સફળ થવું હોય તો કંઈક અલગ વિચારતાં શીખવું પડે – આ વાત કહેવામાં જેટલી સહેલી છે, એટલી અમલમાં મૂકવી મુશ્કેલ છે. દિમાગને જુદી જુદી સમસ્યાના જુદા જુદા ઉકેલ શોધવાની ટેવ પાડવી હોય તો આ ગેમ રમવા જેવી છે.
આગળ શું વાંચશો?
- શું છે આ ફ્લેક્સિબલ થીંકિંગ?
ઘણાં મા-બાપ અવારનવાર પોતાના સંતાન વિશે ફરિયાદ કરતાં હોય છે કે “હાથમાંથી સ્માર્ટફોન મૂકતો (કે મૂકતી!) જ નથી. અતિરેક કોઈ પણ બાબતનો ખોટો છે, એટલે આ ફરિયાદમાં તથ્ય ખરું, પણ ક્યારેક એ પણ વિચારવું જોઈએ કે દીકરો કે દીકરી સ્માર્ટફોનમાં કરે છે શું?
કેટલીક ગેમ એવી પણ હોય છે જે જાણે-અજાણે એને આખા જીવનમાં કામ લાગે એવું ભાથું બાંધી આપે, એ પણ બિલકુલ રમત રમતમાં.
જાપાનની ટ્રાન્સલિમિટ નામની એક કંપનીએ બનાવેલી એક ગેમ આ જ કેટેગરીમાં આવે છે. ‘બ્રેઇન ડોટ’ નામની આ ગેમ એન્ડ્રોઇડ અને આઇઓએસમાં ચાલી શકે છે. ટૂંકા ગાળામાં આ ગેમ એક કરોડ જેટલા લોકોના દિમાગમાં ઘર કરી ગઈ છે.
પહેલી નજરે ગેમ બિલકુલ સિમ્પલ છે. સ્ક્રીન પર બે જુદા જુદા રંગના દડા જોવા મળે. આપણે સ્ક્રીન પર આંગળીના લસરકાથી જુદા જુદા પાથ દોરવાના – જેમ કે ઢાળ, જેના પર દડો લસરી શકે. આપણું ધ્યેય બંને દડાને એકબીજા સાથે અથડાવી દેવાનું છે. એ કામ પતે એટલે બીજું લેવલ મળે. શરૂઆતમાં આપણે કેવા કેવા પાથ દોરી શકે એ સમજાવવામાં આવે, પછી આપણે પોતે મગજ દોડાવવાનું. ગેમની ભાષા હિન્દી પણ રાખી શકાય છે. આ તો થઈ આ ગેમ કેવી રીતે રમવી એની વાત. હવે વાત કરીએ આ ગેમના ફાયદાની.
તમે આ ગેમ રમવાનું શરૂ કરશો એટલે સમજાશે કે એમાં વધુમાં વધુ લેવલ પાર કરવાં હોય તો દિમાગને જુદી જુદી દિશામાં દોડાવવું પડે છે, એટલે કે ફ્લેક્સિબલ થિંકિંગ કરવું પડે છે.
હકીકતમાં, આ ગેમ રમતાં રમતાં અનાયાસે જ ફ્લેક્સિબલ થીંકિંગની ક્ષમતા વિકસતી જાય છે, જે લાંબા ગાળા સુધી કામ લાગી શકે છે.
શું છે આ ફ્લેક્સિબલ થીંકિંગ?
કલ્પના કરો કે તમે કોઈ જગ્યાએ જઈ રહ્યા છો. તમારે જે રસ્તે જવાનું છે, એ રસ્તે આગળ વધતાં ખબર પડે છે કે આગળ તો ભૂવો પડ્યો છે. સ્વાભાવિક રીતે, આપણે પહેલાં નક્કી કરેલો રસ્તો હવે નકામો છે, એટલે બીજો રસ્તો શોધીને આગળ વધવું પડશે.
આ ફ્લેક્સિબલ થીંકિંગ છે – જરૂરિયાત મુજબ, તાબડતોબ ગીયર બદલવાં અને સમસ્યાના ઉપાય શોધવા માટે નવા રસ્તા અપનાવવા.
વાત સાવ સાદી છે, પણ ઘણાં બાળકોને આ મુદ્દે તકલીફ પડતી હોય છે. પરિણામે તેમના શિક્ષણમાં પણ કચાશ રહે છે અને આગળ જતાં, આ તકલીફ બીજી ઘણી સમસ્યાઓનું કારણ બને છે. માનસશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે બાળકોમાં આ પ્રકારની ક્ષમતા કેળવવા માટે બે બાબત પર ધ્યાન આપવું જોઈએ, જેને ‘ફ્લેક્સિબલ થીંકિંગ’ અને ‘સેટ શીફ્ટિંગ’ કહે છે. આગળ વધવા માટે ફક્ત નવી, જુદી રીતે વિચારવું (ફ્લેક્સિબલ થીંકિંગ) પૂરતું હોતું નથી, જૂની રીત ભૂલીને નવા વિચારને અમલમાં મૂકવાની આવડત (સેટ શીફ્ટિંગ) પણ જરૂરી છે.
બાળકમાં આ બંને આવડત કેટલીક છે એ સમજવું હોય તો એક સાદો પ્રયોગ કરી શકાય. તેને બૂટની દોરી બાંધવાની એક રીત શીખવો અને પછી બીજી રીત શીખવો. જે બાળકમાં ઉપર લખેલી બંને આવડત કેળવાઈ હશે એ ફટાફટ નવી રીત અપનાવી લેશે, બીજાને તકલીફ પડશે.
આ ક્ષમતાઓ નાનપણથી કેળવવામાં આવે તો વાંચતાં શીખવાથી લઈને જુદા જુદા વિષયોની ઊંડી સમજ કેળવવામાં ઘણી મદદ મળે છે.
તો હવે તમારો દીકરો કે દીકરી સ્માર્ટફોન હાથમાંથી મૂકતાં ન હોય તો ધીમેકથી એમને બ્રેઇન ડોટ જેવી ગેમ તરફ વાળો. બીજું કશું સમજાવવાની જરૂર નથી, એ ગેમમાં પરોવાઈ જશે અને બાકીનું કામ ગેમ પોતે જ કરી લેશે!
પીસી પર આ જ પ્રકારની ગેમ કરવી હોય તો તપાસી જુઓ આ ગેમ : http://www.miniclip.com/games/magic-pen/en/ આ ગેમમાં સ્ક્રીન પર જુદા જુદા આકાર દોડીને લાલ રીંગને દોડાવીને જે તે લેવલમાં આપેલા ફ્લેગ સુધી પહોંચાડીને લેવલ પાર કરવાનું છે.

