(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હાલના અને ભાવિ એન્જિનીયર્સ માટે ચેલેન્જ!

કોલેજમાં યોજાતા રોબોફેસ્ટિવલ્સની વાતો વાંચીને તમને પણ કંઈક નવીન મોડેલ્સ બનાવવાનું મન થાય છે? તો તમારી મનપસંદ રેસિંગ બાઈકના પેપર મોડેલ બનાવીને શરુઆત કરી શકો. પણ યાદ રહે, આ બચ્ચાંના ખેલ નથી!
ગયા મહિને નેપાળના ભૂકંપની સાથોસાથ દિલ બે-ચાર ધબકારા ચૂકી જાય એવા પણ એક સમાચાર હતા આ વર્ષે ગુજરાતમાં એન્જિનીયરિંગની સીટ્સ એટલી વધી ગઈ છે કે બારમા ધોરણમાં ૪૫ ટકા લાવનારને પણ એન્જિનીયરિંગમાં એડમિશન મળી જશે!

શિક્ષણનું શું થવા બેઠું છે? એવી ચિંતા કરવાનો કોઈ અર્થ નથી, અત્યારે એન્જિનીયરિંગ ભણી રહેલા કે ગમે તેટલા ટકાએ એડમિશન લઈને એન્જિનીયર થવા માટે થનગની રહેલા લોકોએ એટલો જ વિચાર કરવાનો છે કે અભ્યાસ પૂરો કર્યા પછી જ્યારે કારકિર્દી શરુ કરવાનો સમય આવશે ત્યારે પોતાના અસંખ્ય હરીફોથી આગળ કેમ રહેવું?

વાસ્તવમાં, એન્જિનીયરિંગમાં એડ્મિશન મળવાથી તમે કોલેજમાં એન્જિનીયરિંગ વિશેનો એપ્ટિટ્યૂડ કેળવી શકો, પણ એક એન્જિનીયર તરીકેનો એટિટ્યૂડ કેળવવો એ અલગ વાત છે (સારી કોલેજ હોય તો આ બંને શક્ય છે!). એન્જિનીયરિંગ વિશેની માહિતી કે જાણકારી મેળવવી એ પહેલું પગથિયું, પણ એની સમજણ અને સૂઝ કેળવવી એ બીજું પગથિયું છે, જે તમને બીજાથી આગળ રાખી શકે.

આવી સમજણ કેળવવા માટે સતત, સખ્ખત વાંચવું પડે અને મોબાઇલમાં કે પીસીમાં ખાસ્સું બ્રાઉઝિંગ કરવું પડે. એ માટે એકેડમિક થોથાં કે સાઇટ્સ ફંફોસવાની પણ જરુર નથી, તમારા પેશનની બાબતમાંથી પણ કંઈક અનોખું મળી આવે એવું બની શકે છે. જેમ કે બાઇક્સ તમારું પેશન હોય અને નસીબજોગે તમે યામાહાની ગ્લોબલ સાઇટ સુધી પહોંચો તો, તમારી ક્રિએટિવિટી માટે તદ્દન અનોખી ચેલેન્જ મળી આવે.

યામાહા કંપનીએ તેની ગ્લોબલ સાઇટ પર ફન ફ્રોમ યામાહા નામે એક અલગ વિભાગ રાખ્યો છે, જે એન્જિનીયર બનતા માગતી (કે બની ગયેલી) કોઈ પણ વ્યક્તિને યામાહાની બાઇક જેવી જ દમદાર ચેલેન્જ આપી શકે તેમ છે. કંપનીએ નોબુટાકા મુકોયામા નામના ડિઝાઇનર-એન્જિનીયરને કામે લગાડી, તેને યામાહા બાઇક્સનાં વિવિધ મોડેલ્સના પ્લાનિંગ અને પ્રોડક્શનનું કામ સોંપ્યું છે. ફેર ફક્ત એટલો છે કે નોબુટાકાએ બનાવેલાં તમામ બાઇક્સ પેપરનાં, જી હા, કાગળનાં બનેલાં છે!

નોબુટાકા એક પેપર ક્રાફ્ટ ડિઝાઇનર છે અને તેણે બનાવેલાં બાઇક્સનાં પેપર મોડેલ્સ આપણે પણ બનાવી શકીએ એ રીતે સંખ્યાબંધ પાર્ટ્સની ડિઝાઇન સાથે પીડીએફ સ્વરુ‚પે ઉપલબ્ધ છે, જે કોઈ પણ બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરી શકે છે. સાથે એ બધા ટુ-ડી પાર્ટ્સ કટ કરી, ફોલ્ડ કરીને કેવી રીતે ૩-ડી પાર્ટ્સમાં કન્વર્ટ કરીને એસેમ્બલ કરવા એની વિગતવાર ગાઇડલાઇન અલગ પીડીએફ સ્વરુપે મળશે. કલર મોડેલ્સ બનાવવા માટે કલર પાર્ટ્સની પીડીએફ ડાઉનલોડ કરી શકાશે, જેની સામાન્ય પેપર પર કલર પ્રિન્ટ લઈ શકાય છે (જુઓ : http://global.yamaha-motor.com/yamahastyle/entertainment/papercraft/)

યાદ રહે, આજકાલ ઠેકઠેકાણે જોવા મળતાં પેલાં, કટઆઉટમાંથી સ્ટીમર બનાવવાનાં ચાઇનીઝ પેપરમોડેલ્સ જેવી આ વાત નથી. સાઇટ પર જઈને જુદાં જુદાં મોડેલ્સ તપાસશો અને બે-ચાર મોડેલની પીડીએફ ડાઉનલોડ કરી જોશો એટલે ચીન અને જાપાન તથા બાળક અને એન્જિનીયર વચ્ચેનો તફાવત સમજાઈ જશે!

સાઇટ પર પીડીએફ પેટર્ન ડાઉનલોડ કેવી રીતે કરવી ત્યાંથી માંડીને પેપર ક્રાફ્ટ મોડેલ કેવી રીતે બનાવવાં તેનું અત્યંત વિગતવાર, વીડિયોઝ સહિતનું માર્ગદર્શન મળી રહેશે. તમારે ફક્ત તમારી સ્કિલ્સ કામે લગાડવાની છે.

રેસિંગ બાઇક્સનાં મોડેલ્સ ઉપરાંત રેર એનિમલ્સ ઓફ ધ વર્લ્ડ, સીઝન્સ, પોપ અપ ગ્રીટિંગ કાર્ડ વગેરે સીરીઝનાં પેપર ક્રાફ્ટ પણ જોવા મળશે અને એ દરેક માટે પાર્ટ્સની પીડીએફ, એસેમ્બલિંગનું ગાઇડન્સ અને દુર્લભ પ્રાણીઓના કિસ્સામાં એ દરેકની વિશેષતાઓ પણ જાણી શકાશે.

તમે આ ચેલેન્જ ઉપાડી લો અને કાગળમાં રેસિંગ બાઇક્સ બનાવી શકો તો તેના ફોટોઝ ક્લિક કરીને, ટમ્બલર પરની યામાહા પેપરક્રાફ્ટસ ગેલેરી પર અપલોડ પણ કરી શકો છો.


તમે અખબારોમાં અવારનવાર કોલેજીસમાં યોજાતા રોબોટિક્સ-ફેસ્ટ વિશે વાંચતા હશો. ત્યાં સુધી પહોંચવાનો રસ્તો આવી કોઈક ખરેખર હટ કે એક્ટિવિટીથી જ શરુ થતો હોય છે. તમે અને બચ્ચાંની રમત ગણી શકો અથવા એન્જિનીયરિંગ સ્કિલ્સ ડેવલપ કરવાનું પ્લેટફોર્મ પણ સમજી શકો. અને બાય ધ વે, શરૂઆતમાં એપ્ટિટ્યૂડ ને એટિટ્યૂડની વાત કરી છે એ બંનેમાં ફેર શું એ સમજવામાં પણ ઇન્ટરનેટ જ કામે લાગશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!