તમને ક્યારેક તમારા કોઈ મિત્ર કે પરિચિતના ઈ-મેઇલ આઇડી પરથી, ખરેખર એમણે ન મોકલ્યો હોય એવો ઈ-મેઇલ આવી પડ્યો હશે. એ વ્યક્તિનું ઈ-મેઇલ એકાઉન્ટ કોઈ હેક કરી લે અને તેમના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલી તમામ વ્યક્તિને ખોટા ઈ-મેઇલ મોકલવા લાગે ત્યારે આવું થતું હોય છે. હેકરે એ એકાઉન્ટમાં ઘૂસાડેલા પ્રોગ્રામથી આવા સ્પામ મેઇલ્સ રવાના થવા લાગતા હોય છે.
આવું બની રહ્યું હોય તેની ઈ-મેઇલ એકાઉન્ટના મૂળ માલિકને તો ખબર પણ હોતી નથી. તમારા ધ્યાનમાં આવો મેઇલ આવે એટલે તમે એ વ્યક્તિને જાણ કરો અને પછી એ વ્યક્તિ સદનસીબ હોય તો ફરી પોતાના એકાઉન્ટનો કંટ્રોલ મેળવી બધાને નવા મેઇલ મોકલે કે આગલા મેઇલ્સને ધ્યાને લેશો નહીં.
જેવું એ મિત્ર સાથે બન્યું તેવું આપણી સાથે પણ બની શકે છે, પરંતુ આપણે બીજા કોઈ આપણું ધ્યાન દોરે ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. એક સાદો રસ્તો અજમાવી જુઓ. તમારા એકાઉન્ટ લિસ્ટમાં બિલકુલ ખોટું, પણ સાચું લાગે તેવું ઈ-મેઇલ ઉમેરી દો. જેમ કે, fake@gmailyahoo.com.
હવે જો કોઈ હેકર કે પ્રોગ્રામ આપણા મેઇલમાંથી સ્પામ મેઇલ્સ મોકલવાનું શરૂ કરશે તો એ મેઇલ આ ખોટા એડ્રેસ પર પણ જશે અને આપણને તરત મેઈલ બાઉન્સ થયો હોવાની જાણ થશે! આવું થાય ત્યારે તાબડતોબ તમારા એકાઉન્ટનો પાસવર્ડ બદલી નાખો અને ટુ-સ્ટેપ વેરિફિકેશનની સુવિધા પણ અચૂકપણે ચાલુ કરી દો (આ વિશે આપણે મે, ૨૦૧૩ના અંકમાં સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી મેળવી છે).

