રાતના આકાશમાં કંઈક અસામાન્ય દેખાય તો આપણું રીએક્શન બે પ્રકારનું હોઈ શકે – એક, ‘ઠીક છે, હશે કંઈક!’ અને બીજું, આપણને એ શું હશે એની ચટપટી જાગે, આપણે ઇન્ટરનેટ પર ખાંખાંખોળાં કરીએ અને કેટકેટલુંય નવું જાણીએ!
આ અંકની કવર સ્ટોરી કંઈક એવી જ છે.
પહેલી નજરે વાત સાવ ટૂંકી અને સાદી જ છે કે આપણે અગાશીએ ચઢીને ઇન્ટરનેશલ સ્પેસ સ્ટેશન જોઈ શકીએ છીએ. પરંતુ જરા વધુ ઊંડા ઊતરીએ તો આપણી અવકાશયાત્રા કેટલી વિસ્તરી છે, કેટલાં વર્ષોથી માનવે અવકાશમાં કાયમી પગદંડો જમાવ્યો છે, લોકો કેવી પરિસ્થિતિમાં અવકાશમાં પાંચ-છ મહિના વિતાવે છે, તેઓ ત્યાં શું કરે છે એ બધું હવે આપણે પણ જોઈ-સમજી અને અનુભવી શકીએ છીએ, ઘેરબેઠાં અથવા તો અગાશીએ ચઢીને!
આપણે ઇચ્છીએ તો પોતાના ફોનમાં એવી એપ પણ ઇન્સ્ટોલ કરી શકીએ છીએ જેને લઈને રાત્રે અગાશીએ ચઢીએ તો એ એપ ઓફલાઇન રહીને પણ, આપણને સચોટ સમય, દિશા અને ખૂણો બતાવીને કહી શકે છે કે અહીં નજર માંડો, ઇરિડિયમ સેટેલાઇટનો ક્ષણભરનો ઝબકારો દેખાશે અથવા ત્રણ-ચાર મિનિટ માટે સ્પેસ સ્ટેશન પસાર થતું દેખાશે!
કોઈ વિદ્યાર્થીને આ એપ જોઈને, એના જેવી બીજી કોઈ એપ બનાવવાની ચાનક ચઢે (અહીં જેના વિશે જણાવ્યું છે કે એ એપ તેના ડેવલપરે આવી ધૂનમાંથી જ સર્જી છે અને હવે પોતાની એપ્સ કંપની ખોલી છે), મમ્મી કે પપ્પા સાથે સ્પેસ સ્ટેશન જોયા પછી કોઈ બાળકની આંખમાં નવું કુતૂહલ અંજાય અને એ અવકાશ વિશે, સેટેલાઇટ્સ વિશે, એપ્સ વિશે એટલા સવાલો પૂછતું થાય કે મમ્મી-પપ્પાએ વારંવાર ઇન્ટરનેટમાં ડૂબકીઓ લગાવવી પડે… તો આ કવર સ્ટોરી સાર્થક!
– હિમાંશુ
