ભારતના સૌથી મોટા જિલ્લા કચ્છનો જન્મ સાગરની કૂખમાંથી, ટેક્ટોનિક પ્રકારના ભૂકંપનોથી ઉભરી આવેલી જમીન સ્વરૂપે થયો છે અને પ્રાચીન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ કાચબાના આકારના પ્રાચીનતમ પ્રદેશ તરીકે થયો છે, એ કદાચ તમને ખબર હશે. કચ્છની જેમ આખી દુનિયામાં સાગર ત્યાં ભૂમિ અને ભૂમિ ત્યાં સાગર એવું વર્ષોથી થતું આવ્યું છે અને ગોળ દડા જેવી પૃથ્વી પર જમીનનો નક્શો સતત બદલાતો રહ્યો છે.
આટલું વાંચીને, લાખો-કરોડો વર્ષો પહેલાં, જ્યારે પૃથ્વી પર જીવસૃષ્ટિનો હજી પ્રારંભ થઈ રહ્યો હતો ત્યારે પૃથ્વી કેવી હતી અને કાળક્રમે તેમાં કેવાં પરિવર્તન આવ્યાં હશે એવી તમને જિજ્ઞાસા જાગે તો તમે એકલા નથી, જેને આવી જિજ્ઞાસા થઈ છે!
આગળ શું વાંચશો?
- ‘સાયબરસફર’એ ડાઇનોસોરપિક્ચર્સ.ઓર્ગ સાઇટના સર્જક ઇઆન વેબસ્ટર સાથે ઇ-વાતચીત કરી, તેના અંશો
તમારી જેમ ઇઆન વેબસ્ટર નામના એક કમ્પ્યુટર એન્જિનીયરને પણ આવી જિજ્ઞાસા હતી અને તેમાંથી સર્જાઈ એક અનોખી વેબસાઇટ: http://dinosaurpictures.org/ancient-earth/#600
આ પેજ પર તમે જશો એટલે આખા સ્ક્રીન પર કાળાડિબાંગ અવકાશમાં ઘૂમતો પૃથ્વીનો ગોળો જોવા મળશે અને માઉસથી ગોળાને વધુ ઘુમાવીને જોશો તો સમજાશે કે પૃથ્વી પર અત્યારે ભૂમિ અને પાણીનું જે પ્રમાણ છે તેના કરતાં અહીં તદ્દન જુદું દેખાય છે, કારણ કે અત્યારે તમે ૬૦૦ મિલિયન એટલે કે ૬૦ કરોડ વર્ષ પહેલાંની પૃથ્વી જોઈ રહ્યા છો!
પેજ પર જમણી તરફ ઉપર, પૃથ્વી પરનાં વાદળ ગાયબ કરવાની વ્યવસ્થા પણ છે. પેજ રીફ્રેશ કરીને વાદળાં પરત લાવી શકાશે.
પેજ પર ઉપરની બાજુ વચ્ચે એક ડ્રોપડાઉન મેનુ છે, જેની મદદથી પૃથ્વીમાં કાળાંતરે કેવાં પરિવર્તન આવતાં ગયાં તે જોવા માટે આપણે જુદાં જુદાં વર્ષનો ગાળો પસંદ કરી શકીએ છીએ. એ મેનુનો ઉપયોગ કરવાને બદલે, ફક્ત રાઇટ એરો કીથી પણ તમે વર્ષ બદલી શકશો. ૬૦૦ મિલિયન વર્ષથી શરૂ કરીને તમે ધીમે ધીમે ૨૦ મિલિયન વર્ષ પહેલાંની સ્થિતિ અને પછી અત્યારની સ્થિતિ પર આવી શકશો.
એક વાર આ રીતે ઝપાટાભેર ક્લિક કરી લો અને પૃથ્વીનું પરિવર્તન જોઈ લો, પણ પછી આ પરિવર્તન બરાબર સમજવું હોય તો દરેક વર્ષના ગાળે અટકી, સ્ક્રીન પર ડાબી તરફ નીચે આપેલી વિગતો પણ તપાસી લો. દરેક તબક્કે, મહાસાગરોમાં અને ભૂમિ પર કેવી રીતે જીવસૃષ્ટિ વિકસતી ગઈ, કોરલ રીફ કેવી રીતે વિકસી, વગેરે મુદ્દાસર જાણવા મળશે, જરૂર પડે વિકિપીડિયાની મદદ લઈને પણ જે તે બાબત વધુ સમજશો તો વધુ મજા પડશે.
આ વાત તો પ્રાચીન પૃથ્વીની થઈ, પણ વેબસાઇટના એડ્રેસમાં તો શરૂઆતમાં ડાઇનોસોરપિક્ચર્સ.ઓર્ગ લખેલું છે, એવું કેમ? એવો સવાલ સ્વાભાવિક રીતે થવો જોઈએ.
જવાબ જાણવા માટે વેબએડ્રેસમાંથી બાકીનું બધું ડિલીટ કરો, અથવા એન્સિયન્ટ અર્થના પેજમાં ઉપર ડાબે આપેલી લિંક પર ક્લિક કરી, મૂળ સાઇટ પર જાઓ.
અહીં તમે જોશો કે આ સાઇટનાં મૂળ પણ ઘણાં ઊંડાં છે! આ સાઇટના સર્જકે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ડાયનાસોર્સની વિવિધ પ્રજાતિના ઢગલાબંધ ફોટોગ્રાફ એકત્ર કરીને તેમને ગોઠવ્યા છે. અહીં તમે પ્રજાતિ અનુસાર, પૃથ્વીના જે તે ખંડ અનુસાર કે વિવિધ સમયગાળાની રીતે કુલ ૧૦૮૨ ડાઇનોસોર્સ વિશે જાણી શકો છો, તેના વિશેના વિકિપીડિયા પેજ સુધી પહોંચી શકો છો અને મેપ પર, એક સમયે પૃથ્વી પર આ ડાઇનોસોર ક્યાં જોવા મળતાં એ પણ જાણી શકો છો!
“મેં મારા શિક્ષણ અને અનુભવને કામે લગાડ્યાં..’’
‘સાયબરસફર’એ ડાઇનોસોરપિક્ચર્સ.ઓર્ગ સાઇટના સર્જક ઇઆન વેબસ્ટર સાથે ઇ-વાતચીત કરી, તેના અંશો :

“મને પહેલેથી પૃથ્વી પરની પ્રાચીન જીવસૃષ્ટિ વિશે જાણવામાં રસ હતો અને એમાંથી આ સાઇટ બનાવવાનો વિચાર જન્મ્યો. મને ખાસ કરીને ડાયનોસોર વિશે ખૂબ જાણવામાં રસ હતો. મારા મિત્રો અને હું ઘણી વાર મજાકમાં કહેતા કે એવી કોઈ સાઇટ હોવી જોઈએ, જેના પર ડાયનોસોર્સ વિશે માનવજાત જે કંઈ જાણે છે એ બધી જ માહિતી ઉપલબ્ધ હોય.
હું પોતે કમ્પ્યુટર સાયન્સમાં બેચલરની ડીગ્રી ધરાવું છું અને અત્યારે ગૂગલમાં સોફ્ટવેર એન્જિનીયર છું (ગૂગલમાં એમની ભૂમિકા વિશે પૂછતાં ઇઆન કહે છે કે “સોરી, ગૂગલના કર્મચારીઓને પત્રકારોને કોઈ માહિતી આપવાની મનાઈ છે! એટલું કહી શકું કે મારું કામ મુખ્યત્વે સર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલું છે). ગૂગલમાં જોડાતાં પહેલાં મેં એરોસ્પેસ સંબંધિત ડેટા એનાલિસિસ અને વિઝ્યુઅલાઇઝેશનનું કામ કરતી એક કંપની સ્થાપી હતી.
મારા શિક્ષણ અને અનુભવને કામે લગાડીને મેં પોતે ડાયનોસોર વિશે સૌથી વધુ માહિતી ઉપલબ્ધ હોય એવી સાઇટ બનાવી, પણ એ બનાવતી વખતે મને પ્રાચીન ભૌગોલિક સ્થિતિ, ઉત્ક્રાંતિ, લાખો વર્ષ દરમિયાન પૃથ્વી કેવી રીતે બદલાઈ એ બધું જાણવામાં વધુ રસ પડ્યો. મને અવકાશની કોઈ ઘટનાનું વિઝ્યુઅલાઇઝેશન તૈયાર કરવાનો અનુભવ હતો, એવા એક ઇન્ટરફેસનો ઉપયોગ કરીને મેં અત્યારે તમે જે જુઓ છો તે વિઝ્યુઅલાઇઝેશન તૈયાર કર્યું.
તમને જાણીને નવાઈ લાગાશે, પણ વિજ્ઞાનીઓ પૃથ્વીના ભૂતકાળને બહુ સારી રીતે નક્શા પર ઉતારી શક્યા છે. મેં વિવિધ યુનિવર્સિટી અને મ્યુઝિયમ્સની વેબસાઇટ્સ પરથી માહિતી એકઠી કરી. સમયના દરેક ગાળા માટે ઇન્ટરનેટ પર એગ્રીગેટ થયેલી માહિતી મેં ગૂગલિંગ કરીને મેળવી.
બધી માહિતી એકઠી થયા પછી, તેનું કમ્પ્યુટર પર વિઝ્યુઅલાઇઝેશન તૈયાર કરવામાં ખરેખર મજા પડી અને મને ઘણું નવું શીખવા પણ મળ્યું. જો તમને કમ્પ્યુટરમાં રસ હોય અને તમને થોડું ગૂગલિંગ આવડતું હોય તો ૩-ડી વિઝ્યુઅલાઇઝેશન તૈયાર કરવું એ લાગે છે એટલું મુશ્કેલ નથી. ખાસ કરીને હવે વેબજીએલ જેવી નવી ટેક્નોલોજીથી કામ ઘણું સહેલું થયું છે. આવતાં થોડાં વર્ષોમાં આ ટેક્નોલોજી જેમ વધુ વિકસશે અને વિસ્તરશે તેમ એ શિક્ષણ અને માહિતી સમજવાનું એક જોરદાર અસરકારક સાધન બનશે.’’

