(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મોબાઇલમાં ગુજરાતી ફોન્ટની દવા

તમારા એન્ડ્રોઇડ મોબાઇલમાં ગુજરાતી ફોન્ટ ન હોય તો હવે સાવ નાસીપાસ થવાની જરૂર નથી, ફાયરફોક્સ અને યુસી બ્રાઉઝરમાં હવે સહેલાઈથી ગુજરાતી સાઇટ્સ જોઈ શકાય છે.

તમને ઇન્ટરનેટ પર ગુજરાતી સાઇટ્સ સર્ફ કરવાનો શોખ હોય, ગુજરાતીમાં સોશિયલ શેરિંગ કરવું પણ ગમતું હોય, એ કામ ગમે ત્યારે, ગમે ત્યાંથી આગળ ધપાવવા માટે તમે સરસ મજાનો નવો સ્માર્ટફોન ખરીદો અને પછી ખબર પડે કે આપણો એ મજાનો સ્માર્ટફોન ગુજરાતી ફોન્ટ સપોર્ટ જ કરતો નથી, તો? મોટા ભાગે આપણે અકળાઈએ, ઝાઝી તપાસ કર્યા વિના ફોન ખરીદવા માટે પસ્તાઈએ, પછી બે-ચાર જાણકાર મિત્રોને ઉપાય પૂછી જોઈએ અને છેવટે થાકીને, પડ્યું પાનું નિભાવી લઈએ!

અત્યારે સુરત સ્થાયી થયેલા ડો. કેતન ઝવેરી જરા જુદી માટીના છે. બે-ત્રણ મહિના પહેલાં એમની સાથે આવું જ થયું એટલે એ કામે લાગ્યા અને ગુજરાતી ફોન્ટ વિનાના સ્માર્ટફોનમાં સહેલાઈથી ગુજરાતી લખાણ વાંચી શકાય એવું એક ગુજરાતી ફોન્ટ્સ પેકેજ ડેવલપ કર્યું! ફક્ત ગુજરાતી જ નહીં, બીજી સાત-આઠ ભારતીય ભાષાઓ માટે પણ તેમણે આ સુવિધા ઊભી કરી આપી.

આટલું વાંચીને તમને પણ તમારા સ્માર્ટફોનમાં ગુજરાતી ફોન્ટ ઉમેરવાની ચટપટી જાગી હશે, પણ આખી વાત જરા મૂળમાંથી સમજી લઈએ. તમે જાણતા જ હશો તેમ, કમ્પ્યુટરમાં કોઈ ફોન્ટ ન હોય તો આપણે ઉમેરી શકીએ પણ સ્માર્ટફોનમાં એવું (સહેલાઈથી) થઈ શકતું નથી. ગુજરાતી યુનિકોડ ફોન્ટ ધરાવતી વેબસાઇટ ફોનના બ્રાઉઝરમાં વાંચવી હોય તો બ્રાઉઝર પહેલાં તો ફોનમાં એ ફોન્ટ શોધવા જાય (યુનિકોડ ફોન્ટ બાય ડિફોલ્ટ નવાં પીસીમાં આવતા હોવાથી વેબસાઇટમાં એ ફોન્ટ એમ્બેડ કરેલા હોતા નથી). ફોનમાં (ખાસ કરીને એન્ડ્રોઇડ ફોનમાં) ગુજરાતી ફોન્ટ ન મળે એટલે આપણે લખાણ વાંચી ન શકીએ.

બીજી તરફ, ફાયરફોક્સ કે ક્રોમ જેવાં બ્રાઉઝરમાં જુદા જુદા ડેવલપર્સ એડઓન્સ કે એક્સટેન્શન (એક જાતના નાના પ્રોગ્રામ) સ્વરૂપે, પોતાની રીતે નાની-નાની સુવિધાઓ ઉમેરી શકતા હોય છે. આવા એડઓન્સની આખી લાઇબ્રેરી હોય અને આપણે ત્યાંથી ગમતાં કે જરૂરી એડ-ઓન આપણા બ્રાઉઝરમાં ઉમેરી શકીએ. (ઓપેરા મિનિ બ્રાઉઝરમાં ગુજરાતી ફોન્ટ વાંચી શકાય એવી એક સવલત છે, પણ ઘણી સાઇટ આ બ્રાઉઝરમાં યોગ્ય રીતે દેખાતી હોતી નથી).

કેતનભાઈએ આ જ સુવિધાનો લાભ લીધો. જો તમારે પણ તેનો લાભ લેવો હોય તો…

  • પહેલાં તમારા સ્માર્ટફોનમાં ફાયરફોક્સ મોઝિલા બ્રાઉઝર ઇન્સ્ટોલ કરી લો.
  • પછી તેને ઓપન કરશો ત્યારે તેના હોમપેજ પર એડ-ઓન્સ: કસ્ટમાઇઝ ફાયરફોક્સ એવું એક ટેબ દેખાશે.
  • તેને ક્લિક કરતાં એડ-ઓન્સ લાઇબ્રેરી ખૂલશે.
  • તેમાં Gujarati Fonts Packageસર્ચ કરો અને પછી આ એક્સપરીમેન્ટલ એડ-ઓન એક ક્લિકથી બ્રાઉઝરમાં ઇન્સ્ટોલ કરી લો.

હવે જ્યારે તમે ફાયરફોક્સમાં કોઈ પણ ગુજરાત સાઇટ ઓપન કરશો ત્યારે બ્રાઉઝર ફોનમાં ગુજરાતી ફોન્ટ શોધવા નહીં જાય, પણ આ એડ-ઓનમાંના ગુજરાતી ફોન્ટનો ઉપયોગ કરી લેશે.

અફસોસ એટલો કે આ સગવડ માત્ર ફાયરફોક્સ પૂરતી છે. ફેસબુક કે વોટ્સએપ જેવી એપમાં તેનો લાભ મળી શકતો નથી. આ એપ્સના ડેવલપર્સ પોતાની એપમાં સ્થાનિક ભાષાના ફોન્ટ ઉમેરે તો આ કામ થઈ જાય (આ એપ્સ ફાયરફોક્સની જેમ ઓપન સોર્સ ન હોવાથી બીજા ડેવલપર્સ તેમાં સગવડ ઉમેરી શકતા નથી). જોકે કેતનભાઈએ તેનો પણ ઉપાય શોધ્યો છે તેમણે એક એવું વેબપેજ (http://healthy100.in/3lipi.html) બનાવ્યું છે જેમાં કોઈ પ્રકારના વિશિષ્ટ કીબોર્ડ વગર કે ફોન્ટ ઇન્સ્ટોલ કયર્િ વગર કોઈ પણ બ્રાઉઝરમાં ગુજરાતી કે હિન્દી ટાઇપ કરીને વોટ્સએપ કે મેઇલ પર મોકલી શકાય છે.

આપણે આપણા સ્વાર્થ પૂરતી આ બધી વાત તો જાણી લીધી, પણ કેતનભાઈ નિ:સ્વાર્થ ભાવે જે કરી રહ્યા છે એ પણ જાણવા-અનુસરવા જેવું છે. કેતનભાઈ એમડી (જનરલ મેડિસિન) થયા પછી ભણશાળી ટ્રસ્ટ સાથે સંકળાયા અને અત્યારે સુરતમાં આ ટ્રસ્ટ સંચાલિત જીવનશૈલી ક્લિનિકમાં ફૂલ-ટાઇમ ફિઝિશિયન અને મેડિકલ ડિરેક્ટર તરીકે સેવા આવે છે. આરોગ્ય શિક્ષણમાં ઊંડા રસને કારણે વિવિધ અખબારોમાં કોલમ પણ લખી (એમનાં આરોગ્યલક્ષી પુસ્તકો http://jivanshaili.in પર વિનામૂલ્યે મળે છે).

કેતનભાઈ એટલેથી અટક્યા નથી. પોતાના તબીબી વ્યવસાયમાં જ્યાં જ્યાં ઇન્ફર્મેશન ટેક્નોલોજી ઉપયોગી જણાય ત્યાં પોતે વિવિધ સોફ્ટવેર, એપ્લિકેશન, ડેટાબેઝ વગેરે ડેવલપ કર્યું. કેતનભાઈ હળવાશથી કહે છે કે આઇટીની એકપણ ચોપડી ખરીદી નથી કે કોઈ કોર્સ કર્યો નથી, જાતે જ મથામણ કરવાની ને શીખવાનું! એ દૃષ્ટિએ કેતનભાઇ પેલી મોબાઇલ કંપનીની જાહેરાતમાં આવે છે તેમ આઇઆઇએનના વિદ્યાર્થી છે. હવે હૈદરાબાદની ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં ભણતો તેમનો પુત્ર પણ તેમની મદદે છે.


તો હવે જ્યારે તમારા ગુજરાતી ફોન્ટ વગરના ફોનમાં ગુજરાતી વાંચો ત્યારે ડોક્ટર કેતનભાઈના પ્રદાનને યાદ કરજો અને વિચારજો કે કંઈ કરી છૂટવાની ધગશ હોય અને સતત શીખતા રહેવાની તૈયારી હોય તો કશું અશક્ય નથી!

યુસી બ્રાઉઝરમાં ગુજરાતી ફોન્ટ

ભાવનગરના બીજા એક ક્ધસલ્ટિંગ ફિઝિશિયન ડો. પ્રદીપભાઈ જોશીએ યુસી બ્રાઉઝરમાં ગુજરાતી ફોન્ટ ઇનેબલ કરવાનો એક ઉપાય સૂચવ્યો છે.

એ મુજબ, તમારા મોબાઇલમાં યુસી બ્રાઉઝરનું લેટેસ્ટ વર્ઝન ઇન્સ્ટોલ કરી લો અને પછી તેમાં કોઈ ગુજરાતી વેબસાઇટ ઓપન કરો ત્યારે બ્રાઉઝરની સિસ્ટમ તમને પૂછશે કે આ વેબપેજના ફોન્ટ તમારા ફોનમાં નથી, તેને ઇન્સ્ટોલ કરી લેવા છે? જો આપણે હા પાડીએ તો યુસી બ્રાઉઝરમાં ગુજરાતી ફોન્ટ ઇન્સ્ટોલ થઈ જાય અને પછી કોઈ પણ ગુજરાતી સાઇટ આપણે નિરાંતે વાંચી શકીએ.

જો તમે અગાઉ આ બ્રાઉઝર ઇન્સ્ટોલ કર્યું હોય અને તેમાં ગુજરાતી સાઇટ વાંચી ન શકાતી હોય તો બ્રાઉઝર અનઇસ્ટોલ કરી, ફરી ઇન્સ્ટોલ કરવું પડશે. જોકે યુસી બ્રાઉઝરમાં ગુજરાતી ટેક્સ્ટમાં હૃસ્વ અમુક માત્રા ગાયબ થઈ જાય છે.

આ યુસી બ્રાઉઝર મોબાઇલ યુઝર્સમાં ખાસ્સું લોકપ્રિય છે. એક તો એમાં ખરેખર ગજબનાક સ્પીડે બ્રાઉઝિંગ કરી શકાય છે અને બીજું તેમાં નીતનવાં ફીચર્સ ઉમેરાતાં રહે છે.

જેમ કે તેમાંનાં ફેસબુક માટેનાં એડઓન્સ. આપણે યુસી બ્રાઉઝરમાં ફેસબુકમાં લોગ-ઇન થઈએ એ સાથે બ્રાઉઝર પૂછે છે કે તમે ફેસબુક વધુ ઝડપે બ્રાઉઝર કરવા માગો છો? આપણે હા પાડીએ તો આ એડઓન ઇનેબલ થાય અને યુસી બ્રાઉઝરની બીજાં બ્રાઉઝર કરતાં વધુ ઝડપી એવી રેગ્યુલર ઝડપ કરતાં પણ વધુ ઝડપે ફેસબુકનાં પેજ લોડ થાય છે!

એ ઉપરાંત હવે યુસી બ્રાઉઝરમાં રીયલ ટાઇમ નોટિફિકેશન્સની સુવિધા પણ ઉમેરાઈ છે. પરિણામે જે રીતે આપણે મોબાઇલમાં ફેસબુક એપનો ઉપયોગ કરતા હોઈએ અને તેમાં પુશ નોટિફિકેશન્સનો લાભ મળે એ જ રીતે યુસી બ્રાઉઝરમાં પણ મળી શકે.

ગુજરાતી ફોન્ટ વિનાના મોબાઇલ ધરાવતા અને ફેસબુક પર ગુજરાતીમાં વધુ એક્ટિવ લોકો માટે ફેસબુકની એપ ઉપયોગી નથી, પણ યુસી બ્રાઉઝર તેનાં આ ફીચર્સ સાથે કસર પૂરી કરી દે છે.

જો તમે ફેસબુક ઉપરાંત ક્રિકેટના પણ રસિયા હો તો પણ યુસી બ્રાઉઝર મોબાઇલમાં એડ કરી લેવા જેવું છે કેમ કે તેમાં વર્લ્ડ કપને ધ્યાનમાં લઈને કેટલાંક ફીચર ઉમેરાયાં છે. યુસી બ્રાઉઝર ઓપન કરતાં, તેના હોમ પેજ પર અન્ય કેટલીક સાઇટ્સની સાથોસાથ ક્રિકેટની એક લિંક જોવા મળશે. તેને ક્લિક કરતાં લાઇવ સ્કોર, કમેન્ટ્રીઝ, ન્યૂઝ, ફોટોઝ, વીડિયો વગેરે ઘણું બધું નજર સામે રહેશે. મોબાઇલમાં બીજી કોઈ એપની જ‚ર રહેશે નહીં.

યુસી બ્રાઉઝર મૂળ ચાઇનીઝ કંપનીએ ડેવલપ કરેલું બ્રાઉઝર છે એટલે આ બ્રાઉઝર અને સેફ્ટી વિશે અવારનવાર સવાલો ઊઠે છે, પણ કંપનીના દાવા મુજબ તેના કુલ ૩૦૦૦ કર્મચારીઓમાંથી ૮૦ ટકા કર્મચારી પ્રોડક્ટ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં પરોવાયેલા રહે છે, પરિણામે અન્ય બ્રાઉઝર્સ કરતાં તેમાં વધુ ઝડપથી નવાં ફીચર્સ ઉમેરાય છે.

યુસી બ્રાઉઝર ભારતમાં સૌથી લોકપ્રિય બ્રાઉઝર ગણાય છે અને એનું કારણ દેખીતું છે તેની ઝડપ. પરિણામે લોકો સતત ઓછા ખર્ચે, ઓછા સમયમાં વધુ મેળવી લેવાની વેતરણમાં રહે તે સ્વાભાવિક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!