(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કેવું લેપટોપ ખરીદશો?

એક સમય એવો હતો જ્યારે કમ્પ્યુટર ખરીદવાનું થાય ત્યારે ડેસ્કટોપ પીસી લેવું કે લેપટોપ તેની મૂંઝવણ થતી. હવે લેપટોપની ઓવરઓલ કેપેસિટી ડેસ્કટોપ જેટલી જ થઈ ગઈ છે અને લેપટોપમાં ગમે ત્યાંથી કામ કરવાની સગવડ છે એટલે પસંદગી થોડી સહેલી બની છે, તો વળી નવી મૂંઝવણ ઉમેરાઈ – લેપટોપ કેવું કે સારું ટેબલેટ?

એક વાત નક્કી છે કે ડેસ્કટોપમાં જે કંઈ થઈ શકે એ બધું લેપટોપમાં થઈ શકે, પણ એ જ રીતે ટેબલેટ લેપટોપની બરોબરી કરી શકે તેમ નથી. એટલું ખરું કે સામાન્ય રીતે ડેસ્કટોપ કરતાં લેપટોપની આવરદા ઘણી ઓછી હોય છે, પણ તમારે વારંવાર બહારગામ જવાનું થતું હોય કે ઘર, કોલેજ કે ઓફિસ અને ક્લાયન્ટ્સની ઓફિસ ત્રણે વચ્ચે તમારું કામ વહેંચાયેલું રહેતું હોય તો તમારે લેપટોપ જ લેવું પડે.

આ એક નિર્ણય લેવાયા પછીનો સવાલ છે, કયું લેપટોપ લેવું સારું? સંતાનો કોલેજમાં પહોંચી ગયાં હોય અને લેપટોપ લેવાની ડિમાન્ડ કરી રહ્યાં હોય ત્યારે માબાપ વધુ મૂંઝવણમાં મૂકાય, કયું લેપટોપ સારું એ કેવી રીતે નક્કી કરવું?

આગળ શું વાંચશો?

  • લેપટોપમાં કઈ બાબતો તરફ ઓછું ધ્યાન આપશો તો ચાલશે?
  • આપણા ઉપયોગ માટે લેપટોપમાં કઈ બાબતો વધુ મહત્વની છે?
  • કન્વર્ટીબલ કે હાઇબ્રીડ લેપટોપ લેવાય?

મોટા ભાગે સૌની નજર પહેલાં પ્રોસેસર પર જાય, ઇન્ટેલ આઇ૩ ચાલશે કે પછી આઈ૫, આઇ૭ લેવું જોઈએ? જરા વધુ જાણકાર હોઈએ તો પ્રોસેસરની સ્પીડ  કેટલી છે એ પણ તપાસીએ. પછી રેમ તરફ નજર દોડે. રેમ કેટલી પૂરતી થશે? હાર્ડ ડિસ્કમાં કેટલા જીબીની સ્ટોરેજ કેપેસિટી છે એ પણ તપાસીએ. એમાં જો શોરૂમમાં જઈને જુદી જુદી કંપનીનાં લેપટોપ તપાસીએ તો સેલ્સમેન ધડાધડ સ્પેક્સ બોલીને આપણને વધુ મૂંઝવે.

આપણે આ મૂંઝવણ ઉકેલીએ!

લેપટોપમાં કઈ બાબતો તરફ ઓછું ધ્યાન આપશો તો ચાલશે?

પ્રોસેસર : શોરૂમના સેલ્સમેન ભલે ‘આઇ૩ કરતાં આઇ૭ જ સારું હોયને, કોમનસેન્સ છે!’ એમ કહે, આપણે લેપટોપ પર શું કરવાના છીએ એ પહેલાં નક્કી કરો. તમારે કોમ્પ્લેક્સ ગ્રાફિક્સનું કામકાજ છે? બિલ્ડર્સની સ્કીમનાં બ્રોશરમાં જોવા મળે તેવી બિલ્ડિંગનાં ૩ડી મોડેલની ઇમેજીસ તૈયાર કરવાની હોય છે? કે પછી ગેમ્સ ડેવલપ કરવા કે હાઇ-કેપેસિટીની ગેમ્સ રમવા માટે જ લેપટોપ જોઈએ છે? આ બધાં કામ ન હોય તો અત્યારનાં મોટા ભાગનાં લેપટોપમાં જોવા મળતાં સૌથી શરૂઆતનાં પ્રોસેસર પણ આપણી જરૂરિયાત માટે તો પૂરતાં પાવરફૂલ છે જ. તમારે મોટા ભાગે વર્ડ, પાવરપોઇન્ટ કે એક્સેલ જેવા પ્રોગ્રામ્સમાં કામ કરવાનું થતું હોય અને એથી વધુ નેટ બ્રાઉઝિંગ થતું હોય તો એ બધા માટે સાદા ગણાતા આઇ૩ પ્રોસેસરનો માંડ ૨૦-૨૫ ટકા પ્રોસેસિંગ પાવર જ વપરાય છે. આ પ્રકારના ઉપયોગ માટે ડ્યુઅલ-કોર ૧.૪ ગીગાહર્ટ્ઝની સ્પીડવાળું પ્રોસેસર પણ પૂરતું છે.

રેમ : રેમ જેમ વધુ તેમ લેપટોપ વધુ ફાસ્ટ એવું ગણિત સાચું છે, પણ ફક્ત એટલું જ સાચું નથી! રેમ વધુ હોય તો લેપટોપમાં મલ્ટિટાસ્કિંગ, એટલે કે એકથી વધુ પ્રોગ્રામ ઓપન કરીને તેમાં સહેલાઈથી કામ કરી શકાય, પણ આજકાલ લગભગ બધાં જ લેપટોપમાં ૪ જીબી રેમ તો હોય જ છે, જે આપણા વપરાશ માટે તદ્દન પૂરતી છે. વધુ રેમ પાછળ વધુ ખર્ચ કરવાની કોઈ જરૂર નથી. ઉપરાંત, એ પણ ધ્યાનમાં લો કે લેપટોપ ખરીદ્યા પછી, થોડા સમય પછી તેને અપગ્રેડ કરવાનો સૌથી સહેલો અને રસ્તો કદાચ રેમ વધારવાનો જ છે! આગળ જતાં જરૂર લાગે તો પછી રેમ વધારી શકાય.

ગ્રાફિક્સ કાર્ડ : એક સમયે લેપટોપમાં જોવા મળતી ગ્રાફિક્સ ચીપ ખાસ્સી નબળી રહેતી અને એટલે ગ્રાફિક કાર્ડનો મુદ્દો મહત્વનો બનતો. હવે નહીં. સેલ્સમેન તમને કોઈ લેપટોપમાં ડેડિકેટેડ ગ્રાફિક્સ કાર્ડ છે એમ કહીને તેની તરફ વાળવાની કોશિશ કરશે, પણ આવાં ગ્રાફિક્સ કાર્ડમાં કોમ્પ્લેકસ ૩ડી ગ્રાફિક્સને મેનેજ કરવા માટે અલગ પ્રોસેસર અને રેમ હોય છે, જે ચોક્કસ પાવરફૂલ પરફોર્મન્સ આપે, પણ જો આપણે તેની જરૂર હોય તો! આવા ગ્રાફિક્સ કાર્ડથી લેપટોપની કિંમત વધે છે અને બેટરી લાઇફ ઘટે છે. જો લેપટોપ ખરીદવા પાછળનો તમારો જોરદાર ગેમિંગનો ન હોય તો અલગ ગ્રાફિક્સ કાર્ડ બાજુ બિલકુલ ધ્યાન નહીં આપો તોય ચાલશે.

બૂટિંગ ટાઇમ : તમે ટ્રાવેલ કરી રહ્યા હો અને કોઈ કામ યાદ આવતાં, લેપટોપ ઓપન કરી, ફટાફટ એ કામ પતાવી લેવું હોય તો લેપટોપ કેટલું ઝડપથી બૂટ થાય છે (શરૂ થઈ જાય છે) એ મહત્વનો મુદ્દો છે, પણ શાહબુદ્દીનભાઈ રાઠોડનો મુંબઈની ફાસ્ટ અને રેગ્યુલર ટ્રેન વિશેનો પેલો જોક યાદ કરી લો, એમાં તફાવત થોડી મિનિટોનો હતો, જે મુંબઈગરા માટે મહત્વનો હોય, પણ બધા માટે નહીં. ખૂબ સારાં અને એથી ઉતરતી કક્ષાનાં લેપટોપમાં આ તફાવત થોડી સેકન્ડનો હોય છે!

હાલનાં મોટા ભાગનાં નવાં લેપટોપ ૩૦ સેક્ધડ કરતાં ઓછા સમયમાં કામ કરવા માટે રેડી થઈ જાય છે, આપણે જેમ વધુ સોફ્ટવેર અને ડેટા ઉમેરતા જઈએ તેમ આ ઝડપ ઓછી થતી જાય, પણ તમારું લેપટોપ બીજા કરતાં એક-દોઢ મિનિટ મોડું સ્ટાર્ટ થાય એમાં તમારી આખી દુનિયા ઉથલપાથલ થઈ જતી હોય તો જ આ મુદ્દા તરફ ધ્યાન આપો.


હાર્ડ ડિસ્ક સ્ટોરેજ : ધીમે ધીમે આખું જગત ક્લાઉડ કમ્પ્યુટિંગ તરફ આગળ વધી રહ્યું છે. સમય જતાં, આપણે લેપટોપમાં કશું સ્ટોર કરવાની જરૂર જ નહીં રહે. ભલે એ દિવસો હજી થોડા દૂર છે, પણ તો આજકાલનાં બધાં લેપટોપમાં ૫૦૦ જીબી જેટલી સ્ટોરેજ કેપેસિટી ધરાવતી એચડીડી (હાર્ડ ડિસ્ક ડ્રાઇવ) હોય છે, જે બિલકુલ પૂરતી થઈ રહેવી જોઈએ. સ્ટોરેજના બે પ્રકાર છે, એચડીડી અને એસડીડી (સોલિડ સ્ટેટ ડ્રાઇવ). એસડીડી ચોક્કસ ચઢિયાતી છે, એ ઓછી ગરમ થાય છે પણ ઘણી મોંઘી છે!

ડીવીડી ડ્રાઇવ : બીજી બધી પ્રોડક્ટ્સની જેમ લેપટોપ બ્રાન્ડ્ઝ પણ પોતાની પ્રોડક્ટને બીજાથી ચઢિયાતી બતાવવા ડીવીડી ડ્રાઇવ માટે ‘અલ્ટ્રા ફાસ્ટ’ કે ‘સુપર મલ્ટિડબલ લેયર’ જેવા શબ્દો વાપરે છે. એનાથી અંજાઈ જવાની કોઈ જરૂર નથી. એક તો, હવે ડીવીડીનો પોતાનો ઉપયોગ ઘટતો જાય છે, બીજું, તેની કિંમત પણ સતત ઘટતી જાય છે અને ત્રીજું, કોઈ પણ રેગ્યુલર ડીવીડી આપણી જરૂરિયાતને આરામથી સંતોષી શકે છે. હવે ઘણાં ખરાં લેપટોપમાં આવી ડ્રાઇવ હોતી જ નથી!

સિક્યોરિટી ફીચર્સ : આજકાલ ઘણાં લેપટોપ ફિંગરપ્રિન્ટ રેક્ઝિશન પછી જ ઓપન થાય એવી સગવડ ધરાવતાં હોય છે. તમારે એટલી ટાઇટ સિક્યોરિટીની જરૂર છે ખરી? સાદો પણ મજબૂત પાસવર્ડ રાખશો તોય કામ ચાલી જશે!

આપણા ઉપયોગ માટે લેપટોપમાં કઈ બાબતો વધુ મહત્વની છે?

પ્રોસેસર : ગૂંચવાયા? આપણે કઈ બાબતો તરફ ઓછું ધ્યાન દેશો તો ચાલશે તેની વાત કરી તેમાં સૌથી પહેલો મુદ્દો પ્રોસેસર છે અને અહીં પણ એ જ પહેલો મુદ્દો છે! એ એટલા માટે કે સરેરાશ કરતાં પણ ઉતરતા પ્રોસેસરમાં ભરાઈ ન પડીએ એ અગત્યનું છે. તમે ઘણાં સસ્તાં લેપટોપ તપાસી રહ્યા હો તો મોટા ભાગે તેમાં એએમડી ઇ સીરિઝ કે ઇન્ટેલનાં પેન્ટિયમ સીરિઝનાં પ્રોસેસર હશે. ઇન્ટેલનું એટમ પ્રોસેસર બધામાં સૌથી નબળું ગણી શકાય. બજેટ ટાઇટ હોય તો પણ શક્ય હોય તો ઇન્ટેલની કોર સીરિઝના આઇ – ૩ પ્રોસેસરવાળું લેપટોપ લેવાનો પસંદ કરજો.

સ્ક્રીન સાઇઝ અને ક્વોલિટી : આજકાલનાં લેપટોપમાં પ્રોસેસર અને રેમ કરતાં પણ સ્ક્રીન સાઇઝ અને તેની ક્વોલિટી વધુ અગત્યનાં છે તેમ કહી શકાય, કેમ કે પ્રોસેસર અને રેમ લગભગ બધામાં પાવરફૂલ હોય છે, સ્ક્રીન નહીં. એવરેજ લેપટોપમાં, સ્ક્રીન સાઇઝ મોટી હોય, પણ તેની ક્વોલિટી અને રેઝોલ્યુશન નબળું હોય તો આપણને તે કાયમ નડશે. પ્રમાણમાં નાનો, પણ સારી ક્વોલિટીનો સ્ક્રીન કામને આરામદાયક બનાવશે. બજેટની કોઈ ચિંતા જ ન હોય તો આઇપીએસ સ્ક્રીનવાળું લેપટોપ લઈ શકાય, તો એમાં પણ આપણા ફોટોગ્રાફ સ્માર્ટફોનન જેવા શાર્પ દેખાય, પણ મોટા ભાગનાં લેપટોપમાં એવો સ્ક્રીન હોતો નથી! ૧૦૮૦પી એટલે કે ફૂલ એચડી કે ૧૬૦૦ બાય ૯૦૦ પિક્સેલના રેઝોલ્યુશનવાળો ડિસ્પ્લે સારો રહેશે.

બેટરી લાઇફ : લેપટોપમાં ઘણો મહત્વનો મુદ્દો છે તેની બેટરી. જો તમારે ઘરમાં ડેસ્ક પરથી પલંગ પર કે ઓફિસમાં તમારી ચેમ્બરમાંથી કોન્ફરન્સ રૂમમાં લેપટોપ લઈ જવું હશે તોય સારી બેટરી લાઇફ તો જોઈશે. જો બહારગામ જતી વખતે રસ્તામાં કામ કરવાનું થતું હોય તો તો બેટરી તરફ સૌથી વધુ ધ્યાન આપશો. બેટરી વિશે કંપનીના દાવા સાચા માનવાને બદલે, પસંદ પડેલ બ્રાન્ડ અને મોડેલ વિશે ઇન્ટરનેટ પર અન્ય લોકોના રીવ્યૂ જરૂર વાંચશો.

કીબોર્ડ અને ટચપેડ : સૌથી પહેલાં તો એ જુઓ કે લાંબા સમયથી ચાલુ રહેલા લેપટોપનું કીબોર્ડ કૂલ – ઠંડું છે? નવા સમયનાં લેપટોપની ડિઝાઇન ઘણી સુધરી છે, પણ અગાઉનાં મોટા ભાગનાં લેપટોપમાં પ્રોસેસરથી ગરમ થતી હવાને બહાર કાઢવાની, લેપટોપના નીચેના ભાગે પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે કીબોર્ડનો ભાગ ધીમે ધીમે ગરમ થતો. એક તબક્કે, આપણને કીબોર્ડનો ઉપયોગ બિલકુલ ફાવે નહીં એવી સ્થિતિ આવે. અનુકૂળતા હોય તો લેપટોપ સાથે અલગ કીબોર્ડ કનેક્ટ કરવું સૌથી સારું છે, પણ લેપટોપનું પોતાનું કીબોર્ડ તમને માફક આવે એવું તો હોવું જ જોઈએ. એમાં થોડું ટાઇપિંગ કરી જુઓ. દરેક કીની સાઇઝ, તેનો રીસ્પોન્સ વગેરે યોગ્ય છે? તમારે ન્યુમરિક કીની બધુ જરૂર રહેતી હોય તો તેની સગવડ છે કે નહીં એ પણ તપાસો.

કીબોર્ડની જેમ, લેપટોપ સાથે અલગ માઉસ કનેક્ટ કરી લેવું સારું છે, પણ એવી અનુકૂળતા ન હોય ત્યારે જેનાથી કામ ચલાવવાનું છે તે ટચપેડ એકદમ રીસ્પોન્સિવ હોવું જોઈએ.

લેપટોપમાં તમારે કેટલા પોર્ટની જરૂર પડશે એ પણ ધ્યાનમાં રાખો. લેપટોપમાં સામાન્ય રીતે કાર્ડ રીડર, યુએસબી પોર્ટ, ઇન્ટરનેટના કેબલનો પોર્ટ, ઓડિયો જેક વગેરે તો હોય છે, પણ તમારે કેટલાંક સોફ્ટવેર ચલાવવા માટે યુએસબી ડોંગલ લગાવવું જરૂરી હોય અને સાથોસાથ ઇન્ટરનેટ કનેક્શન માટે પણ ડોંગલ લગાવવાનું હોય, તો એ માટે પૂરતાં યુએસબી પોર્ટ છે? છે તો બહુ નજીક નજીક તો નથીને, એ પણ ખાસ જુઓ. એમ ન હોય, તો એના રસ્તા તો નીકળી શકે છે, પણ પહેલેથી કાળજી લેવામાં શું ખોટું?

બિલ્ડ ક્વોલિટી : લેપટોપ હાથમાં લઈને ફરવાની અને કામ કરવાની વસ્તુ છે એટલે કોઈ પણ લેપટોપ પસંદ કરતાં પહેલાં એનો એ રીતે અનુભવ કરવો જરૂરી છે. લેપટોપનું મટિરિયલ સારી ગુણવત્તાનું અને મજબૂત લાગે છે? ફિનિશિંગ સારું છે? લેપટોપનો સ્ક્રીન મૂવિંગ પાર્ટ છે એટલે એ બગડવાની પૂરી શક્યતા છે, સ્ક્રીન અને પ્રોસેસરવાળા ભાગને જોડતો ભાગ બરાબર લાગે છે?

લેપટોપનું વજન બહુ મહત્વનો મુદ્દો છે. વજન જેટલું ઓછું હશે એટલું લેપટોપ સુવિધાજનક રહેશે. લેપટોપનાં સ્પીકર્સ પણ ટેસ્ટ કરી જુઓ. સ્ક્રીનના રેઝોલ્યુશન પર પૂરતું ધ્યાન આપો અને સ્ક્રીનને આગળ પાછળ નમાવીને પણ જોઈ જુઓ, સ્ક્રીનની ક્લેરિટીમાં મોટો ફેર પડી જાય છે? નહીં, તો સ્ક્રીન સારો છે. તમારા પોતાના ફોટોગ્રાફ્સ પણ પેનડ્રાઇવમાં સાથે રાખી શકાય, એે શાર્પ અને વાઇબ્રન્ટ કલર્સના લાગે છે કે ડલ લાગે છે એ ખાસ જુઓ. સ્ક્રીન બિલકુલ બ્લેન્ક હોય ત્યારે તે પીળાશ પડતો લાગે છે કે ‘દૂધ જૈસી સફેદી’ છે? બ્લેક એકદમ ડીપ બ્લેક લાગે છે કે જરા ઝાંખો પડે છે? આ બધું બરાબર તપાસ્યું હશે તો લાંબા ગાળા માટે લેપટોપનો ઉપયોગ આનંદદાયક રહેશે.

ક્યું લેપટોપ ખરીદશો?

લેપટોપ લેવાનું નક્કી કરી લીધું હોય, પણ અનેક બ્રાન્ડ અને જુદાં જુદાં સ્પેસિફિકેશન્સને કારણે ગૂંચવાઈ રહ્યા હો તો નીચે આપેલી વિગતો તમારે માટે કયું લેપટોપ યોગ્ય રહેશે તે નક્કી કરવામાં મદદરૂપ થશે. 

કન્વર્ટીબલ કે હાઇબ્રીડ લેપટોપ લેવાય?

આજકાલ ઘણાં લેપટોપ ટુ-ઇન વન એટલે કે લેપટોપ અને ટેબલેટના મિશ્રણ જેવાં હોય છે, જેમાં સ્ક્રીનને અલગ કરીને સાવ અલગ ટેબલેટ તરીકે પણ ઉપયોગ કરી શકાય. આ પ્રકારનાં લેપટોપ આકર્ષક જરૂર લાગે, પણ ઘણી ઊંચી કિંમત ખર્ચવાની તૈયારી ન હોય, તો મોટા ભાગે (કમ સે કમ, હાલમાં) આવાં લેપટોપમાં બંને રીતે ઉતરતી કક્ષાની ગુણવત્તા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!