(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મોબાઇલ કેમેરામાં એચડીઆર ટેક્નોલોજી શું છે?

મોબાઇલ ફોટોગ્રાફી સૌને માટે હાથવગી બન્યા પછી સરસ ફોટોગ્રાફી પર હવે માત્ર પ્રોફેશનલ ફોટોગ્રાફર્સનો ઇજારો રહ્યો નથી.

જો આપણે મોબાઇલના પ્રતાપે આપણા સૌ માટે સુલભ બનેલી વિવિધ ટેકનોલોજી જરા ઊંડાણથી સમજી લઈએ તો આપણે પણ, ફોટોગ્રાફીના કોઈ ક્લાસ ન કર્યા હોય તો પણ, હૈયું ઠરે અને જોનારની નજર જકડી રાખે એવા ફોટોગ્રાફ લઈ શકીએ છીએ.

આગળ વાંચશો...

  • એચડીઆર મોડ શું છે?
  • એચડીઆર મોડનો ઉપયોગ ક્યારે કરવો?
  • એચડીઆર મોડનો ઉપયોગ ક્યારે ન કરવો?

આવી એક ટેકનોલોજી છે એચડીઆર ટેકનોલોજી. એચડીઆરનું આખું નામ છે ‘હાઇ ડાયનેમિક રેન્જ’. મોબાઇલ કેમેરામાં એચડીઆર મોડમાં ગયા પછી આપણે જે ફોટોગ્રાફ લઈએ તે આપણે કલ્પી ન હોય એટલી સ્પષ્ટતા ધરાવી શકે છે. અલબત્ત એ માટે થોડાં મહાવરાની જરૂર પડે છે.

એચડીઆર ટેકનોલોજી સમજવા માટે આપણે ફોટોગ્રાફીનો બેઝિક કન્સેપ્ટ સમજવો જરૂરી છે.

કેમેરા કોઈ પણ હોય, તે મુખ્યત્વે એક સાદા સિદ્ધાંતની મદદથી ફોટોગ્રાફ કેપ્ચર કરે છે. કેમેરામાં રહેલ સેન્સર જેટલી વધુ સારી રીતે તેને મળતો પ્રકાશ ઝીલી શકે તેટલી વધુ સ્પષ્ટ તસવીર આપણને મળે. આપણે ઓટો સેટિંગનો ઉપયોગ કરીએ કે પછી થોડા જાણકાર હોઈએ અને મેન્યુઅલ સેટિંગ્સમાં હાથ અજમાવીએ – બંને રીતે કેમેરાનું લક્ષ્ય તેને મળતા પ્રકાશનો મહત્તમ ઉપયોગ કરવાનું હોય છે જેથી આપણને જે તસવીર મળે તેમાં વધુમાં વધુ ડિટેઇલ મળી શકે.

સામાન્ય રીતે આપણો અનુભવ હોય છે તેમ જ્યારે આપણે વધુ પ્રમાણમાં પડછાયા અને તીવ્ર પ્રકાશવાળી સ્થિતિનો ફોટોગ્રાફ લેવાનો પ્રયાસ કરીએ ત્યારે મોટાભાગે પડછાયા કે પ્રકાશ બંનેમાંથી એકતરફ ડિટેઇલનો ભોગ લેવાય છે.

ફોટોગ્રાફીના જાણકાર લોકો પડછાયા અને પ્રકાશનું સરસ સંતુલન સાધીને તેમના ફોટોગ્રાફમાં બંને સ્થિતિમાં સુંદર ડિટેઇલ મેળવી શકે છે, પરંતુ આપણા જેવા બિનઅનુભવી લોકો માટે આવું સંતુલન સાધવું લગભગ અશક્ય હોય છે.

આ સ્થિતિમાં એચડીઆર ટેકનોલોજી આપણી મદદે આવે છે.

એચડીઆર મોડ શું છે?

આ ટેકનોલોજી સાવ સાદી રીતે સમજવી હોય તો એમ કહી શકાય કે તેમાં એક જ તસવીરને વિવિધ એક્સપોઝરથી કેપ્ચર કરવામાં આવે છે. એટલે કે એક વાર પડછાયાને ધ્યાનમાં રાખીને જરૂરી સેટિંગ સાથે દૃષ્યની વિગત ઝડપી લેવામાં આવે અને પછી પ્રકાશને ધ્યાનમાં રાખીને જરૂરી સેટિંગ સાથે દૃશ્યની વિગતો ઝડપવામાં આવે.

જ્યારે આપણે મોબાઇલ કેમેરામાં એચડીઆર મોડમાં કોઈ ફોટોગ્રાફ લઈએ ત્યારે કેમેરાને એ ફોટોગ્રાફ તૈયાર કરતાં સામાન્ય કરતાં થોડો સમય વધુ લાગે છે કારણ કે એચડીઆર મોડમાં કેમેરા એકની એક સ્થિતિની ત્રણ અલગ અલગ પ્રકારના એક્સપોઝર સાથે ઇમેજ કેપ્ચર કરે છે.

મજાની વાત એ છે કે મોબાઇલમાં આપણે એચડીઆર મોડમાં ફોટોગ્રાફી કરી રહ્યા હોઈએ ત્યારે આ બધું આપોઆપ થાય છે અને પછી કેમેરા પોતે વિવિધ એક્સપોઝરથી લેવાયેલી વિગતો એક જ ઇમેજમાં એકઠી કરીને પડછાયા અને પ્રકાશમાં સરસ સંતુલન સાથેની તસવીર આપણને આપે છે.


તમે ઘણીવાર નોંધ્યું હશે કે સામાન્ય ઓટોમોડમાં આપણે ફોટોગ્રાફ લઈએ ત્યારે લેવાયેલી તસવીરમાંનું દૃષ્ય આપણને નરી આંખે દેખાતા દૃશ્ય જેવું સ્પષ્ટ હોતું નથી. એચડીઆર ટેકનોલોજીમાં આ તફાવત ઘણો ઘટી જાય છે અને જે તસવીર મળે છે તે કેમેરાને જેવું દેખાય તેવી નહીં પરંતુ આપણને જેવું દેખાય તેવી હોય છે.

હવે સવાલ એ રહ્યો કે આપણે એચડીઆર મોડનો ક્યારે ઉપયોગ કરવો જોઈએ?

એચડીઆર મોડનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ?

આગળ કહ્યું તેમ મુખ્યત્વે જ્યારે આપણે જે સ્થિતિનો ફોટોગ્રાફ લેવા માગતા હોઈએ તેમાં પ્રકાશ અને અંધકાર બંનેનો સમન્વય હોય ત્યારે એચડીઆર મોડથી ફોટોગ્રાફી કરવાથી આપણને વધુ સારાં પરિણામ મળી શકે. જેમ કે,

લેન્ડસ્કેપ : પહાડોમાં કે અન્ય સ્થળે જ્યારે આપણે લેન્ડસ્કેપ ફોટોગ્રાફી કરતા હોઈએ ત્યારે સામાન્ય રીતે આકાશ અને જમીન વચ્ચે પ્રકાશનો મોટો કોન્ટ્રાસ્ટ જોવા મળતો હોય છે પરિણામે આપણે તસવીર લઈએ ત્યારે મોટે ભાગે એવું બને કે તસવીરમાં આકાશવાળો ભાગ એકદમ પ્રકાશિત રહે અને જમીનવાળો ભાગ ઘણો ડાર્ક બની જાય. જો એચડીઆર મોડમાં ફોટોગ્રાફી કરીએ તો આકાશની સાથોસાથ જમીનની ઘણી વિગતો પણ સ્પષ્ટ રીતે ઝીલી શકાય.

સૂર્યપ્રકાશમાં પોટ્રેઇટ : આપણામાંથી ઘણાંનો અનુભવ હશે કે સરસ સૂર્યપ્રકાશમાં કોઈ વ્યક્તિનો પોટ્રેઇટ ફોટોગ્રાફ લઈએ ત્યારે ઘણીવાર ચહેરા પર વધુ પડતો પ્રકાશ આખા ફોટોગ્રાફની મજા મારી નાખે છે. ચહેરાના અમુક ભાગમાં અત્યંત પ્રકાશ રહે અને કેટલાક ભાગમાં બધું કાળું ધબ્બ થઈ જાય. આ સ્થિતિમાં પણ એચડીઆર મોડમાં ફોટોગ્રાફી કરવાથી ચહેરા પર પ્રકાશ અને પડછાયાનું સરસ સંતુલન જળવાશે અને ફોટોગ્રાફ કોઈની પણ નજર જકડી રાખે એવો મળશે.

ઓછા પ્રકાશમાં કે પ્રકાશની વિરુદ્ધ દિશામાંથી ફોટોગ્રાફી : સૂયર્સ્તિ સમયે કે અન્ય સ્થિતિમાં જો આપણે પ્રકાશના સ્રોતની સામે ઊભા રહીને ફોટોગ્રાફી કરતા હોઈએ તો પણ ઘણી વાર એવું બને છે કે ફોટોગ્રાફમાં ઘણો બધો ભાગ એકદમ ડાર્ક આવે. આવા સંજોગમાં પણ એચડીઆર ફોટોગ્રાફી કરવાથી સરસ પરિણામ મેળવી શકાય.

એચડીઆર મોડનો ઉપયોગ ક્યારે ન કરવો જોઈએ?

મૂવમેન્ટવાળા ફોટોગ્રાફ : જ્યારે આપણે કોઈ વ્યક્તિ હલનચલન કરી રહી હોય (કે કરવાની શક્યતા હોય) એવી સ્થિતિમાં ફોટોગ્રાફી કરતા હોઈએ ત્યારે એચડીઆર મોડનો ઉપયોગ ફોટોગ્રાફની બધી મજા બગાડી શકે છે.

કારણ સાદું છે – એચડીઆર મોડમાં એક સાથે ત્રણ ફોટોગ્રાફ લેવામાં આવે છે પરિણામે આ પ્રક્રિયા દરમિયાન જો આપણે જેની ફોટોગ્રાફી કરી રહ્યા હોઈએ તે વ્યક્તિ હલનચલન કરે તો અલગ અલગ સ્થિતિના ત્રણ ફોટોગ્રાફ લેવાય અને એ ત્રણેય મર્જ થતાં ફોટોગ્રાફ બ્લર થયેલો લાગે.

જ્યારે આપણે હાઇકોન્ટ્રાસ્ટ ઈચ્છતા હોઈએ : ઘણી સ્થિતિમાં આપણે જાણી જોઈને તસવીરમાં પ્રકાશ અને પડછાયાની રમત જળવાય એવું પરિણામ મેળવવા માગતા હોઈએ છીએ, જેમ કે ઢળતી સાંજે દરિયાકિનારે કોઈ વ્યક્તિની પાછળ ડૂબતા સૂર્યનો ફોટોગ્રાફ લઈએ ત્યારે આપણે વ્યક્તિનો માત્ર પડછાયો દેખાય એવું ઇચ્છતા હોઈએ તો એચડીઆર મોડમાં ફોટોગ્રાફી કરવાથી ધાર્યું પરિણામ મળશે નહી.

રંગોની વિવિધતાની સ્થિતિમાં : આપણા સબ્જેક્ટમાં અનેકવિધ બ્રાઇટ કલર્સ હોય અને એની રંગછટા એ જ પ્રમાણમાં તસવીરમાં ઝીલાય તેવું આપણે ઇચ્છતા હોઈએ ત્યારે એચડીઆર મોડમાં ફોટોગ્રાફી કરવા જતા રંગો ઝાંખા બની જાય એવી શક્યતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!