હમણાં હમણાં સોશિયલ મીડિયામાં અને અખબારોમાં નેટ ન્યુટ્રલિટીનો મુદ્દો હોટ ટોપિક બની રહ્યો. આ વિશે ઘણું લખાયું હોવા છતાં નવાઈજનક રીતે ‘નેટ ન્યુટ્રલિટી’ ખરેખર શું છે તેની સમજ ઓછી છે. આવો સમજીએ.
આગળ શું વાંચશો?
- નેટ ન્યુટ્રલિટી શું છે?
- નેટ ન્યુટ્રલિટીના મૂળ
- નેટ ન્યુટ્રલિટીના રહે તો આપણને શું અસર થાય?
- નાણાંથી વધુ નુકસાન
- ભારતમાં નેટ ચળવળ
- બીજા દેશોમાં શું સ્થિતિ છે?
- મફતમાં મળે તો શું વાંધો?
- આવું પણ બન્યું હતું

જનઆંદોલન’ શબ્દ સાંભળતાં આપણા મનમાં રસ્તાઓ પર નીકળી પડીને સૂત્રોચ્ચાર કરતા લોકોનાં ટોળાં, પોલીસના લાઠીચાર્જ વગેરે ચિત્રો ઉપસે, પણ ગયા મહિને ભારતમાં એક જુદા પ્રકારનું જનઆંદોલન થયું ત્યારે આમાંનું કશું જ ન થયું હોવા છતાં સરકાર હચમચી ઊઠી!
વિદેશોમાં જેની ચચર્િ અને વાંધા-વિરોધ વર્ષોથી ચાલે છે એ ‘નેટ ન્યુટ્રલિટી’નો મુદ્દો ગયા મહિને ભારતમાં પણ અચાનક તોફાની મુદ્દો બન્યો અને જોતજોતામાં, અનેક ભારતીઓએ ઘેરબેઠાં કે ઓફિસમાં રહીને, માઉસની ક્લિકે કે મોબાઇલ પર આંગળીના ઇશારે આ જનઆંદોલનને લગભગ સફળ બનાવ્યું!
‘લગભગ’ શબ્દ એટલા માટે વાપરવો પડે છે આ મુદ્દે હજી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવાયો નથી. લોકોના પ્રચંડ વિરોધને કારણે સરકારે હાલ પૂરતી એક સમિતિ રચીને વાત ટાળી દીધી છે.
જોકે સરકારી જાહેરાત અનુસાર કામ પણ થશે તો તમે આ વાંચતા હશો ત્યાં સુધીમાં કદાચ આ સમિતિએ પોતાનો અહેવાલ સરકારને સુપરત કરી દીધો હશે.
ઇન્ટરનેટના વપરાશકારો અને ટેલિકોમ કંપનીઓ વચ્ચેની આ લડાઇમાં, ભારતમાં ટેલિકોમ ઉદ્યોગનું નિયમન કરતી સરકારી સંસ્થા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)ની ભૂમિકા હકીકતમાં તો બિલકુલ તટસ્થ, નિષ્પક્ષ રેફરી જેવી હોવી જોઈએ, પણ ઘણા લોકોને તે પાકિસ્તાની અમ્પાયર જેવી લાગે છે (દેખીતી રીતે, ટેલિકોમ કંપનીઓ પાકિસ્તાનની ટીમ જેવી ગણાય!)
ટૂંકમાં, નેટ ન્યુટ્રલિટીનો મુદ્દો હજી ઉકેલાયો નથી ત્યારે નેટ ન્યુટ્રલિટી શું છે, ભારતમાં અચાનક તેનો વંટોળ કેમ ઊભો થયો, આપણને તેની શી અસર થઈ શકે છે અને વિશ્ર્વમાં મશાલને બદલે માઉસ ચલાવીને જે જનઆંદોલનો જાગી રહ્યાં છે તે બધા પર એક નજર ફેરવી લઈએ…
નેટ ન્યુટ્રલિટી શું છે?
નેટ ન્યુટ્રલિટીનો સાવ સાદો અર્થ એવો થઈ શકે કે ઇન્ટરનેટના વપરાશકાર સુધી ઇન્ટરનેટ સર્વિસ પહોંચાડતી કંપનીઓ તેમના નેટવર્ક પરના તમામ ટ્રાફિકમાં કોઈ ભેદભાવ રાખે નહીં. મારે અને તમારે ઇન્ટરનેટ એક્સેસ કરવા માટે ચાર્જ ચુકવવો પડે, પણ પછી ઇન્ટરનેટ પર શું જોવું, કઈ વેબસાઇટ ખોલવી અને કઈ વેબસર્વિસ કે એપનો ઉપયોગ કરવો એમાં તો મારી અને તમારી મરજી જ ચાલવી જોઈએ, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર તેમાં કોઈ ચંચુપાત કરી ન શકે તે થઈ નેટ ન્યુટ્રલિટી.
ઘણા લોકો માને છે કે આ આંદોલન નેટ ન્યુટ્રલિટી લાવવા માટેનું છે. એવું નથી, અત્યારે ઘણા ખરા અંશે નેટ ન્યુટ્રલિટી છે જ અને જે છે તેને બચાવવા માટેને આ પ્રયાસ છે.
ટેલિફોનની શોધ થઈ અને ધીમે ધીમે દુનિયાભરમાં ફેલાઈ ત્યારથી તમામ દેશોએ તેમાં સમાનતાના સિદ્ધાંતને અનુસરવાનું નક્કી કર્યું. કોઈ પણ દેશમાંથી, કોઈ પણ કંપનીના નેટવર્ક પરથી, બીજા કોઈ પણ દેશમાં, બીજી કોઈ પણ કંપનીના નેટવર્ક પરના ફોન પર કોલ કરવામાં આવે તો બંને પાર્ટીઓ વચ્ચે કનેક્શન કરી આપવાનું, એમાં કોઈ ભેદભાવ રાખવાનો નહીં – આવી ભેદભાવ વિનાની નીતિ હજી હમણાં સુધી ઇન્ટરનેટ પર પણ જળવાઈ રહી છે (વચ્ચે વચ્ચે તેમાં જુદા ચીલા ચાતરવાના પ્રયાસ થયા છે ખરા).
આપણે ભલે ગમે તે કંપની દ્વારા ઇન્ટરનેટ કનેક્શન મેળવતા હોઈએ, આપણે ઇચ્છીએ તે વેબસાઇટ કે વેબસર્વિસનો કોઈ ભેદભાવ વિના લાભ લઈ શકીએ છીએ. ટેલિફોન કંપનીઓ (અને ઇન્ટરનેટ પર જંગી કારોબાર ચલાવતી મોટી કંપનીઓ પણ) આ સમાન, કોઈ ભેદભાવ વિનાની સ્થિતિમાં પરિવર્તન કરવા ઇચ્છે છે.
નેટ ન્યુટ્રલિટીનાં મૂળ
નેટ ન્યુટ્રલિટીના મૂળમાં ટેલિકોમ કંપનીઓના પેટમાં થતો દુ:ખાવો છે. આ કંપનીઓનો દાવો છે કે તેમણે ફક્ત ટેલિફોન (કે મોબાઇલ) અને પછી તેની સાથે ઇન્ટરનેટ કનેક્શન આપવા માટે દેશવ્યાપી નેટવર્ક્સ ઊભાં કરવા માટે કરોડો, અબજો રૂપિયા ખર્ચ્યા અને તેનો મોટો લાભ કેટલીક વેબસર્વિસીઝને મળી રહ્યો છે.
એ હકીકત છે કે ઇન્ટરનેટ પરની ટેક્નોલોજી ઝડપથી વિકસી અને વોટ્સએપ અને તેના જેવી બીજી ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસીઝ આવી જતાં લોકોએ ટેલિકોમ કંપનીને રુપિયા ચૂકવીને એસએમએસ મોકલવાના લગભગ બંધ કર્યું એ જ રીતે વોઇસ કોલિંગ પણ ઇન્ટરનેટ મારફત શરુ થયું. આ વેબ આધારિત સર્વિસીઝ વપરાશકાર માટે તદ્દન ફ્રી છે, આપણે ફક્ત ઇન્ટરનેટ કનેક્શન અને ત્યાર પછી વપરાશ અનુસાર જ ખર્ચ કરવો પડે છે. એક અંદાજ મુજબ આખી દુનિયામાં ફોન દ્વારા કુલ જેટલી વાતચીત થાય છે તેના ૪૦ ટકા જેટલી ઇન્ટરનેટ પર સ્કાઇપ જેવી સર્વિસથી થવા લાગી છે!
ટેલિકોમ કંપનીઓ તેમનો મૂળ ગરાસ લૂંટાતો જોઈને આવકના નવા રસ્તા ઊભા કરવા માગે છે. ટેલિકોમ કંપનીઓના એસોસિએશને ટ્રાઇ પાસે ધા નાખીને, તેઓ પોતાના યુઝર્સ પાસેથી જુદી જુદી વેબસર્વિસ માટે અલગ અલગ પિયા લઈ શકે અને ધારે તે સર્વિસ આપી શકે કે અટકાવી શકે તેવી સગવડ કરી આપવાની અપીલ કરી છે.
નેટ ન્યુટ્રલિટી ન રહે તો આપણને શું અસર થાય?
અત્યારે આપણે કોઈને કુરિયર દ્વારા કોઈ કાગળિયાં મોકલવાં હોય તો શું થાય છે? લોકલ કુરિયરનો અમુક ચાર્જ હોય, આખા ગુજરાત માટેનો ભાવ અલગ હોય અને દેશમાં કે પરદેશ મોકલવાનો ચાર્જ અલગ હોય એ તો સમજાય એવી વાત છે, પણ કુરિયર કંપની આપણે જે કાગળ મોકલી રહ્યા છીએ તે આપણા માટે કેટલા મહત્ત્વના છે તે તપાસીને પછી એ મુજબ ચાર્જ માગે તો? એ જ રીતે, કુરિયર જેને મળવાનું છે એ પાર્ટીનો, માની લો કે નવી નોકરીનો એપોઇન્ટમેન્ટ લેટર કવરમાં છે એ ખબર પડતાં ડિલિવરીપર્સન વધારાનો ચાર્જ માગે તો?
ઇન્ટકમટેક્સ રીફંડના ચેક માટે ટપાલી કે કુરિયરવાળો બક્ષીસ માગે એવી આ સાદી વાત નથી. રીતસર જમ ઘર ભાળી જાય એવી આ વાત છે.
ટેલિકોમ કંપનીઓને મનગમતી છૂટ મળે તો તેઓ તેનો બેધારી તલવાર તરીકે લાભ લઈ શકે છે.
- ટેલિકોમ ઇન્ડસ્ટ્રી જેને ‘ઓવર-ધ-ટોપ’ ગણે છે તે વોટ્સએપ, સ્કાઇપ, વાઇબર, સ્નેપચેટ, હાઇક, ઇન્સ્ટાગ્રામ, એમેઝોન, ફ્લિપકાર્ટ, ફેસબુક મેસેન્જર, બ્લેકબેરી મેસેન્જર, આઇમેસેજ, ઓનલાઇન ગેમ્સ, મ્યુઝિક સ્ટ્રીમિંગ સર્વિસ… વગેરે બધાના ઉપયોગ માટે, આપણા ડેટા પ્લાન ઉપરાંત આપણી પાસેથી વધારાનો ચાર્જ માગી શકે છે. એટલે કે નેટ કનેક્શન માટે રુપિયા ચૂકવ્યા ઉપરાંત, યુટ્યૂબ માટે વધારાના રુ. ૫૦નું પેક, વોટ્સએપ માટે વધારાના રુ. ૩૦નું પેક… એવાં અલગ પેક પણ ખરીદવાં પડે એવું બની શકે.
- ટેલિકોમ કંપની જુદી જુદી વેબસર્વિસ પાસેથી, તેની સર્વિસ આપણા સુધી પહોંચવા દેવાના પિયા માગી શકે. દાખલા તરીકે, યુટ્યૂબ એવા રુપિયા ચૂકવવાની ના પડે તો આપણે યુટયૂબના વીડિયો જોઈ જ ન શકીએ એટલા ધીમા થઈ જાય!
ભૂતકાળમાં જુદી જુદી ટેલિકોમ કંપનીએ અમુક સમય માટે અમુક-તમુક મેસેન્જર સર્વિસ કે સોશિયલ મીડિયા સાઇટના ફ્રી ઉપયોગની ઓફર આપી જ છે. હવે એવું પણ બની શકે કે કંપની અમુક મેસેન્જર એપ ફ્રી આપે અને બીજી સદંતર બંધ કરી દે!
આ કંપનીઓને જે વેબસર્વિસ પિયા ચૂકવે તેની સાઇટ્સ ફટાફટ ખૂલે અને બાકી કાં તો ખૂલે જ નહીં કે એટલી ધીમે ખૂલે કે આપણે થાકીને મહેનત પડતી મૂકીએ એવું બને. વિદેશમાં આ માટે ઇન્ટરનેટ પર ‘ફાસ્ટ લેન’ અને ‘સ્લો લેન’ તૈયાર થશે એવા શબ્દ વપરાય છે. ટેલિકોમ કંપનીઓને આપણા માટે જે મહત્ત્વની હોય તે સર્વિસીઝ માટે મનફાવે તે રીતે જુદા જુદા ચાર્જ વસૂલવાની છૂટ મળે તો તેઓ ઇન્ટરનેટ પર આપણે જે કંઈ કરીએ તેની ઉપર હજી વધુ ઝીણવટભરી નજર રાખશે, જેથી આપણને શક્ય એટલા વધુ નીચોવી શકાય! મતલબ કે પ્રાઇવસીના મુદ્દે પણ આપણે ખોટમાં.
નાણાંથી વધુ મોટું નુક્સાન
ટેલિકોમ કંપનીઓનું ધાર્યું થાય અને આપણે ઇન્ટરનેટનો પૂરતો લાભ લેવા માટે વધુ પિયા ચુકવવા પડે એ તો ખરું જ, પણ વાત ફક્ત ‘આપણો ખર્ચ વધશે’ એટલી ટૂંકી નથી.
ઇન્ટરનેટની શોધથી આખા જગતને એક એવું પ્લેટફોર્મ મળ્યું છે જેનો સૌ કોઈ સમાન રીતે લાભ લઈ શકે છે, અહીં સૌ કોઈ પોતાના વિચાર વહેતા મૂકી શકે છે, પોતાના રસના વિષયો વિશે ગમે ત્યાંથી જાણકારી મેળવી શકે છે અને પોતાના બિઝનેસને મોટા ખર્ચ વિના આખી દુનિયામાં વિસ્તારી શકે છે. ઇન્ટરનેટ સૌ કોઈ માટે સમાન અને મુક્ત છે એ જ તેની સૌથી મોટી ખાસિયત છે. મુક્ત સમાજની પહેલી શરત, વિચારોની મુક્ત અભિવ્યક્તિ અને કોઈ અવરોધ વિના માહિતી મેળવવાની શક્તિ છે. ઇન્ટરનેટથી આ બંને બાબતમાં રીતસરની ક્રાંતિ આવી ગઈ છે. એટલે જ જ્યારે જ્યારે ઇન્ટરનેટ કંપનીઝ, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ કે પછી સરકારો દ્વારા ઇન્ટરનેટ પર અંકુશ મૂકવાના પ્રયાસ કર્યા છે ત્યાર ત્યારે લોકોએ અલગ અલગ રીતે, ઇન્ટરનેટનો જ ઉપયોગ કરીને તીવ્ર વિરોધ નોંધાવ્યો છે.
ભારતમાં નેટ ચળવળ

ભારતમાં નેટ ન્યુટ્રલિટીનું જે તોફાન જાગ્યું તેનાં મૂળ ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં છે. ત્યારે એરટેલ કંપનીએ તેના નેટવર્કનો લાભ લઈને ફ્રી સર્વિસ આપતી સ્કાઇપ કે વાઇબર જેવી વેબસર્વિસના ઉપયોગ માટે યુઝર્સ પાસેથી વધારાનો ચાર્જ લેવાનો પ્રસ્તાવ મૂક્યો અને ત્યારથી કંપની પર પસ્તાળ પડવાનું શરૂ થયું. કંપનીએ ત્યારે તો ભીનું સંકેલી લીધું હતું.
દરમિયાન હમણાં ટેલિકોમ કંપનીઓના એસોસિએશને ટ્રાઇનો સંપર્ક સાધીને ‘ઓવર ધ ટોપ’ (એટલે કે ઇન્ટરનેટ પરથી અપાતી મફત સર્વિસઝ) માટે અલગથી ચાર્જ લેવાની છૂટ માગી.
ટ્રાઇએ આ મામલે જાહેર જનતાનો અભિપ્રાય માગ્યો. ટ્રાઇની ભૂમિકા શંકાસ્પદ એટલા માટે બની કે તેણે આ મુદ્દે ૧૧૮ પાનાં ભરીને, સામાન્ય માણસ સમજી જ ન શકે એવું એક ક્ધસલ્ટેશન પેપર તૈયાર કર્યું, તેમાં ૨૦ સવાલો મૂક્યા અને પછી લોકોને કહ્યું કે ‘હવે આ વિશે જવાબ આપો’.
આ પેપર પાછું ટેલિકોમ કંપનીઓએ જ તૈયાર કર્યું હોવાનું કહેવાય છે. તેનો સૂર લગભગ એવો નીકળે છે કે ‘બિચારી ટેલિકોમ કંપનીઓએ કરોડો-અબજોનું રોકાણ કરીને આપણને ટેલિકોમ નેટવર્ક આપ્યાં છે, હવે બીજી કંપનીઓ તેનો મફતમાં લાભ લઈ રહી છે, આપણે બાપડી ટેલિકોમ કંપનીઓને મદદ કરવી જોઈએ અને તેમને તેને મનફાવે તે રીતે આ સર્વિસીઝના ચાર્જ વસૂલવાની છૂટ આપવી જોઈએ.’
આપણા સદનસીબે, કેટલાક જાગૃત લોકોએ સમજાયું કે ટેલિકોમ કંપનીઓના દબાણમાં ટ્રાઇ આવી છૂટ આપશે તો સૌનો ખર્ચ વધશે એ તો ઠીક, મુક્ત ઇન્ટરનેટની મૂળ ભાવના જ ખોરવાઈ જશે.
પરિણામે, દેશભરના ટેકસેવી લોકો, પત્રકારો, કોલમિસ્ટ, વકીલો વગેરે આ મુદ્દે એક થવા લાગ્યા (એમને એક કરવામાં તફદયવિંયશક્ષયિંક્ષિયિં જેવા ટ્વીટરના હેશટેગે જ મોટી ભૂમિકા ભજવી). આ બધા લોકોએ બીજાં કામ પડતાં મૂકીને, ટ્રાઇના ક્ધસલ્ટેશન પેપરનો અભ્યાસ શરૂ કર્યો અને તેના મુદ્દાસર, અભ્યાસપૂર્ણ જવાબો તૈયાર કરવાનું કામ વકીલોએ હાથમાં લીધું.
મજાની વાત એ છે કે અગાઉ બોલીવૂડના સ્ટાર્સના સાથમાં બિભત્સ કોમેડીથી વગોવાઈ ગયેલા એઆઇબી નામના કોમેડી ગ્રૂપના સભ્યોએ ટ્રાઇના દરેક મુદ્દાની રીતસર ચીરફાડ કરતો વીડિયો તૈયાર કર્યો, જે નેટ પર વાઇરલ બન્યો.
સૌથી નોંધપાત્ર વાત એ બની કે સંપૂર્ણપણે નેટ પર ચાલેલા આ આંદોલનમાં સૌ કોઈ ‘સેવ ધ ઇન્ટરનેટ’ ના એક છત્ર નીચે એકઠા થયા. નિષ્ણાતોએ ટ્રાઇના સવાલોના જવાબ આપતો અને ટેલિકોમ કંપનીઓને મનફાવે તેમ લોકોને લૂંટવાની છૂટ કેમ ન આપવી જોઈએ એ જણાવતો લાંબો જવાબ તૈયાર કર્યો અને આ મુદ્દા માટે ખાસ તૈયાર કરેલી એક વેબસાઇટ પર મૂક્યો. જ્યાંથી કોઈ પણ વ્યક્તિ એ જ જવાબને કોપી કરી, પોતાના ઈ-મેઇલ પ્રોગ્રામમાં પેસ્ટ કરીને (ચાહે તો તેમાં ફેરફાર કરીને) ટ્રાઇને મોકલી શકે. જુદા જુદા લોકોએ આ માટે અલગ અલગ પ્રયાસ પણ કર્યા પરિણામે ટ્રાઇએ આપેલી મુદત પૂરી થતાં સુધીમાં ટ્રાઇને વિરોધના દસેક લાખ મેઇલ પહોંચ્યા!
ટૂંકમાં, આપણે (જો તમે ટ્રાઇને વિરોધ મેઇલ મોકલ્યો હોય તો તમે પણ!) આપણાથી બનતું કર્યું, હવે જોઈએ તેની ટ્રાઇ પર કેવી અસર થાય છે!
ઇન્ટરનેટ બ્લેકઆઉટ ડે : અમેરિકામાં સોપા અને પીપા નામના બે કાયદાથી સરકારે ઇન્ટરનટે પર અંકુશ લાદવાનો પ્રયાસ કર્યો ત્યારે ઘણી વેબસાઇટ્સે જાન્યુઆરી ૧૮, ૨૦૧૨ના દિવસે પોતાની વેબસાઇટ સદંતર બંધ કરી, તેના પર વિરોધ દશર્વિતો મેસેજ મૂક્યો હતો. વિકિપીડિયાનું આવું પેજ જોયાનું કદાચ તમને પણ યાદ હશે!
ઇન્ટરનેટ સ્લોડાઉન ડે : ૨૦૧૪માં ટેલિકોમ કંપનીઓએ ઇન્ટરનેટ પર અંકુશ મૂકવાના પ્રયાસ કર્યો ત્યારે લોકોને તેની અસર વિશે જાગૃત કરવા સંખ્યાબંધ સાઇટ્સે સપ્ટેમ્બર ૧૦ના દિવસે પોતાની સાઇટ પર લોડિંગનું ચક્કર ફરતું જ રહે એવી ગોઠવણ કરીને લોકોને કહ્યું હતું તેમની ફેવરિટ સાઇટ્સનું આ રીતે ગળું દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, વિરોધ કરો!
એક સાઇટ દ્વારા વિરોધ : ભારતમાં ટેલિકોમ કંપનીઓએ નેટ ન્યુટ્રાલિટોનો ભંગ કરવાની કોશિશ કરી તો નિષ્ણાતો એક હેશટેગ અને એક સાઇટથી એકઠા થયા, ટ્રાઇના સવાલોના અભ્યાસપૂર્ણ જવાબ તૈયાર કયર્િ અને લોકો તેને ફક્ત કોપી -પેસ્ટ કરી પોતાનો વિરોધ દશર્વિતો મેઇલ ટ્રાઇને મોકલી શકે એવી ગોઠવણ કરી.
વાઇરલ વીડિયો : ટ્રાઇને વિરોધ મોકલવાની વ્યવસ્થા તો થઈ, પણ તેને લોકો સુધી પહોંચાડવા માટે વિવિધ સાઇટ્સ અને બ્લોગ્સ પર લેખો લખાયા, સોશિયલ મીડિયા પર ભારે ધમધમાટ ચાલ્યો અને એ બધામાં એઆઇબી કોમેડી ગ્રૂપે તૈયાર કરેલો વીડિયો વાઇરલ બન્યો, આ વીડિયોમાં અમેરિકાના આ જ મુદ્દાના જૂના અનુભવો કામે લેવામાં આવ્યા હતા.
બીજા દેશોમાં શું સ્થિતિ છે?

ભારતમાં જેમ ટ્રાઇ છે તેમ અમેરિકામાં ફેડરલ કમ્યુનિકેશન્સ કમિશન છે. ભારતની જેમ અમેરિકામાં પણ ટેલિકોમ કંપનીઓએ ઇન્ટરનેટ પર ‘ફાસ્ટ સર્વિસ’ અને ‘સ્લો સર્વિસ’ એવા બે ભાગ પાડવાની કોશિશ કરી હતી, પણ ત્યાં હમણાં નેટ ન્યુટ્રલિટી જાળવી રાખે તેવા કડક કાયદા અમલમાં આવતાં કંપનીઓના ઇરાદા ફળ્યા નથી.
યુરોપમાં ૨૮ દેશોની યુરોપિયન કાઉન્સિલે નેટફ્લિક્સ અને ગૂગલ જેવી ઇન્ટરનેટ આધારિત કંપનીઓ પાસેથી ટેલિકોમ કંપનીઓને વધારાનો ચાર્જ લેવાની છૂટ આપતો એક પ્રસ્તાવ સ્વીકાર્યો છે. પરિણામે, ઇન્ટરનેટ આધારિત જે નાની કંપનીઓ ટેલિકોમ કંપનીઓને ગૂગલ જેવી મોટી કંપની જેટલા ચાર્જ આપી શકેે નહીં તો તેમની સાઇટ્સ ધીમી ચાલશે અને ચાર્જ આપનાર સર્વિસના વીડિયો અને અન્ય ક્ધટેન્ટ વધુ ઝડપથી જોવા મળશે!
રશિયામાં ફેસબુકને બદલે સ્થાનિક સોશિયલ સાઇટ્સ વધુ લોકપ્રિય છે અને આવી લોકલ સાઇટ્સ પર, સરકારનો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરતાં પેજીસને સરકારે બ્લોક કરાવ્યાં હતાં. ચીની સરકારે જીમેઇલ અને ગૂગલ સર્ચ બ્લોક કરી દીધાં છે.
ટર્કીમાં, ટ્વીટર પરની કેટલીક પોસ્ટ ટર્કીશ સરકારને વાંધાજનક લાગી, પણ ટવીટરે તેને દૂર કરવાનો નનૈયો ભણ્યો તો ટર્કીશ સરકારે કેટલાંય અઠવાડિયાં સુધી ટવીટરની એક્સેસ જ બ્લોક કરી દીધી હતી.
ભારતમાં આવી સ્થિતિ ન સર્જાય એ માટે પણ નેટ ન્યુટ્રલિટી જરુરી છે.
મફતમાં મળે તો શું વાંધો?

ભારતમાં નેટ ન્યુટ્રલિટીના હોબાળાના કેન્દ્રમાં ‘એરટેલ ઝીરો’ પ્લેટફોર્મ અને ફેસબુકની ‘ઇન્ટરનેટ.ઓર્ગ’ પહેલ છે.
એરટેલ ઝીરો એક એવો પ્લાન છે, જેમાં એરટેલ કંપની વિવિધ વેબસર્વિસીઝને તેમાં જોડાવા માટે આમંત્રે છે અને આ પ્લાનનો ઉપયોગ કરતા લોકો આ બધી વેબસર્વિસીઝનો મફત ઉપયોગ કરી શકે છે (જેનો ખર્ચ વેબકંપનીઓ ભોગવે છે).
ફેસબુકે કંઈક આ જ રીતે વિશ્ર્વ સ્તરે ઇન્ટરનેટ.ઓર્ગ નામે એક ‘પહેલ’ શરૂ કરી છે, એવા દાવા સાથે કે ફેસબુક બિલકુલ મફતમાં લોકો સુધી ઇન્ટરનેટ પહોંચાડવા માગે છે. આમાં પણ લોકો ફેસબુક અને બીજી કેટલીક એપ ફ્રીમાં ઉપયોગ કરી શકે અને ત્યાંથી આગળ જવા માટે ચાર્જ ચુકવવો પડે એવો ઘાટ છે (વધુ વાંચો માર્ચ ૨૦૧૫ના અંકમાં). ભારતમાં ફેસબુકે રિલાયન્સના સાથમાં આ સર્વિસ લોન્ચ કરી છે.
આ બંને બાબતની તરફેણમાં બંને કંપનીઓ દલીલ કરે છે કે “ભારતમાં બહુ ઓછા પ્રમાણમાં (કુલ વસતીના માંડ ૧૫ ટકા) સુધી ઇન્ટરનેટ પહોંચી શક્યું છે, અમે તેમને મફતમાં ઇન્ટરનેટ એક્સેસ આપીએ તો તેમાં ખોટું શું છે?
સામા પક્ષની દલીલ એવી છે કે કોઈ પણ સર્વિસ માટે ચાર્જ લેવામાં આવે કે તે મફત આપવામાં આવે, અંતે તો ઇન્રટનેટની તટસ્થતાનો ભોગ જ લેવાય છે. એરટેલ કંપનીએ સ્પષ્ટતા કરી છે કે તે બધી વેબ કંપનીઓને એક સરખા રેટકાર્ડથી પોતાના પ્લેટફોર્મમાં જોડાવાની તક આપે છે. પરંતુ જે નવીસવી કંપનીને આ ખર્ચ પોસાય તેવો ન હોય તે તેનો લાભ ન લઈ શકે અને લોકો પણ જે મફત જોવા મળતું હોય એ જ જોવાનું પસંદ કરે, પરિણામે અત્યારે ઇન્ટરનેટની મદદથી કોઈ પણ કંપની પોતાનો આઇડિયા અસંખ્ય લોકો સુધી પહોંચાડી શકે છે એવી સમાન તક સૌને ન મળે. ફેસબુકના કિસ્સામાં, એવી પણ દલીલ છે કે ફેસબુકની સાવ નાના પાયે શરૂઆત થઈ ત્યારે જો આ રીતે ટેલિકોમ કંપનીઓ એ સમયની ખમતીધર સોશિયલ સાઇટ પાસેથી ચાર્જ લઈને તે સૌને મફતમાં આપતી હોત, તો ફેસબુક ક્યારેય લોકપ્રિય થઈ શકી ન હોત!
એરટેલ ઝીરો અને ઇન્ટરનેટ.ઓર્ગનો ચોમેરથી વિરોધ થવા લાગતાં તેમાં જોડાયેલી મોટી મોટી વેબકંપનીઓ બહાર નીકળવા લાગી છે.
આવું પણ બન્યું હતું…!
ભારત પર અંગ્રેજોનું રાજ હતું તે દરમિયાન રેડિયો સાંભળવા માટે ફી ચૂકવીને લાઇસન્સ લેવું પડતું હતું. એવું કહેવાય છે કે ગોંડલના મહારાજાએ આ ફીનો વિરોધ કરીને અંગ્રેજોને કહી દીધું હતું કે “મારી પ્રજા આ ફી ચૂકવશે નહીં, તમારે રેડિયોનાં સિગ્નલ્સ ગોંડલ રાજમાં ન આવવા દેવાં હોય તો ન આવવા દેશો!

