ઇન્ટરનેટના સંદર્ભમાં વારંવાર વપરાતા ‘ક્લાઉડ’ શબ્દથી છેતરાશો નહીં – ઇન્ટરનેટ ટ્રાફિકનો લગભગ ૯૯ ટકા ડેટા ખરેખર તો મહાસાગરોના તળિયે પથરાયેલા સબમરીન કેબલ્સ મારફત આખી દુનિયાની સફર ખેડે છે!
આગળ વાંચશો
- સબમરીન કેબલ્સના ઇન્ટરએક્ટિવ મેપ્સ
- ઈન્ટરનેટનું વિશાળ જાળું કેવી રીતે કામ કરે છે?
- ડેટાની હેરફેર લેટેસ્ટ સેટેલાઈટને બદલે કેબલની જૂની પદ્ધતિથી કેમ કરવામાં આવે છે?
- સબમરીન કેબલ્સ કેવી રીતે પાથરવામાં આવે છે?
- દરિયામાં રહેલો કેબલ ગમે ત્યારે કપાય તો?
- તૂટેલા કેબલ્સને કેવી રીતે રીપેર કરવામાં આવે છે?
- ભવિષ્ય શું છે?
- સબમરીન કેબલ્સસની દીઓ જૂની પધ્ધતિ
- સબમરીન કેબલ્સ અને સાયબર વોર
- ભારત કેવી રીતે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે?
તમે તમારા કમ્પ્યુટર કે મોબાઈલના બ્રાઉઝરમાં duplics.cybersafar.in કે બીજું કોઈ એડ્રેસ ટાઈપ કરીને એન્ટર કી પ્રેસ કરો એ સાથે સ્ક્રીન પર એ સાઈટ ઓપન થઈ જાય છે, પણ તમને ખબર છે કે આ સાઈટ પર જે કંઈ લખાણ, ઈમેજ વગેરે દેખાય છે એ બધું સાત સમંદર પાર પરદેશના કોઈ સર્વરમાં સચવાયેલું પડ્યું હોય છે? આપણો હુકમ થતાં પળવારમાં એ બધી માહિતી હજારો કિલોમીટરનું અંતર કાપીને, ફટાક દઈને આપણા સ્ક્રીન પર દેખાય છે. એ જ રીતે વોટ્સએપ કે હાઈક જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં આપણે કોઈ મેસેજ ટાઈપ કરીને ગ્રૂપમાં મોકલીએ તો ગુજરાતના અલગ અલગ શહેરોમાં તો ઠીક, કે આખી દુનિયાના અલગ અલગ ખૂણે વસેલા આપણા સ્વજનો-પરિચિતોને એ મેસેજ કેવો પલકવારમાં પહોંચી જાય છે!
આવા ચમત્કાર કેવી રીતે થાય છે? વિચારવાની વાત એ છે કે આવું તો દરરોજ, કહો કે દર સેક્ધડે અસંખ્ય લોકો સાથે થાય છે. આખરે ઇન્ટરનેટનું આ વિરાટ જાળું ખરેખર કેવું છે, કેવી રીતે કામ કરે છે અને તેમાં માહિતી દુનિયાના ખૂણે ખૂણા સુધી કેવી રીતે સફર કરે છે?
સામાન્ય રીતે આપણે એમ માનતા હોઈએ છીએ કે સેટેલાઈટની મદદથી આ ચમત્કાર થાય છે, પરંતુ હકીકત જુદી છે. ઇન્ટરનેટના સંદર્ભમાં ‘ક્લાઉડ’ શબ્દ પણ પ્રચલિત થયો હોવાને કારણે આપણે સહેલાઈથી એવું ધારી લઈએ કે દુનિયાનાં અબજો સાધનોને એકમેક સાથે સાંકળતાં નેટવર્ક્સ પરસ્પર સેટેલાઈટ્સ અને વાઈ-ફાઈથી જ જોડાયેલાં હશે. અત્યારે પૃથ્વી ફરતે ભમી રહેલા કૃત્રિમ સેટેલાઈટ્સની સંખ્યા લગભગ અઢી હજારે પહોંચી છે અને તેમાંથી સંખ્યાબંધ સેટેલાઈટ્સનો ઉપયોગ પૃથ્વીના જુદા જુદા ખૂણેથી આવી રહેલાં કમ્યુનિકેશન્સનાં સિગ્નલ ઝીલીને ફરી પૃથ્વીના જુદા જુદા ખૂણે મોકલવા માટે થાય છે, પરંતુ ઇન્ટરનેટના સિગ્નલ્સની હેરફેર માટે માંડ એક ટકા જેટલો જ સેટેલાઈટનો ઉપયોગ થાય છે!
હકીકત એ છે કે પૃથ્વીના એક છેડેથી બીજા છેડે, ખરેખરા અર્થમાં સાત સમંદર પાર આ સિગ્નલ્સની આપ-લે માટે બહુ મોટા પ્રમાણમાં મહાસાગરોના તળિયે પાથરવામાં આવેલા સબમરીન કેબલ્સનો ઉપયોગ થાય છે.
દુનિયાના જુદા જુદા દેશો અને જુદા જુદા ખંડો પ્રશાંત મહાસાગર, એટલાન્ટિક મહાસાગર અને હિંદ મહાસાગર જેવા મહાસાગરોમાં, સુએઝ કેનાલમાં, મેડિટિરેનિયન સમુદ્રમાં અને આફ્રિકા તથા દક્ષિણ અમેરિકાની ફરતે પાથરવામાં આવેલા સબમરીન કેબલ્સથી એકબીજા સાથે ભૌતિક રીતે કનેક્ટેડ છે.
અત્યારે દુનિયાના મહાસાગરોના તળિયે રહેલા સબમરીન કેબલ્સની કુલ લંબાઈ ૯,૮૦,૦૦૦ કિલોમીટરે પહોંચી છે. અત્યારે કુલ ૨૭૭ એક્ટિવ કેબલ્સ ઇન્ટરનેટ સિગ્નલ્સની હેરફેર કરે છે અને બીજા ૨૨ કેબલ માટેનું આયોજન થઈ ગયું છે. એક અંદાજ મુજબ દુનિયાભરના ઇન્ટરનેટ વપરાશના ૯૫ થી ૯૯ ટકા વપરાશ માટે આ સબમરીન કેબલ્સનો ઉપયોગ થાય છે.
[message_box type=”info” close=”no”]
સબમરીન કેબલ્સના ઇન્ટરએક્ટિવ મેપ્સ
ટેલિજિયોગ્રાફી નામની, વિશ્વના જુદા જુદા દેશોમાં કાર્યરત એક ટેલિકમ્યુનિકેશન્સ માર્કેટ રિસર્ચ એન્ડ ક્ધસલ્ટિંગ કંપની ઇન્ટરનેશનલ નેટવર્ક્સ અને સબમરીન કેબલ્સનો સતત અભ્યાસ કરે છે.
આ કંપનીએ દુનિયાના તમામ સબમરીન કેબલ્સની માહિતી આપતો એક ઇન્ટરએક્ટિવ મેપ તૈયાર કર્યો છે (http://www.submarinecablemap.com).
આ જ મેપના આધારે, બિલ્ટવિઝિબલ નામની એક કંપનીએ વધુ એક ઇન્ટરએક્ટવિ મેપ તૈયાર કર્યો છે, જેમાં જુદાં જુદાં વર્ષમાં સબમરીન કેબલનું પ્રમાણ કેવું વધતું ગયું તે પણ જોઈ શકાય છે. (જુઓ નીચેના મેપ્સ)

[/message_box]
દરિયાના તળિયે પથરાયેલા કેબલ્સ સુધી વધુ ઊંડી ડૂબકી મારતાં પહેલાં આપણાં કમ્પ્યુટર્સ ઇન્ટરનેટ સાથે કેવી રીતે જોડાય છે એ જાણીએ.
ઇન્ટરનેટનું વિશાળ જાળું ખરેખર કેવી રીતે કામ કરે છે?
‘સાયબરસફર’ના અગાઉના અંકોમાં આપણે જાણી લીધું છે કે દુનિયાભરના ઇન્ટરનેટ સાથે જોડાયેલાં તમામ સાધનોને એક ચોક્કસ આઇ.પી. એડ્રેસ હોય છે અને વિશ્વના અલગ અલગ વિસ્તારોમાં રહેલા સર્વર્સમાં સચવાયેલી દરેક વેબસાઈટનું એક ચોક્કસ ડોમેઇન એડ્રેસ હોય છે. આપણા કમ્પ્યુટર અને આ સર્વર વચ્ચે રહેલ મોડેમ અને રાઉટર આપણા આદેશ અનુસાર કમ્પ્યુટર અને સર્વરને એકબીજા સાથે કનેક્ટ કરીને અકલ્પનિય ઝડપે માહિતીની આપ-લે કરે છે.
આપણે કોઈ વ્યક્તિને ઈ-મેઇલ મોકલીએ ત્યારે એ એક સંદેશો અલગ પેકેટમાં વહેંચાઈને જુદા જુદા નેટવર્કના માર્ગે આગળ વધીને તેના નિશ્ર્ચિત સરનામે પહોંચે છે. ઇન્ટરનેટ એ ખરેખર અનેક નેટવર્ક્સનું બનેલું એક વિશાળ નેટવર્ક છે.
આપણા ઘર કે ઓફિસના કોઈ ખૂણામાં રહેલા પીસી કે આપણા સ્માર્ટફોનથી માંડીને મોટાં મોટાં કોર્પોરેશન્સનાં સુપર કમ્પ્યુટર્સ સહિત દુનિયાભરનાં તમામ કમ્પ્યુટર એકમેક સાથે અલગ અલગ નેટવર્કથી જોડાયેલાં છે અને આ બધું ભેગું થઈને વિશાળ ઇન્ટરનેટની રચના કરે છે.
ઇન્ટરનેટનું આ આખું તંત્ર ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર (આઈએસપી) નામે જાણીતી કંપનીઓની મદદથી આપણા સુધી પહોંચે છે. આ તંત્ર નાની, મધ્યમ અને મોટા કદની કમ્યુનિકેશન કંપનીઓનું બનેલું છે. મહાકાય કમ્યુનિકેશન કંપનીઓ વિવિધ દેશો કે વિવિધ ખંડો વચ્ચે પથરાયેલ સબમરીન કેબલ્સની માલિકી ધરાવતી હોય છે, જેને ઇન્ટરનેટ બેકબોન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કંપનીઓ ટાયર-૧ આઇએસપી ગણાય છે.
આ કંપનીઓ તેમનાથી નાના સ્તરે કાર્યરત રીજનલ આઇએસપી કંપનીઓને ઇન્ટરનેટ એક્સેસ વેચે છે અને રીજનલ કંપનીઓ તેમનાથી નાની લોકલ આઈએસપીને એક્સેસ વેચે છે. આ લોકલ કંપનીઓ ડાયલ-અપ, વાયરલેસ બ્રોડબેન્ડ, ડિજિટલ સબસ્ક્રાઈબર લાઇન (ડીએસએલ), કેબલ મોડેમ વગેરે દ્વારા આપણા સુધી ઇન્ટરનેટ પહોંચાડે છે.
આ આખી સાંકળમાં અલગ અલગ સ્તરે એકથી વધુ કંપનીઓ સંકળાયેલી હોય એવું પણ બની શકે છે. આ જ કારણે આપણે દુનિયાના લગભગ ગમે તે છેડે જઈએ તો પણ આપણા સાધનમાં આપણા મૂળ કનેકશનની જ મદદથી ઇન્ટરનેટ એક્સેસ મેળવી શકીએ છીએ.
આપણે જાણીએ છીએ કે સમગ્ર વિશ્વનાં કરોડો કમ્પ્યુટર્સ કે અન્ય સાધનોને એકમેક સાથે જોડતા ઇન્ટરનેટનું કોઈ માલિક નથી. આથી, આ તંત્ર લગભગ ક્યારેય અટક્યા વિના, નિરંતર ચાલતું રહે છે એ પોતે પણ એક મોટો ચમત્કાર છે. એ ઉપરાંત, બીજા ચમત્કાર જેવી વાત એ છે કે આપણે દુનિયા સાથે કનેક્ટેડ રહેવા માટે પોતાના કમ્પ્યુટર કે મોબાઇલ ફોન અને તેમાં ઇન્ટરનેટ કનેક્શન આપતી કંપનીના બિલ સિવાય બીજી કોઈ વાતની ચિંતા કરવાની રહેતી નથી.
કમ્પ્યુટરની કોઈ એક પ્રોગ્રામમાં તૈયાર થયેલી ફાઇલ આપણે બીજાને મોકલવાની હોય તો તે વ્યક્તિના કમ્પ્યુરની ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે, તેમાં જે તે પ્રોગ્રામ હશે કે નહીં એ બધી બાતો આપણે વિચારવી પડે. જ્યારે ઇન્ટરનેટ કે મોબાઇલ ટેલિફોનીની મજા એ છે કે અમેરિકા કે ઓસ્ટ્રેલિયામાં રહેતા સ્વજન સાથે કનેક્ટ થઈએ તો એ વ્યક્તિ પાસે કયા પ્રકારનો ફોન છે, તેની ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે, તે કયા નેટવર્કનો ઉપયોગ કરે છે વગેરે કોઈ બાબતની આપણે ચિંતા કરવી પડતી નથી. આપણો કોલ સંખ્યાબંધ દેશો અને પાર વગરનાં નેટવર્ક્સમાંનાં અનેક જાતનાં સાધનોની મદદથી આગળ વધતો જાય છે અને છેવટે આપણા સ્વજન સુધી પહોંચે છે! આ આખી વ્યવસ્થાનો ઉપયોગ કરવા આપણે ફક્ત આપણી ટેલિફોન કંપનીને જ ચાર્જ ચૂકવવો પડે છે.
આવી અદ્ભુત વ્યવસ્થા થઈ શકવાનું કારણ એ છે કે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન્સ યુનિયન નામે એક સંગઠન રચાયું છે, જે સંયુક્ત રાષ્ટ્રસંઘની એક સંસ્થા છે. આ સંસ્થાએ નક્કી કરેલાં ધોરણો અનુસાર જગતની તમામ ટેલિકોમ્યુનિકેશન્સ કંપનીઓ ડેટાની આપલે કરે છે અને પરસ્પરને બિલિંગ કરે છે.
ડેટાની હેરફેર લેટેસ્ટ સેટેલાઇટને બદલે કેબલની જૂની પદ્ધતિથી કેમ કરવામાં આવે છે?
આગળ લખ્યું તેમ, આખી દુનિયાનાં કમ્પ્યુટર નેટવર્ક્સ વચ્ચે લગભગ ૯૯ ટકા ડેટાની આપલે દરિયામાં પથરાયેલા કેબલ મારફત થાય છે. સવાલ એ થાય કે આજના સમયમાં ઇન્ટરનેટ ડેટાની હેરફેર માટે અત્યાધુનિક સેટેલાઈટ્સને બદલે છેક ટેલિગ્રાફના જમાનાની, સબમરીન કેબલ્સની જૂની પુરાણી પદ્ધતિનો હજી શા માટે ઉપયોગ કરવામાં આવે છે?
મજાની વાત એ છે કે અત્યારે સબમરીન કેબલ્સ તરીકે જે ફાઈબર ઓપ્ટિક્સનો ઉપયોગ થાય છે તે અને કમ્યુનિકેશન સેટેલાઈટ્સ બંને ઘણા સમય પહેલાં વિકસી ગયા હતા, તેમ છતાં આજે પણ ઇન્ટરનેટ કમ્યુનિકેશન માટે સેટેલાઈટનો ઉપયોગ થઈ શકતો નથી તેનાં બે કારણ છે.
એક તો અવકાશમાં ઘૂમતા સેટેલાઇટ્સ સુધી સિગ્નલ્સ મોકલવામાં અને પરત મેળવવામાં સમય લાગે છે. સેટેલાઈટ દ્વારા સિગ્નલની હેરફેર માટે સિગ્નલ્સે પૃથ્વીથી સેટેલાઈટ સુધીનું લગભગ ૩૫ હજાર કિલોમીટર જેટલું અંતર બે વાર કાપવું પડે છે. આમાં લગભગ ૧૦૦૦થી ૧૪૦૦ મીલીસેકન્ડ જેટલો સમય લાગે છે. તેની સરખામણીમાં સબમરીન કેબલ્સ આધારિત કમ્યુનિકેશનમાં ૧૫૦-૨૦૦ મીલીસેકન્ડ જેટલો જ સમય લાગે છે. સિગ્નલ્સની આ આપ-લેમાં જેટલો ઓછો સમય લાગે તેટલો વિડીયો કોન્ફરન્સિંગ, ઇન્ટરનેટ આધારિત વોઈસ કોલિંગ, રીમોટ સર્જરી વગેરેમાં વધુ લાભ થઈ શકે છે.
બીજું કે સેટેલાઈટ દ્વારા મળી શકતી સ્પીડની સરખામણીમાં ફાઈબર ઓપ્ટિક કેબલ અનેકગણી વધુ સ્પીડ આપી શકે છે. સંશોધકોએ પ્રકાશની ઝડપના ૯૯.૭ ટકા જેટલી ગતિથી માહિતીનું વહન કરી શકે તેવા ફાઈબર ઓપ્ટિક શોધી લીધા છે.
સબમરીન કેબલ વગર ઇન્ટરનેટની શી સ્થિતિ હોય એ સમજવું હોય તો આપણે એન્ટાર્કટિકા જવું પડે. પૃથ્વીનો ફક્ત આ એક ખંડ ઇન્ટરનેટ સાથે ભૌતિક રીતે કનેક્ટેડ નથી. અહીં ફક્ત સેટેલાઈટ દ્વારા ઇન્ટરનેટ એક્સેસ મળે છે. આજે ત્યાં એવી સ્થિતિ છે કે ત્યાંના રિસર્ચ સ્ટેશન હવામાનના વિવિધ સંશોધન અંગે જેટલો ડેટા ઊભો કરે છે તેટલો સેટેલાઇટ દ્વારા પૃથ્વીના બીજા ભાગો સુધી પહોંચાડી શકાતો નથી!
આ ખંડમાં કાર્યરત વિવિધ બેઝ સ્ટેશન્સ એકબીજા સાથે રેડિયોના લોકલ નેટવર્કથી સંપર્કમાં રહી શકે છે. જો એન્ટાર્કટિકા ખંડને દુનિયાના બીજા ભાગ સાથે ભૌતિક રીતે કનેક્ટ કરવો હોય તો માઇનસ ૮૦ ડીગ્રી સેલ્સિયસ જેવી ઠંડીમાં અને ૧૦ મીટર સુધીની ઊંચાઈવાળા બરફમાંથી કેબલ પસાર કરવો પડે, જે અત્યારે આર્થિક અને ટેકનિકલ કારણોસર શક્ય નથી, જોકે તેના પ્રયાસ શરૂ થઈ ગયા છે.
આમ સેટેલાઈટને બદલે સબમરીન કેબલ્સ દ્વારા સિગ્નલ્સની આપ-લે કરવાનું મુખ્ય કારણ ઝડપ કે ઊંચી બેન્ડવીથ છે. સબમરીન કેબલ દ્વારા પસાર થતા ઇન્ટરનેટ સિગ્નલ્સની બેન્ડવીથ ટેરાબીટ્સ પ્રતિ સેક્ધડમાં માપવામાં આવે છે.
એક ટેરાબીટ એટલે એક હજાર ગીગાબીટ એટલે કે ૧૨૫ ગીગાબાઈટ્સ. સાદા શબ્દોમાં એમ કહી શકાય કે જો આપણા ઘરમાં એક ટેરાબીટ પ્રતિ સેકન્ડની ઝડપવાળું ઇન્ટરનેટ કનેકશન હોય તો આપણે એક સેકન્ડમાં એક જીબીની સાઈઝવાળી લગભગ ૧૨૫ મૂવી ડાઉનલોડ કરી શકીએ! સબમરીન કેબલ દ્વારા દર સેક્ધડે આટલા ડેટાને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે છે.
સબમરીન કેબલ્સ કેવી રીતે પાથરવામાં આવે છે?
મહાસાગરોના તળિયે કેબલ્સ પાથરવા માટેની પ્રક્રિયા બહુ ધીમી અને ખર્ચાળ છે. કેબલ્સ લેયર તરીકે ઓળખાતી ખાસ પ્રકારની બોટ્સની મદદથી આ કામ કરવામાં આવે છે. શક્ય હોય ત્યાં સુધી મહાસાગરના સપાટ તળિયા પરથી આ કેબલ પસાર થાય તે વાતનું ધ્યાન રાખવું પડે છે. કેબલ પાથરતી વખતે કોરલ રીફ, (ઇન્ટરનેટ પર કોરલ રીફની અદ્ભુત સફર કરવા માટે જુઓ ‘સાયબરસફર’નો જાન્યુઆરી, ૨૦૧૩નો અંક) ડૂબી ગયેલાં જહાજોના ભંગાર, દુર્લભ જળચરોના વિસ્તારો વગેરે બાબતોનું તથા પયર્વિરણને નુકસાન ન થાય તેની ખાસ કાળજી લેવી પડે છે.
દરિયા કિનારાના ભાગમાં પથરાતા કેબલને નુકસાન થવાની સંભાવના સૌથી વધુ હોય છે તેથી તેને સુરક્ષિત રાખવા માટે ખાસ પગલાં લેવાં પડે છે. કિનારાના ભાગમાં કેબલ પાથરવા માટે પહેલાં લાંબી ખાઈ ખોદવામાં આવે છે અને તેમાં કેબલ મૂકીને ખાસ પ્રકારના વોટરજેટ્સની મદદથી ઊંચા દબાણે પાણીનો મારો ચલાવીને આ ખાઈ પૂરી દેવામાં આવે છે. ઊંડા મહાસાગરમાં પહોંચ્યા પછી સામાન્ય રીતે આવી રીતે ખાઈ ખોદ્યા વિના કેબલ પાથરી દેવામાં આવે છે.
આ કેબલ જ્યાં ધરતીને ટચ થાય તે બંને છેડે કેબલ લેન્ડિંગ સ્ટેશન્સ હોય છે, જ્યાં વિવિધ સાધનોની મદદથી કેબલમાંથી વહેતા ડેટાનું નિયમન થાય છે. ફાયબર ઓપ્ટિક કેબલ સામાન્ય રીતે બગીચામાં વપરાતા હોઝ પાઈપ જેટલી જ જાડાઈ ધરાવતા હોય છે. આ કેબલમાં કોઈ પણ કારણસર ખામી ઊભી થાય તો લેન્ડિંગ સ્ટેશનમાં તેની જાણ થાય છે અને સમારકામની લાંબી વિધિ હાથ ધરવામાં આવે છે.
આમ તો આધુનિક સબમરીન કેબલ સિસ્ટમ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે તે કાર્યરત રહે ત્યાં સુધી તેને કોઈ પ્રકારની સારસંભાળની જરુર પડતી નથી. જો જે તે કેબલની કેપેસિટી વધારવાની જરૂર ઊભી થાય તો તે પણ લેન્ડિંગ સ્ટેશનમાંનાં સાધનોની મદદથી કરી શકાય છે.
દરિયામાં રહેલો કેબલ ગમે ત્યારે કપાય તો?
જેમ આપણા વિસ્તારમાં ગટરલાઈન માટે ખાડા ખોદાય ત્યારે ટેલિફોન લાઈન પણ કપાય એમ સબમરીન કેબલ્સ પણ વિવિધ કારણોસર કપાતાં દુનિયાના વિવિધ ભાગોમાં ઇન્ટરનેટ એક્સેસ ઘણીવાર ખોરવાઈ જાય છે.
મહાભૂકંપ અને સુનામી જેવી કુદરતી આફતોને કારણે પણ સબમરીન કેબલ્સ તૂટી જતા હોય છે. આધુનિક ઉપકરણોથી સજ્જ જહાજોને સબમરીન કેબલ્સના નકશા પણ આપવામાં આવ્યા હોય છે તેમ છતાં ઘણી વાર આ જહાજોએ નાખેલા લંગરને કારણે સબમરીન કેબલ્સને નુકસાન પહોંચે છે. શાર્ક કે વ્હેલ સબમરીન કેબલ્સને કાપી નાખે એવું પણ બને છે. આ જ કારણે ગૂગલે હમણાં મોટા પાયે સબમરીન કેબલ્સમાં રોકાણ કર્યું ત્યારે પોતાના કેબલ્સને બુલેટપ્રુફ કેવલર જેવા મટીરિયલથી સુરક્ષિત બનાવવાનું નક્કી કર્યું. ડિસેમ્બર ૨૦૦૬માં તાઇવાનમાં આવેલા ભૂકંપને કારણે મહત્ત્વના ચાર ફાયબર ઓપ્ટિક કેબલ્સને મોટું નુક્સાન થયું હતું.
૨૦૦૮ની શરૂઆતમાં સબમરીન કેબલને નુકસાન થતાં ભારત સહિત, પાકિસ્તાન, કુવૈત, ઈજિપ્ત વગેરે દેશોમાં ઇન્ટરનેટ સેવા મોટાપાયે ખોરવાઈ ગઈ હતી.
તૂટેલા કેબલ્સ કેવી રીતે રીપેર કરવામાં આવે છે?
આપણા કમ્પ્યુટરના પાછળના ભાગમાં કનેક્ટ કરેલ ઇન્ટરનેટ કેબલ હલી જાય અને કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ બંધ થાય તો એ કેબલ ઠીકઠાક કરવાનું કામ પણ આપણને મુશ્કેલ લાગે છે તો વિચાર કરો કે અફાટ ફેલાયેલા મહાસાગરમાં કોઈ ઠેકાણે સબમરીન કેબલ તૂટે તો તેને સાંધવાનું કામ કેટલું મુશ્કેલ હશે?
સબમરીન કેબલમાં ભંગાણ સર્જાય ત્યારે સૌથી પહેલાં તો એક્ઝેટ ક્યાંથી કેબલ તૂટ્યો છે એ જાણવું પડે. એ માટે કેબલના કોઈ એક છેડેથી સિગ્નલ્સ મોકલવામાં આવે છે અને એ ક્યાં જઈને અટક્યાં તે અંતર જાણવામાં આવે છે. તેને આધારે એ લોકેશન પર જહાજ મોકલવામાં આવે છે. આ જહાજ ખાસ પ્રકારનાં સાધનો પાણીમાં ઉતારીને કેબલને સપાટી પર ખેંચી લાવે છે અને પછી કેબલમાં સાંધો કરવામાં આવે છે. જરૂર પડે તો ભંગાણવાળા ભાગના બંને છેડેથી કેબલ કાપીને બંને છેડાને સપાટી પર લાવીને ફરી જોડવામાં આવે છે.
હવેના સમયમાં દુનિયાના કોઈપણ છેડે તાત્કાલિક પહોંચીને સબમરીન કેબલનું રીપેરિંગ કરી શકે તેવી કંપનીઓ વિકસી છે. ઉપરાંત કેબલ્સમાં જીપીએસ ટેકનોલોજીની મદદથી ભંગાણનું એકઝેટ લોકેશન જાણવાની સુવિધા પણ મળી છે.
આગળ લખ્યું તેમ ડિસેમ્બર ૨૦૦૬માં આવેલા ધરતીકંપને કારણે તાઇવાન, ચીન, હોંગકોંગ વગેરેની ઇન્ટરનેટ કનેક્ટિવિટીને ગંભીર અસર પહોંચી હતી. આવી સ્થિતિમાં, ઇન્ટરનેટ એક બહુ મોટું જાળું હોવાની હકીકત લાભદાયી બને છે. મોટા ભાગના દેશો હવે એક-બે નહીં પણ સંખ્યાબંધ સબમરીન કેબલ્સ દ્વારા ઇન્ટરનેશનલ ઇન્ટરનેટ કનેક્ટિવિટી ધરાવે છે. એટલે કોઈ એક કેબલમાં ખામી સર્જાય તો બીજા કેબલમાં વહેતા ટ્રાફિકની મદદથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાચવી લઈ શકાય છે.
ભવિષ્ય શું છે?
આખી દુનિયાના વ્યવહારો અને સમગ્ર વૈશ્ર્વિક અર્થતંત્ર જે રીતે ઇન્ટરનેટ પર આધારિત બની રહ્યું છે તે જોતાં ઇન્ટરનેટ ટ્રાફિક સતત અને સખત વધવાનો છે અને તેને પહોંચી વળાય તેવી કનેક્ટિવિટી પણ ઊભી કર્યા વિના છૂટકો નથી.
જુલાઈ ૨૦૧૩ના અંદાજ મુજબ, એ સમયે દુનિયાની ૧૦ અબજ વસ્તુઓ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હતી અને આવતાં પાંચેક વર્ષ, એટલે કે ૨૦૨૦ સુધીમાં આ સંખ્યા ૫૦ અબજે પહોંચવાની ધારણા છે. ૨૦૧૩માં ઇન્ટરનેટનો વૈશ્ર્વિક ટ્રાફિક ૫૧ અબજ ગીગાબાઇટ્સનો હતો, જે ૨૦૧૮ સુધીમાં લગભગ અઢી ગણો વધીને ૧૩૨ ગીગાબાઇટ્સ થઈ જશે.
આ બધું ધ્યાને રાખીને સબમરીન કેબલ્સની કેપેસિટી સતત વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ગૂગલે જૂન ૨૦૧૩માં લોન્ચ કરેલા પ્રોજેક્ટ લૂનમાં આકાશમાં તરતાં બલૂનની મદદથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી વિસ્તારવાનો પ્રયાસ ચાલી રહ્યો છે (વધુ માહિતી માટે જુઓ ‘સાયબસસફર’નો અંક જુલાઈ, ૨૦૧૩), તો બીજી તરફ ગૂગલ અને ફેસબુક બંને કંપનીઓ ઊંચે ઊડતાં ડ્રોનની મદદથી ઇન્ટનેટ કનેક્ટિવિટી દુનિયાના ખૂણે ખૂણા સુધી પહોંચાડવા માટે મથી રહી છે.
પરંતુ આ બધા વૈકલ્પિક પ્રયાસોની વચ્ચે, ઇન્ટરનેટની કરોડરજ્જુ સમાન સબમરીન કેબલ્સનું મહત્ત્વ આવનારા લાંબા સમય સુધી ઘટે તેવું લાગતું નથી!
સદીઓ જૂની પદ્ધતિ
કમ્યુનિકેશન્સના સિગ્નલ્સની આપ-લે માટે મહાસાગરના તળિયે કેબલ પાથરવાની વાત બિલકુલ નવી નથી. તેનાં મૂળ છેક ૧૮૪૦માં પડેલાં છે.
એ દિવસોમાં ટેલિગ્રાફના સંદેશાની આપ-લે માટે એટલાન્ટિક મહાસાગરમાં સૌ પ્રથમ વાર કેબલ પાથરવામાં આવ્યા હતા. ત્યાર પછી ટેલિફોન અને ફેક્સ માટે આવા કેબલ્સનો ઉપયોગ થવા લાગ્યો અને ઇન્ટરનેટના સતત વધતા પ્રસાર સાથે સબમરીન કેબલ્સના પ્રમાણમાં પણ નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.
સબમરીન કેબલ અને સાયબરવોર
સમગ્ર વિશ્વના અર્થતંત્ર માટે ઇન્ટરનેટના મહત્ત્વને ધ્યાને લેતાં ત્રાસવાદીઓ ઇન્ટરનેટની ધોરી નસ સમાન સબમરીન કેબલ્સને કાપી નાખે એ એક મોટું જોખમ છે, પરંતુ કોઈ મોટા દેશના નેટવર્કને સંપૂર્ણપણે ખોરવવા માટે ત્રાસવાદીઓએ એક સાથે સંખ્યાબંધ કેબલ્સ એક સાથે કાપવા પડે. ઉપરાંત નિષ્ણાતો કહે છે કે આ કેબલ્સમાં હજારો વોલ્ટનો પાવર વહેતો હોવાથી તેને કાપવાનો પ્રયાસ તરત જ મૃત્યુ નોંતરે.
બે દેશો વચ્ચેની લડાઈ પણ સબમરીન કેબલ સુધી વિસ્તરી છે. છેક ૧૯૭૧માં અમેરિકા અને રશિયા વચ્ચે શીતયુદ્ધ દરમિયાન, અમેરિકાની એક સબમરીન ગૂપચૂપ રશિયાની જળસીમામાં ઘૂસી હતી, તેનું મિશન હતું રશિયન મિલિટરી માટે અતિ મહત્ત્વની કોમ્યુનિકેશન લાઇન જેવા એક સબમરીન કેબલ પર ‘લંગસિયું’ નાખવાનું! કેબલમાં કોઈ કાપકૂપ કયર્િ વિના તેની સાથે નવું જોડાણ કરીને યુએસ આર્મીએ પૂરા એક દાયકા સુધી એ સબમરીન કેબલમાંથી વહેતા રશિયન સંદેશાઓ મેળવ્યા હતા! એક અમેરિકન અધિકારીએ આ ગુપ્ત માહિતી રશિયન જાસૂસી સંસ્થાને વેચી ત્યારે છેક આ આખી વાત પ્રકાશમાં આવી હતી.
ભારત કેવી રીતે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે?
તમને જાણીને નવાઈ લાગશે કે ભારતની જાણીતી ટેલિકોમ કંપની ટાટા દુનિયાભરની સૌથી મોટી સબ-સી કેબલ પ્રોવાઈડર કંપનીઓમાંની એક છે અને તે વિશ્વસનું સૌથી મોટું સબમરીન કેબલ નેટવર્ક ચલાવે છે.
ટાટા કમ્પ્યુનિકેશન્સ કંપની અંદાજે ૨,૪૦,૦૦૦ કિલોમીટર લાંબા ફાઈબર ઓપ્ટિક કેબલનું સંચાલન કરે છે. ફક્ત આટલા કેબલથી આખા પૃથ્વી ગ્રહ ફરતે પાંચ આંટા લગાવી શકાય! સમગ્ર પૃથ્વીની ફરતે રીંગની જેમ ગોઠવાયેલા એક માત્ર સબમરીન કેબલની માલિકી પણ ટાટા જૂથની છે.
ટાટા જૂથના કેબલ્સ દુનિયાના ૨૦૦થી વધુ દેશો સુધી ઇન્ટરનેટ પહોંચાડે છે. આ કંપની ૩૧ દેશોમાં ઓફિસ ધરાવે છે અને તેની કુલ આવકમાંથી ૭૦ ટકા આવક ભારત સિવાયના દેશોમાંથી થાય છે! આખા વિશ્વના ઇન્ટરનેટ ટ્રાફિકમાંથી ૨૦ ટકા ટ્રાફિક ટાટા જૂથની માલિકીના કેબલ્સ દ્વારા થાય છે. આ એક કંપની દુનિયાના ૧૬૦૦ સર્વિસ પ્રોવાઇડર્સ સાથે સંબંધ ધરાવે છે. આખી દુનિયાનો અડધોઅડધ રોમિંગ ટ્રાફિક પણ ટાટા કંપનીના કેબલ્સ દ્વારા થાય છે!
આ તો વિશ્વવ્યાપી નેટવર્કની વાત થઈ, ભારત વિશ્વના નેટવર્ક સાથે કેવી રીતે કનેક્ટ થાય છે એની વાત કરીએ તો આપણો દેશ મહારાષ્ટ્રમાં મુંબઈ, કેરળમાં કોચિન અને ત્રિવેન્દ્રમ તથા તમિળનાડુમાં ચેન્નઈ અને તૂતિકોરીન એમ કુલ પાંચ સ્થળ સુધી પહોંચતા ઇન્ટરનેશનલ સબમરીન કેબલ્સ દ્વારા વિશ્વના નેટવર્ક સાથે કનેક્ટ થાય છે.
ભારતની અંદર, ભારત સરકારે રુ. ૨૦,૦૦૦ કરોડના ખર્ચે, ૨૦૧૬ સુધીમાં ભારતની અઢી લાખ ગ્રામ પંચાયતો સુધી હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવા માટે નેશનલ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક પ્લાન શરૂ કર્યો છે, પણ તેનું કામ આયોજન કરતાં ધીમું ચાલી રહ્યું છે. બીએસએનએલ દ્વારા આવતાં ૩ વર્ષમાં ભારતનાં ૨૫૦૦ શહેરો અને ગામોમાં અમુક સમય મયર્દિામાં મફત વાઇ-ફાઇ સુવિધા આપવાનું પણ આયોજન છે!
બીજી તરફ ટાટા અને રિલાયન્સ જેવી કંપનીઓએ અલગ અલગ રીતે, દેશનાં ૭૦૦-૮૦૦ શહેરોમાં અંદાજે એક લાખ કિલોમીટર જેટલી લંબાઈનાં ફાયબર ઓપ્ટિક કેબલ નેટવર્ક તૈયાર કરી લીધાં છે.


