છેલ્લા થોડા સમયથી, તમે તમારા મોબાઇલમાં વેબસર્ફિંગ કરતા હો ત્યારે તેમાં તમને કોઈ ફેરફાર થયો હોય તેવું લાગ્યું છે? એટલે કે તમે કોઈ વેબપેજ ઓપન કરો ત્યારે અગાઉની સરખામણીમાં હવે એ ફટાફટ ઓપન થવા લાગ્યાં હોય એવું લાગે છે? ગૂગલ કહે છે કે એવું લાગવું જોઈએ! ચોક્કસ આંકડો કહીએ તો વેબપેજ ચાર ગણી વધુ ઝડપે લોડ થવું જોઈએ અને અગાઉ કરતાં એ વેબપેજ ૮૦ ટકા ઓછો ડેટા વાપરતું હોવું જોઈએ!
યે બાત કુછ હજમ નહીં હુઈ, કેમ? પણ શક્ય છે કે આ હકીકત હોય. તમારા ફોનમાં ૨-જી ડેટા પ્લાન હોય કે ૩-જી, ઘણી વાર બ્રાઉઝિંગ વખતે પેજ ખાસ્સી ઓછી ઝડપે લોડ થતાં હોય એવો તમારો અનુભવ હશે. ટેક કંપનીઓ આ સ્થિતિ બદલવા માગે છે.
આપણા દેશમાં સ્માર્ટફોનનું વેચાણ અને વપરાશ બંને સતત વધી રહ્યાં છે અને કેટલાય લોકો સ્માર્ટફોન દ્વારા જ ઇન્ટરનેટના પહેલવહેલા પરિચયમાં આવી રહ્યા છે. ભારતની કુલ વસતિ જોતાં, આ પ્રમાણ હજી ઘણું વધી શકે તેમ છે, ઇન્ટરનેટ અને સ્માર્ટફોનનું માર્કેટ સહેલાઈથી સેચ્યુરેટ થાય તેમ નથી. આ કારણે મોટી મોટી ટેક કંપનીઓ ભારતીયો એટલે કે મને અને તમને રીઝવવા આકાશ-પાતાળ એક કરી રહી છે!
તમે જાણતા જ હશો કે ફેસબુકે મોબાઇલ માટે ફેસબુક લાઇટ એપ લોન્ચ કરી છે, આ એપ, ફેસબુકની ઓરિજિનજલ એપ કરતાં અત્યંત ઓછી જગ્યા રોકે છે, ફટાફટ લોડ થાય છે, ફોનમાં ભારતીય ભાષાના ફોન્ટ ન હોય તો પણ ભારતીય લખાણ બતાવે છે અને ડેટાનો ઓછો વપરાશ કરે છે (વધુ વિગતો માટે જુઓ ઓગસ્ટ ૨૦૧૫ અંક). સસ્તું, સારું, નમતું અને ઉધાર જેવી વાત થઈને?! આમાં કેટલોક ભોગ આપવો પડે, પણ ઘણા ખરા લોકોને તેનો વાંધો ન હોઈ શકે.
એ જ રીતે, ગૂગલને પણ હવે બરાબર સમજાયું છે કે ભારતમાં પોતાનો વ્યાપ વિસ્તારવો હશે તો લોકો ઓછા ખર્ચે, વધુ ઝડપે મોબાઇલ પર સર્ફિંગ કરી શકે એવું કરવું પડશે. જાણીતી ભારતીય મોબાઇલ હેન્ડસેટ કંપનીઝના સાથમાં ગૂગલે પ્રમાણમાં ખાસ્સા સસ્તા એન્ડ્રોઇડ વન ફોન રજૂ કર્યા એનું કારણ એ જ. યુટ્યૂબ પરના વીડિયો ૨૪ કલાક માટે ડાઉનલોડ થઈ શકે એવી સુવિધા ઉમેરાવાનું કારણ પણ એ જ.
હવે એ દિશામાં આગળ વધીને ગૂગલે મોબાઇલ પર વેબપેજીસ રોજિંદી કરતાં ચાર ગણી ઝડપે લોડ થાય એવી સર્વિસ વિક્સાવી છે. ગૂગલ તેને ‘ગૂગલ વેબલાઇટ’ કહે છે.
ગૂગલ આ માટે ટ્રાન્સકોડિંગની કરામત અજમાવે છે. આપણે જાણીએ જ છીએ કે પીસી કે લેપટોપની સરખામણીમાં સ્માર્ટફોનનાં પ્રોસેસર, રેમ, બેટરી, વગેરે બધું જ ઘણું ઓછું હોવાનું. એટલે મોટા ભાગની વેબસાઇટ્સને મોબાઇલ ડિવાઇસને ધ્યાનમાં રાખીને ઓપ્ટીમાઇઝ કરવામાં આવે છે. સાદા શબ્દોમાં, જ્યારે વેબસાઇટ મોબાઇલ પર ઓપન કરવામાં આવે ત્યારે આપોઆપ તેમાં કેટલાક ફેરફાર કરીને વેબસાઇટ ઝડપથી ઓપન થાય એવો પ્રયાસ કરવામાં આવે છે. કોઈ પણ મીડિયા ફોર્મેટ કે ઓબ્જેક્ટને એક ફોર્મેટમાંથી બીજા ફોર્મેટમાં ફેરવવાની આવી પ્રક્રિયાને ટ્રાન્સકોડિંગ કહે છે. ગૂગલ એ પ્રક્રિયાને હજી વધુ આગળ ધપાવી રહી છે.
આપણે માટે મુદ્દાની વાત એટલી કે ગૂગલ વેબલાઇટ સર્વિસમાં, જ્યારે આપણે ગૂગલ પર કોઈ પેજ સર્ચ કરીએ ત્યારે રીઝલ્ટ પેજ પર હવે ઘણી બધી લિંક સાથે સ્લો ટુ લોડ એવી માહિતી જોવા મળે છે. તમે વાઇ-ફાઇ પર હો અને સિગ્નલ નબળાં પડે ત્યારે પણ આવી સૂચના જોવા મળશે. ગૂગલ કોને ધીમું કનેક્શન ગણે છે એની ચોખવટ નથી, પણ ગૂગલે નક્કી કરેલી મર્યાદા કરતાં કનેક્શન ધીમું હોય અને પેજ ખૂલતાં વાર લાગે તેમ હોય ત્યારે ગૂગલ સીધી એ વેબસાઇટ ઓપન કરવાને બદલે, તેનું ટ્રાન્સકોડિંગ કરે છે અને પછી તે પેજ બતાવે છે. એટલે આપણને જે વેબપેજ જોવા મળે તેની લિંકમાં શરૂઆતમાં http://googleweblight.com લખેલું જોવા મળશે, પછી ભલે આપણે બીજી ગમે તે વેબસાઇટ જોઈ રહ્યા હોઈએ.
અલબત્ત, અત્યારે આ સગવડ ફક્ત એન્ડ્રોઇડ ફોન પૂરતી છે. એમાં પણ ફક્ત ગૂગલ ક્રોમ બ્રાઉઝર કે એન્ડ્રોઇડના સ્ટોક બ્રાઉઝરમાં આ સગવડ મળે છે. ગૂગલના સર્ચ એન્જિન મારફત કોઈ વેબપેજ પર જઈએ ત્યારે પણ આ સુવિધા મળી શકે છે.
ગૂગલે આ સુવિધાને પહેલાં ઇન્ડોનેશિયામાં અજમાવી જોઈ. ત્યાંનાં પરિણામો કહે છે કે આ રીતે આંખના પલકારામાં ઓપ્ટિમાઇઝ થતાં વેબપેજ પહેલાં કરતાં ચાર ગણી વધુ ઝડપે લોડ થાય છે, તેમાં ૮૦ ટકા ઓછો ડેટા વપરાય છે અને ખાસ તો, પેજ ઝડપથી ખૂલવાને કારણે લોકો સરેરાશ ૫૦ ટકા વધુ પેજ જોવા લાગ્યા છે! ગૂગલે કેમ આ ટેક્નોલોજી આગળ ધપાવી તેનું કારણ સમજાઈ ગયુંને?!
ગૂગલ કહે છે કે આ ટેક્નોલોજી હજી સાવ શરૂઆતના તબક્કામાં છે, તેમાં સફળતા મળતાં, આગળ જતાં પીસી પર પણ આપણું બ્રાઉઝિંગ ઝડપી બને એવું બની શકે છે.
ટૂંકમાં અત્યારે બધો ખેલ ‘ઉસકી કમીઝ મેરી કમીઝ સે સફેદ કૈસે?’ એવો છે. તમારા કોઈ મિત્ર યુસી કે ઓપેરા જેવાં બ્રાઉઝરનો ઉપયોગ કરતા હશે અને તમે ક્રોમ કે ફાયરફોક્સ કે સ્ટોક બ્રાઉઝર વાપરતા હશો તો તમને આ જ સવાલ થતો હશે, ‘ઉસકા બ્રાઉઝર મેરે બ્રાઉઝર સે તેજ કૈસે?’ કારણ એ છે કે આપણે મોબાઇલ પર યુસી બ્રાઉઝરમાં કોઈ પેજ ઓપન કરીએ ત્યારે પહેલાં તે બ્રાઉઝરનાં સર્વરમાં કમ્પ્રેસ્ડ થાય અને પછી આપણા ફોનમાં તે પેજ ડાઉનલોડ થાય છે. આ બધી કંપની આ રીતે એકમેક સાથે હરીફાઈ કરે એ અંતે આપણા ફાયદાની વાત છે!

