(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સ્માર્ટફોન લેવાની ઉતાવળ કરશો નહીં

આગળ શું વાંચશો?

  • બેટરી મેનેજમેન્ટ અને એપ સ્ટેન્ડબાય
  • ફાઇલ મેનેજર
  • મેમરી કાર્ડ સપોર્ટ
  • રેમ મેનેજર
  • એપ પરમિશન
  • નાઉ ઓન ટેપ
  • સ્માર્ટ લોક

 

આ દિવાળીએ પહેલો સ્માર્ટફોન કે પછી જૂના કરતાં વધુ સુવિધાવાળો નવો સ્માર્ટફોન ખરીદવાનું તમે વિચાર્યું હોય, પણ કોઈ કારણસર એ ટાર્ગેટ પૂરું ન થઈ શક્યું હોય, તો નિરાશ થવાની કોઈ જ‚રૂર નથી, ઉલટાનું હજી થોડી વધુ રાહ જોઈ લેવામાં વધુ લાભ છે!

બે કારણસર. એક, જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ખરીદવાનું વિચારતા હો તો તેનું નવું વર્ઝન લોન્ચ થઈ ગયું છે, જે થોડા સમયમાં ઘણા ખરા નવા સ્માર્ટફોન્સમાં આવી જશે અને બીજું, રીલાયન્સની ૪જી સર્વિસ પણ આવી રહી હોવાથી સ્માર્ટફોનના માર્કેટ પર પણ તેની અસર થશે.

સ્વાભાવિક છે કે ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન આવે તેમાં અગાઉ કરતાં થોડી વધુ ખાસિયત તો હોય જ, એ ન્યાયે માર્શમેલો નામના એન્ડ્રોઇડના નવા વર્ઝનમાં પણ અગાઉનાં વર્ઝન્સ કરતાં નવી સુવિધાઓ છે.

આપણને એન્ડ્રોઇડના આ નવા વર્ઝનનો લાભ બે રીતે મળી શકે છે, એક આપણે સીધો નવા વર્ઝનવાળો જ ફોન ખરીદીએ, અથવા આપણી પાસે જે કંપનીના જે મોડેલનો સ્માર્ટફોન હોય તે મોડેલ માટે કંપની વર્ઝન અપડેટ આપે. એન્ડ્રોઇડની વાત કરીએ તો અત્યારે ગૂગલના પોતાના ટો-એન્ડ નેક્સસ ફોનમાં માર્શમેલો વર્ઝન આવી ગયું છે અને અહેવાલો એવા છે કે ગૂગલે માઇક્રોમેક્સ, સ્પાઇસ અને કાર્બન કંપની સાથે લોન્ચ કરેલા બિલકુલ સસ્તા એન્ડ્રોઇડ વન ફોનમાં પણ માર્શમેલોનું વર્ઝન અપડેટ આવવા લાગ્યું છે. તમે મોટોરોલા કંપનીનો, બે વર્ષ સુધી ગેરંટીડ અપડેટ સાથેનો ફોન ખરીદ્યો હશે તો તમને પણ ઝડપથી નવા વર્ઝનનો લાભ મળશે. આ બે છેડાની વચ્ચેના તમામ ફોન માટે વર્ઝન અપડેટ આવે તેની રાહ જોવી પડશે અને હાઇએન્ડ ફોનમાં પણ આ અપડેટ આવતાં મહિનાઓ નીકળી જાય એવી શક્યતા છે. બજેટ ફોનમાં ક્યારેય અપડેટ આવે જ નહીં એવું પણ બની શકે છે.

આટલી સ્પષ્ટતા પછી, એ જાણી લઈએ કે માર્શમેલો વર્ઝનમાં ખરેખર નવું શું છે?

ડિઝાઇનની રીતે જોઈએ તો નવા વર્ઝનમાં ખાસ કોઈ મોટા ફેરફાર નથી, પરંતુ ફોનના પરફોર્મન્સમાં ખાસ્સો એવો સુધારો થાય એ વાત પર ધ્યાન આપવામાં આવ્યું છે.

બેટરી મેનેજમેન્ટ અને એપ સ્ટેન્ડબાય

એન્ડ્રોઇડ લોલિપોપ અને માર્શમેલો વર્ઝન વચ્ચે, આપણા માટે મહત્વનો એવો મોટો ફેરફાર છે બેટરીનો. ફોનમાં બેટરી કેટલી ક્ષમતાની છે તેનો આધાર ફોનની મેન્યુફેક્ચરર કંપની અને ફોનના મોડેલ પર છે, પણ આ બેટરી કેટલી સારી રીતે કામ આપી શકે તેનો આધાર ફોનમાંના સોફ્ટવેર પર હોય છે.

તમે નોંધ્યું હશે કે આપણે રાતના ફોન બાજુએ મૂકીને ઊંઘી જઈએ તો એક રાતમાં, કશું કામ ન કરવા છતાં ફોનની બેટરી ૧૫થી ૨૫ ટકા જેટલી ઊતરી શકે છે. જ્યારે માર્શમેલોમાં નવા, ‘ડોઝ’ નામના ઇન્ટેલિજન્ટ બેટરી મેનેજમેન્ટ ફીચરથી, આ પ્રમાણ ફક્ત ૩થી ૫ ટકા જેટલું થઈ જશે. જ્યારે ફોનની વિવિધ એપ્સનો અમુક નિર્ધારિત સમય સુધી ઉપયોગ ન થાય ત્યારે આ ‘ડોઝ’ ફીચર આપોઆપ બધી એપ બંધ કરી, ફોનને હાયબરનેટ કરી નાખે છે.

ફોનમાં ઘણી પ્રોસેસ બેકગ્રાઉન્ડમાં ચાલતી રહેતી હોય છે, તેના પર પણ માર્શમેલોમાં અંકુશ આવી જશે. આપણે લાંબા સમય સુધી જે એપનો ઉપયોગ ન કર્યો હોય તેને સિસ્ટમ લગભગ ડિસેબલ કરી નાખશે, જેથી તે સિસ્ટમ રીસોર્સ, બેકગ્રાઉન્ટ પ્રોસેસ, સિન્ક, નેટવર્ક એક્સેસ વગેરે ચાલુ રાખે નહીં અને બેટરી કારણ વગર ઉતારે નહીં. અલબત્ત, તમે ઇચ્છો તે એપ પર આવો અંકુશ ન આવે એવી સગવડ પણ છે.

સૌથી સારી વાત એ છે કે આ નવી ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને ફોન મેન્યુફેક્ચર કરનારી કંપની પાવર સેવર મોડમાં નવી સગવડ ઉમેરવી હોય તો ઉમેરી શકશે, પણ માર્શમેલોના મૂળ ‘ડોઝ’ ફીચરમાં કોઈ ફેરફાર કરી શકશે નહીં.


ફાઇલ મેનેજર

તમે નોંધ્યું હશે કે જેમ કમ્પ્યુટરમાં ફાઇલ્સ અને ફોલ્ડર મેનેજ કરવા માટે વિન્ડોઝ એક્સપ્લોરરની સુવિધા છે, તેવી સગવડ સ્માર્ટફોનમાં સહેલાઈથી મળતી નથી. તમારા ફોનની કંપનીએ પોતાની રીતે આવી સુવિધા ઉમેરી હોય તો તમે નસીબદાર, બાકી તમારે વધારાની કોઈ એપ ઉમેરવી પડે. માર્શમેલોથી, બહુ સુવિધાસભર નહીં પણ કામ સારી રીતે ચાલી જાય એવું ફાઇલ મેનેજર ઉમેરાઈ ગયું છે. અહીં આપણે ફોનમાંનું આપણું કન્ટેન્ટ જોઈ શકીએ અને એક ફોલ્ડરમાંથી બીજા ફોલ્ડરમં કોપી કે મૂવ કરી શકીએ.

માર્શમેલોમાં એપ ડ્રોઅર પણ બદલાયું છે. અત્યારે સુધી આપણને એપ્સ તપાસવા માટે ડાબે કે જમણે, હોરિઝોન્ટલ સ્વાઇપ કરવાની ટેવ છે. માર્શમેલોમાં ઉપરથી નીચે, વર્ટિકલ સ્ક્રોલિંગ કરવાનું થશે. તેમાં ટોચ પર આપણે છેલ્લે ઉપયોગમાં લીધેલી અથવા વધુ ઉપયોગ કરતા હોઈએ એવી એપ્સ આપોઆપ ગોઠવાતી જશે. આમાં મજાની વાત એ છે કે જો આપણે રોજ સવારે કોઈ ન્યૂઝ એપ ઓપન કરીને સમાચાર પર નજર ફેરવી લેતા હોઈએ અને રાત્રે મ્યુઝિક એપ ઓપન કરતા હોઈએ તો દિવસના સમય અનુસાર, એપ ડ્રોઅરમાં એ જ એપ ટોપ પર આપોઆપ ગોઠવાઈ જશે!

મેમરી કાર્ડ સપોર્ટ

એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં આપણે વધારાનું મેમરી કાર્ડ નાખીને તેની સ્ટોરેજ કેપેસિટી વધારી શકીએ એ અત્યાર સુધી તેનું મોટું જમા પાસું મનાતું હતું. પરંતુ પછી ગૂગલને લાગ્યું કે ફોનની સિક્યોરિટી માટે આ સારી વાત નથી, એટલે કિટકેટ વર્ઝનમાં તેનાં સેટિંગ બદલાયાં અને એપ્સને મેમરી કાર્ડમાં લઈ જવી મુશ્કેલ બની. એપ્સ ડેવલપર્સે આ સામે જબરો વાંધો લીધો અને હવે માર્શમેલોમાં, એક્સ્ટ્રા મેમરી કાર્ડને સિસ્ટમના ઇન્ટર્નલ સ્ટોરેજના એક ભાગ તરીકે વાપરી શકાય એવી સુવિધા આપવામાં આવી છે.

રેમ મેનેજર

બજેટ ફોનમાં ઓછી રેમથી ફોન ધીમા ચાલવાની મોટી ફરિયાદ હોય છે. હાલનાં વર્ઝન્સમાં કઈ એપ કેટલી રેમ વાપરી રહી છે તે તપાસવાની સવગડ તો છે, પણ માર્શમેલોમાં સેટિંગ્સમાં મેમરીનું અલગ સેક્શન છે, જેથી લોકોને કઈ એપ ડિસેબલ કે અનઇન્સ્ટોલ કરવાથી તેમનો ફોન ફરી ઝડપથી ચાલવા લાગશે એ સહેલાઈથી ખબર પડશે.

એપ પરમિશન

માર્શમેલોમાં આવેલું એક મોટું પરિવર્તન. અત્યાર સુધી આપણે કોઈ પણ એપ ડાઉનલોડ કરીએ ત્યારે એ ફોનમાં શું શું કરી શકશે તેની ફક્ત યાદી જોઈ શકીએ છીએ, જ્યારે માર્શમેલોથી, કોઈ એપને ૧૫-૧૭ જાતની પરમિશન માગી હોય ને આપણે ફક્ત ૫-૭ પરમિશન આપવા માગતા હોઈએ તો એ પણ શક્ય બનશે (એપલના આઇઓએસમાં આ સગવડ વર્ષોથી છે!). જોકે હાલની બધી એપ માર્શમેલોની નવી રીત મુજબ અપડેટ થશે તે પછી જ આપણે તેનો પૂરો લાભ લઈ શકીશું.

નાઉ ઓન ટેપ

ગૂગલ આ મુદ્દાને માર્શમેલોની સૌથી મોટી ખાસિયત તરીકે જુએ છે. આપણે ગૂગલ નાઉથી હજી ખાસ પરિચિત નથી, પણ આ એક ખરેખર સારી સુવિધા છે. ધીમે ધીમે ફોન સાથેનો આપણો બધો સંપર્ક આ નાઉ ઓન ટેપ સગવડથી થાય તો નવાઈ નહીં. ઉદાહરણ સાથે સમજીએ તો, આપણે કોઈ ન્યૂઝ એપ ઓપન કરીને પેરિસના હુમલા વિશેનો લેખ વાંચતા હોઈએ અને એ વિશે વધુ માહિતી જોઈતી હોય તો હોમ બટન જરા વધુ સમય પ્રેસ કરતાં, ગૂગલ નાઉ સર્વિસ ગૂગલ સર્ચ, ન્યૂઝ, ફેસબુક, ગૂગલ ઇમેજીસ અને વિકિપીડિયામાંથી વધુ માહિતી શોધવાની લિંક્સ આપશે.

સ્ક્રીન પર જે માહિતી હશે તેના સંદર્ભમાં, ગૂગલ નાઉનાં સૂચનો પણ સતત બદલાશે! જો આપણે કોઈ મૂવી ટિકિટ બુક કરી હોય અને તેની ટિકિટનો ઈ-મેઇલ જોતાં જોતાં નાઉ ઓન ટેપ એક્ટિવેટ કરીએ તો, આપણા ઘરથી મલ્ટિપ્લેક્સ સુધીના રસ્તે ટ્રાફિક કેટલો છે તેની જાણકારી મળી શકે છે!

આ અંકમાંના અન્ય લેખમાં લખ્યું છે તેમ, ગૂગલ મોબાઇલમાં  પણ સર્ચનું પોતાનું રજવાડું જાળવી રાખવા આકાશ-પાતાળ એક કરે છે તેનો આ એક વધુ પુરાવો છે.

સ્માર્ટ લોક

લોલિપોપથી મળેલી આ સુવિધા માર્શમેલોમાં એક ડગલું આગળ વધે છે. આ સગવડની મદદથી, આપણે આપણા ફોનને લોક્ડ રાખતા હોઈએ, પણ ઘરે હોઈએ ત્યારે આપોઆપ એ અનલોક્ડ રહે એવું સેટિંગ હવે કરી શકાશે. વાઇ-ફાઇ અને જીપીએસ ડેટાથી સિસ્ટમ એવું નક્કી કરી લેશે કે આપણે ભરોસાપાત્ર જગ્યાએ છીએ. સ્માર્ટફોન તમારા ખિસ્સામાં હોય ત્યાં સુધી એ લોક્ડ ન રહે, પણ ખિસ્સામાંથી કાઢીને બાજુએ મૂકો કે તરત લોક થઈ જાય એવું પણ એમાં શક્ય છે! સ્માર્ટ લોકમાં આ રીતે ટ્રસ્ટેડ ડિવાઇસીઝ (પેર્ડ સ્માર્ટવોચ કે બ્લુટૂથ સ્પીકર્સ વગેરે), ટ્રસ્ટેડ પ્લેસીઝ, ટ્રસ્ટેડ ફેસીઝ અને ઓનબોડી ડિટેક્શનની સુવિધા છે.

માર્શમેલોમાં આ સિવાય એન્ડ્રોઇડ એપ માટેની વધુ સારી સુવિધાઓ, ફિંગરપ્રિન્ટ સપોર્ટ, એપ્સ અને તેના ડેટાનો વધુ સારો બેકઅપ વગેરે સગવડો પણ ઉમેરાઈ છે. સરવાળે, એન્ડ્રોઇડમાં જે કંઈ ખામીઓ હજી સુધી જોવા મળી છે તે બધી માર્શમેલોમાં સુધારીને, એન્ડ્રોઇડને વધુ સુવિધાસભર બનાવવાનો પ્રયાસ થયો છે.

તમે જોઈતા સ્માર્ટફોનમાં માર્શમેલો વર્ઝન મળે ત્યાં સુધી ફોન ખરીદવાની રાહ જોવી કે નહીં એ હવે તમે નક્કી કરો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!