માઇક્રોસોફ્ટ વર્ડમાં કોપી-પેસ્ટ કરતાં તો આપણને સૌને આવડે છે અને વારંવાર કોપી-પેસ્ટ કરતી વખતે ખૂબ કામ લાગતી ક્લિપબોર્ડની સુવિધા વિશે પણ આપણે અગાઉ વિગતવાર વાત કરી ગયા છીએ. હવે વાત કરીએ, જરા જુદી રીતે થતા કોપી-પેસ્ટની.
આ સુવિધાનું નામ છે સ્પાઇક. જૂના જમાનાની જેમ હજી પણ ઘણી દુકાનો કે ઓફિસમાં કામનાં કાગળિયાં, રસીદો વગેરે સાચવી રાખવા માટે નીચે લાકડા કે ધાતુના વજનદાર પાયામાં ખોસેલા અણીદાર સળિયાનો ઉપયોગ થાય છે.
આવા સળિયાને ઇંગ્લિશમાં સ્પાઇક કહે છે અને વર્ડમાંની આ નામની સુવિધા પેલા જૂના સળિયાના સિદ્ધાંત પર જ કામ કરે છે!
આપણે જ્યારે વર્ડમાં કોઈ મોટા ડોક્યુમેન્ટ પર કામ કરી રહ્યા હોઈએ અને જુદા જુદા પેરેગ્રાફ તેમના સ્થાનેથી કટ કરીને એ જ ડોક્યુમેન્ટમાં બીજા કોઈ સ્થાને લઈ જવા હોય ત્યારે આ સ્પાઇક સુવિધા કામ લાગે છે. એક ડોક્યુમેન્ટમાંથી પસંદગીના પેરેગ્રાફ કટ કરીને બીજા ડોક્યુમેન્ટમાં લઈ જવા હોય ત્યારે પણ આ સુવિધા કામની છે.
સ્પાઇક ફીચરનો લાભ લેવા માટે આપણું કરવાનું ફક્ત આટલું જ છે, જે પેરેગ્રાફને કટ કરવો હોય તેને સિલેક્ટ કરી લો (વર્ડમાં કોઈ પણ પેરેગ્રાફમાં ગમે ત્યાં સતત ત્રણ વાર માઉસથી ક્લિક કરતાં આખો પેરેગ્રાફ સિલેક્ટ થઈ જાય છે, એ યાદ છેને?).
હવેCtrl+F3 કી પ્રેસ કરો. આથી એ પેરેગ્રાફ કટ થઈને – પેલા સળિયામાં પરોવાતા કાગળની જેમ – સ્પાઇકમાં ચાલ્યો જશે.
આ રીતે આપણે એક પછી એક સંખ્યાબંધ પેરેગ્રાફ સ્પાઇકમાં લઈ જઈ શકીએ છીએ.
હવે જ્યાં પણ એ બધા પેરેગ્રાફ પેસ્ટ કરવાના હોય ત્યાં કર્સર મૂકો અને Ctrl+Shift+F3 પ્રેસ કરો એટલે આપણે અગાઉ કટ કરેલા બધા જ પેરેગ્રાફ અહીં પેસ્ટ થઈ જશે. આપણો કાગળિયાં સાચવવાનો સળિયો ફરી ખાલીખમ થઈ જશે!
સામાન્ય પ્રકારના કોપી-પેસ્ટમાં, એક પેરેગ્રાફ કોપી કર્યા પછી, તેને બીજે ક્યાંય પેસ્ટ કરતાં પહેલાં જો બીજો પેરેગ્રાફ કોપી કરીએ તો અગાઉનો પેરેગ્રાફ ‘ભૂંસાઈ’ને તેને સ્થાને નવો પેરેગ્રાફ વર્ડના ક્લિપબોર્ડમાં સચવાય છે. પરંતુ આ સ્પાઇક સુવિધાને કારણે આપણે એક સાથે, એકથી વધુ પેરેગ્રાફ કોપી કરી, બીજે સ્થળે લઈ જઈ શકીએ છીએ.

