સવાલ મોકલનારઃ એચ. એન. જોશી, વડોદરા
આ સવાલના જવાબનો આધાર, ફોનનો આપણો ઉપયોગ કેવો છે તેના પર છે.
જો ફોનનો મુખ્યત્વે ફોન તરીકે અને ઇન્ટરનેટ સર્ફિંગ માટે જ કરવાનો હોય તો બંને પ્રકારના ફોન લગભગ સરખા જ છે.
જો આ બંને ઉપયોગ ઉપરાંત, ફોન પર તમે માઇક્રોસોફ્ટ ઓફિસની ફાઇલ્સ પણ એક્સેસ કરીને એડિટ કરવા માગતા હો તો એન્ડ્રોઇડમાં પણ એ હવે શક્ય તો છે, પણ વિન્ડોઝ ફોનમાં સ્વાભાવિક રીતે સુગમતા રહેશે. પરંતુ એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી ખરી કે ફોનમાં આપણે ધારીએ એટલી સહેલાઈથી ડોક્યુમેન્ટમાં એડિટિંગ થઈ શકતું નથી. ટેબલેટ હોય તો વાત જુદી છે.
જો ફોનનો જુદી જુદી અનેક પ્રકારની એપ્સ નાખીને તેનો ઉપયોગ કરવા માગતા હો તો એન્ડ્રોઇડની સરખામણીમાં વિન્ડોઝમાં ઘણા મર્યાદિત વિકલ્પો મળશે.
હવે સલામતીની વાત કરીએ તો એન્ડ્રોઇડનો ઉપયોગ બહુ મોટા પ્રમાણમાં થતો હોવાથી સ્વાભાવિક રીતે માલવેર વગેરે માટે આ સિસ્ટમ સૌથી વધુ નિશાન બને છે. એપ્સની રીતે જોઈએ તો વિન્ડોઝ ફોનમાં ફક્ત વિન્ડોઝના એપ સ્ટોરમાંથી જ એપ્લિકેશન્સ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી શકાય છે. જ્યારે એન્ડ્રોઇડમાં બાય ડિફોલ્ટ થર્ડ પાર્ટી સાઇટ્સમાંથી ઇન્સ્ટોલેશન બંધ હોય છે, પણ આપણે ઇચ્છીએ તો તેને ઓપન કરી શકીએ છીએ. એટલે કે સલામતી છે ખરી, પણ તેને અસલામત બનાવવાનો નિર્ણય આપણા પર છોડવામાં આવ્યો છે.
વિન્ડોઝમાં ઇન્ટર્નલ સ્ટોરેજમાંના તમામ ડેટાના ઓટોમેટિક એન્ક્રિપ્શનની સગવડ છે, જે એન્ડ્રોઇડમાં નથી. વિન્ડોઝમાં ઇન્ફર્મેશન રાઇટ્સ મેનેજમેન્ટની બિલ્ટ-ઇન સવગડ છે, પરંતુ એ પણ સરેરાશ યુઝર્સ માટે બહુ ઉપયોગી નથી.
ટૂંકમાં જોઈએ તો તમારો સ્માર્ટફોનનો વપરાશ અમુક ચોક્કસ પ્રકારનો જ હોય તો વિન્ડોઝ ફોન વધુ ઉપયોગી છે, પરંતુ થોડા વધુ જોખમ સાથે વધુ સ્વતંત્રતા અને વધુ ઉપયોગ જોઈતાં હોય તો એન્ડ્રોઇડ ફોન વધુ યોગ્ય રહેશે.

