આગળ શું વાંચશો?
- જમ્પ
- કીપ
- લૂન
- મેપ્સ
- માય બિઝનેસ
- મકાની
- નેક્સસ
- ન્યૂઝ
- નાઉ
જમ્પ
આપણા માટે લગભગ અજાણ્યું એવું ગૂગલનું વધુ એક પાસું. ગૂગલે આ વર્ષે મે મહિનામાં આ પ્રોજેક્ટની જાહેરાત કરી. સપ્ટેમ્બર ૨૦૧૫ અંકમાં આપણે જાયન્ટ ટેક કંપનીઓ વર્ચ્યુઅલ રીયાલિટી ક્ષેત્રે કેવી હરણફાળ ભરી રહી છે એની વાત કરી હતી.
વીઆરની મોટી તકલીફ એ છે કે આ ટેક્નોલોજી વિક્સાવવા માટે મોટી મોટી કંપનીઓ મથી રહી છે, પણ એની મજા માણવા કે આ ટેક્નોલોજીની ક્ષમતાનો પૂરો ઉપયોગ કરી શકાય એવું કન્ટેન્ટ ક્યાંથી લાવવું? યુટ્યૂબની અપાર લોકપ્રિયતાનાં મૂળ વીડિયો તૈયાર કરવાની ટેક્નોલોજીમાં નથી, પણ અસંખ્ય લોકોએ તૈયાર કરેલા વીડિયોમાં અને તેને એક પ્લેટફોર્મ પર મૂકવાની ક્ષમતામાં છે.
ગૂગલ વર્ચ્યુઅલ રીયલ ક્ન્ટેન્ટ લોકો પોતે સર્જી શકે તેવી વેતરણમાં છે. તેણે ગોપ્રો નામની એક કંપની સાથે મળીને, ‘જમ્પ’ નામે એક ખાસ પ્રકારની ‘કેમેરા રીગ’ (એકથી વધુ કેમેરાની ગોઠવણ) વિકસાવી છે. ૧૬ કેમેરાની બનેલી આ રીગથી ૩૬૦ ડીગ્રીની ફોટોગ્રાફી કરી શકાય છે. ‘જમ્પ’ પ્રોજેક્ટમાં આ કેમેરાથી ફોટોગ્રાફી ઉપરાંત, તેનાથી જે ફૂટેજ એકઠું થાય તેને યોગ્ય રીતે, આપોઆપ એકમેક સાથે જોડવાનું કામ કરતું સોફ્ટવેર અને આ રીતે તૈયાર થયેલા વર્ચ્યુઅલ રીયલ કન્ટેન્ટને જોવા માટેના પ્લેયરનો પણ સમાવેશ છે.
આ પ્લેયર એટલે યુટ્યૂબ! ગૂગલે વર્ચ્યુઅલ રીયલ કન્ટેન્ટ પ્લે કરવા માટે કોઈ નવું પ્લેયર વિક્સાવવાને બદલે યુટ્યૂબનો જ ઉપયોગ કર્યો છે. લોકોએ સર્જેલા આવા વીઆર વીડિયો યુટ્યૂબ પર ઉપલબ્ધ થશે, અલબત્ત તેને જોવા માટે ખાસ પ્રકારનો હેડસેટ જોઈશે. આપણે આ સીરિઝમાં અગાઉ જાણ્યું હતું તેમ લોકો તદ્દન નજીવા ખર્ચે, કાર્ડબોર્ડમાંથી વીઆર હેડસેટ બનાવી શકે છે, તેના બીજા છેડે સ્માર્ટફોન મૂકી, તેમાં ગૂગલ કાર્ડબોર્ડ એપ ઇન્સ્ટોલ કરી, યુટ્યૂબની એપમાં વીઆર વીડિયો ચલાવીને વર્ચ્યુઅલ રીયાલિટીનો આનંદ માણી શકશે!
www.google.com/get/cardboard/jump/
કીપ
મહત્વના મુદ્દા કે વિચારને ફટાફટ ટપકાવી શકાય અને પછી ઇચ્છીએ ત્યારે તેને શોધી શકીએ એવી સગવડ આપતી સર્વિસ. આ વિશે જુલાઈ ૨૦૧૫ના અંકમાં આખો લેખ છે.
લૂન
આકાશમાં તરતાં ખાસ પ્રકારનાં મોટાં બલૂન્સનું નેટવર્ક બનાવી, તેનાથી ઇન્ટરનેટ એક્સેસથી વંચિત વિસ્તારોમાં નેટ કનેક્શન આપવાના ગૂગલના આ પ્રોજેક્ટનાં મૂળ ૨૦૦૮માં છે, પણ જૂન ૨૦૧૩માં ગૂગલે તેના અખતરા શરૂ કર્યા.
એ સમયે ગપગોળા જેવો લાગતો આ પ્રોજેક્ટ ટૂંક સમયમાં આખા શ્રીલંકાને નેટ કનેક્ટિવિટી આપશે અને ભારતમાં પણ તેનો ઉપયોગ થાય તેવા સમાચાર છે. જુલાઈ ૨૦૧૩ના અંકની કવરસ્ટોરી પ્રોજેક્ટ લૂન પર જ હતી.
મેપ્સ
આમ તો ‘એલ’ પરથી ‘એમ’માં જતાં પહેલાં આપણે ગૂગલ ‘લોકલ’ પ્રોગ્રામની વાત કરવી જોઈએ, પણ એ હવે મેપ્સનો જ એક ભાગ છે. ગૂગલે ફેબ્રુઆરી ૨૦૦૫માં ગૂગલ મેપ્સ લોન્ચ કર્યા અને બે મહિના પછી તેમાં સેટેલાઇટ વ્યૂ અને ડિરેક્શન્સની સુવિધા ઉમેરી.
પાછલાં દસ વર્ષમાં, ગૂગલ મેપ્સ પર લાઇવ નેવિગેશન, લાઇવ ટ્રાફિક ઇન્ફર્મેશન, ૩-ડી ઇમેજીસ, ઇનસાઇડ બિલ્ડિંગ મેપ્સ, આસપાસનાં સ્થળો સર્ચ કરવાની સુવિધા, પબ્લિક ટ્રાન્સપોર્ટનાં ટાઇમ-ટેબલ અને તેના દરેક સ્ટોપની માહિતી, સ્ટ્રીટ વ્યૂ વગેરે અનેક સુવિધાઓ ઉમેરાતાં અને સ્માર્ટફોન પર મેપ્સ ઉમેરાતાં, નક્શાની દુનિયા જ બદલાઈ ગઈ છે.
ગૂગલની જેમ એપલ, માઇક્રોસોફ્ટ, નોકિયા વગેરે કંપની પણ ડિજિટલ મેપ્સમાં ઘણી આગળ વધી છે. મેપ્સમાં ઉમેરાતી નવી સુવિધાઓ વિશે અગાઉના અંકોમાં અવારનવાર વાત કરી છે.
ગૂગલ મેપ્સ વિશે ચાર મિનિટનો આ વીડિયો જોવાનું ચૂકશો નહીં :
માય બિઝનેસ
તમારા બિઝનેસને વધારવા માટે એક ઉપયોગી સુવિધા. ધારો કે તમારું એક મજાનું રેસ્ટોરાં છે. કોઈ ફેમિલી તમારા વિસ્તારમાં જમવા માટે સારી રેસ્ટોરાં શોધી રહ્યું છે.
જો એ પરિવારની કોઈ વ્યક્તિ મોબાઈલ પર નજીકનું રેસ્ટોરાં સર્ચ કરે અને તેને તમારા રેસ્ટોરાંનું એક્ઝેક્ટ લોકેશન, એ વ્યક્તિના લોકેશનથી રેસ્ટોરાં સુધી પહોંચવાનું નેવિગેશન, ફોનનંબર, તમારી વેબસાઈટ, રેસ્ટોરાંના ટાઇમિંગ, કયા કયા પ્રકારનું ફૂડ ઉપલબ્ધ છે તેની માહિતી, ફોટોગ્રાફ્સ, રેસ્ટોરાંના ઇન્ટિરીયરનો વીડિયો ઉપરાંત તમારા રેસ્ટોરાં વિશે બીજા લોકોએ આપેલા અભિપ્રાય વગેરે બધું જ એક સાથે જોવા મળી જાય તો? તમને કસ્ટમર મળવાના ચાન્સ ઘણા વધી જાય.
મહત્વની વાત એ છે કે તમારા સંભવિત ગ્રાહકો ગૂગલ સર્ચ, મેપ્સ કે ગૂગલ પ્લસ ગમે ત્યાં સર્ચ કરતા હોય ત્યારે તે સર્વિસમાં તેમને આપણી માહિતી મળી શકે છે.
તમારા બિઝનેસની માહિતી ગૂગલ પાસે છે કે નહીં એ તપાસવું હોય તો ગૂગલ સર્ચમાં બિઝનેસના નામથી સર્ચ કરી જુઓ. સર્ચ રીઝલ્ટ પેજ પર, બાજુના બોક્સમાં તમારા બિઝનેસ માટેની ઉપર લખેલી બધી માહિતી જોવા ન મળે તો નીચે આપેલી સાઇટ પર પહોંચો અને તમારી માહિતી ગૂગલને આપવા માટે આગળ વધો!
મકાની
કંઈક અંશે, પ્રોજેક્ટ લૂન જેવો જ, અત્યારે દિમાગમાં ઉતરે નહીં એવો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટની શરૂઆત, ગૂગલથી સ્વતંત્ર એવા ત્રણ લોકોએ ૨૦૦૬માં કરી હતી. તેની શરૂઆત, પવન ઊર્જાનો વધુ કાર્યક્ષમ ઉપયોગ કરવાના ઉપાયો શોધવા માટે થઈ હતી.
આ પ્રોજેક્ટમાં પરંપરાગત પવનચક્કીની સરખામણીમાં મોટી બચત સાથએ વધુ પવન ઊર્જા મેળવી શકાય તેવાં નવા પ્રકારનાં વિન્ડ ટર્બાઇન વિક્સાવવામાં આવ્યાં છે. તેમાં શરૂઆતમાં કાપડમાંથી બનેલી પતંગને આકાશમાં ઉડાડી, તેની મદદથી, જમીન પર રહેલા જનરેટર સુધી પવનઊર્જા પહોંચાડવામાં આવતી હતી, હવે આ વિચાર પ્રમાણમાં મોટાં વિમાન સુધી વિકસ્યો છે, જેના પંખા પ્લેનમાં જ મૂકાયેલા જનરેટરને પવનઊર્જા આપે છે અને પછી એ પાવરનો જરૂર પ્રમાણે ઉપયોગ કરી શકાય છે.
આ પ્રોજેક્ટ કેમ મહત્વનો છે એ સમજવા જેવું છે. અમદાવાદથી રાજકોટ જતાં તમે ક્યારેક પ્લેનની પાંખ જેવી વિશાળ પાંખ રાજકોટ તરફ લઈ જવાતી જોઈ હશે. તે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકિનારે અમુક સ્થળે ઊભી થતી પવનચક્કીઓ માટે હોય છે. પવનચક્કી ઊભી કરવાના ખર્ચને પહોંચી વળાય એટલા પ્રમાણમાં પવનઊર્જા પેદા થઈ શકે તો જ તે ઊર્જા કામની, એ તો દેખીતી વાત છે, પરંતુ દુનિયાની ફક્ત ૧૫ ટકા જમીન આવી પવનચક્કીઓ માટે યોગ્ય વાતાવરણ આપી શકે છે.
જ્યારે મકાની પ્રોજેક્ટની સાઇટ પર આપેલી માહિતી અનુસાર, આ નવી રીતથી અત્યંત દુર્ગમ અને પરંપરાગત પવનચક્કી માટે પૂરતો ન હોય એટલા પવનવાળા વિસ્તારોમાં પણ પવનઊર્જા પેદા કરી શકાય છે. તેમાં પરંપરાગત પવનચક્કી કરતાં ૯૦ ટકા ઓછી સામગ્રીની જરૂર પડે છે, પરિણામે ખર્ચ અત્યંત ઘટે છે. આવી પતંગને વધુ ઊંચાઈએ, જોરદાર અને સતત વહેતો પવન મળતો હોવાથી તે લગભગ ૫૦ ટકા વધુ ઊર્જા પેદા કરી શકે છે! ગૂગલે મે ૨૦૧૩માં આ કંપની ખરીદી લીધી છે. એન્જિનીયરિંગના અભ્યાસુઓને આ સાઇટમાં ખાસ રસ પડશે :
આ પ્રોજેક્ટમાં આકાશી પતંગ કેવી રીતે ઊડાડવામાં આવે છે તે આ એનિમેટેડ વીડિયોમાં જુઓ : https://youtu.be/4CH7qmMid5g
નેક્સસ
દુનિયા આખી કમ્પ્યુટર પરથી મોબાઇલ તરફ વળી રહી છે ત્યારે ગૂગલે આ દિશામાં સોફ્ટવેર ઉપરાંત હાર્ડવેર તરફ પણ ધ્યાન આપ્યું. નેક્સસ એટલે ગૂગલે પોતે ડિઝાઇન કરેલા સ્માર્ટફોન અને ટેબલેટ્સ.
એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત આ સાધનોની ડિઝાઇન, ડેવલપમેન્ટ, માર્કેટિંગ અને સપોર્ટ વગેરે બધું જ ગૂગલ સંભાળે છે, ફક્ત મેન્યુફેક્ચરિંગ માટે જુદી જુદી સહયોગી કંપનીઓની મદદ લેવામાં આવે છે. અત્યાર સુધીમાં નેક્સસ શ્રેણીમાં ૬ સ્માર્ટફોન અને ચાર ટેબલેટ કમ્પ્યુટર્સ રજૂ થયાં છે.
અત્યારે જેમ એપલ ૬એસ રજૂ થયો છે તેમ નેક્સસ ૬પી પણ હમણાં જ રજૂ થયો છે અને ભારતમાં આ મહિને જ મળવા લાગે તેવી શક્યતા છે.
આપણે જાણીએ છીએ તેમ એન્ડ્રોઇડ એક ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ હોવાથી મોબાઇલ હેન્ડસેટ બનાવતી જુદી જુદી કંપની તેમાં પોતપોતાની રીતે ફેરફાર કરતી હોય છે, પરંતુ નેક્સસ ડિવાઇસીઝ સંપૂર્ણપણે ગૂગલની મરજી મુજબની ડિઝાઇન અને સોફ્ટવેર ધરાવતાં હોય છે.
ન્યૂઝ
આ છે જગતભરના સમાચાર જાણવાની એક અનોખી રીત. ગૂગલ ન્યૂઝ એ એક કમ્પ્યુટર જનરેટેડ ન્યૂઝ સર્વિસ છે, જે નિયમિત રીતે ઇન્ટરનેટ પરના ૫૦,૦૦૦થી વધુ ન્યૂઝ સોર્સમાં સમાચારો તારવી, એક સરખા સમાચારને, જુદા વિસ્તાર અને વિષય મુજબ સાથે ગોઠવીને આપણી સમક્ષ રજૂ કરે છે.
આ પદ્ધતિથી, પત્રકારત્વ જગતમાં મોટું પરિવર્તન આવ્યું છે, કારણે તેમાં કોઈ તંત્રી જ નથી! તેમાં કોઈ વ્યક્તિ સમાચારોની પસંદગી કરતી ન હોવાથી, સમાચારો પર એ વ્યક્તિના અંગત ગમા-અણગમા કે રાગદ્વેષની કોઈ અસર થતી નથી. ઉપરાંત, આપણે ગણતરીની ક્લિકમાં, એક જ સમાચારને દુનિયાનાં અલગ અલગ અખબારો કેવી રીતે જોઈ રહ્યાં છે, એ પણ સમજી શકીએ છીએ.
ગૂગલ ન્યૂઝ હિન્દીમાં પણ ઉપલબ્ધ છે અને આપણે જુદી જુદી ઘણી બધી રીતે તેને કસ્ટમાઈઝ કરી શકીએ છીએ. આ સર્વિસ પર હવે રીયલ ટાઇમ કવરેજ પણ છે, એટલે કોઈ ન્યૂઝ સ્ટોરી કેવી રીતે વિકસી રહી છે એ પણ આપણે સમજી શકીએ છીએ.
નાઉ
ગૂગલ આપણા વિશે ઘણું બધું જાણે છે, ક્યારેક તો આપણે ઇચ્છીએ નહીં એટલું બધું! ગૂગલ આ બધી જ માહિતી આપણને ઉપયોગી થાય એ રીતે કામે લગાડે છે, તેની નાઉ સર્વિસથી.
આપણા સેટિંગ્સ અનુસાર જીમેઇલ, કેલેન્ડર, લોકેશન, શોપિંગ, પેમેન્ટ, પસંદગીનાં સ્થળો, પસંદગીની સ્પોર્ટ્સ ટીમ, પસંદગીની એપ્સ વગેરેમાંની માહિતીને આધારે, ગૂગલ આપણે જાણવી જરૂરી માહિતી આપણને આપે છે, આપણે પૂછીએ તે પહેલાં. જેમ કે આપણા મેઇલમાં કોઈ ફ્લાઇટનું બુકિંગ કન્ફર્મ થયાનો મેઇલ આવ્યો હોય અને એ ફ્લાઇટ મોડી થઈ હોય તો ગૂગલ નાઉ, સ્માર્ટફોનમાં એક કાર્ડ સ્વરૂપે તેની જાણ કરે છે. ઓફિસે જવાના રોજિંદા રસ્તે ટ્રાફિક જામ હોય તો નાઉ સામેથી કહે છે કે આજે બીજા રસ્તે જજો! તમે ઇચ્છો તો પીસીમાં પણ નાઉ સર્વિસનાં વિવિધ નોટિફિકેશન્સ મેળવી શકો છો. www.google.com/now
આખા આલ્ફાબેટમાં પથરાયેલી બાકીની કંપનીઓ કે પ્રોજેક્ટસ વિશે આપણે આવતા અંકોમાં માહિતી મેળવતા રહીશું.

