(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ નેવિગેશનમાં હવે હિન્દીમાં માર્ગદર્શન

‘સાયબરસફર’ના એપ્રિલ ૨૦૧૩ અંકની કવરસ્ટોરીમાં આપણે સ્માર્ટફોનમાં નેવિગેશનની વિગતવાર વાત કરી ગયા છીએ.

આ સુવિધાથી સ્માર્ટફોનમાં આપણે ઘણી અસરકારક રીતે લાઇવ નેવિગેશન એટલે કે ધાર્યા સ્થળે પહોંચવા માટે નક્શા પર જીવંત માર્ગદર્શનની સુવિધા મેળવી શકીએ છીએ.

જેમ કે તમે સૌરાષ્ટ્રમાંથી અમદાવાદ કારમાં આવ્યા હોય, વસ્ત્રાપુર તળાવ પાસેની કોઈ જગ્યાએ જવાનું હોય ને અમદાવાદના રસ્તાઓથી તમે પરિચિત ન હો તો, સરખેજથી આગળ વધી તમે સ્માર્ટફોનમાં નેવિગેશન ચાલુ કરી દો તો, તમે જેમ જેમ આગળ વધતા જાવ તેમ તેમ સ્માર્ટફોનમાંના નક્શા પર તમારી કાર એક ટપકા રૂપે આગળ વધતી દેખાય અને સ્માર્ટફોનમાંથી આપણને વોઇસ ગાઇડન્સ મળે કે ઇસ્કોનનો ઓવરબ્રિજ ચઢીને આગળ જવું કે પછી તેની નીચે આગળ વધીને ઇસ્કોન ચાર રસ્તેથી જમણે વળી જવું!

આ રીતે આપણે અજાણ્યા શહેરમાં કાર વારંવાર થોભાવીને કોઈને રસ્તો પૂછવાને બદલે, નેવિગેશનને સહારે સહેલાઈથી ધાર્યા સ્થળે પહોંચી શકીએ.

આ નેવિગેશનમાં અત્યાર સુધી બે તકલીફ હતી, એક તો વોઇસ ગાઇડન્સ ઇંગ્લિશમાં હોય અને એ પણ એવા ઉચ્ચારમાં કે આપણને ભાગ્યે જ સમજાય! આપણે વળાંક લેવાનો હોય તેના થોડા અંતર પહેલાંથી સિસ્ટમ આપણને કહે ખરી કે ૨૦૦ મીટર પછી ડાબે કે જમણે વળવાનું છે, પણ એ સમજાય ત્યાં આપણે વળાંક સુધી પહોંચી ગયા હોઈએ.

ઉપરાંત, રસ્તા પર અલગ અલગ લેનમાં ટ્રાફિક આગળ વધી રહ્યો હોય ત્યારે કે પછી સામે ઓવરબ્રિજ ચઢવાનો રસ્તો હોય અને બાજુમાંથી નીચે આગળ વધવાનો રસ્તો પણ હોય ત્યારે આપણે કયો રસ્તો લેવાનો છે એ જો વહેલાસર જાણવા ન મળે તો ગોટાળા થાય.

દિલ્હી કે મુંબઈ જેવા મલ્ટિલેન રોડ અને જુદા જુદા ઓવરબ્રિજ પર ચઢવા માટેના અલગ અલગ રસ્તાવાળી સ્થિતિમાં, આપણે કયો રસ્તો પકડી રાખવાનો છે કે લેન બદલીને કઈ લેનમાં જવાનું છે એનું સમયસર માર્ગદર્શન જરૂરી છે.

નેવિગેશનમાંની આ બંને અગવડ હવે દૂર થઈ ગઈ છે.

ગૂગલે ઉત્તરાયણ પછી તરત ભારતમાં એન્ડ્રોઇડ અને આઇઓએસના યુઝર્સ માટે ગૂગલ મેપ્સમાં લેન ગાઇડન્સ અને એ પણ આપણને જોઈએ તો હિન્દી ભાષામાં મળી રહે એવી સુવિધા આપી છે. અત્યારે ભારતનાં કુલ ૨૦ મુખ્ય શહેરો (અમદાવાદ, વડોદરા ને સુરત પણ સામેલ છે)માં આ સુવિધા મળશે.

લેન ગાઇડન્સ માટે કશું ઇનેબલ કરવાની જરૂર નથી, ફક્ત મેપમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ડિરેક્શન મેળવી નેવિગેશન ઓન કરશો એટલે નક્શામાં ઉપર ડાબી તરફ એક બોક્સમાં જે તે રસ્તાની જુદી જુદી લેન અને આપણે કઈ લેનમાં રહેવાનું છે તે જોવા મળે છે.


હિન્દીમાં માર્ગદર્શન મેળવવા માટે તમારે ફોનના સેટિંગ્સમાં લેંગ્વેજ એન્ડ ઇનપૂટમાં, ફોનની ભાષા તરીકે હિન્દી પસંદ કરવાની રહેશે.

જો હિન્દી ભાષા તમને બહુ અઘરી લાગે તો તમે ભારતીય ઉચ્ચારવાળી ઇંગ્લિશ (ઇન્ડિયા)ને પણ પસંદ કરી શકો છો. જો હિન્દી ભાષા પસંદ કરશો તો મુશ્કેલી એ થશે કે પછી ફોનમાં ઘણુંખરું હિન્દી થઈ જશે અને ‘વર્તની પરીક્ષક’ કે ‘પાઠ સે વાક્ આઉટપુટ’ જેવા શબ્દો વાંચીને ગમે તેટલું માથું ખંજવાળશો તોય સમજાશે નહીં કે આ ‘સ્પેલ ચેકર’ કે ટેક્સ્ટ-ટુ-સ્પીચ આઉટપુટ’ની વાત છે!

હળવાશને બાજુએ રાખીએ તો એટલું ચોક્કસ કે ભારતીય ભાષાઓમાં કમ્પ્યુટર અને સ્માર્ટફોનના ઉપયોગને વધુ સરળ બનાવવા માટે ગૂગલ તરફથી ખરેખર ગંભીર પ્રયાસો થઈ રહ્યા છે. તમને યાદ હશે કે ગયા વર્ષે ગૂગલે મેપ્સની આખી સુવિધા હિન્દીમાં ઉપલબ્ધ કરી દીધી હતી.

તમારું ધ્યાન ન ગયું હોય તો એ પણ જાણી લો કે ગૂગલની ટ્રાન્સલેટ સર્વિસની એપમાં હવે ગુજરાતી માટે પણ હેન્ડરાઇટિંગ ઇનપુટ મોડ ઉપલબ્ધ છે, એટલે કે આ એપમાં આપણે સ્ક્રીન પર આંગળીથી મહાન લખીએ તો ટ્રાન્સલેટ સર્વિસ તેને સમજીને તેનો ઇંગ્લિશમાં ગ્રેટ એવો અનુવાદ આપી શકે છે.

આ જ એપમાં ગુજરાતી અને બીજી ચાર ભારતીય ભાષામાં વોઇસ ઇનપુટ એટલે કે આપણે બોલીએ અને સિસ્ટમ સમજી જાય (અને સામે બોલીને જ એનો અનુવાદ કહે) એવી સગવડ શરૂ કરી હોવાની ગયા વર્ષે જાહેરાત થઈ હતી, પણ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી આ સગવડ હજી માત્ર હિન્દી સુધી જ સીમિત રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!