તમે નાના પાયે બિઝનેસ શરૂ કર્યો હોય કે પછી તમે પ્રોફેશનલ હો, ખર્ચ વધાર્યા વિના તમારું એકાઉન્ટિંગ તમે જાતે કરવા માગતા હો તો આ ફ્રી વેબસર્વિસ ખરેખર ખૂબ ઉપયોગી થાય તેમ છે
જેમ બેસતા વર્ષે કે પહેલી જાન્યુઆરીએ આપણને ફિટનેસ સંબંધિત નવી નવી ટેવ પાડવાનો ઉત્સાહ જાગતો હોય છે તેમ નવું નાણાકીય વર્ષ શરુ થાય એ સાથે ફાઇનાન્સ બાબતે બધું એકદમ પ્રોપર કરી નાખવાનો અને નવા વર્ષમાં પરફેક્ટ એકાઉન્ટિંગ કરવાનો ઉત્સાહ ઘણા લોકોને જાગતો હોય છે, ખાસ કરીને એવા લોકોને, જેમનો પોતાનો નાનો બિઝનેસ છે અથવા જેઓ પ્રોફેશનલ તરીકે સ્વતંત્ર વ્યવસાય કરે છે.
પોતાના બિઝનેસમાં સફળ થવું હોય તો બીજી બધી આવડત ઉપરાંત બિઝનેસનું એકાઉન્ટિંગ તમારા અંકુશમાં હોવું જરુરી છે. બિઝનેસની શઆતમાં મોટા ભાગના લોકો એક્સેલની સ્પ્રેડશીટથી કામ ચલાવે, જરા આગળ વધે એટલે કોઈ જાણીતા એકાઉન્ટિંગ સોફ્ટવેરની પાઇરેટેડ કોપી શોધી લાવે, જે મોટા ભાગે પ્રોફેશનલ એકાઉન્ટન્ટ માટે જ ડિઝાઈન થયેલા હોય છે. પરિણામે આપણે બિઝનેસને સેટ કરવાની મથામણ ઉપરાંત, એકાઉન્ટિંગ સોફ્ટવેર અને એકાઉન્ટિંગ પોતે બંને શીખવાની પળોજણમાં પણ પડવું પડે છે. બિઝનેસની શરુઆતમાં, ખરેખર યુઝર-ફ્રેન્ડલી એકાઉન્ટિંગ સોફ્ટવેર કે સર્વિસ ખરીદવાં પોસાય નહીં એ પણ સમજી શકાય.
તમે જો આવી સ્થિતિનો સામનો કરી રહ્યા હોય અને કોઈ સિમ્પલ, ઇઝી એકાઉન્ટિંગ સોફ્ટવેરની તલાશમાં હો જેમાં એકાઉન્ટિંગ ન આવડતું હોય તો પણ તમે તમારી અંગત કે બિઝનેસની આવક-જાવકનો બિલકુલ સહેલાઈથી હિસાબ રાખી શકો, તમારા ક્લાયન્ટને તમારી જરુરિયાત અનુસાર મોડિફાય કરેલા અને તમારી કંપનીના લોગોથી સજાવેલા ઇનવોઇસ ફટાફટ બનાવીને ફટાફટ મોકલી શકો, કયા ક્લાયન્ટનું પેમેન્ટ આવી ગયું અને કોનું, કેટલા સમયથી બાકી છે એનો સહેલાઈથી ટ્રેક રાખી શકો અને આ બધાથી વિશેષ, આ બધું કોઈ જાતનો ખર્ચ કર્યા વિના શક્ય બને એવું ઇચ્છતા હો તો તમારા માટે કામની છે આ ઓનલાઇન સર્વિસ https://www.waveapps.com
આટલે સુધી વાંચીને તમને વાતમાં રસ પડ્યો હોય અને આ ઓનલાઇન સર્વિસમાં ઊંડા ઊતરશો તો ચોક્કસ વધુ રસ પડશે. સામાન્ય રીતે મોટા ભાગનાં ઓનલાઇન સોફ્ટવેરનાં લાઇટ કે ટ્રાયલ વર્ઝન હોય છે, જેનો આપણે પૂરો ઉપયોગ ન જ કરી શકીએ, પણ વેવ ખરા અર્થમાં ફ્રી છે. તેમાં બિઝનેસ વધે તેમ વધુ સુવિધાઓ ઉમેરવી હોય તો તે અલગથી ખરીદી શકાય છે, પણ સ્વતંત્ર વ્યવસાયની બિલિંગ અને એકાઉન્ટિંગની પ્રાથમિક બધી જ જરુરિયાત ફ્રી વર્ઝનથી સંતોષાઈ શકે છે. આ સોફ્ટવેર મૂળ યુકેની કંપનીએ ડેવલપ કરેલ છે, પણ તેમાં ભારતીય ચલણનો ઉપયોગ શક્ય છે. તમે ધારો તો (અને તમારા ક્લાયન્ટ પણ એટલા ટેકસેવી હોય તો!) તમારા ઈ-મેઇલથી મોકલાતા ઇનવોઇસમાં જ પે નાઉનું બટન ઉમેરી શકો છો અને ક્લાયન્ટ તેના પર ક્લિક કરી, ફટાફટ ક્રેડિટ કાર્ડથી ઇન્સ્ટન્ટ પેમેન્ટ પણ કરી શકશે (અલબત્ત, એ માટે દરેક ટ્રાન્ઝેક્શન દીઠ અમુક ચાર્જ હોય છે, પણ આવા ક્લાયન્ટ સૌના નસીબમાં ક્યાંથી!).
સર્વિસનો ઉપયોગ બહુ સરળ છે, એકાઉન્ટિંગની ખાસ સમજ ન હોય તો પણ તમે સહેલાઈથી તમારા એકાઉન્ટિંગ માટે જરુરી સમજ કેળવી શકો છો. સાઇટ પર આપેલા સપોર્ટ આર્ટિકલ બિલકુલ સહેલી ભાષામાં લખાયેલા છે અને લગભગ બધી જ મૂંઝવણનો ઉકેલ તેમાંથી મળી રહે તેમ છે. સર્વિસમાં શક્ય એટલી ઓછી મેન્યુઅલ એન્ટ્રી કરવી પડે એ રીતે તે ડિઝાઇન થયેલ છે, વેવમાંના આપણા એકાઉન્ટને ૧૦,૦૦૦થી વધુ બેન્ક, ક્રેડિટ કાર્ડ (ભારતની પણ સંખ્યાબંધ બેન્ક સહિત) વગેરે સાથે કનેક્ટ કરી શકાય છે, જેથી એ બધી એન્ટ્રી આપણે કરવી પડે નહીં! આપણે એકાઉન્ટ કનેક્ટ કરવું ન હોય તો બેન્કની સાઇટ પરથી સીએસવી ફોર્મેટમાં સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરીને તેને વેવમાં અપલોડ કરી શકીએ છીએ.
આ સોફ્ટવેર ક્લાઉડ બેઝ્ડ છે એટલે કે તેમાં બધો ડેટા આપણા કમ્પ્યુટરમાં નહીં પણ કંપનીના સર્વરમાં સચવાય છે. ડેટાની સિક્યોરિટીને મુદ્દે બહુ ચિંતા કરવા જેવું નથી કેમ તેમાં ૨૫૬-બિટ એન્ક્રિપ્શનનો ઉપયોગ થાય છે અને સાઇટના દાવા મુજબ દુનિયાના દસેક લાખ લોકો આ સર્વિસનો ઉપયોગ કરી રહ્યા છે.
તમે પાક્કા બિઝનેસમેન હો તો આ બધું જ ફ્રી કેવી રીતે આપી શકે તેવો સવાલ ચોક્કસ થાય. આ સર્વિસ કંઈક ગૂગલ કે યાહૂ જેવી છે, તે આપણને વિવિધ જાહેરખબર બતાવીને તેમાંથી કમાણી કરે છે, અલબત્ત આપણો કોઈ ડેટા કોઈને વેચતી ન હોવાની ધરપત આપે છે.
આગળ કહ્યું તેમ બિઝનેસના શરૂઆતતબક્કે કે પર્સનલ એકાઉન્ટિંગ માટે આ પરફેક્ટ કહી શકાય એવી સર્વિસ છે, તેમાં કેટલીક મયર્દિાઓ છે પણ એ નડવા લાગે ત્યારે તમને બધું મળી રહે એવો એકાઉન્ટિંગ સોફ્ટવેર ખરીદવાનું પોસાશે પણ ખરું!
‘સાયબરસફર’માં પ્રકાશિત લગભગ દરેક સર્વિસની જેમ, આ વેવ એકાઉન્ટિંગ પણ લાંબો સમય ઉપયોગમાં લીધા પછી જ તેના વિશે આટલું લખ્યું છે, ટ્રાય કરી જોવા જેવી છે!

