તમને તમારા નજીકના મિત્રનો મોબાઇલ નંબર યાદ છે? કદાચ નહીં હોય.
કારણ દેખીતું છે, આપણે એ યાદ રાખવાની જરૂર પણ નથી, સ્માર્ટફોનની એડ્રેસબુકમાં એ સચવાયેલો છે. આપણે કોઈ મુશ્કેલ સ્થિતિમાં મૂકાયા હોઈએ અને પોતાનો સ્માર્ટફોન હાથવગો ન હોય ત્યારે મિત્રનો નંબર યાદ હોવો જરૂરી છે એ વાત સાચી, પણ એ કારણે ‘ટેક્નોલોજી નકામી છે, માણસની યાદશક્તિ ખતમ કરી નાખે છે’ એવી દલીલ કરવી અર્થહીન છે.
ટેક્નોલોજીનો ઉપયોગ કરવો એનો અર્થ એ નથી કે મગજ બંધ કરી દેવું. વાસ્તવમાં, મગજ પાસેથી લેવા જેવું વધુ અગત્યનું કામ એ કરી શકે એ માટે નાની નાની બાબતનો ભાર મગજ પર ન નાખવો, મગજને હળવું રાખવું એ વધુ અગત્યનું છે. ટેક્નોલોજી એમાં આપણને ઘણી મદદરૂપ થઈ શકે છે.
આ અંકની કવરસ્ટોરી એ જ મુદ્દા પર આધારિત છે. દૈનિક જરૂરિયાતનાં કામકાજની યાદી હાથવગી રાખવી અને કામ પૂરાં થતાં જાય એમ હોંશભેર ખરાની નિશાની કરવી એ બિનજરૂરી તણાવથી બચવાનો સૌથી સારો રસ્તો છે. પીસીમાં અને સ્માર્ટફોનમાં સિન્ક્ડ રહે તેવાં ટુ-ડુ લિસ્ટ તૈયાર કરવાની સર્વિસ આજના સમયમાં ઘણી મદદરૂપ થાય છે, આ વખતે આવી એક સર્વિસની વિગતવાર સમજ આપી છે.
અન્ય લેખોમાં શિક્ષણને વર્ગખંડની બહાર વિસ્તારવાનો પ્રયાસ છે. પરદેશમાં ભણવા વિશેનું માર્ગદર્શન એ પહેલી નજરે ‘સાયબરસફર’નો વિષય નથી, પણ આ જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવામાં મદદરૂપ થવું એ તો આ મેગેઝિનનું પહેલું ધ્યેય છે!
આ અંકમાં આપેલી વિવિધ માહિતી અને સર્વિસીઝનો તમે ઉપયોગ કરો તો એના અનુભવો જરૂર શેર કરશો.
– હિમાંશુ

