એપ કેવી રીતે સેટેલાઇટ ટ્રેક કરી શકે?
‘સાયબરસફર’ના માર્ચ અંકમાં ‘હથેળીમાં તારા બતાવતી એ’ શીર્ષકની ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને ઇરિડિયમ સેટેલાઇટસે ટ્રેક કરતી આઇએસએસ ડિટેક્ટર એ વિશેના લેખ સંદર્ભે સંખ્યાબંધ વાચકોને કૂતુહલ છે કે આ એપ ઓફલાઇન રહીને પણ કેવી રીતે સચોટ સ્થાન બતાવી શકે છે. કેટલાક વાચકોએ, ભારતમાં ઇરિડિયમ સેટેલાઇટ સાથે સેટેલાઇટ ફોનની કમ્યુનિકેશન કરવા પર પ્રતિબંધ હોવાથી આ એપથી કાયદાનાે ભંગ તો થતો નથીને, એવી ચિંતા પણ વ્યક્ત કરી છે. આ અંગે જાણો પૂરક માહિતી તેમ જ નેધરલેન્ડ સ્થિત એપના ડેવલરે મોકલેલી અન્ય જાણકારી :
આઇએસએસ ડિટેક્ટર એપ (કે તેના જેવી બીજી કોઈ એપ) પોતે સેટેલાઇટ્સો માર્ગ જાણી શકતી નથી. હકીકતમાં, નોર્થ અમેરિક એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ’ નામની અમેરિકા અને કેેનેડાની એક સંયુક્ત સંસ્થા પૃથ્વીની પ્રદક્ષિણા કરતા દરેક સેટેલાઇટને ટ્રેક કરે છે. આ સંસ્થાના દરરોજ ઇન્ટરેટ પર દરેક સેટેલાઇટની ભ્રમણકક્ષા વિશે ટૂંકો ડેટા પ્રસિદ્ધ કરે છે. આ ડેટાના આધારે, આગામી દિવસોમાં સેટેલાઈટની પોઝિશન વિશે ધારણા બાંધી શકાય છે. આવી ધારણા એકાદ મહિના જેટલા સમય માટે સચોટ હોઈ શકે છે, ત્યાર પછી તે વિશ્વસનીય રહેતી નથી.
આઇએસએસ ડિટેક્ટર એપ આ ડેટાને આધારે આગામી ૧૦ દિવસ માટે સેટેલાઇટની પોઝિશન વિશે ગણતરી કરે છે. આ માહિતીની આ એપ આપણા ફોનના લોકેશન સાથે સરખાવીને નક્કી કરે છે કે સેટેલાઇટ આપણી ક્ષિતિજ પર ક્યારે દેખાશે. ઇરિડિયમ સેટેલાઇટના કિસ્સામાં, તેની એન્ટેના પર ક્ષણવાર માટે સૂર્યકિરણ પડે તે ઝબકારો દેખાય છે, એટલે સૂર્યનું સ્થાન, સેટેલાઇન્ટની એન્ટેનાને એંગલ અને આપણું સ્થાન એ ત્રણેયની ગણતરી થાય છે.
આપણો ફોન નેટ સાથે કનેક્ટેડ હોય ત્યારે આઇએસએસ ડિટેક્ટર એપમાં આવતા ૧૦ દિવસની ગણતરીઓ માટે જરુરી ડેટા અપડેટ થાય છે. આથી ત્યાર પછીના દિવસોમાં, આપણે ફોન લઈને અગાશીએ જઈએ અને તેમાં નેટ કનેકશન ઓફ રાખ્યું હોય તો પણ એ, સેટેલાઇટ સાથેના કોઈ કમ્યુનિકેશન વિના, સેટેલાઇટ ક્યાંથી પસાર થશે તેનું સ્થાન બતાવી શકે છે!
સામાન્ય સ્માર્ટફોન ટુ-વે રેડિયોની જેમ કરતા હોય છે, જે ટૂંકી રેન્જનાં સિગ્નલ્સથી મોબાઇલ કંપનીના ટાવર સાથે જ કમ્યુનિકેટ કરી શકે છે (ક્યારેક એમાં પણ સિગ્નલ કપાતાં હોય છે), સેટેલાઇટ સાથે કમ્યુનિકેશન કરવા જરુરી હાર્ડવેર રેગ્યુલર સ્માર્ટફોનમાં હોતાં નથી. આથી સાદા સ્માર્ટફોનમાંની એપ જે તે ક્ષણે સેટેલાઇટ સાથે કમ્યુનિકેટ કરીને આપણને તેનું સ્થાન બતાવે તે શક્ય નથી.
જીપીએસ (બિનલશ્કરી ઉપયોગ)ના કિસ્સામાં, આપણા ફોનમાંનું રીસિવર જીપીએસ સેટેલાઇટ્સે મોકલેલાં સિગ્નલ્સ ફક્ત રીસિવ કરી શકે છે અને તેના આધારે તે ગણતરી કરી નક્શા પર ફોનનું સ્થાન બતાવે છે.
આમ જીપીએસ ટેક્નોલોજીને કારણે, જીપીએસ ઇનેબલ્ડ સામાન્ય સ્માર્ટફોનથી પણ પૃથ્વી પર આપણું લોકેશન જાણી શકાય છે, પરંતુ તેનાથી કમ્યુનિકેશન શક્ય બનતું નથી. સેટેલાઇટ ફોનથી કમ્યુનિકેશન પણ શક્ય બને છે અને એટલે જ દરિયાઈ જહાજો અથવા જ્યાં મોબાઇલ ટાવરની મદદથી કવરેજ મળી શકતું ન હોય એવા હિમાલય જેવા દુર્ગમ વિસ્તારોમાં સેટેલાઇટ ફોન ઉપયોગી થાય છે.
સલામતીનાં કારણોસર ભારતની જળસીમામાં (અને અન્યત્ર) થુરાયા, ઇરિડિયમ અને એ પ્રકારના અન્ય ‘નોન ઇનમારસેટ’ સેટેલાઇટ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ છે. પરંતુ એડવેન્ચર ટુરિઝમ સાથે સંકળાયેલા લોકો આ પ્રતિબંધ દૂર કરવાની માગણી કરી રહ્યા છે કેમ કે દુર્ગમ વિસ્તારોમાં ટ્રેકિંગ સમયે સેટેલાઈટ ફોન જીવ બચાવી શકે છે. ભારત સરકાર પણ ફક્ત એડવેન્ચર ટુરિસ્ટ માટે આ પ્રતિબંધ દૂર કરવાનું વિચારી રહી હોવાના અહેવાલ છે.
અલબત્ત, હવે એવી પણ ટેક્નોલોજી આવી ગઈ છે જેની મદદથી એન્ડ્રોઇડ કે એપલ સ્માર્ટફોનમાં અમુક એડેપ્ટર (ખાસ પ્રકારનાં હાર્ડવેર) લગાવીને તેનાથી સેટેલાઇટ સાથે કમ્યુનિકેશન કરી શકાય છે. ભારતમાં તેના ઉપયોગ પર પ્રતિબંધ છે.

