આગળ શું વાંચશો?
- ગૂગલન્યૂઝ
- સમાચાર
- ધ પેપરબોય
- પ્રેસરીડર
આપણી આસપાસની અને આખી દુનિયામાં શું ચાલી રહ્યું છે એ વિશે સતત માહિતગાર રહેવામાં મદદરૂપ થાય છે અખબાર. ટીવી અને ઇન્ટરનેટના આક્રમણ છતાં હજી પણ અનેક લોકોની સવાર બાલ્કનીમાં કે હિંચકે ચાની ચૂસકી અને અખબાર નજર ફેરવ્યા પછી જ પડે છે. જો તમે પણ અખબાર વાંચનના આવા રસિયા હો અને ઘરે આવતાં બે-પાંચ અખબારથી તમને સંતોષ ન થતો હોય તો, ઇન્ટરનેટ તમારી મદદ કરી શકે છે. અહીં એવી કેટલીક સાઇટ/એપની વાત કરી છે, જેના પર સવારના પહોરમાં કરેલી ક્વિક ક્લિક્સથી, પાંચ-દસ મિનિટમાં તમે આખી દુનિયાનાં અખબારો પર નજર ફેરવવાનો આનંદ લઈ શકશો. આપણે અગાઉ જેની વાત કરી ગયા છીએ તે ફીડલી કે ફ્લિપબોર્ડ જેવી સાઇટ/એપ કામ લાગી શકે ખરી, પણ એમાં આપણે આપણને ગમતા અખબારોની આરએસસ લિંક સેટ કરવાની કસરત કરવી પડે અને એવું આપણે ગણતરીનાં અખબારો માટે કરી શકીએ, જ્યારે અહીં તો એક સાથે હજારો અખબારો પર નજર ફેરવવાની સગવડ છે.
ગૂગલન્યૂઝ https://news.google.com
ઇન્ટરનેટ પર સમાચારની વાત આવે એટલે ગૂગલ ન્યૂઝનું નામ પહેલાં લેવાય એ તો બરાબર, પણ આપણે તેની ખાસિયતોનો પૂરતો ઉપયોગ કરતા હોતા નથી. ગૂગલ ન્યૂઝનું આપણી પસંદ અનુસાર કસ્ટમાઇઝેશન કેવી રીતે કરી શકાય એ આપણે ફરી કોઈ વાર સમજીશું, પણ અત્યારે તેના ફક્ત એક રસપ્રદ પાસા પર નજર કરી લઈએ.
ગૂગલ ન્યૂઝ ઇંગ્લિશ ઉપરાંત હિન્દીમાં પણ વાંચી શકાય છે. તેમાં ટોપ સ્ટોરીઝ, ઇન્ડિયા, વર્લ્ડ, બિઝનેસ, ટેક્નોલોજી, એન્ટરટેઇન્મેન્ટ, સાયન્સ, સ્પોર્ટ્સ વગેરે સેક્શન પર ઊડતી નજર ફેરવી શકાય છે. એ ઉપરાંત, અહીં ‘એડિટર્સ પીક્સ’ (કે હિન્દીમાં ‘સંપાદક કી પસંદ’) નામનો એક વિભાગ છે. તેમાં આપણે ગૂગલ ન્યૂઝની ઇન્ડિયા એડિશન જોઈ રહ્યા હોઈએ તો ભારતનાં વિવિધ અખબારોની હેડલાઇન્સ પર નજર ફેરવી શકાશે. પીસીમાં જમણી પેનલમાં અને સ્માર્ટફોનમાં પેજના અંતે આ વિભાગ જોવા મળશે. ડાબે – જમણે આપેલા એરો પર ક્લિક કરીને આપણે અખબાર બદલી શકીએ છીએ.
અલબત્ત, ગૂગલ ન્યૂઝમાં ખરેખર કોઈ માણસ એડિટર છે જ નહીં, બધું કમ્પ્યુટરથી થાય છે, એટલે સમાચારોની પસંદગી પત્રકારત્વની દ્રષ્ટિએ સચોટ નથી, પણ સમય જતાં એ સુધરશે એ નક્કી.
સમાચાર http://www.samachar.com
સીફી.કોમ નેટવર્કની આ વેબસાઇટ પર દુનિયા એ ભારતભરના વિવિધ વિષય અનુસાર સમાચારો પર ઊડતી નજર ફેરવી શકાય છે, પણ જરા નીચે જતાં, વિવિધ સમાચાર સાઇટ કે અખબાર પરથી મેળવેલી લિંક્સ પર નજર ફેરવી શકાય છે.
ધ પેપરબોય http://www.thepaperboy.com
દુનિયાભરનાં અખબારો ફંફોસવાના એક વ્યક્તિના શોખે, આજે દુનિયાનાં ૧૧,૯૫૭ અખબારો સુધી આપણને પહોંચાડતી વેબસાઇટનું સ્વરૂપ લીધું છે. આ સાઇટ પર જુદા જુદા દેશનાં અનેક અખબારોની સાઇટ્સની લિંક મેળવી શકાય છે. તે ઉપરાંત, ‘ફ્રન્ટ પેજીસ’ વિભાગમાં જુદા જુદા દેશનાં અખબારોનું પાનું જોઈ શકાય છે. જોકે આગળ વાંચવા માટે બીજી એક સાઇટ પર જવું પડે અને આપણાં અખબારોમાં મોટા ભાગે પહેલું પાનું જાહેરખબરથી જ ભરેલું હોય છે!
અલબત્ત, પેરિસ પરના હુમલા જેવી વૈશ્વિક ઘટનાને જુદા જુદા દેશનાં અખબારોએ કેવી રીતે કવર કરી એ જોવા માટે આ સાઇટ કામની છે.
પ્રેસરીડર http://www.pressreader.com
આ સાઇટ સમાચારોની જુદી રજુઆતને કારણે નોંધપાત્ર છે. અહીં આપણે ભારતીય આવૃત્તિ પસંદ કરીએ તે પછી, માઉસને સ્ક્રોલ કરતા જઈએ તેમ તેમ, ઉપરથી નીચે નહીં પણ ડાબેથી જમણી બાજુ નવા નવા સમાચાર ઉમેરાતા જાય છે. મોટાં હેડિંગને કારણે કંઈક અંશે અખબાર જેવો જ અનુભવ મળે છે. સમાચારના અંતે આપેલી લિંક પર ક્લિક કરતાં, ત્યાં જ આખા સમાચાર વાંચી શકાય છે. અલબત્ત, આ સાઇટ પરથી જે તે અખબારના ઇ-પેપર સુધી પહોંચવું હોય તો તે પેઇડ સર્વિસ છે.
આ સિવાય, ભારતનાં અખબારોમાં રાષ્ટ્રીય સમાચારના મૂળ સ્રોત જેવી પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (પીટીઆઈ-www.ptinews.com) અને યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા (યુએનઆઇ – www.uniindia.com) પર પણ સમાચારો પર નજર ફેરવી શકાય. જોકે અહીં અખબાર અનુસાર સમાચારની સુવિધા નથી, કેમ કે આ જ અખબારના કૂવા છે!

