(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઘરખર્ચનો પાક્કો હિસાબ, સ્માર્ટ રીતે!

મોંઘવારી વધતી જાય છે એવી ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી, જરૂર છે ખિસ્સામાંથી જતા દરેક રૂપિયાનું પગેરું દબાવીને ખર્ચમાં શક્ય એટલી બચત કરવાની. આ કામ સહેલું બનાવે છે એક સ્માર્ટ એપ.

આગળ શું વાંચશો?

  • પહેલાં સમજીએ મુખ્ય સેટિંગ્સ અને સલામતીની  બાબતો
  • એપનો હોમ સ્ક્રીન તપાસીએ
  • એક્સપેન્સ માટે જુદી જુદી કેટેગરી ખોલીએ
  • ઈન્કમ નોંધીને શુભ શરુઆત કરીએ
  • હવે એક્સપેન્સ નોધતા જઈએ
  • ઈન્કમ-એક્સપેન્સ પર નિયમિત નજર રાખીએ

‘‘અરે, હજી હમણાં તો એટીએમમાંથી આટલા હજાર લાવ્યા હતા, આટલી વારમાં બધા ખર્ચાઈ પણ ગયા? રૂપિયા ક્યાં ગાયબ થાય છે એ ખબર પણ પડતી નથી!’’ આવો ડાયલોગ લગભગ દરેક ઘરમાં, અવારનવાર બોલાતો હશે, પછી આવક ભલે ગમે તેટલી હોય!

આપણને ખબર પણ ન પડે એ રીતે રૂપિયા ગાયબ થવાનાં બે કારણ હોઈ શકે, એક તો દેખીતું છે – દિનપ્રતિદિન મોંઘવારી સતત વધતી જાય છે. બીજું કારણ – જે દેખીતું નથી – તે એ છે કે આપણે ખર્ચનો બરાબર હિસાબ રાખી શકતા નથી!

સામાન્ય રીતે દરેક પરિવારમાં ગૃહિણી માસિક ઘરખર્ચનો હિસાબ રાખતી હોય. એ પોતાના કામમાં બહુ ચોક્કસ હોય તો દર મહિને નિશ્ર્ચિત તારીખે બેન્કમાંથી રૂ‚પિયા ઉપાડવામાં આવે, રસોડામાં કોઈ ખૂણે કે ફ્રીઝ પર એક નાનકડી ડાયરી મૂકી હોય અને તેમાં રોજબરોજનો હિસાબ લખાતો જાય. તમે પણ આવી કોઈક રીતે, ઘરખર્ચનો હિસાબ રાખતાં હો, તો આ મહિને દૂધ પાછળ કેટલો ખર્ચ થયો કે શાકભાજીમાં કેટલા ખર્ચાયા, કરિયાણાની બે દુકાન કે સુપરમાર્કેટમાંથી માલસામાન ખરીદાય છે, તેમાં કોનું બિલ કેટલું થયું એ બધું તમે ફટાક દઈને કહી શકો?

હિસાબ ગમે તેટલી ચીવટથી ડાયરીમાં લખાતો હોય, ઘરખર્ચનું સ્પષ્ટ ચિત્ર ‘એની ટાઇમ, એની વ્હેર’ જાણવું હોય તો વાત મુશ્કેલ છે. એ માટે તો ‘એની ટાઇમ, એની વ્હેર’ સૂત્ર જેનાથી ચલણી બન્યું એ મોબાઇલ, સ્માર્ટફોનને જ કામે લગાડવો પડે. તમે એન્ડ્રોઇડ, એપલ કે વિન્ડોઝમાંથી કોઈ પણ પ્રકારનો સ્માર્ટફોન ધરાવતા હો તો તેમાં હિસાબ-કિતાબ રાખવાની સંખ્યાબંધ એપ મળી આવશે. મોટા ભાગની એપમાં મૂળ સિદ્ધાંત એકાઉન્ટિંગનો જ હોય છે, પણ કેટલીક એપ, એકાઉન્ટિંગ ન આવડતું હોય તેવા લોકો માટે પણ તેના ઉપયોગની સરળતાને કારણે બીજી એપથી અલગ તરી આવે છે.

એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે આવી એક એપ એટલે એક્સપેન્સ મેનેજર. આ એપ દસ લાખથી વધુ વાર ડાઉનલોડ થઈ છે અને ૪૩,૦૦૦ જેટલા લોકોએ તેને પાંચમાંથી ૪.૩ સ્ટાર આપ્યા છે. એપનું ફ્રી વર્ઝન એડ સપોર્ટેડ છે, એટલે કે આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે સ્ક્રીનના નીચેના ભાગે જુદી જુદી એડ જોવી પડે. પ્રો-વર્ઝન પેઇડ છે, તેમાં એડ નથી, પરંતુ ડેવલપર સ્પષ્ટતા કરે છે કે ફ્રી અને પેઇડ વર્ઝનમાં એડની ગેરહાજરી સિવાય કોઈ ફેર નથી.

આ એપ નાના બિઝનેસમાં પેટી કેશનો હિસાબ રાખવા માટે પણ બહુ ઉપયોગી છે, પરંતુ આપણે તેનો ઉપયોગ ઘરખર્ચના સંદર્ભે જ, સ્ટેપ-બાય-સ્ટેપ સમજીએ. એક વાર એપનો પાકો પરિચય થઈ જશે પછી તમે અલગ અલગ લેવલના એકાઉન્ટિંગ માટે તેનો ઉપયોગ કરી શકશો.

બીજી એક વાત, આપણે પ્રવાસે ગયા હોઈએ અને અમુક ચોક્કસ રોકડ રકમ સાથે લઈને નીકળ્યા હોઈએ ત્યારે એમાંથી ખર્ચાતી જતી તમામ રકમનો પાકો હિસાબ રાખવામાં પણ આ એપ બહુ કામ લાગે તેવી છે. સાથે લીધેલી રોકડ હવે કેટલી બચી છે એની પાકી ખબર હોય તો અચાનક ખિસ્સાં ખાલી દેખાતાં અજાણ્યા શહેરમાં વખત-કવખતે એટીએમ શોધવા જવાનો વારો ન આવે!

સ્માર્ટફોનમાં આવી એપની મજા એ છે કે ખર્ચ થાય ત્યારે, તરત ને તરત આપણે તે નોંધી શકીએ છીએ, ઘરે જઈને યાદ રાખીને ડાયરીમાં લખવાની ઝંઝટ આમાં રહેતી નથી અને સરવાળા-બાદબાકી આપોઆપ થાય છે.

પહેલાં સમજીએ મુખ્ય સેટિંગ્સ અને સલામતીની બાબતો

એપ ઓપન કર્યા પછી, ઉપલા જમણા ખૂણે ત્રણ ડોટ પર ક્લિક કરી સેટિંગ્સમાં જઈને એપ સંબંધિત મુખ્ય સેટિંગ્સ કરી શકાય છે.


  • મોટા ભાગના લોકો પોતાની આર્થિક વિગતો ઓનલાઇન આપતાં ખચકાતા હોય છે. આ એપમાં એવી ચિંતા રાખવાની જ‚ર નથી. સામાન્ય ઉપયોગ માટે તેમાં આપણું ઈ-મેઇલ એકાઉન્ટ, બેન્ક ખાતાની વિગતો કે આપણું નામ સુદ્ધાં આપવાની જરૂર નથી.
  • તમે ઇચ્છો તો પાસવર્ડ આપ્યા પછી જ આ એપ ઓપન થાય એવું સેટિંગ કરી શકો છો, પણ એ ફરજિયાત નથી.
  • આ એપમાં આપણે નાખેલી વિગતો ક્લાઉડમાં સેવ થતી નથી, પરતું મોબાઇલમાં જ રહે છે.
  • તમે ઇચ્છો તો એપમાંનો ડેટા તમારા ડ્રોપબોક્સ કે ગૂગલ ડ્રાઇવમાં સિન્ક થયા કરે એવું સેટિંગ કરી શકાય છે, એ પણ ફરજિયાત નથી.
  • અહીંથી કરન્સીમાં ઇન્ડિયન ‚પી સેટ કરી શકાય છે.
  • એક્સપેન્સ કે ઇન્કમની વિવિધ કેટેગરી સેટ કરી શકાય છે (આગળ વધુ વિગતો આપી છે)
  • તમે નિયમિત રીતે અમુક વ્યક્તિ કે શોપ સાથે લેવડ-દેવડ કરતા હો તો પેઈ કે પેયરનાં સેટિંગ કરી શકાય છે, સામાન્ય ઘરખર્ચ માટે એ વિગતોમાં પડવાની જરૂર નથી.

ટૂંકમાં સરેરાશ હિસાબ-કિતાબ માટે અહીં નામ, ગૂગલ એકાઉન્ટ કે બેન્ક એકાઉન્ટ જેવી કોઈ જ વિગતો આપ્યા વિના આ એપનો લાભ લઈ શકાય છે.

એપનો હોમ સ્ક્રીન તપાસીએ

આ એપ તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરશો એટલે સૌથી પહેલાં,બાજુમાં બતાવ્યા મુજબનો સ્ક્રીન જોવા મળશે. પહેલાં, અહીં આપેલાં બટન એક પછી એક સમજી લઈએ.

  • સમરી : આપણે એપમાં વિવિધ આવક અને જાવકની વિગતો ઉમેરવાનું શરૂ કરીએ તે પછી તેની સમરી, સારાંશ અહીં જોવા મળે છે.
  • બજેટ : આપણે કોઈ નિશ્ર્ચિત બાબત માટે દૈનિક, સાપ્તાહિક, માસિક કે વાર્ષિક બજેટ નક્કી કરવા માગતા હોઈએ તો એ અહીંથી સેટ કરી શકાય છે.
  • એક્ટિવિટી : આવક-જાવક નાખ્યા પછી, ક્યારે, કઈ બાબતમાં કેટલા ખર્ચાયા અને કેટલા આવ્યા તે અહીં જોઈ શકાય છે. ત્યાર પછીના ભાગમાં, જે તે દિવસનું બેલેન્સ (ઇન્કમમાંથી એક્સપેન્સ બાદ કયર્િ પછીની રકમ), આખા મહિનાનું બેલેન્સ, જે તે અઠવાડિયા, મહિના અને વર્ષની ઇન્કમ અહીં જોવા મળે છે.
  • રીકરિંગ : નિશ્ર્ચિત સમયગાળે આપણે ચોક્કસ રકમની ઇન્કમ કે એક્સપેન્સ થતો હોય તો તેની વિગત અહીં નોંધી શકાય છે.
  • ઇન્કમ : આ એપનો મુખ્ય ઉપયોગ આપણે રોકડથી થતા ઘરખર્ચ માટે કરવો છે, એટલે બેન્કમાંથી જ્યારે જ્યારે ઘરખર્ચ માટે રોકડ ઉપાડીશું ત્યારે તેને ઇન્કમ ગણીશું અને અહીંથી તે રકમ એપમાં એન્ટર કરીશું.
  • એક્સપેન્સ : એ જ રીતે, હાથ પરની રોકડમાંથી જે ખર્ચ થતો જશે તે અહીંથી નોંધીશું. ત્યાર પછીના ભાગમાં, આજનો એક્સપેન્સ તેમ જ અઠવાડિયાનો, મહિનાનો અને વર્ષનો કુલ એક્સપેન્સ કેટલો થયો તે જોઈ શકાય છે.
  • કેલેન્ડર : આ બટન કેલેન્ડર પર આપણો હિસાબ જોવાની સગવડ આપે છે (ઘણા લોકોને કેલેન્ડરમાં ખૂણેખાંચરે હિસાબ લખવાની ટેવ હોય છે, તેનું આ ડિજિટલ સ્વરૂપ!). તારીખ પર ક્લિક કરીને ત્યાંથી પણ એક્સપેન્સ કે ઇન્કમ નોંધવા જેવું કામ કરી શકાય છે.
  • ચાર્ટ : ઇન્કમ-એક્સપેન્સને વિવિધ પ્રકારના ચાર્ટ સ્વરૂ‚પે જોવાની સગવડ અહીંથી મળે છે.
  • ટ્રાન્સફર : એપમાં એકથી વધુ ખાતાં ખોલ્યાં હોય તો રકમ એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવાની અહીંથી સગવડ મળે છે.

આગળ કહ્યું તેમ, આ એપમાં સગવડ ઘણી છે, પણ ઝાઝી વિગતો જોઈને મૂંઝાવાની જરૂર નથી. બિલકુલ સાદી રીતે ઘરખર્ચનો હિસાબ રાખવાનું કામ આમાં બિલકુલ સરળ છે.

એક્સપેન્સ માટે જુદી જુદી કેટેગરી ખોલીએ

પણે ઘરખર્ચનો પાકો હિસાબ રાખવો છે અને દર અઠવાડિયે કે મહિને કઈ બાબતમાં કેટલો ખર્ચ થાય છે એના પર નજર રાખવી છે. આ માટે આપણે ખર્ચની અલગ અલગ કેટેગરી અને સબકેટેગરી ખોલવી પડશે.

એપ પોતે પોતાની રીતે સંખ્યાબંધ કેટેગરી અને સબકેટેગરી આપે છે, પણ એ કદાચ તમને તમારી જરૂરિયાત અનુરૂપ નહીં લાગે.

તમે કેવી કેટેગરી અને સબકેટેગરી ખોલવા માગો છો એનો આધાર, તમે કયા કયા પ્રકારના ખર્ચને ઝીણવટપૂર્વક તપાસવા માગો છો તેના પર છે. પરંતુ સરેરાશ જરૂરિયાત માટે નીચેના જેવી કંઈક ગોઠવણ કરી શકાય.

એજ્યુકેશન

  • સ્કૂલ ફી
  • એક્ટિવિટી ક્લાસ ફી
  • અધર એક્સપેન્સીઝ

પ્રોવિઝન

  • ગ્રોસરી
  • મિલ્ક
  • વેજિટેબલ્સ
  • ગેસ સિલિન્ડર
  • સ્નેક્સ
  • અધર એક્સપેન્સીઝ

એન્ટરટેઇન્મેન્ટ

  • મૂવીઝ
  • ઇટિંગ આઉટ
  • અધર એક્સપેન્સીઝ

હાઉસહોલ્ડ

  • ગેસ સિલિન્ડર/પાઇપલાઇન બિલ
  • મોબાઇલ બિલ
  • ટીવી ચેનલ બિલ
  • ન્યૂઝપેપર બિલ
  • હોમમેઇડ સેલેરી

પેટ્રોલ

  • પર્સનલ કેર
  • રીપેરિંગ
  • અધર એક્સપેન્સીઝ

આપણે આપણી જરૂરિયાત અનુસાર આવી કોઈ પણ કેટેગરી, સબકેટેગરી એપમાં તૈયાર કરી શકીએ છીએ.

આ માટે એપના હોમ પેજ પર પહોંચી, ઉપલા જમણા ખૂણે આપેલ ત્રણ ડોટ પર ક્લિક કરો અને સેટિંગ્સમાં જાઓ.

એક્સપેન્સ કેટેગરીઝ પર ક્લિક કરતાં, ડિફોલ્ટ કેટેગરી અને સબકેટેગરીનું લિસ્ટ જોવા મળશે. આ લિસ્ટને પૂરેપૂરું બદલવું હોય તો પહેલી કેટેગરી ઓટોમોબાઇલ પર લોંગ પ્રેસ કરો અને એડિટ ઓટોમોબાઇલ પર ક્લિક કરો. જે મેનુ ખૂલે તેમાં છેક નીચે આપેલા ડિલિટ બટન પર ક્લિક કરતાં આખી ઓટોમોબાઇલ કેટેગરી અને તેની બધી સબકેટેગરી ડિલિટ થઈ જશે.

આપણે એજ્યુકેશન કેટેગરી ઉમેરવી છે, તો કેટેગરી:સબકેટેગરીના મેનુમાં ઉપલા જમણા છેડે આપેલ પ્લસ ક્લિક કરો. તેમાં એજ્યુકેશન લખી, તેની બાજુમાં આપેલ ગ્રીન પ્લસ ક્લિક કરો, આથી સબ કેટેગરી લખવાની તક મળશે. આ રીતે ગ્રીન પ્લસ ક્લિક કરતા જઈને નવી નવી સબકેટેગરીઝ લખી લો.

તમે ઘરખર્ચનો નિયમિત હિસાબ રાખતાં હશો તો તમારું કામ સહેલું બનશે. પહેલાં સાદા કાગળ પર ખર્ચની મુખ્ય કેટેગરી અને સબકેટેગરીનું લિસ્ટ બનાવી લો અને પછી એપમાં આ રીતે ડિફોલ્ટ લિસ્ટ ડિલીટ કરી, આપણા લિસ્ટ અનુસાર કેટેગરી-સબકેટેગરીઝ લખી લો.

ઇન્કમ નોંધીને શુભ શરૂઆત કરીએ

ધારો કે તમે બેન્કમાંથી ઘરખર્ચ માટે ૪,૦૦૦ રૂપિયા ઉપાડ્યા. તેની એપમાં નોંધ કરવા માટે હોમ સ્ક્રીનમાં ઇન્કમ બટન પ્રેસ કરી કરો. આથી એક નવી વિન્ડો ખૂલશે. તેમાં આજની તારીખ અને સમય હશે (બંને બદલવાં હોય તો બાજુના એરો પર ક્લિક કરી બદલી શકાય છે). ત્યાર પછી રકમના ખાનામાં ૪,૦૦૦ રકમ લખો (બાજુના બટન પર ક્લિક કરી, કેલ્યુલેટરની સગવડ પણ મળી શકે છે). પેયરના ખાનામાં, રકમ ક્યાંથી મળી તે લખી શકાય છે. બાય ડિફોલ્ટ અહીં માય એમ્પ્લોયર, માય બેન્ક, માય ગવર્નમેન્ટ, માય પેન્શન વગેરે કેટેગરી છે. આપણે તેને બદલી પણ શકીએ છીએ. હાલ પૂરતું આપણે માય બેન્ક પસંદ કરી આગળ વધીએ. હવે કેટેગરી, પેમેન્ટ મેથડ, રેફ/ચેક નંબર, સ્ટેટસ વગેરેની આપણે હાલ પૂરતી ચિંતા કરવાની જ‚રૂર નથી કેમ કે આપણે તો સાદી રીતે ઘરખર્ચનો હિસાબ રાખવો છે.

ડિસ્ક્રીપ્શનમાં કયા વિસ્તારના એટીએમમાં રકમ ઉપાડી એવું કંઈક લખવું હોય તો લખી શકાય, જેથી ભવિષ્યમાં એ રકમ ક્યાંથી મેળવી હતી એ જાણવું હોય તો જાણી શકાય.

હવે ઓકે કહી બહાર નીકળી જાઓ.

આટલું કરવાથી મેઇન સ્ક્રીન પર, કરન્ટ બેલેન્સ તથા મહિનાનું બેલેન્સ, જે તે અઠવાડિયા, મહિના અને વર્ષની કુલ આવકમાં ૪,૦૦૦નો આંકડો જોવા મળશે.

હવે એક્સપેન્સ નોંધતા જઈએ

ધારો કે આપણે આજે ૭૫ રૂપિયાનાં શાકભાજી ખરીદ્યાં અને તેની નોંધ કરવી છે. આ માટે એક્સપેન્સ બટન પર ક્લિક કરતાં ફરી ઇન્કમ જેવી જ વિન્ડો ખૂલશે. તેમાં તારીખ અને સમય ઓટોમેટિકલી આવશે. એમાઉન્ટમાં ૭૫ લખી આગળ વધો.

હવે કેટેગરી સામે આપેલા એરો પર ક્લિક કરો. આથી આપણે અગાઉ તૈયાર કરેલું કેટેગરી:સબકેટેગરીનું લિસ્ટ ખૂલશે. તેમાં પ્રોવિઝનની મેઇન કેટેગરીમાં, વેજિટેબલ્સ પસંદ કરી લો. ડિસ્ક્રીપ્શનમાં શાકભાજી ક્યાંથી ખરીદ્યાં એ લખવું હોય તો લખો, બાકી કોરું છોડી ઓકે પર ક્લિક કરી દો. અથવા ઓકેએન્ડન્યૂ પર ક્લિક કરી બીજા ખર્ચની નોંધ કરો.

આટલું કરવાથી, હોમ સ્ક્રીન પર ટુડે એક્સપેન્સ તથા આ અઠવાડિયા, સપ્તાહ અને વર્ષના એક્સપેન્સ તરીકે ૭૫ ‚પિયાની નોંધ થઈ જશે. એ મુજબ ઉપર કરન્ટ બેલેસ અને આ મહિનાનું બેલેન્સ પણ ૪,૦૦૦માંથી ઘટીને ૩,૯૨૫ થઈ જશે.

એટલું યાદ રાખજો કે આપણે આ એપનો ઉપયોગ ફક્ત રોકડ આવક-જાવકનો હિસાબ રાખવા માટે જ કરી રહ્યા છીએ. એટલે ધારો કે સ્કૂલની ફી ચેકથી ચૂકવી હોય તો એની નોંધ અહીં કાં તો કરો જ નહીં, અથવા કરો તો પેમેન્ટ મેથડ તરીકે ચેક લખવાનું ભૂલશો નહીં.

જોકે બંને સંજોગમાં, એપમાં એક્સપેન્સનો કુલ સરવાળો જ થશે અને તમારું બેલેન્સ માઇન્સમાં ચાલ્યું જશે!

ઇન્કમ-એક્સપેન્સ પર નિયમિત નજર રાખીએ

આ રીતે જુદી જુદી તારીખે ઇન્કમ અને એક્સપેન્સની વિગતો ઉમેરતા ગયા પછી આપણા હિસાબ પર સતત નજર રાખવી જરૂરી છે, કેમ કે તો જ આપણે ક્યાં ઢીલ મૂકી શકાય તેમ છે અને કયા ખર્ચ પર કંટ્રોલ કરવાની જરૂર છે તે ખબર પડશે.

આ માટેની જુદી જુદી રીતો છે. જેમ કે હોમ સ્ક્રીનમાં ટુડે એક્સપેન્સ પર ક્લિક કરતાં, ખર્ચનો તારીખ મુજબ કે સાપ્તાહિક, માસિક, વાર્ષિક હિસાબ મળશે. તેમાં ડેઇલી વ્યૂમાં હોઈએ ત્યારે જુદી જુદી તારીખે કઈ બાબત માટે કેટલો ખર્ચ થયો તે જાણી શકાય અને ત્યાંથી જ તેમાં નવા ખર્ચ ઉમેરી પણ શકાય.

વિક્લી વ્યૂમાં જઈને તારીખ મુજબ ખર્ચ જોઈ શકાય, અથવા અઠવાડિયા દરમિયાન કઈ કેટેગરી માટે કેટલો ખર્ચ થયો એ પણ જોઈ શકાય. અહીંથી જ ચાર્ટ પર ક્લિક કરતાં, આપણે કઈ બાબતનો કેટલો ખર્ચ કરી રહ્યા છીએ તેના બાર ચાર્ટ કે પાઇ ચાર્ટ જોવા મળશે.

હોમ સ્ક્રીનમાં સમરી બટન પર ક્લિક કરતાં, જુદી જુદી કેટેગરી માટે અત્યાર સુધીમાં કેટલો ખર્ચ થયો અને કુલ રકમમાંથી કઈ કેટેગરી માટે કેટલા ટકા ખર્ચ થયો એ જાણી શકાશે.

એક્ટિવિટી પર ક્લિક કરતાં, ઇન્કમ-એક્સપેન્સની વિગતો તેમના ક્રમ અનુસાર જાણવા મળશે.

એક વાર રોજિંદા ઉપયોગ માટે આ એપની મદદ લેવાની ટેવ પડશે પછી તમારો બધો જ હિસાબ-કિતાબ ખરેખર તમારી આંગળીના ટેરવે રહેશે. આવક-જાવક પર સતત નજર રહેશે તો કઈ બાબતમાં બિનજરૂરી ખર્ચ થઈ રહ્યો છે એ પણ સહેલાઈથી જાણી શકાશે અને ખાસ તો, પછી ક્યારેય એવો સવાલ નહીં થાય કે “અરે, હજી હમણાં જ તો આટલા ‚પિયા ઉપાડ્યા હતા, ક્યાં ગાયબ થઈ ગયા?!


 આ પણ નોંધી રાખો

  • આ એપમાં બાય ડિફોલ્ટ મુખ્ય એકાઉન્ટ પર્સનલ એક્સપેન્સનું હોય છે.
  • તમે ઓફિસના ખર્ચનું અલગ ખાતું ખોલવા માગતા હો તો નવું ખાતું ખોલી શકાય છે.
  • જુદાં જુદાં ખાતાં માટે એક્સપેન્સ કેટેગરીનું લિસ્ટ એક જ રહે છે. ઓફિસની જરુરિયાત મુજબ આપણે વધુ કેટેગરી-સબકેટેગરી ઉમેરી શકીએ છીએ.
  • આપણે ટુર પર જઈએ ત્યારે એ ટુર પૂરતું અલગ ખાતું ખોલીને, સાથે લીધેલી રોકડ રકમને ઇન્કમ તરીકે દશર્વિી, દૈનિક ખર્ચનો હિસાબ લખી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!