(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સર્ચની દુનિયામાં સખત સખળડખળ

વર્ષ 1912, એપ્રિલ મહિનાની દસમી તારીખ. સવારના સાડા નવ વાગ્યાથી, ટાઇટેનિક જહાજન પહેલા પ્રવાસમાં જોડાયેલા પ્રવાસીઓએ જહાજ પર ચઢવાનું શરૂ‚ કરી દીધું હતું. એ સમયે શીપમાં પગ મૂકતાં ખચકાતી એક મહિલા પ્રવાસીને, ટાઇનેટિકના કોઈ અજાણ્યા ખલાસીએ એવું કહ્યું હોવાનું કહેવાય છે કે “ચિંતા ના કરો, ખુદ ઉપરવાળો પર આ જહાજને ડૂબાડી શકે તેમ નથી!

ટાઇટેનિક એવી ખૂબીઓ સાથે બાંધવામાં આવ્યું હતું કે એ ‘ધ અનસિંકેબલ’ – કદી ડૂબી ન શકે એવું જહાજ મનાતું હતું. એનું પછી શું થયું એ આપણે સૌ જાણીએ છીએ.

અત્યારે કોઈ આપણને એમ કહે કે ગૂગલ સર્ચનું ભાવિ ડામાડોળ છે, તો આપણો પ્રતિભાવ એવો જ હોય – અનથિંકેબલ! એવું તો વિચારી જ ક્યાંથી શકાય?

ટાઇટેનિક જહાજે તો એની પહેલી મુસાફરીના ચાર જ દિવસમાં જળસમાધિ લીધી હતી, પણ ગૂગલ સર્ચે તો દિવસોદિવસ પોતાની સ્થિતિ વધુ ને વધુ મજબૂત કરી છે. વીસ વર્ષ પહેલાં, 1995માં પહેલી વાર મળેલા લેરી પેજ અને સર્ગેઇ બ્રાઈને પહેલાં ‘બેકરબ’ નામનું સર્ચ એન્જિન બનાવ્યું, જેણે આગળ જતાં ગૂગલ સર્ચનું સ્વરૂપ લઈને આખી દુનિયાને ઘેલું લગાડ્યું. ગૂગલના સ્થાપકોએ પોતાની સર્ચ એન્જિન કંપની માટે ગૂગલ નામ પસંદ કર્યું, તે મૂળ ગાણિતિક શબ્દ ‘googo’ પરથી લીધું, જે 1ની પાછળ 100 શૂન્યથી બનતી સંખ્યા માટે વપરાય છે. આ નામ પસંદ કરવા પાછળનું ગણિત એવું હતું કે લેરી પેજ અને સર્ગેઇ બ્રાઈન આ સંખ્યાની જેમ, અનંત લાગતી વેબ પરની માહિતીને વ્યવસ્થિત સ્વરૂપ આપવા માગતા હતા.

એમણે આ કામ જબરજસ્ત રીતે કરી પણ બતાવ્યું, એટલી અસરકારક રીતે કે સર્ચિંગ માટે ‘ગૂગલિંગ’ જેવો નવો શબ્દ જ જન્મ્યો.

પીસી કે લેપટોપમાં બ્રાઉઝર ઓપન કરી, વર્લ્ડ વાઇડ વેબમાંથી કોઈ પણ માહિતી શોધવા માટે આપણી આંગળી આપોઆપ જેના તરફ વળે છે, એ ગૂગલ સર્ચ એન્જિનનું ભાવિ ડામાડોળ છે એવી કલ્પના પણ આપણે કરી ન શકીએ. પરંતુ, હકીકત એ છે કે ખુદ ગૂગલના સંચાલકોને આવું લાગે છે!

કારણ? કારણ ઉપલા ફકરાના પહેલા વાક્યમાં જ છે – પીસી અને લેપટોપ પર સર્ચ કરવા આપણે ગૂગલિંગ કરીએ એ ખરું, પણ હવે પીસી કે લેપટોપ પર સર્ચ કરે છે કેટલા લોકો? આખી દુનિયા તો મોબાઇલ ડિવાઇસીઝ પર વળી રહી છે.

દુનિયાના 3 અબજ લોકોને ઇન્ટરનેટ પર સક્રિય થતાં 40 વર્ષ જેટલો સમય લાગ્યો, પણ હવે નવા 3 અબજ લોકો આવતાં દસ જ વર્ષમાં ઇન્ટરનેટ પર સક્રિય થઈ જવાની ધારણા છે અને એમાં સિંહફાળો સ્માર્ટફોન અને ટેબલેટનો જ હશે.

તમારો જ દાખલો લો. જો તમારી પાસે પીસી અને સ્માર્ટફોન બંને હોય (બંને ન હોય એવા કેટલા લોકો હશે?) તો તમે કયા સાધન પર વધુ સર્ફિંગ કરો છો? હવે લગભગ આખી દુનિયાના લોકો કામ પીસી અને લેપટોપ પર કરે છે, પણ સર્ફિંગ મોબાઇલ ડિવાઇસીઝ પર કરે છે. ભારત, બ્રાઝિલ અને આફ્રિકાના સંખ્યાબંધ દેશોમાં  છેક હવે જે લોકો નેટના પરિચયમાં આવી રહ્યા છે, એ બધા લગભગ પહેલાં મોબાઇલ પર જ નેટ પર સક્રિય થઈ રહ્યા છે. એ લોકો પીસીનો ઉપયોગ જ ન કરતા હોય એવું બની શકે છે. બીજી તરફ, વિકસિત દેશોમાં મોબાઇલ કે ટેબલેટ એટલાં પાવરફૂલ થતાં જાય છે કે તેના પર કમ્પ્યુટર પર થઈ શકતું બધું કામ થઈ શકે છે – બધાએ કમ્પ્યુટરનો જ ઉપયોગ કરવો પડે એવું રહ્યું નથી!

જોકે ગૂગલ એમ સહેલાઈથી ડૂબે તેમ નથી. ગયા મહિને ગૂગલે કરેલી એક જાહેરાતથી, પીસી કે મોબાઇલ પર સર્ચનું આખું ચિત્ર ફરી બદલાઈ શકે છે. આવો આખી વાત જાણીએ…


આગળ શું વાંચશો?

  • ઇન્ટરનેટની બદલાતી તાસીર
  • ફેસબુકમાં સર્ચનો વિસ્તાર
  • ગૂગલ અને ફેસબુકે હાથ મેળવ્યા
  • આખું ચિત્ર નવેસરથી બદલવાની ગૂગલની તૈયારી
  • સર્ચમાં નવી ઊંચાઈ

ઇન્ટરનેટની બદલાતી તાસીર

જ્યારે ઇન્ટરનેટની દુનિયામાં કમ્પ્યુટર્સ સર્વેસર્વા હતાં ત્યારે, કમ્પ્યુટરમાં જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમ હોય તો પણ ઇન્ટરનેટ બધામાં સરખું હતું. જ્યારે મોબાઇલ ઇન્ટરનેટમાં સ્થિતિ જુદી છે. અહીં તો જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમે અને ફેસબુક જેવા સોશિયલ નેટવર્કે પોતપોતાની અલગ અલગ કિલ્લેબંધી ઊભી કરી છે.

એક તરફ, આપણે જાણીએ છીએ તેમ એપલની આઇઓએસની આખી દુનિયા જ અલગ છે. અહીં પણ ગૂગલ સર્ચ હાજર તો છે, પણ આઇઓએસના દરેક નવા વર્ઝન સાથે એપલ પોતાની ઇકોસિસ્ટમમાંથી ગૂગલ સર્ચનો એકડો કાઢી નાખવાનો નવો પ્રયાસ કરે છે.

બીજી તરફ, ફેસબુક પોતાના નેટવર્કમાંના કન્ટેન્ટને એકદમ પોતાના અંકુશ હેઠળ રાખે છે અને એ એવા પ્રયાસમાં છે કે કોઈ પણ વ્યક્તિ એક વાર ફેસબુકમાં લોગ-ઇન થાય પછી એણે ઇન્ટરનેટની કોઈ પણ જરૂરિયાત પૂરી કરવા માટે ફેસબુકની બહાર જવું જ ન પડે!

ત્રીજી તરફ, સ્માર્ટફોનમાં સંખ્યાબંધ એપ્સનો ઉપયોગ થાય છે અને તેમાંના કન્ટેન્ટ સુધી પહોંચવા લોકો સીધા જ એ એપમાં ઝંપલાવે છે, તેમણે ગૂગલથી સર્ચ કરવું પડતું નથી. જેમ કે આપણે મૂવીની ટિકિટ બુક કરવી હોય તો આપણે આપણા સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરેલી કોઈ એપ ઓપન કરીને ટિકિટ બુક કરી લઈએ છીએ, ગૂગલ પર સર્ચ કરવા જતા નથી.

પણ મોબાઇલ પર પણ ગૂગલ સર્ચ તો છે ને?

વાત સાચી, પણ તમે પીસી પર ગૂગલ સર્ચનો જેટલો ઉપયોગ કરો છો, એટલો સ્માર્ટફોન પર નહીં કરતા હો. કેમ કે આગળ કહ્યું તેમ, સ્માર્ટફોનમાં આપણું સર્ચિંગ અને એક્ટિવિટી ઘણી બધી એપ્સમાં વહેંચાયેલી છે.

વાત જરા ગૂંચવણભરી છે, પણ ભારે રસપ્રદ છે. તમે મોબાઇલમાં જીમેઇલની એપમાં મેઇલ્સ ઓપન કરો છો કે કોઈ બ્રાઉઝર ઓપન કરીને તેમાં દરેક વખતે સાઇન-ઇન થાઓ છો? અથવા ફેસબુક પર કનેક્ટેડ રહેવા તેની એપનો ઉપયોગ કરો છો કે બ્રાઉઝરમાં જઈને લોગ-ઈન થાઓ છો? દેખીતું છે કે આપણે મોબાઇલ પર ઇન્ટરનેટનો સખ્ખત ઉપયોગ કરીએ છીએ, પણ આપણી પ્રવૃત્તિઓ મોટા ભાગે અલગ અલગ એપની અંદર થાય છે.

એપમાંનું કન્ટેન્ટ અને વેબ પરનું કન્ટેન્ટ અલગ અલગ હોય એ સમજવું આપણા માટે થોડું મુશ્કેલ છે. એપ મુખ્યત્વે બે પ્રકારની હોય છે : એક, જે વેબ પરના કન્ટેન્ટને એપની અંદર બતાવે છે, જ્યારે બીજા પ્રકારની એપમાંનું  કન્ટેન્ટ એ એપમાં જ જોઈ શકાય. જેમ કે વોટ્સએપમાંનું કન્ટેન્ટ. આપણે ફોનમાંથી વોટ્સએપ પીસી પર કનેક્ટ કરીને તેનું કન્ટેન્ટ પીસી પર જોઈ શકીએ, પણ હકીકતમાં તે કન્ટેન્ટ ફક્ત એપમાં છે, વેબમાં નહીં.

આવી અગણિત એપની અંદર જે કંઈ કન્ટેન્ટ રહેલું છે કે આપણે જે કંઈ કન્ટેન્ટ ક્રિએટ કરીએ તે, જે તે એપ પોતાના દરવાજા ખોલે નહીં તો ગૂગલ સર્ચની પહોંચ બહાર રહે છે અને ઘણી કંપની વેબને બદલે ફક્ત મોબાઇલ એપ પર કન્ટેન્ટ આપવા લાગી છે. આ કારણે ગૂગલને વેબ પર સર્વવ્યાપી એવું તેનું સર્ચ એન્જિન મોબાઇલ પર ખાસ કામનું જ ન રહે એવો ભય લાગે છે.

ફેસબુકમાં સર્ચનો વિસ્તાર

આમ એક તરફ, મોબાઇલ એપ્સને કારણે ગૂગલ સર્ચની બોલબાલા ઘટી તો બીજી તરફ, ફેસબુકે મોબાઇલના યૂઝર્સ પરની પોતાની પકડ વધુ મજબૂત બનાવવાની કોશિશ જારી રાખી છે. છેલ્લા થોડા સમયમાં ફેસબુકના દેખાવમાં થોડા ફેરફાર તો તમે જોયા હશે, પણ આપણી વાત એવા દેખીતા ફેરફારથી ઊંડી છે.

થોડા સમય પહેલાં, તમે ફેસબુક પર કશું સર્ચ કરો તો રીઝલ્ટમાં ફક્ત ફેસબુક પર એકાઉન્ટ ધરાવતા લોકોના નામ કે ફેસબુક પેજનાં રીઝલ્ટ મળતાં હતાં. હવે કશું પણ સર્ચ કરીને જોશો તો આપણે સર્ચ કરેલો શબ્દ કોઈ યૂઝરની પોસ્ટમાં હશે તો તે પણ જોવા મળશે!

આનો અર્થ સમજાયો? ફેસબુક ઉપર 2 ટ્રિલિયન (ગુજરાતીમાં પરાર્ધ, અથવા આપણી સાદી ભાષામાં અગણિત!) જેટલી પોસ્ટ છે, જે બધી હવે સર્ચેબલ છે અને તેમાં તમારી અગણિત પોસ્ટ પણ આવી ગઈ. તમે ઇચ્છો તો તમારી પોસ્ટ પ્રાઇવેટ કરી શકો છો, પણ એ માટેની વિધિ જરા ગૂંચવણભરી છે અને ફેસબુક માટે જ ફાયદાકારક છે.

ફેસબુકે આ રીતે પોતાની સર્ચનો વિસ્તાર કરીને ગૂગલને સીધી ચેલેન્જ આપી છે. હવે તમે ફેસબુક પર લોગ્ડ-ઇન હો અને કોઈ રેસ્ટોરાં વિશે મિત્રો કે બીજા લોકોના અભિપ્રાય જાણવા માગતા હો તો તમારે ગૂગલિંગ કરવા ફેસબુકની બહાર જવું પડશે નહીં. તમે ફેસબુકમાં જ એ રેસ્ટોરાંનું નામ સર્ચ કરી લેશો તો તેના બિઝનેસ પેજ ઉપરાંત, તમારા મિત્રો અને મિત્રવર્તુળ બહારના કોઈ પણ લોકોએ એ રેસ્ટોરાં સંબંધિત કંઈ પણ લખ્યું હશે એ બધું જ તમે જોઈ શકશો!

લોકોને ઇન્ટરનેટ પર જે જોઈતું હોય એ બધું જ ફેસબુકની અંદર મળી રહે એ માટે ફેસબુક બનતા બધા જ પ્રયાસ કરે છે. ફેસબુક પરથી શોપિંગ, બુકિંગ વગેરે શક્ય છે તેમ  ફેસબુક ફ્રેન્ડ સાથે નાણાંની લેવડદેવડ પણ હવે શક્ય બની ગઈ છે. ફેસબુક પર અપલોડ

થતા વીડિયોની સંખ્યા યુટ્યૂબ કરતાં વધી ગઈ હોવાનું કહેવાય છે અને ફેસબુકે ન્યૂઝફીડમાં વીડિયો ઓટોમેટિક પ્લે કરવાનું ચાલુ કરીને યુટ્યૂબ પર દબાણ લાવી દીધું છે.

ફેસબુકે હમણાં બીજી પણ એક અગત્યની જાહેરાત કરી છે – ઇન્સ્ટન્ટ આર્ટિકલની. ઇન્ડિયા ટુડે, આજતક, ઇન્ડિયન એક્સપ્રેસ, હિન્દુસ્તાન ટાઇમ્સ જેવી મીડિયા કંપનીના આખા આર્ટિકલ, જે તે કંપનીના ફેસબુક પેજ પર વાંચી શકાશે, એ પણ ટુ-જી કનેક્શનમાં પણ ઝડપથી લોડ થાય એ રીતે.

આ સર્વિસ અત્યાર સુધી યુએસમાં આઇઓએસ યૂઝર્સ માટે જ ઉપલબ્ધ હતી, હવે ભારતમાં, એન્ડ્રોઇડ યૂઝર્સ માટે લોન્ચ થઈ છે. મીડિયા કંપની ધારે તો પોતાના આર્ટિકલને ફેસબુક પર મલ્ટીમીડિયા સ્વ‚રૂપે બતાવી શકશે.

જોકે આ મીડિયા કંપનીઝ ફેસબુકની બધી સુવિધાનો પૂરો લાભ લેતાં શીખે ત્યાં સુધી આપણને આ સુવિધાથી કોઈ દેખીતો ફેર પડ્યો હોય એવું કદાચ લાગશે નહીં. મુદ્દાની વાત એટલી કે લાંબા ગાળે, લોકોની સમાચારની ભૂખ પણ ફેસબુકમાં જ સંતોષાઈ જાય એવો ફેસબુકનો પ્રયાસ છે.

ગૂગલ અને ફેસબુકે હાથ મેળવ્યા

આપણે જોયું તેમ ગૂગલ અને ફેસબુક બંને એકમેકની હરીફાઈ કરી રહ્યા હોવા છતાં, હમણાં નવાઇજનક રીતે, બંનેને સમાધાન કરી લીધું છે. ફેસબુકે ગૂગલને તેની મોબાઇલ એપમાંનું કન્ટેન્ટ સૂંઘીને તેને સર્ચ રીઝલ્ટમાં બતાવવાની પરવાનગી આપી છે, અલબત્ત આ પરવાનગી એન્ડ્રોઇડ પર ફેસબુકની એપ પૂરતી સીમિત છે. આ કારણે, હવે આપણે ગૂગલ પર કંઈ સર્ચ કરીએ અને તેને સંબંધિત માહિતી ફેસબુકના પ્રોફાઇલ્સ, પેજીસ, ગ્રૂપ્સ, ઇવેન્ટ્સ વગેરેમાં હશે તો તે આપણે ગૂગલના સર્ચ રીઝલ્ટ પેજમાં જોવા મળશે. તેના પર ક્લિક કરીને આપણે ફેસબુકના એ પેજ સુધી પહોંચી શકીશું.

જોકે ફેસબુકમાં લોગ-ઇન થઈને તેના યૂઝર્સે જે કંઈ પોસ્ટ કર્યું હોય તે બધું ગૂગલની નજરથી હજી દૂર જ રહેશે. આમ ગૂગલને ફેસબુકના અપાર કન્ટેન્ટને સર્ચ કરીને લોકોને વધુ સારી સર્વિસ (બીજા શબ્દોમાં, વધુ જાહેરાતની કમાણીની તક!) આપવાની તક મળશે અને ફેસબુકને, વાયા ગૂગલ, વધુ ટ્રાફિક મળશે, એ પણ મફત. ઉપરાંત, ફેસબુકે આપણા જેવા યૂઝર્સની પોસ્ટમાંના કન્ટેન્ટ પર પોતાનો ઇજારો કાયમ રાખ્યો છે.

તમને ખ્યાલ હશે જ કે હવે ગૂગલના સર્ચમાં ટવીટરની પોસ્ટ્સ જોવા મળી રહી છે. આમ આ બધા બળિયાઓ પોતપોતાના લાભ ખાતર એક બીજા સાથે હાથ મિલાવી રહ્યા છે.

આખું ચિત્ર નવેસરથી બદલવાની ગૂગલની તૈયારી

ગૂગલ સર્ચ પરનું પોતાનું શાસન એમ સહેલાઈથી જતું કરે તેમ નથી. આ કંપની વર્ષોથી એક પછી એક નવીન પહેલથી આપણી અનેક જરૂરિયાતો સંતોષતી રહી છે અને એટલે જ, ફેસબુક કરતાં પણ વધુ તો મોબાઇલ એપ્સના આક્રમણને ખાળવાનો ગૂગલે એક નવો જ રસ્તો શોધી કાઢ્યો છે.

ગયા મહિને ગૂગલે જાહેરાત કરી છે કે ગૂગલ સર્ચ હવે મોબાઇલ એપની અંદરનું કન્ટેન્ટ પણ સર્ચ કરી શકે છે (ટેકનિકલ ભાષામાં એને ડીપ લિંકિંગ કહે છે). ખરેખર તો ગૂગલે જે તે એપ ડેવલપરની પરવાનગી સાથે, છેલ્લાં બે વર્ષથી એપમાંના કન્ટેન્ટને સૂંઘવાની શરૂઆત કરી દીધી હતી.

એપ ડેવલપર્સ માટે ફાયદો એ હતો કે એપ્સ સ્ટોરમાં એપ્સની સંખ્યા એટલી બધી વધી રહી છે કે આપણા જેવા યૂઝર્સના સ્માર્ટફોનમાં ડાઉનલોડ થવું જ એમના માટે મુશ્કેલ બની રહ્યું છે. અનેક લોકો એપ્સ ડાઉનલોડ કર્યા પછી તેનો દિવસો સુધી કોઈ ઉપયોગ ન કરે એવું પણ સામાન્ય છે. એટલે જો આ એપનું કન્ટેન્ટ ગૂગલ સર્ચમાં જોવા મળે તો એપ્સને જોઈતો ટ્રાફિક મળી રહે.

પરંતુ ગૂગલનો કરામત એથી પણ આગળ વિસ્તરે છે. ગૂગલે હાલ પૂરતી અમુક એપ્સ સાથે ભાગીદારી કરી છે, પણ વખત જતાં એવો સમય આવશે કે આપણે સ્માર્ટફોન પર કોઈ મૂવીનું બુકિંગ કરવા માગતા હોઈએ તો સીધા કોઈ એપમાં જવાને બદલે, પહેલાં ગૂગલિંગ કરીશું, કેમ કે ગૂગલ આપણે ઇન્સ્ટોલ ન કરી હોય, પણ સારી ડીલ આપી રહી હોય એવી એપનું કન્ટેન્ટ પણ આપણને બતાવશે. આપણે ઇચ્છીએ તો એ બીજી એપ ઇન્સ્ટોલ કર્યા વગર, ગૂગલ પરથી જ તેમાં બુકિંગ પણ કરી શકીશું અને એપ સારી લાગે તો ડાઉનલોડ કરવાનો રસ્તો એક ક્લિક જેટલો જ દૂર હશે!

આપણે ઇન્સ્ટોલ ન કરેલી એપનું કન્ટેન્ટ ગૂગલે પોતાના ક્લાઉડ પ્લેટફોર્મ પરથી આપણા સુધી પહોંચાડશે. ગૂગલ કહે છે કે તેણે એન્ડ્રોઇડ પરની વિવિધ એપ્સ અંદરથી 100 અબજ લિંક્સ સૂંઘી લીધી છે (ઇન્ડેક્સ્ડ કરી લીધી) છે. જોકે મોબાઇલના ગૂગલ સર્ચમાં આ સુવિધા ધીમે ધીમે રોલ-આઉટ થશે.

અગાઉના અંકોમાં આપણે વાત કરી હતી એમ, ફ્લાઇટ બુકિંગ માટે કંઈક આ પ્રકારની સર્વિસ ગૂગલે શ‚રૂ કરી છે અને શોપિંગ પણ ગૂગલ પરથી થઈ શકે છે. અત્યારે એ બધું વેબસાઇટ્સ પૂરતું સીમિત છે,પણ ગૂગલ તેને વિવિધ એપ સુધી વિસ્તારશે.

સર્ચમાં નવી ઊંચાઈ

અત્યાર સુધી આપણે જે જાણવું હોય કે શોધવું હોય તે તપાસવા ગૂગલ સર્ચનો ઉપયોગ કરતા હતા. આપણે જે પૂછીએ તેનો ગૂગલ જવાબ આપે. ગૂગલ નાઉ સર્વિસથી, ગૂગલે આ સ્થિતિ બદલી અને આપણા મેઇલ, કેલેન્ડરમાંની એન્ટ્રી, લોકેશન તથા અન્ય સાઇટ્સમાંની સંબંધિત માહિતીને આધારે, ગૂગલ નાઉ, આપણે જાણવી જરૂરી માહિતી સામેથી આપે છે.

ગૂગલની સર્ચ કેપેસિટી હજી વધુ ઊંચે જઈ રહી છે – ગૂગલ સર્ચ હવે આપણા પ્રશ્નોને વધુ સારી રીતે સમજી શકે તેમ છે!

એક ઉદાહરણ લઈને સમજીએ. આપણે ગૂગલને આવું કંઈક પૂછીએ કે “કૂલીના શૂટિંગ વખતે અમિતાભ બચ્ચનને અકસ્માત થયો ત્યારે ભારતના વડા પ્રધાન કોણ હતા? તો તમને શું લાગે છે, ગૂગલ આવા પ્રશ્નનો જવાબ આપી શકે?

અત્યારની રીત મુજબ, ગૂગલ સર્ચ જે જે વેબ પેજમાં ‘કૂલી’, ‘શૂટિંગ’, ‘અમિતાભ બચ્ચન’, ‘અકસ્માત’, ‘ભારત’ અને ‘વડા પ્રધાન’ જેવા કીવર્ડ હોય તેવાં પેજ શોધવાની કોશિશ કરીને તેનું લિસ્ટ આપણને બતાવી શકે, પરંતુ હવે સર્ચ એન્જિને એવી ક્ષમતા કેળવી છે કે આવા કોઈ પ્રશ્ન પૂછતાં, ગૂગલનાં મશીન્સ સમજી જશે કે કૂલી, શૂટિંગ અને અમિતાભ બચ્ચનની વાત છે એટલે ‘કૂલી’ ફિલ્મ વિશે પ્રશ્ન છે, એના આધારે, એ ફિલ્મ ક્યારે શૂટ થઈ હતી, તે દરમિયાન અકસ્માત ક્યારે થયો હતો વગેરે માહિતી આપતાં વેબપેજીસમાંથી તે અકસ્માતની તારીખ શોધી કાઢશે અને પછી, ભારતના જુદા જુદા વડા પ્રધાનના કાર્યકાળ દર્શાવતાં વેબપેજીસ શોધી કાઢી, અકસ્માતની તારીખે કઈ વ્યક્તિ વડા પ્રધાન હતી તે સ્પષ્ટ જવાબ આપણને કહેશે! આપણે જુદાં જુદાં વેબપેજ ફંફોસવા જવું પડશે નહીં.

ગૂગલ પોતે જણાવે છે કે આ ટેક્નોલોજી હજી સાવ પ્રાથમિક તબક્કામાં છે એટલે તમે પૂછશો એ બધા અઘરા સવાલના જવાબ ગૂગલ આપી શકશે નહીં, પણ સમય સાથે આ ટેક્નોલોજી વધુ વિકસશે એટલું નક્કી!

હવે તમે કહો, ફેસબુક-ટવીટરમાંના કન્ટેન્ટનું સર્ચિંગ, ડાઉનલોડ ન કરી હોય એવી એપ્સમાંનું સર્ચિંગ, આપણા મગજમાં કયો સવાલ રમી રહ્યો છે એ પારખી લેવાની શક્તિ… એ બધાનો સરવાળો કરો, તો આપણે કંઈ પણ શોધવા માગતા હશું ત્યારે ફરી ગૂગલ તરફ જ આંગળી વળશે કે નહીં?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!