તમારા મોબાઇલમાં મેમરી, રેમ અને નેટ કનેક્શનની સ્પીડ બધું ઓછું હોય અને ગુજરાતી ફોન્ટ હોય જ નહીં, તો તમારા માટે કામની છે ફેસબુકની નવી ‘લાઇટ’ એપ. એમાં નોર્મલ એપ જેવી મજા ને માભો નથી, પણ આપણી જરૂર ચોક્કસ સંતોષે છે.
આગળ શું વાંચશો?
- શું છે આ ફેસબુક લાઇટ?
- ઓકે, તો લાઈટમાં કંઈ ગુમાવવું પડે છે?
- લાઇટ એપ અને રેગ્યુલર એપમાં શું ફેર છે?
તમે ફેસબુકમાં સક્રિય હશો તો મોટા ભાગે તમને એક વાતની ફરિયાદ હશે – મોબાઇલમાં ફેસબુકના ઉપયોગ વિશેની ફરિયાદ.
મોબાઇલમાં ફેસબુકના ઉપયોગમાં સામાન્ય રીતે બે-ચાર મુદ્દા મહત્વના હોય છે.
એક છે મોબાઇલમાં સ્ટોરેજની ક્ષમતા. જો તમે બજેટ સ્માર્ટફોન લીધો હોય તો તેમાં મેમરી મોટા ભાગે ઓછી રહેવાની અને ફેસબુક ફોનની ઇન્ટરનલ સ્ટોરેજમાં જ ઇન્સ્ટોલ થઈ શકે છે. આથી થોડી એપ ડાઉનલોડ કરો ત્યાં તો અપૂરતી મેમરીનો મેસેજ આવવા લાગે અને તમારે ફેસબુક છોડ્યા વિના ચાલે તેમ ન હોય તો બીજી ઓછી વપરાતી એપ્સ અનઇન્સ્ટોલ કરવી પડે.
બીજો મુદ્દો છે, મોબાઇલની રેમ. તમે પ્રમાણમાં જૂનો સ્માર્ટફોન વાપરતા હો અને તેની રેમ ૧ જીબી કરતાં ઓછી હોય તો ફેસબુક જેવી હેવી એપ તેમાં ચલાવવામાં થોડી મુશ્કેલી નડી શકે છે.
ત્રીજો મુદ્દો, ફક્ત ફેસબુક નહીં, તમામ પ્રકારની એપ્સ અને સ્માર્ટફોનના અન્ય ઉપયોગમાં સતાવે છે, તે છે ૨-જી કે ૩-જી સ્પીડ. ૨-જી કનેક્શન હોય તો તો દેખીતું છે કે તેમાં સ્પીડ ઓછી જ મળે, પણ આપણે ત્યાં વાતો ભલે ૪-જીની થતી હોય, ૩-જીમાં પણ હજી સ્પીડનો કોઈ ભરોસો નથી. આથી ફેસબુકમાં ધડાધડ પોસ્ટ્સ, ઇમેજીસ કે વીડિયો જોવા હોય તો ૩-જીમાં પણ તકલીફ પડી શકે છે.
ચોથો મુદ્દો બધાને લાગુ પડતો નથી, પણ એ છે ગુજરાતી ફોન્ટનો. ફેસબુક પર તમે અને તમારા મિત્રો ગુજરાતીમાં વધુ આપલે કરતા હો અને તમારા સ્માર્ટફોનમાં ગુજરાતી ફોન્ટ ન હોય તો ફેસબુકની એપ તમારા માટે નકામી બની જાય છે. યુસી બ્રાઉઝર કે ફાયરફોક્સ બ્રાઉઝરમાં અમુક વિધિ પછી ગુજરાતી ટેક્સ્ટ વાંચી શકાય છે (વધુ વિગતો માટે જુઓ માર્ચ ૨૦૧૫નો અંક), પણ તેમાં એપ જેવી મજા હોતી નથી.
સદનસીબે, ફેસબુકને આ તકલીફો ધ્યાનમાં આવી છે અને તેણે ફેસબુકની એપનું લાઇટ વર્ઝન લોન્ચ કર્યું છે! આ વર્ઝન શરૂઆતમાં ફિલિપાઇન્સમાં લોન્ચ થયું અને ગયા મહિનાથી ભારતમાં પણ તે ઉપલબ્ધ થયું છે. ખુશીની વાત એ છે કે આ લાઇટ વર્ઝનમાં ઉપર લખેલી દરેક તકલીફોના ઉપાય છે, અલબત્ત, થોડી-ઘણી બાંધછોડ સાથે! ઉપરાંત, હાલમાં આ સુવિધા ફક્ત એન્ડ્રોઇડ પ્લેટફોર્મ માટે જ ઉપલબ્ધ છે.
શું છે આ ફેસબુક લાઇટ?
જાણવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાં પહોંચો અને ફેસબુક લાઇટ સર્ચ કરો! ફેસબુકની રેગ્યુલર એપ અને લાઇટ એપના લોગોથી જ તફાવત પરખાવા લાગશે – રેગ્યુલર એપનો કલર હેવી છે અને લાઇટનો કલર બિલકુલ લાઇટ!
એપની સાઇઝમાં પણ આટલો જ મોટો ફેર છે. રેગ્યુલર એપની સાઇઝ જુદાં જુદાં ડિવાઇસ મુજબ બદલાય છે, પણ એપ પોતે સહેજે ૩૫-૪૦ એમબીની જગ્યા રોકી લે છે અને પછી તેમાં ડેટા ઉમેરાતો જાય અને વજન વધતું જાય તે વધારાનું. જ્યારે લાઇટ એપ ખરેખર હળવીફૂલ છે, માંડ અડધા એમબી જેટલી! અત્યારે એન્ડ્રોઇડનું પાંચમું વર્ઝન ચાલી રહ્યું છે, પણ તમારા ફોનમાં જૂનું, ૨.૨ વર્ઝન હશે તો તેમાં પણ ફેસબુક લાઇટ ઇન્સ્ટોલ થઈ જશે, એ પણ ફટાફટ.
ટૂંકમાં આપણો પહેલો, ઓછી મેમરીનો પ્રશ્ન ઉકેલાઈ ગયો. બીજો પ્રશ્ન, ઓછી રેમનો પણ આ જ રીતે ઉકેલાઈ જાય છે કેમ કે ફેસબુક લાઇટ બધી રીતે ઓછા ડેટાનો ઉપયોગ કરે એ રીતે ડિઝાઇન કરાઈ હોવાથી તેને માટે ફોનમાં ઝાઝો પ્રોસેસિંગ પાવર કે રેમ હોવાની જરૂર રહેતી નથી.
ફેસબુક માટે ભારત યુએસ પછીનું બીજા ક્રમનું સૌથી મોટું માર્કેટ છે. અહીં સ્માર્ટફોનનો વપરાશ સતત વધી રહ્યો છે, પણ બજેટ ફોનથી સ્માર્ટફોનમાં એન્ટ્રી કરનારા લોકોનું પ્રમાણ બહુ મોટું છે. આખી દુનિયામાં હવે પીસીને બદલે મોબાઇલ પર ઇન્ટરનેટનો વપરાશ વધી રહ્યો છે, એવું જ ભારતમાં છે, પણ પ્રમાણમાં નબળી ક્ષમતાના સ્માર્ટફોન અને નબળી કનેક્ટિવિટીને કારણે ફેસબુકને જોઈએ તેટલો લાભ ભારતમાંથી મળતો નથી.
ફેસબુક લાઇટ એપ આ મુદ્દાને ધ્યાને રાખીને બનાવાઈ છે, તે ૨જી નેટવર્કને ધ્યાનમાં રાખીને જ વિક્સાવવામાં આવી છે. પરિણામે, ૩-જીની અપૂરતી ઝડપનો તેમાં કોઈ સવાલ રહેતો નથી!
આનંદ અને આશ્ચર્યની વાત એ છે કે ફેસબુક લાઇટમાં ગુજરાતી ફોન્ટ ઉમેરવામાં આવ્યા છે! જોડીયા અક્ષરો તેમાં યોગ્ય રીતે દેખાતા નથી, પણ એટ લિસ્ટ ગુજરાતી લખાણ તેમાં વાંચી શકાય છે ખરું! (કોઈ ગુજરાતી કહેવત યાદ આવી?!)
ઓકે, તો લાઈટમાં કંઈ ગુમાવવું પડે છે?
‘કુછ પાને કે લિએ કુછ ખોના પડતા હૈ’ એ નિયમ ફેસબુક લાઇટને પણ લાગુ પડે છે. તમને ઉપર જણાવેલી ચારેય સમસ્યાઓ નડતી ન હોય તો દેખીતી વાત છે કે ફેસબુક લાઇટ એપ તમારા માટે નથી. ફેસબુકની રેગ્યુલર એપ લાઇટ વર્ઝન કરતાં ઘણી બધી રીતે પાવરફૂલ છે. લાઇટ વર્ઝન પહેલી નજરે જ, ફેસબુકની રેગ્યુલર એપના બહુ જૂના વર્ઝન જેવું લાગે છે.
અલબત્ત, ફેસબુકની રેગ્યુલર એપની લગભગ બધી જ સામાન્ય સગવડ લાઇટમાં પણ મળે છે. ન્યૂઝ ફીડ, ફ્રેન્ડ રિક્વેસ્ટ, મેસેજીસ, નોટિફિકેશન્સ, સર્ચ વગેરે બધું જ લાઇટમાં પણ છે. તમે આ એપમાં સહેલાઈથી સ્ટેટસ અપડેટ પોસ્ટ કરી શકો અને ફોટો જ ઉમેરી શકો.
એક વધારાનો ફાયદો પણ છે, ફેસબુકની રેગ્યુલર એપમાં થોડા સમયથી મેસેન્જરની સુવિધા અલગ કરી દેવામાં આવી છે, આપણે તેની અલગ એપ ઇન્સ્ટોલ કરવી પડે છે, જ્યારે ફેસબુક લાઇટમાં મેસેન્જર પણ ઇન-બિલ્ટ છે!
અલબત્ત, એપની સાઇઝ બેહદ ઘટાડવા અને તેમાં મોબાઇલ ડેટાનો પણ ઓછો ઉપયોગ થાય એવું કરવા જતાં તેમાં ઘણી સુવિધાનો ભોગ પણ લેવાયો છે.
સૌથી પહેલાં, અત્યારે તેમાં વીડિયો ચાલતા નથી. જેમાં જીપીએસની જરૂર પડે એવી લોકેશન કોઈ આધારિત સગવડ પણ ફેસબુક લાઇટમાં ચાલતી નથી. આપણે બીજા લોકોના અપડેટ્સ, પિક્ચર્સ વગેરે પર કમેન્ટ લખી શકીએ છીએ, પણ બીજાની કમેન્ટનો રીપ્લાય કરી શકતા નથી. જોકે આ બધું ધીમે ધીમે લાઇટમાં પણ ઉમેરવામાં આવે તેવી શક્યતા છે.
ટૂંકમાં, ફેસબુક લાઇટ એ સેકન્ડહેન્ડ કાર ચલાવવા જેવું છે, પણ નવી કાર ખરીદ્યા પછી ચલાવી જ શકાતી ન હોય તો સેકન્ડહેન્ડ કારમાં ફરવામાં શો વાંધો હોઈ શકે?!
લાઇટ એપ અને રેગ્યુલર એપમાં શું ફેર છે?

ઉપર પહેલો સ્ક્રીન શોટ ગુજરાતી ફોન્ટ સાથેના ફોનમાં ફેસબુકની રેગ્યુલર એપનો છે. બીજો સ્ક્રીનશોટ ગુજરાતી ફોન્ટ વગરના ફોનમાં લાઇટ એપનો છે.
લાઇટ એપમાં દેખીતી રીતે ટેક્સ્ટ વધુ જોવા મળે છે, ઇમેજીસ બધી જ નાની છે, ગુજરાતી ફોન્ટ દેખાય છે ખરા, પણ થોડી ગરબડ સાથે. વીડિયો બિલકુલ નથી અને કમેન્ટનો રિપ્લાય કરવાની સગવડ પણ હાલ પૂરતી નથી.
બસ, એ ચાલે છે ફટાફટ!

