માઇક્રોસોફ્ટ વર્ડમાં પેરેગ્રાફને ઉપર-નીચે કરવા હોય કે જુદા-જુદા પેરેગ્રાફના ક્રમ બદલવા હોય તો આ સહેલું બની શકે છે, આ રીતે…
વર્ડમાં પેરેગ્રાફ ઉપર-નીચે કરવા હોય તો…
ઘણી વાર આપણે વર્ડમાં કોઈ રીપોર્ટ કે ડોક્યુમેન્ટ તૈયાર કરીએ ત્યાર પછી આખું લખાણ ફરી વાર તપાસી રહ્યા હોઈએ ત્યારે કોઈ પેરેગ્રાફને ઉપર-નીચે કરવાની જરૂર ઊભી થાય. આવું થાય ત્યારે સામાન્ય રીતે આપણે આખો પેરેગ્રાફ સિલેક્ટ કરી, કોપી કરીને બધી જ્યાં મૂકવો હોય ત્યાં પેસ્ટ કરીએ.
પણ તેના કરતાં એક વધુ સહેલો ઉપાય છે. જે પેરેગ્રાફને ખસેડવાનો હોય તેમાં ગમે ત્યાં કર્સર મૂકો અને પછી અહિAlt+Shift કી પ્રેસ કરી રાખીને અપ કે ડાઉન એરો ક્લિક કરો. અપ એરો ક્લિક કરતાં આપણો પેરેગ્રાફ તેની ઉપરના પેરેગ્રાફની ઉપર પહોંચી જશે અને ડાઉન એરો ક્લિક કરીશું તો તેની નીચેના પેરેગ્રાફની નીચે પહોંચી જશે!
વર્ડમાં જુદા જુદા પેરેગ્રાફના ક્રમ બદલવા હોય તો…
ડોક્યુમેન્ટમાં કોઈ એક જ પેરેગ્રાફને ઉપર-નીચે કરવાનો હોય ત્યારે આગળ બતાવેલી રીત કામ લાગે, પણ લખાણ ધ્યાનથી તપાસીએ અને પછી પાંચ-સાત પેરેગ્રાફના ક્રમ બદલવા જરૂરી લાગે તો?
વર્ડ પાસે તેનો પણ ઉપાય હાજર છે. સરળતા ખાતર આપણે ધારી લઈએ કે આપણા લખાણમાં કુલ પાંચ પેરેગ્રાફ છે અને તેમના ક્રમ આપણે બદલવા છે, એટલે કે ચોથા પેરેગ્રાફને બીજા ક્રમે લઈ જવો છે, ત્રીજાને પાંચમા ક્રમે વગેરે. તો પાંચેય પેરેગ્રાફ માટે જે નવો ક્રમ તૈયાર કરવો હોય તે મુજબ, દરેક પેરેગ્રાફ પહેલાં, તેને જે નવા ક્રમે મૂકવો હોય તે ક્રમ લખી નાખો.
જેમ પહેલો પેરેગ્રાફ યથાવત રાખવો હોય તો તેની પહેલાં ૧, બીજા પેરેગ્રાફને ચોથા ક્રમે લઈ જવો હોય તો તેની પહેલાં ૪ વગેરે.
આ રીતે પાંચેય પેરેગ્રાફને નવા ક્રમ અપાઈ ગયા પછી, મથાળાની રીબનમાં, હોમ ટેબમાં, પેરેગ્રાફ ગ્રૂપમાં જાઓ અને તેમાં સોર્ટ ટૂલ પર ક્લિક કરો. આથી સોર્ટ ટેક્સનું ડાયલોગ બોક્સ ખૂલશે.
તેમાં ‘સોર્ટ બાય’માં પેરેગ્રાફ પસંદ કરો અને ‘ટાઇપ’માં નંબર પસંદ કરી લો. હવે ઓકે ક્લિક કરતાં, પાંચેય પેરેગ્રાફ ૧,૨૩,૪,૫ ના નવા ક્રમમાં ગોઠવાઈ જશે! હવે દરેક પેરેગ્રાફ પહેલાં આપણે લખેલો નંબર ડીલિટ કરી દો એટલે આપણું કામ પૂરું!

