અભ્યાસમાં ઉપયોગી વીડિયો યુટ્યૂબ પર છે તો પાર વિનાના, પણ શોધવા મુશ્કેલ હોય છે. હવે ભારતના કેટલાક શિક્ષકોએ, ભારતની શાળાઓના અભ્યાસક્રમ મુજબ આવા વીડિયોને અલગ તારવ્યા છે.
હમણાં ટીવી પર વારંવાર જોવા મળતી પેલી આઇ એમ લર્નિંગ ફ્રોમ આઇઆઇએન રાજસ્થાન કે તમિલનાડુ જાહેરાતમાં આમ જોવા જાવ તો ઇન્ટરનેટના મૂળ હેતુને બરાબર પકડવામાં આવ્યો છે. આજે તમે ધારો તો દુનિયા આખીનું શિક્ષણ ગમે ત્યારે, ગમે ત્યાંથી મેળવી શકો છો. પરંતુ આ જાહેરાત થકી ઇન્ટરનેટ દ્વારા એજ્યુકેશનનો સંદેશ લોકો સુધી બરાબર પહોંચતો હોય એવું લાગતું નથી. પૂછો કેમ?
કેમ કે યુટ્યૂબ પર એક ખરેખર મજાની એજ્યુકેશનનલ ચેનલ શરુ થઈ છે, તેને શરુ થયાને બે-ચાર મહિના થઈ ગયા છે અને છતાં તેના સબસ્ક્રાઈબર્સની સંખ્યા દિલ્હી વિધાનસભામાં આપ સામે ભાજપના સભ્યોની સંખ્યાને પણ સારી કહેવડાવે (યુટ્યૂબના કુલ યુઝર્સને ધ્યાને લઈએ તો!) એવી છે! આ ચેનલ એજ્યુકેશનલ છે એટલે? કે પછી લોકોને હજી યુટ્યૂબ પર સારું ક્ધટેન્ટ શોધતાં આવડતું નથી એ હકીકત આ સ્થિતિ માટે જવાબદાર હશે?
કારણ ગમે તે હોય, જો તમે વાલી કે શિક્ષક તરીકે તમારા સંતાન/વિદ્યાર્થીના અભ્યાસમાં ખરેખર ઊંડો રસ લેતા હો, ફક્ત ટેક્સ્ટબુકને બદલે એ ઉપલબ્ધ તમામ સ્રોતમાંથી જ્ઞાન મેળવે એવું ઇચ્છતા હો તો તમે યુટ્યૂબ પર, જે તે ધોરણના અભ્યાસક્રમને સંબંધિત એજ્યુકેશનલ વીડિયોઝ સર્ચ કરવાની કોશિશ જરુર કરી હશે અને મોટા ભાગે, થોડો સમય આમતેમ ફાંફાં માર્યા પછી કંટાળીને તમે કોશિશ પડતી પણ મૂકી હશે.
કારણ સ્પષ્ટ છે યુટ્યૂબ ગજબનું શક્તિશાળી માધ્યમ છે, એટલે એ ગજબનું લોકપ્રિય પણ છે અને એ જ એની સૌથી મોટી નબળાઈ બની રહી છે! યુટ્યૂબની સાઇટ પર આપવામાં આવેલા આંકડા મુજબ, યુટ્યૂબના એક અબજથી વધુ યુઝર્સ છે. લોકો યુટ્યૂબ પર જેટલા કલાક વીડિયો જુએ છે તેમાં દર વર્ષે ૫૦ ટકાનો વધારો થતો જાય છે. દર મિનિટે ૩૦૦ કલાક જેટલી લંબાઈના વીડિયો યુટ્યૂબ પર ઉમેરાય છે! આ જ કારણે યુટ્યૂબ પર ખરેખર ઉપયોગી અને કામનું ક્ન્ટેન્ટ શોધવાનું દિવસે દિવસે વધુ ને વધુ મુશ્કેલ બનતું જાય છે. ગૂગલ જેવા ગૂગલનું સર્ચ એન્જિન પણ આપણને ખાસ કામ લાગતું નથી.
આનો કંઈક તો ઉપાય હોવો જોઈએને? આવો સવાલ જેમ આપણને થાય એમ બીજા કેટલાય લોકોને પણ થતો હશે અને સદભાગ્યે, એવા લોકો પણ છે જે ફક્ત સવાલ કરીને બેસી રહેતા નથી. એના ઉપાય પણ શોધે છે. આખી દુનિયામાં, ગૂગલના સપોર્ટથી શિક્ષણ માટે પ્રયત્નશીલ લોકોની એક કમ્યુનિટી ડેવલપ થઈ રહી છે, ગૂગલ એજ્યુકેટર્સ ગ્રૂપ્સના નામે. ભારતમાં પણ આ કમ્યુનિટી ધીમે ધીમે વિસ્તરી રહી છે. અમદાવાદમાં પણ ઘણી શાળાઓના શિક્ષકો આ પ્રવૃત્તિમાં સંકળાઈ રહ્યા છે.
મૂળ વાત પર પાછા ફરીએ તો, ભારતમાંનાં ગૂગલ એજ્યુકેટર્સ ગ્રૂપ્સના ઉત્સાહી શિક્ષકોએ સાથે મળીને, ભારતની શાળાઓના અભ્યાસક્રમને ધ્યાને રાખીને, એકથી બાર ધોરણના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા સંખ્યાબંધ વીડિયોઝ ધરાવતી એક ખાસ ચેનલ યુટ્યૂબ પર શરુ કરી છે, નામ છે yt edu india.
આ ચેનલ પર પહેલા ધોરણથી બારમા ધોરણ સુધીના વિવિધ વિષયોના અભ્યાસમાં ઉપયોગી થાય એવા વીડિયોઝનાં પ્લેલિસ્ટ તૈયાર કરવામાં આવેલ છે. એટલે કે તમે ચોથા ધોરણના પ્લેલિસ્ટ કે ચેનલમાં જઈને જુઓ તો મેથ્સ, ઇંગ્લિશ ગ્રામર, ઇંગ્લિશ લિટરેચર, કમ્પ્યુટર્સ, આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સ, ઇવીએસ વગેરે વિષયને લગતા વિવિધ વીડિયો જોવા મળે. આ રીતે એકથી બાર ધોરણ સુધીના વિષયો માટે સંખ્યાબંધ વીડિયો જોવા મળશે.
પ્રકાશસંશ્ર્લેષણ એટલે કે ફોટોસિન્થેસિસની પ્રક્રિયા વિશે આપણે ટેક્સ્ટબુકમાં વાંચીએ કે ક્લાસમાં શિક્ષક પાસેથી સાંભળીએ તો એ સમજાય તો ખરી, પણ એ જ પ્રક્રિયાનો વીડિયો પણ જોવા મળે તો સમજણ વધુ વિસ્તરે. સૌથી મોટો ફાયદો એ કે આ રીતે જાતે મથામણ કરવાની અને જાતે શીખવાની ટેવ કેળવાય!
અલબત્ત, આ ચેનલ પર સ્પષ્ટતા કરવામાં આવી છે તેમ, આ બધા વીડિયો કંઈ નવેસરથી તૈયાર કરવામાં આવ્યા નથી. તે કોઈ ચોક્કસ અભ્યાસક્રમ કે બોર્ડને અનુરુપ નથી (ગૂગલ કે યુટ્યૂબ આ વીડિયોઝની કોઈ જવાબદારી પણ લેતી નથી). યુટ્યૂબ પર પહેલેથી જે વીડિયો ઉપલબ્ધ છે તેને જ ધોરણ અને વિષયવાર તારવવામાં આવ્યા છે, પણ આ તારવણી જ મહત્ત્વની છે કેમ એ કામ જે તે ધોરણના અનુભવી શિક્ષકોએ કરેલું છે. બધું જ ઇંગ્લિશમાં છે એ ખરું, પણ એય અંતે તો ફાયદાની જ વાત છે!
બીજી ખાસ વાત એ કે ક્યારેક ક્યારેક પોતાનાં સંતાનની ટેક્સ્ટબુક કે પ્રેક્ટિસબુક હાથમાં લઈને તેમાંનું ભારેખમ લખાણ જોતાં જેમને લખલખું આવી જાય છે એ મમ્મી-પપ્પાઓ પોતે જુદા જુદા વિષયોની તૈયારી કરીને સંતાનના અભ્યાસમાં મદદરુપ થવા માગતા હોય તો તેમને આ ચેનલ ખાસ ઉપયોગી થશે. વિદ્યાર્થીઓ પોતે, આ વર્ષની ફાયનલ એક્ઝામ્સ પૂરી થયા પછી, વેકેશન દરમિયાન નવા ધોરણના વિવિધ વિષયના વીડિયો પહેલેથી જોઈ રાખે તો વર્ષ દરમિયાન ક્લાસમમાંનું શિક્ષણ કેટલું સહેલું બને એ વિચારી જુઓ.
[message_box type=”info” close=”no”]તમે આ ચેનલ જોવા માગતા હો તો ક્લિક કરોઃ youtube yt edu india[/message_box]


