હવે સંખ્યાબંધ વેબસાઇટ્સ પર વીડિયો એડનું ચલણ શરુ થયું છે. આપણે એ વેબપેજ પર પહોંચીએ એટલે પેલી વીડિયો એપ આપોઆપ પ્લે થવાનું શરુ થાય. જો આપણે ક્રોમ (કે કોઈ પણ બ્રાઉઝર)માં જુદી જુદી સંખ્યાબંધ ટેબમાં અલગ અલગ સાઇટ જોઈ રહ્યા હોઈએ તો તેમાંની ફક્ત ત્રણ-ચાર સાઇટ પર વીડિયો એડ પ્લે થવા લાગે તો પણ આપણા સ્પીકરમાં ઘોંઘાટ થઈ જાય. જો આપણે યુટ્યૂબ પર કોઈ વીડિયો શોધી રહ્યા હોઈએ અને જુદી જુદી ટેબમાં અલગ અલગ વીડિયો ઓપન કરીએ તો પણ આ જ તકલીફ થાય.
આપણે વીડિયો એડવાળી સાઇટ બંધ કરવી હોય તો કઈ સાઇટમાં એડ ચાલી રહી છે એ જલદી પકડાય નહીં, આપણે કેટલીક ટેબ ઓપન કરીને તેમાં એડ શોધવા જઈએ?
આના ઉપાય તરીકે, ક્રોમ બ્રાઉઝરમાં એક સુવિધા મળે છે.આપણે ઓપન કરેલી અલગ અલગ ટેબમાંથી જે ટેબમાં ઓડિયો પ્લે થઈ રહ્યો હોય તે ટેબમાં એક નાના સ્પીકરનો આઇકન જોવા મળે છે. પરિણામે, એક તો આપણે સહેલાઈથી જાણી શકીએ છીએ કે કઈ ટેબમાંથી અવાજ આવી રહ્યો છે. બીજી વાત એ કે આપણે એ ટેબ બંધ ન કરવી હોય, પણ ફક્ત તેમાંનો ઓડિયો બંધ કરવો હોય તો તે પણ શક્ય છે. અલબત્ત, આ એક્સપરિમેન્ટલ સુવિધા છે, એટલે કે ક્રોમના જ શબ્દોમાં કહીએ તો ગમે ત્યારે બંધ થાય કે બ્રેક પણ થાય!
જો તમારે આ સુવિધાનો લાભ લેવો હો તો તે માટે ક્રોમના ફ્લેગ્સ પેજમાં જવું પડે. આ પેજ પરથી આપણે ક્રોમમાં પ્રયોગાત્મક ધોરણે કેટલીક સુવિધાઓ ચાલુ કે બંધ કરી શકીએ છીએ.
આ પેજ પર જવા માટે ક્રોમમાં એક નવી ટેબ ઓપન કરો અને એડ્રેસ બારમાં chrome://flags/ લખો. હવે આપણે ઓડિયોને મ્યૂટ કરવાની સુવિધા શરુ કરવા માગીએ છીએ એટલે કંટ્રોલ એફ કી પ્રેસ કરી, ઓડિયો સર્ચ કરી જુઓ. આખા લિસ્ટમાં બધી જગ્યાએ ઓડિયો શબ્દ હાઇલાઇટ થશે અને આપણી શોધ સહેલી બનશે. હવે ‘ઇનેબલ ટેબ ઓડિયો મ્યુટિંગ યુઆઇ કંટ્રોલ’ એક્સપરિમેન્ટ શોધીને તેને ઇનેબલ કરો. આ સુવિધા મેક, વિન્ડોઝ, લિનક્સ, ક્રોમ ઓએસ વગેરે ઓપરેટિંગ સિસ્ટમમાં ઉપયોગી છે.
હવે આપણે એક વાર ક્રોમને રીસ્ટાર્ટ કરવું પડશે. આ પેજના અંતે, ‘રીલોન્ચ નાઉ’ એવું બટન જોવા મળશે, તેને ક્લિક કરતાં ક્રોમ રીસ્ટાર્ટ થશે.
હવે આપણી આ બધી કસરત સફળ થઈ કે નહીં એ તપાસવા માટે, યુટ્યૂબ પર જઈને અલગ અલગ વીડિયો જુદી જુદી ટેબમાં ઓપન કરો અને કેટલીક ટેબમાંના સ્પીકરને ક્લિક કરો – એ ટેબ પર સ્પીકર પર બંધની નિશાની આવી જશે!

