(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પાવરપોઇન્ટમાં ઇમેજ સાથે રમત

પાવરપોઇન્ટમાં લાંબી લાંબી ટેક્સ્ટ મૂકવાને બદલે યોગ્ય ઈમેજીસથી સજાવવામાં આવે તો પ્રેઝન્ટેશનને પ્રોફેશનલ ટચ આપી શકાય. અલબત્ત, આમાં કેટલાક અવરોધ આવી શકે છે. જાણીએ તેના ઉપાય.

ઓફિસમાં કોઈ નવા પ્રોજેક્ટ માટે પ્રેઝન્ટેશન બનાવવાની જવાબદારી માથે આવી? અથવા, સ્કૂલમાં ભણતી દીકરીને પ્રોજેક્ટ તરીકે એક પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું છે અને તેમાં સુંદર વિઝ્યુઅલ્સ મૂકવાનાં છે? ઇમેજીસનાં આડેધડ લંબચોરસ ખોખાં મૂકીને તો  સૌ કોઈ પ્રેઝન્ટેશન બનાવી શકે, પણ જો તમે એક જ સ્લાઇડમાં, એકબીજા પર ઓવરલેપ થતી હોય તેવી ઇમેજીસ સાથે રજૂઆત કરો તો વાતમાં કંઈક દમ આવે. પરંતુ પાવરપોઇન્ટમાં સરસ વિઝ્યુઅલ્સ સાથે પ્રેઝન્ટેશન બનાવતા લોકોને એક સમસ્યા વારંવાર સતાવતી હોય છે.

ખાસ કરીને જ્યારે પાવરપોઇન્ટમાં આખી સ્લાઇડમાં આપણે કોઈ ઇમેજનો બેકગ્રાઉન્ડમાં તરીકે ઉપયોગ કર્યો હોય અને તેમાં આપણે લોગો કે બીજી કોઈ ઇમેજ પણ ઉમેરવાની હોય ત્યારે, જો એ લોગો કે ઇમેજમાં ટ્રાન્સપરન્ટ બેકગ્રાઉન્ડ ન હોય તો સમસ્યા ઊભી થાય.

પાવરપોઇન્ટમાં જુદા જુદા પ્રકારના ફોર્મેટની ઇમેજ ફાઇલ્સ ઇમ્પોર્ટ કરી શકાય છે, પરંતુ સામાન્ય રીતે ઇમેજીસ જેપીઇજી ફોર્મેટમાં હોય છે અને ટ્રાન્સપરન્ટ બેકગ્રાઉન્ડ મળતું નથી. પરિણામે એક ઇમેજ પર બીજી ઇમેજ મૂકીએ ત્યારે બીજી ઇમેજ લંબચોરસ ફ્રેમમાં વ્હાઇટ બેકગ્રાઉન્ડ સાથે દેખાય અને સરસ વિઝ્યુઅલ ઇફેક્ટ ઊભી થાય નહીં.

જો તમારી પાસે ફોટોશોપ જેવો પાવરફૂલ ઇમેજ એડિટિંગ પ્રોગ્રામ હોય તો તો તમે એ લોગો કે ઇમેજ ફોટોશોપમાં બારીક રીતે એડિટ કરી શકો છો અને વ્હાઇટ બેકગ્રાઉન્ડ દૂર કરીને ટ્રાન્સપરન્સી સાથે, પીએનજી ફોર્મેટમાં એ ઇમેજને સેવ કરી શકો છો, જે ફોર્મેટને પાવરપોઇન્ટમાં ઇમ્પોર્ટ કરી શકાય છે.

પરંતુ બધા લોકો પાસે ફોટોશોપ પ્રોગ્રામ હોય નહીં અને હોય તો એક્સપર્ટ જેવું કાળજીભર્યું એડિટિંગ ન પણઆવડે.

તો?

તો એનો સહેલો ઉપાય છે અને એ પણ પાવરપોઇન્ટમાં જ! આપણે સ્ટેપ-બાય-સ્ટેપ સમજીએ.

ઇમેજનું બેકગ્રાઉન્ડ કઈ રીતે ટ્રાન્સપરન્ટ કરાય?

બાજુની તસવીરોમાં તમે જોશો તેમ આપણે પાવરપોઇન્ટની એક સ્લાઇડમાં એક બેકગ્રાઉન્ડ ઇમેજ લીધી છે અને તેના પર સાયબરસફરનો લોગો પ્લેસ કર્યો છે. આ લોગો જેપીઇજી ફોર્મેટમાં છે એટલે તેમાં વ્હાઇટ બેકગ્રાઉન્ડ દેખાય છે. આપણે તેને દૂર કરવું છે.

આ માટે, ઉપર સ્ક્રીનશોટમાં બતાવ્યું છે તેમ લોગોને સિલેક્ટ કરો.


હવે ઉપરની રીબનમાં ફોર્મેટ ટેબમાં જાઓ. અહીં સૌથી પહેલાં ‘એડજસ્ટ’ સેક્શન જોવા મળશે. અહીં તમે જોશો તેમ સિલેક્ટ કરેલ ઇમેજની બ્રાઇનેસ કે કોન્ટ્રાસ્ટનું પ્રમાણ વધતું-ઓછું કરવાના વિકલ્પ છે. તે ઉપરાંત રીકલરનો પણ એક ઓપ્શન છે. તેના પર ક્લિક કરતાં, ઇમેજને જુદા જુદા કલર મોડમાં ફેરવવાના વિકલ્પ મળશે (માઇક્રોસોફ્ટ ઓફિસની મજા એ છે કે તેમાં જુદા જુદા વિકલ્પો પર માઉસ લઈ જતાં તરત તેની અસર જોવા મળે છે!). આ બધા વિકલ્પો આપણે ખાસ કામના નથી, પણ તે બધાના અંતે, ‘સેટ ટ્રાન્સપરન્ટ કલર’નો એક ઓપ્શન છે.

આ ઓપ્શન આપણે કામનો છે. તેના પર ક્લિક કરતાં, માઉસના એરો સાથે એક ડ્રોપર જેવી નિશાની જોડાશે. તેનાથી આપણે સિલેક્ટ કરેલી ઇમેજ કે લોગોના વ્હાઇટ બેકગ્રાઉન્ટ પર ક્લિક કરતાં, વ્હાઇટ ભાગ ટ્રાન્સપરન્ટ થઈ જશે!

ઇમેજમાં વ્હાઇટ કલર જેટલો સ્પષ્ટ હશે એટલી આપણને વધુ સારું પરિણામ મળશે. એટલે કે કોઈ વ્યક્તિના માથાના વાળ હવામાં ઊડતા હોય તેના બેકગ્રાઉન્ડમાંનો વ્હાઇટ કલર ઉડાડવો હશે તો આપણને ધાર્યું પરિણામ મળશે નહીં.

બીજી એક વાત, આ રીતે ઇમેજના બેકગ્રાઉન્ડને ટ્રાન્સપરન્ટ કરવા જતાં, ઇમેજમાં વચ્ચે ક્યાંય વ્હાઇટ કલર હશે તો તે પણ ટ્રાન્સપરન્ટ થઈ જશે. આના ઉપાય તરીકે, ઇમેજમાં જ્યાં આપણે વ્હાઇટ કલર રહેવા દેવા માગતા હોઈએ ત્યાં કોઈ નાનો શેપ મૂકી, તેને વ્હાઇટ કલરથી ફિલ કરીને સ્લાઇડના બેકગ્રાઉન્ડ અને આપણી ઇમેજની વચ્ચે રહે તે લેયરમાં મૂકી શકીએ. જો આપણો શેપ બંધબેસતો ન થતો હોય તો તેને સિલેક્ટ કરી, ફોર્મેટમાં જઈ, પહેલા જ સેક્શનમાં ‘એડિટ શેપ’નો વિકલ્પ મળશે. તેને ક્લિક કરી, ‘ક્ન્વર્ટ ટુ ફ્રીડમ’ સિલેક્ટ કરો. હવે આપણા શેપની કિનાર પર જુદાં જુદાં પોઇન્ટ દેખાશે અને તેની મદદથી આપણે શેપને ઇચ્છીએ તેઓ આકાર આપી શકીશું. આ જરા મહાવરો માગી લેતું કામ છે, પણ એક વાર ફાવટ આવ્યા પછી સહેલું છે!

આખેઆખી ઇમેજને કઈ રીતે ટ્રાન્સપરન્ટ કરી શકાય?

આપણે જોયું કે પાવરપોઇન્ટમાં ઇમેજની બ્રાઇટનેસ, કોન્ટ્રાસ્ટ વગેરેમાં પરિવર્તન કરી શકાય છે. તેના બેકગ્રાઉન્ડને પણ ટ્રાન્સપરન્ટ કરી શકાય છે, પણ આખી ઇમેજને ટ્રાન્સપરન્ટ કરવાનો કોઈ સહેલો કે સીધો ઉપાય પાવરપોઇન્ટમાં નથી. એ માટે આપણા જરા અવળો રસ્તો પકડવો પડે છે.

આપણે પાવરપોઇન્ટમાં કોઈ ઇમેજને ટ્રાન્સપરન્સી સાથે બેકગ્રાઉન્ડની ઉપર મૂકવા માગતા હોઈએ તો કોઈ પણ બેકગ્રાઉન્ડવાળી સ્લાઇડમાં કોઈ પણ એક શેપ ઇન્સર્ટ કરો. ધારો કે આપણે એક સર્કલ ઇન્સર્ટ કર્યું. હવે તે સર્કલને રાઇટ ક્લિક કરતાં, છેક છેલ્લે ફોર્મેટ શેપનો વિકલ્પ મળશે. તેમાં આ શેપની અંદર કોઈ પિક્ચર એડ કરવાનો વિકલ્પ મળશે.

આપણે કમ્પ્યુટરમાંની કોઈ ઇમેજ ફાઇલ ઇન્સર્ટ કરીશું એ સાથે, એ જ ઓપ્શન વિન્ડોમાં તેને ૦થી ૧૦૦ ટકા વચ્ચે ટ્રાન્સપરન્સી આપવાનો વિકલ્પ મળશે!

અલબત્ત, પાવરપોઇન્ટનો મૂળ ઉપયોગ ઇમેજ એડિટિંગનો નથી એટલે બીજાં કોરલ-ડ્રો, ઇનડિઝાઈન કે ફોટોશોપમાં જેટલી સુવિધાઓ મળે એટલી અહીં મળતી નથી.

પરંતુ આટલું કરીને પણ તમે તમારા પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનને ‘પ્રોફેશનલ’ ટચ આપી શકશો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!