ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપની ભાષાંતર ક્ષેત્રે નવીન શોધો થકી, દુનિયાના અલગ અલગ ભાષા બોલતા લોકોને પરસ્પરની નજીક લાવી રહી છે. હવે સમય આવી પહોંચ્યો છે, ઇન્સ્ટન્ટ ઓટોમેટિક ટ્રાન્સલેશનનો!
ગયા વર્ષે, જૂન મહિનામાં આપણે એક ખાસ પ્રકારની એપ વિશે વાત કરી ત્યારે લખ્યું હતું કે આપણને તેનો તરત લાભ મળવાનો નથી, હવે એ સમય આવી ગયો છે, અલબત્ત પૂરેપૂરો નહીં
વાત એમ છે કે ગયા જૂન મહિનાની આસપાસ ગૂગલે ક્વેસ્ટ વિઝ્યુઅલ્સ નામની એક કંપની ખરીદી હતી. આ કંપનીએ વર્લ્ડ લેન્સ નામની એક મોબાઇલ એપ વિક્સાવી હતી. એ પેઇડ એપ હતી, પણ ગૂગલે કંપની ખરીદ્યા પછી આ એપને થોડો સમય યથાવત સ્વરૂપે અને નામે સૌને મફતમાં ડાઉનલોડ કરવા દીધી. પછી તેની ટેકનોલોજીને ગૂગલ ટ્રાન્સલેટ એપમાં સમાવી લીધી, જે ફ્રી જ છે.
ગૂગલે મેળવેલી આ નવી ટેક્નોલોજીની ખૂબી એ હતી કે તેમાં આપણે ફ્રાન્સ ગયા હોઈએ અને કોઈ હોટેલમાં મેનુ જોતા હોઈએ કે રસ્તા પર ફ્રેન્ચ ભાષામાં લખેલું સાઇન બોર્ડ સમજવું હોય તો સ્માર્ટફોનમાં આ એપ ચાલુ કરી, કેમેરાના આઇકન પર ક્લિક કરી, પેલા ફ્રેન્ચ લખાણનો ફોટોગ્રાફ લઈએ એટલે તરત જ, એ લખાણ ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ થઈને, લગભગ યથાવત દેખાવ સાથે જ આપણને જોવા મળે!
ગૂગલે શરૂઆત કરી ત્યારે ૭ ભાષાઓ સાથે શરૂઆત કરી હતી, હવે તેમાં નવી સુવિધાઓ ઉમેરાઈ છે અને ગયા મહિને તેમાં બીજી ૨૦ ભાષા પણ ઉમેરાઈ છે. આ ૨૭ ભાષાઓમાં ગુજરાતી છે અને નથી!
કેમ? વિગતવાર સમજવા માટે પહેલાં આ એપની થોડી આંટીઘૂંટી સમજી લઈએ. એપમાં બે પ્રકારે ટ્રાન્સલેશન થઈ શકે છે, એક, જેમાં નેટ કનેક્શનની જરૂર પડે (વાઇફાઇ કે મોબાઇલ ડેટા) અને બીજું, જે નેટ કનેક્શન વિના પણ ચાલે. ઉપરાંત, ઇન્સ્ટન્ટ ટ્રાન્સલેશન અને થોડી કસરત પછી ટ્રાન્સલેશન એવા બે પેટા પ્રકાર પણ છે. સીધો ઉપયોગ શરૂ કરીએ તો વાત વધુ સમજાશે.
- પહેલાં, તમારા ફોનમાં ગૂગલ ટ્રાન્સલેટ એપ ડાઉનલોડ કરી લો.
- હવે એપમાં, ઇંગ્લિશ ટુ હિન્દી ભાષા પસંદ કરો.
- હવે કેમેરા બટનને ટેપ કરો.
તરત, સિસ્ટમ તમને કહેશે કે આ ભાષામાં ઇન્સ્ટન્ટ ટ્રાન્સલેશન માટે તમારે તેનું લેંગ્વેજ પેક ડાઉનલોડ કરવું પડશે, જે હિન્દીના કિસ્સામાં ૨ એમબી જેટલું નાનું છે. તે ડાઉનલોડ થઈ ગયા પછી, કોઈ પણ અંગ્રેજી લખાણ (અખબારની હેડલાઇન હોય તો વધુ સારું) સામે કેમેરાને ગોઠવો અને આપણે જે શબ્દનું ભાષાંતર જોઈતું હોય તેની સાથે કેમેરાને એલાઇન કરો (એવી સૂચના પણ મળશે) એ સાથે બીજું કશું જ કર્યા વિના, સ્ક્રીન પર એ શબ્દનું હિન્દી ભાષાંતર જોવા મળશે! સ્ક્રીન પર નીચેની તરફ ઇન્સ્ટન્ટ ટ્રાન્સલેશન ઓન છે એ દર્શાવતી ગ્રીન આઇનો આઇકન જોવા મળશે.
અત્યારે આ સગવડ હજી પ્રાથમિક તબક્કામાં છે, પણ છતાં છે ગજબ!
હાલમાં આ રીતે ઇંગ્લિશમાંથી હિન્દી એવું વન-વે ઇન્સ્ટન્ટ ટ્રાન્સલેશન થઈ શકે છે. જ્યારે વિશ્વની બીજી ૨૭ ભાષામાં ટુ-વે ટ્રાન્સલેશન શક્ય છે, એ પણ ઇન્સ્ટન્ટલી!
ગૂગલ ટ્રાન્સલેટ એપ પર પ્રિન્ટેડ ટેક્સ્ટનું ગુજરાતીમાં ભાષાંતર પણ શક્ય છે, પણ એ માટે ઇન્ટરનેટ કનેક્શન ઓન હોવું જોઈએ અને કેમેરાથી આપણે જે ટેક્સ્ટ પર ફોકસ કરીએ, તેનો ફોટોગ્રાફ લઈ, જે તે શબ્દને આંગળીના લસરકાથી હાઇલાઇટ કરવો પડે, પછી સિસ્ટમ આપણને તેનું ભાષાંતર કરી આપે.

આ જ એપમાં ઇન્સ્ટન્ટ વોઇસ ટ્રાન્સલેશન પણ છે. તમે નેધરલેન્ડ્સ ગયા હો અને ત્યાં કોઈ ડચ સજ્જન સાથે ડચ ભાષામાં વાતચીત કરવી હોય તો બંને વ્યક્તિ વચ્ચે સ્માર્ટફોન જીવતાજાગતા દુભાષિયાનું કામ કરે છે!
ઘણી બધી સ્કૂલ્સમાં ચોથા-પાંચમા ધોરણથી ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ઉપરાંત ફ્રેન્ચ કે જાપનીઝ જેવી ભાષાઓ પણ એક વિષય તરીકે હોય છે, જે શીખવવામાં મા-બાપનો પનો સાવ ટૂંકો પડે. આવા સ્ટુડન્ટ માટે આવી એપ કેટલી ઉપયોગી થાય એ વિચારી જુઓ!


