્ટ અત્યારે – શક્ય નથી. લાગે છે કે હવે ગૂગલે ભારતીયોને બરાબર ઓળખી લીધા છે એટલે તેણે વીડિયોના રાઇટ્સ જાળવી રાખવાની પૂરતી તૈયારી કરી છે.
આપણે જે વીડિયો ડાઉનલોડ કરીએ છીએ તે એ ખાસ પ્રકારના ફાઇનલ ફોર્મેટમાં ડાઉનલોડ થાય છે અને એ પણ કટકે-કટકે, એટલે કે અલગ અલગ ફાઇલ સ્વરુપે. આનો એક ફાયદો એ છે કે તે ઝડપી ડાઉનલોડ થઈ શકે છે એ મોબાઇલમાં ઓછી સ્પેસ રોકે છે. સારી વાત એ પણ છે કે જો મોટી ફાઇલ ડાઉનલોડ કરતી વખતે વચ્ચે કનેકશન ગુમાવીએ તો ચિંતા કરવાની જરુર નથી, ફરી કનેકશન મળતાં, જેટલું ડાઉનલોડ થયું હોય ત્યાંથી જ આગળ વધી શકાય છે.
આવી છૂટક ફાઇલને પણ બીજા કોઈ મીડિયા પ્લેયરમાં પ્લે કરી શકાતી નથી. તેથી યુટ્યૂબમાંથી ડાઉનલોડ કરેલા વીડિયો માત્ર યુટ્યૂબની એપમાં જ જોઈ શકાય છે. તેને બીજા કોઈ મિત્ર સાથે શેર કરવો હોય તો કરી શકાય, પણ તેને ફક્ત યુટ્યૂબની લિંક જ જશે, આખી ફાઇલ નહીં!
અત્યારે ટી-સીરિઝ, સારેગામા એ યશરાજ ફિલ્મ્સ જેવી મોટી કંપનીઓએ પણ પોતાના વીડિયો યુટ્યૂબ પર આ રીતે ઓફલાઇન વ્યૂઇંગ માટે ઉપલબ્ધ કાર્ય છે.
ગૂગલ કહે છે કે આ તો હજી શરુઆત છે, હવે વધુ સગવડો મળશે, ધીરજ રાખો!
હોટ વિચાર, ઠંડી કામગીરી
યુટ્યૂબની જેમ વીડિયો ડાઉનલોડ કરવાની સગવડ આપતી બીજી એક એપ પણ આજકાલ ચર્ચામાં છે.
ક્રિકેટ વર્લ્ડ કપને કારણે કે બીજા પ્રોગ્રામ્સ જોવા માટે તમે સ્ટાર ગ્રૂપની ચેનલ્સ જોતા હો તો ‘હોટસ્ટાર’ એપની જાહેરાત તમે જોઈ જ હશે અને ભલું હશે તો આ એપ તમે ડાઉનલોડ પણ કરી હશે.
એન્ડ્રોઇડ કે આઇઓએસ ડિવાઇસ પર આ એપ ઇન્સ્ટોલ કરીને આપણે લેટેસ્ટ મૂવીઝ, ટીવી સિરિયલ્સ અને લાઇવ સ્પોર્ટ્સની મજા લઈ શકીએ છીએ, ચાર્જ ફક્ત ડેટા કનેક્શનનો જે ખર્ચ થાય એટલા પૂરતો જ છે. સ્ટાર ઇન્ડિયા જેટલા પ્રોગ્રામ્સ માટેના રાઇટ્સ ધરાવે છે એ બધા આ એપ પર ઉપલબ્ધ છે. વાત દમદાર છે, પણ એપમાં ફંક્શનની રીતે હજી ઘણી સમસ્યાઓ છે. કશું પણ ડાઉનલોડ કરવા માટે આપણે એપમાં એકાઉન્ટ ખોલવું જરુરી છે, પણ ઘણા લોકોને એમાં સતત અવરોધ આવે છે. ફેસબુકથી લોગ-ઇન થવાની સગવડ છે, પણ તો એપ વારંવાર ક્રેશ થતી હોવાથી ડાઉનલોડિંગની પ્રક્રિયા પૂરી થતી જ નથી! જો થઈ જાય અને તમે પ્રોગ્રામ જોઈ રહ્યા હો એ દરમિયાન જો કોઈનો કોલ આવે તો પેલો પ્રોગ્રામ ફરી એકડેએકથી શરુ થાય છે!


