માઇક્રોસોફ્ટ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટે એમએસ ઓફિસનું નવું વર્ઝનન લોન્ચ કરતાં લખ્યું છે કે ‘આપણી પાસે એપ્સ અને ડિવાઇસીઝ વધી પડ્યાં છે, પણ સમય ખૂટે છે.’ એ જ વાત જરા બીજા સંદર્ભમાં, આપણા સહલેખક અને આઇટી કંપનીના એચઆર મેનેજર રોશન રાવલ જુદા શબ્દોમાં કહે છે, ‘આપણી પાસે મોબાઇલ, પીસી, ઇન્ટરનેટ બધું છે, છતાં વિદ્યાર્થીઓ જોઈએ એટલા, પોતાના વિષયના જાણકાર નથી.
રોશન રાવલના આ શબ્દો મેં અહીં ફરી ફરીને લખ્યા છે. આ જ વાતનો અનુભવ મને જરા જુદા સ્વરૂપે, અમદાવાદમાં પત્રકારત્વની એક કોલેજના વિદ્યાર્થીઓ સાથે થયો હતો. એ સૌ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરતા હતા, પણ આરએસએસ ટેકનોલોજી કે ‘ફીડલી’ નામની વેબસર્વિસનું મોટા ભાગનાએ નામ પણ સાંભળ્યું નહોતું.
સાર એટલો કે આપણી પાસે સાધનો છે, એક્સેસ છે, પણ સમય નથી અને જાણકારી નથી.
આ વખતની કવરસ્ટોરી આ ઉણપ પૂરી કરે તેવી વેબસર્વિસ ફીડલીની વાત આલેખે છે. કોઈ પણ વિષયના વિદ્યાર્થી (વિદ્યાર્થી હોવા માટે શાળા કે કોલેજમાં હોવું ફરજિયાત નથી!)ના સ્માર્ટફોનનમાં અચૂક હોવી જોઈએ (પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે તો ખાસ) એવી વેબસર્વિસ છે ફીડલી.
આ સર્વિસથી આપણે આજે અને આ ક્ષણે, આપણે ઉપયોગી વિષય અંગે ઇન્ટરનેટ પર જે કંઈ નવી માહિતી મૂકી રહી છે તેનાથી સતત માહિતગાર રહી શકીએ છીએ. જેમ ઇન્ટરનેટની શોધ સર્ચ એન્જિન વિના અધૂરી છે, એમ ફીડરીડર કે તેના પૂરક જેવી પોકેટ સર્વિસ વિના પણ અધૂરી છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.
– હિમાંશુ
