તમારી પાસે સ્માર્ટફોન છે? આ સવાલનો જવાબ હા કે ના હોઈ શકે છે, પણ ‘સ્માર્ટફોન હોય તો સેલ્ફી લો છો?’ એ સવાલનો જવાબ અચૂક હા જ હોવાનો! પોતાની જાતને કોણ પ્રેમ કરતું નથી? સેલ્ફી આ પ્રેમની જ એક અલગ પ્રકારની અભિવ્યક્તિ છે!
પણ હવે ધીમે ધીમે લોકો સેલ્ફીથી બોર થવા લાગ્યા છે. જો તમે પણ એ કેટેગરીમાં આવતા હો, પણ સેલ્ફી પ્રત્યેના પ્રેમથી તમે સેલ્ફી લેવાનું સદંતર બંધ કરવા માગતા ન હો તો, સેલ્ફીમાં જ કંઈક જુદું કરી શકો છો.
સોશિયલ સાઇટ્સ પર સેલ્ફી પછીનો બઝવર્ડ છે પેનોસેલ્ફી!
સામાન્ય રીતે, અત્યાર સુધી આપણે જે લીધા છે કે બીજાના જોયા છે એ સેલ્ફીમાં એક કે વધુ લોકોના ફક્ત ચહેરા જ હોય. સાવ હાથના અંતરેથી લેવાયેલા હોય એટલે એંગલમાં થોડી ગરબડ-સરબડ પણ હોય. પરંતુ પેનોસેલ્ફી, તેના નામ મુજબ, વ્યક્તિના ચહેરાના ક્લોઝઅપથી આગળ વધીને આજુબાજુની સ્થિતિ પણ કેપ્ચર કરે છે અને સેલ્ફીને વધુ રોમાંચક બનાવે છે. (જુઓ ઉપરની તસવીર!)
સ્માર્ટફોનથી પેનોરમિક ફોટોગ્રાફી કેવી રીતે કરાય એ તો આપણે ગયા અંકમાં જ તપાસ્યું, પણ પેનોસેલ્ફીમાં એક અડચણ એ છે કે પેનોરમિક ફોટોગ્રાફી મોટા ભાગના સ્માર્ટફોનમાં ફક્ત રીયર કેમેરાથી જ શક્ય બને છે. જ્યારે સેલ્ફી લેવા માટે તો ફ્રન્ટ કેમેરા જોઈએ, જેથી આપણે પણ કેમેરામાં શું ઝીલાઈ રહ્યું છે એ જોઈ શકીએ.
જોકે એટલે જ પેનોસેલ્ફીમાં થોડું સરપ્રાઇઝનું તત્ત્વ ઉમેરાય છે. વિધિ તો એ જ છે, સ્માર્ટફોનની કેમેરા એપ ચાલુ કરો, તેમાં પેનોરમા મોડમાં જાઓ અને રીયર કેમેરાને તમારી સામે રાખી કેમેરાને ધીમે ધીમે ઉપરની નીચે (કે નીચેની ઉપર) અથવા ડાબેથી જમણે (કે જમણેથી ડાબુ) ફેરવતા જાઓ. કેમેરાની ગતિ એક જ રેખામાં થાય એનું ધ્યાન રાખશો, જેથી પેનોરમા મોડ ચાલુ હોવાથી કેમેરા અલગ અલગ ફ્રેમમાં તસવીરો લેતો જશે.
તમને સંતોષ થાય અથવા કેમેરામાં પેનોરમિક ફ્રેમ્સની મર્યાદા આવે ત્યારે કેમેરા અટકાવો અને કેપ્ચર થયેલી ઇમેજ સેવ કરી લો. આ એક પ્રકારનો સેલ્ફી હોવા છતાં તેનું પરિણામ તમે પોતે પણ પહેલી વાર જોશો! થોડી પ્રેક્ટિસ પછી સરસ પેનોસેલ્ફી પાડતાં શીખી શકો છો. પેનોસેલ્ફી સરસ પડે તો કેવું પરિણામ મળે અને ગરબડ થાય તો શું થાય એ બંને ઉદાહરણ અહીં આપ્યાં છે!
એન્ડ્રોઇડ માટે Selfie360 (અમુક સ્માર્ટફોનમાં ચાલશે નહીં) અને Panoselfie એપ ડાઉનલોડ કરીને તમે આ કામ થોડું સહેલું બનાવી શકો છો.
