અમદાવાદના ડ્રાઇવ-ઇન થિયેટરમાં ચાઇનીઝ ભેળની મોજ માણતાં માણતાં તમે કોઈ કંટાળાજનક ફિલ્મ જોઈ રહ્યા હો કે રાતના સમયે મુસાફરી કરતી વખતે કોઈ હાઇવે હોટલ પર ઊભા રહ્યા હો કે પછી ગામડામાં ખેતરમાં રાત ગાળવાનો મોકો મળ્યો હોય તો તમારી સાથે ક્યારેક એવું બન્યું હશે કે આકાશમાં એકદમ તેજ પ્રકાશિત, પ્લેન જેવું કંઈક પ્રમાણમાં ઠીક ઠીક ઝડપથી પસાર થતું જોઈને તમે નવાઈ પામ્યા હશો! પહેલી નજરે પ્લેન જેવું લાગે, પણ પ્લેનની જેમ એની લાઇટ લબૂક-ઝબુક ન થતી હોય, પ્લેન એટલું ઊંચું પણ ન હોય અને તારો હોય તો આટલી ઝડપે ખસતો ન હોય.
ઘડી બે ઘડી એ રોમાંચક ઘટનાનો આનંદ માણીને ફરી આપણું ધ્યાન ડ્રાઇવ-ઇનની ભેળ, હોટલનાં ભજીયાં કે ખેતરના ખાટલામાં પરોવાઈ જાય અને બીજા દિવસે આપણે વાત ભૂલી પણ જઈએ.
જો તમે બીજા દિવસે પણ એ વાત યાદ રાખો અને ઇન્ટરનેટ પર જરા ખાંખાંખોળાં આરંભો, તો એ અજબ વસ્તુ – ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)- વિશે કેટકેટલીય રસપ્રદ વાતોનો ખજાનો ખૂલે.
ઇન્ટરનેટના ઘણા લાભ છે અને એમાંનો એક એ છે કે હવે સાયન્સ કે ટેક્નોલોજીની અજબગજબ વાતો વૈજ્ઞાનિકોની પ્રયોગશાળાઓ પૂરતી સીમિત રહેતી નથી. આપણે પણ તેમાં યથાશક્તિ અને યથાજિજ્ઞાસા સામેલ થઈ શકીએ છીએ.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની જ વાત કરીએ તો આપણે – થેન્ક્સ ટુ ઇન્ટરનેટ – હવે એ પણ જાણી શકીએ છીએ કે આવનારા દિવસોમાં આપણા ગામ કે શહેરમાંથી કઈ તારીખે, કેટલા વાગે, આકાશમાં કઈ દિશામાં અને કેટલા અંશના ખૂણે નજર દોડાવીશું તો ફરી વાર એ ‘તારા કે પ્લેન જેવી વસ્તુ’ નહીં પણ જીવતા જાગતા પાંચ-છ લોકોને લઈને પૃથ્વી ફરતે આંટા મારી રહેલા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને જોઈ શકીશું.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અવકાશમાંની માનવસર્જિત સૌથી મોટી રચના છે અને એટલે જ મોડી સાંજે શહેરના આકાશમાં શહેરી પ્રકાશનું આવરણ રચાતું હોવા છતાં, નરી આંખે પણ જોઈ શકાય છે.
આગળ શું વાંચશો?
- ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન – આઈએસએસનો પરિચય
- આપણું આઈએસએસ કનેકશન
- સ્પેશ સ્ટેશનનો માર્ગ જાણવો કઈ રીતે
- નકશા પર જુઓ સ્પેસ સ્ટેશનની સફર
- સ્પોટ ધ સ્ટેશન
- તમને જે દેખાયું તે સ્પોટ સ્ટેશન હતું?
- જુઓ અવકાશયાત્રીઓની સ્પેસવોક
- સ્પેસ સ્ટેશન સાથે જીવંત સંપર્ક
આઇએસએસનો પરિચય
અખબારોમાં હમણાં આઇએસ કે આઇએસઆઇએસ શબ્દ વારંવાર વાંચવા મળે છે, પણ એ ત્રાસવાદી જૂથ (ઇસ્લામિક સ્ટેટ કે ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા) અને આ આઇએસએસ વચ્ચે જોજનોનું અંતર છે – ખરેખર! ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માનવસર્જિત કૃત્રિમ ઉપગ્રહ છે, જેમાં માનવ રહી શકે છે.
પૃથ્વીથી લગભગ ૩૫૦થી ૪૩૧ કિલોમીટર જેટલી ઊંચાઈએ ભ્રમણકક્ષામાં ફરતું આ સ્ટેશન સૂર્યશક્તિથી ચાલે છે અને તેની વિશાળ સૌર પેનલ્સ મળીને એની લંબાઈ પહોળાઈ ફૂટબોલ મેદાન જેટલી છે.
કલાકના મહત્તમ ૨૭,૯૦૦ કિલોમીટરની ઝડપે ફરી શકતું આ સ્ટેશન દર ૯૦ મિનિટે પૃથ્વી ફરતે એક ચક્કર લગાવે છે, એટલે કે આપણા એક દિવસમાં ૧૬ વાર (ચોક્કસ આંકડો કહીએ તો ૧૫.૭ વાર) આ સ્પેસ સ્ટેશન આપણા પરથી પસાર થઈ જાય છે. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે આ સ્પેસ સ્ટેશનમાં વસતા લોકો માટે દિવસમાં ૧૬ વાર સૂર્ય ઊગે અને આથમે છે!

આ સ્પેસ સ્ટેશન તેના નામ પ્રમાણે કોઈ એક દેશની માલિકીનું નથી. યુએસએની નાસા (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડિમિનિસ્ટ્રેશન), રશિયાની રોસ્કોસમોસ (રશિયન ફેડરલ સ્પેસ એજન્સી), જાપાનની જાક્સા (જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી), જુદા જુદા યુરોપિયન દેશોની ઇએસએ (યુરોપિયન સ્પેસ એજન્સી) અને કેનેડાની સીએએ (કેનેડિયન સ્પેસ એજન્સી) સંસ્થાઓએ સાથે મળીને આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બનાવ્યું છે.
સંખ્યાબંધ સ્પેશ મિશનના અંતે નવેમ્બર ૧૯૯૮માં આ સ્પેસ સ્ટેશન લોન્ચ થયું. અવકાશયાત્રીઓએ ૧૫૫ વાર ‘સ્પેસવોક’ કરીને સ્પેસ સ્ટેશનના વિવિધ ભાગ એકમેક સાથે જોડીને સ્ટેશન ખરા અર્થમાં તૈયાર કર્યું. એ પછી ઓક્ટોબર ૨૦૦૦માં કઝાખસ્તાનના કોસ્મોડ્રોમ પરથી ઉપડેલા એક અમેરિકન અને બે રશિયન અવકાશયાત્રી બે દિવસ પછી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા એ સાથે માનવની અવકાશયાત્રામાં એક નવું સીમાચિહ્ન રચાયું.
આ ત્રણેય અવકાશયાત્રી સ્પેસ સ્ટેશનમાં ચાર મહિના રોકાયા અને ત્યાર પછી બીજા અવકાશયાત્રીઓએ તેમને રીપ્લેસ કર્યા આ રીતે, છેલ્લાં લગભગ ૧૫ વર્ષથી સતત માનવે અવકાશમાં વસવાટ કર્યો છે!
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છ બેડરુમ-હોલ-કિચનના એપાર્ટમેન્ટ કરતાંય મોટી રહેવાની જગ્યા છે. તેમાં બે બાથરુમ, એક જિમ્નેશિયમ પણ છે. અહીં એક સાથે વધુમાં વધુ ૧૦ અવકાશયાત્રી રહી શકે છે અને કેટલાક સંજોગમાં ફક્ત બે કે ત્રણ અવકાશયાત્રીઓએ પણ આ ગઢ સંભાળ્યો છે. આ સ્પેસ સ્ટેશનની તમામ સિસ્ટમ્સ તેમાં રહેલાં બાવન કમ્પ્યુટર્સની મદદથી કંટ્રોલ થાય છે.
પૃથ્વીથી આ સ્પેસ સ્ટેશન સુધી સતત આવનજાવન ચાલતી રહે છે અને ઘણી વાર સ્પેસ સ્ટેશનમાં જરુરી સાધન-સામગ્રી પહોંચાડવા માટે માનવરહિત રોકેટ પણ આંટાફેરા કરતાં રહે છે. પૃથ્વીથી સ્પેસ સ્ટેશન સુધીની મુસાફરીમાં અગાઉ બે દિવસ લાગતા હતા, પણ હવે ફક્ત છ કલાક જેટલો સમય લાગે છે.
આ સ્પેસ સ્ટેશનમાં રહેતા વિજ્ઞાનીઓ બાયોલોજી, હ્યુમન બાયોલોજી, ફિઝિક્સ, એસ્ટ્રોનોમી વગેરે વિષયો પર લગભગ શૂન્ય ગુરુત્વાકર્ષણ અને અવકાશના વાતાવરણમાં જ થઈ શકે એવા વિવિધ પ્રયોગો કરતા રહે છે. પૃથ્વી કરતાં તદ્દન વિપરિત અને અનેક રીતે મુશ્કેલ સંજોગમાં ચાર-છ મહિના સુધી સ્પેસ શટલમાં રહેતા વિજ્ઞાનીઓને મનોરંજન માટે ફિલ્મ, ટીવી શો, પુસ્તકો, સંગીત વગેરેની સગવડ હોય છે, પણ મોટા ભાગના અવકાશયાત્રીઓ કહે છે કે સ્પેસ સ્ટેશનની વિશાળ બારીઓમાંથી અવકાશ અને પૃથ્વી જોવામાં જે આનંદ છે તેની તોલે બીજું કશું આવતું નથી!
આપણું આઇએસએસ કનેક્શન!
શરુઆતમાં કહ્યું તેમ, આપણે ધરતી પરથી નરી આંખે પણ સ્પેસ સ્ટેશન જોઈ શકીએ છીએ. એ અણધાર્યું નજરે ચઢે તો એને જોવાની મજા તો છે જ, પણ પહેલેથી ખબર હોય કે આપણા લોકેશન પરથી ક્યારે એ વધુ સ્પષ્ટ રીતે જોઈ શકાશે તો અગાશીએ ચઢીને તેની રાહ જોવામાં પણ મજા છે.
આગળ લખ્યું તેમ સામાન્ય રીતે આ સ્પેસ સ્ટેશન પૃથ્વીથી ૩૫૦ કિલોમીટર જેટલી ઊંચાઈએ, કલાકના ૨૭,૬૦૦ કિલોમીટરની ઝડપે પૃથ્વી ફરતે દિવસમાં ૧૬ ચક્કર લગાવે છે. આપણે ફક્ત યોગ્ય સમયે, યોગ્ય દિશામાં નજર માંડવાની જ જરુર હોય છે. વાસ્તવમાં, ચંદ્રની જેમ જ આ સ્પેસ સ્ટેશન પર પણ તેના પર પડતા સૂર્યપ્રકાશને કારણે આપણે પ્રકાશિત તારા જેવું દેખાય છે.
હવે સવાલ એ થાય કે જો સ્પેસ સ્ટેશન પૃથ્વી ફરતે એક દિવસમાં પંદર-સોળ ચક્કર લગાવતું હોય તો આપણે ગમે ત્યારે તેને કેમ જોઈ શકતા નથી? તેનાં કેટલાંક દેખીતાં કારણો છે. એક તો, દિવસ દરમિયાન તે જ્યારે પસાર થાય ત્યારે આકાશ પોતે અત્યંત પ્રકાશિત હોવાથી તેના અજવાળામાં આપણે સ્પેસ સ્ટેશન જોઈ શકતા નથી. આપણી રાત્રિ દરમિયાન, સ્ટેશન અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવી જતી હોવાથી સ્ટેશન સૂર્યપ્રકાશિત થતું નથી અને આપણને દેખાતું નથી.
ઉપરાંત, અવકાશમાંના વિવિધ અવરોધોને કારણે દર વર્ષે સ્પેસ સ્ટેશનની ભ્રમણકક્ષામાં ૨ કિલોમીટર જેટલો ઘટાડો થાય છે અને અમુક નિશ્ર્ચિત સમયાંતરે તેને મૂળ ભ્રમણકક્ષામાં પહોંચાડવા વધારાનો ‘ધક્કો’ લગાવવામાં આવે છે. આ કારણે સ્પેસ સ્ટેશનની યાત્રાનો માર્ગ બદલાતો રહે છે.
આ બધાં કારણોસર, સામાન્ય રીતે પૃથ્વીના વિવિધ સ્થળે દર છ અઠવાડિયાના ગાળે નરી આંખે સ્પેસ સ્ટેશનને જતું જોઈ શકાય છે, એ પણ મોટા ભાગે મોડી સાંજે કે રાત પડવાની શરૂઆત થાય ત્યારે. ઘણી વાર વહેલી સવારે પણ તેને જોઈ શકાય છે.
જો આકાશ એકદમ સ્વચ્છ હોય અને સંજોગો અનુકૂળ હોય તો આપણે પાંચેક મિનિટ સુધી સ્પેસ સ્ટેશનનો પ્રવાસ જોઈ શકીએ છીએ. આગળ કહ્યું તેમ સ્પેસ સ્ટેશનમાં રહેલા અવકાશયાત્રીઓની ફેરબદલ કરવા માટે કે તેમને જરૂરી સામગ્રી સપ્લાય કરવા માટે અવકાશનયાન સ્પેસ સ્ટેશન પાસે પહોંચે ત્યારે તે પણ ક્યારેક પૃથ્વી પરથી જોઈ શકાય છે.
સ્પેસ સ્ટેશનનો માર્ગ જાણવો કેવી રીતે?
ઇન્ટરનેટ પર એવી સંખ્યાબંધ વેબસાઇટ્સ છે, જેની મદદથી આપણે આઇએએસ વિશે વધુ જાણી શકીએ છીએ અને તેની ભ્રમણકક્ષા અનુસાર પૃથ્વી પર કયા સ્થળે, ક્યારે તે જોઈ શકાશે તે જાણી શકીએ છીએ. આ માટે આઇઓએસ અને એન્ડ્રોઇડ માટે ઓફલાઇન પણ ચાલે તેવી કેટલીક એપ આપણને મદદરૂપ થઈ શકે છે (જુઓ સાથેનાં બોક્સ અને લેખ).
આ ઉપરાંત, ટ્વીટર, ફેસબુક વગેરે પર નાસા સ્પેસ સ્ટેશન સર્ચ કરીને તેને ફોલો કરશો તો પણ ઘણી નવી જાણકારી મળતી રહેશે.
નક્શા પર જુઓ સ્પેસ સ્ટેશનની સફર
આપણા શહેર કે ગામમાંથી સ્પેસ સ્ટેશન ક્યારે દેખાશે એ જાણવાનો એક સહેલો રસ્તો આપે છે આ સાઇટ : http://iss.astroviewer.net/
એક જર્મન ડેવલપરે તૈયાર કરેલી આ સાઇટ પર, સ્પેસ સ્ટેશનમાં રહેલા અવકાશયાત્રી બરાબર નીચે પૃથ્વી પર જુએ તો તેમને શું દેખાય એ આપણે જોઈ શકીએ છીએ. આમાં ગૂગલ મેપની મદદ લેવાઈ છે એટલે જો સ્પેસ સ્ટેશન મહાસાગર પરથી પસાર થઈ રહ્યું હોય તો સાગરતળિયાનો ભૂરો ભાગ જ આપણને દેખાશે. સાઇટ પર ‘સ્નેપશોટ’ બટન પર ક્લિક કરતાં આખા પેજમાં ગૂગલમેપ પર સ્પેસ સ્ટેશનનું લોકેશન જાણવા મળશે અને મેપને આપણે ઝૂમ-ઇન કે ઝૂમ-આઉટ પણ કરી શકીશું.
એ જ રીતે, સાઇટમાં ‘ઓબ્ઝર્વેશન’ પેજમાં જઈને આપણે જો આપણું લોકેશન જણાવીએ (માણાવદર કે વીસનગર લખીશું તો એ પણ બતાવશે), તો એ લોકેશન પર આવનારા દિવસોમાં કઈ તારીખે અને કેટલા વાગ્યે સ્પેસ સ્ટેશન દેખાવાની શક્યતા છે એ જાણી શકાશે.
અહીં મોબાઇલની ટાવર જેવી લીલી નિશાની બતાવે છે કે સ્પેસ સ્ટેશન એ સમયે કેટલુંક પ્રકાશિત હશે. જે તે તારીખ-સમય પસંદ કરતાં, તેની વધુ વિગતવાર માહિતી પણ મળશે.
‘સ્પોટ ધ સ્ટેશન’, નાસા (http://spotthestation.nasa.gov/)
Image courtesy: spotthestation.nasa.govનરી આંખે સ્પેસ સ્ટેશન જોવામાં રસ ધરાવતા લોકો માટે નાસા એક ખાસ પ્રોગ્રામ ચલાવે છે, જેની વેબસાઇટ (http://spotthestation.nasa.gov/) પર જઈને આપણે આપણા શહેરમાં ક્યારે સ્પેસ સ્ટેશન જોઈ શકાશે તે જાણી શકીએ છીએ. આ માટે સાઇટના હોમપેજ પર ‘લોકેશન લૂકઅપ’ બટન પર ક્લિક કરતાં, આપણે આપણો દેશ અને શહેર પસંદ કરી શકીએ છીએ.
ભારતમાં, ગુજરાતનાં ગાંધીનગર, જામનગર, રાજકોટ અને સુરતનાં જ નામ જોવા મળે છે, પણ સાઇટ પર સ્પષ્ટતા છે કે તમારું શહેર કે ગામ યાદીમાં ન હોય તો નજીકનું મોટું શહેર પસંદ કરશો તો પણ, તેની માહિતી અનુસાર તમે તમારા ગામથી પણ સ્પેસ સ્ટેશન જોઈ શકો છો. નાસાના જોહ્નસન સ્પેસ સેન્ટરમાંથી, વિશ્ર્વનાં ૬,૭૦૦ સ્થળો માટે આ માહિતી આપવામાં આવે છે!
એ ઉપરાંત, સાઇટના હોમપેજ પર ‘સાઇન અપ ફોર એલર્ટસ’નો વિકલ્પ પણ છે. તેમાં આપણું ઈ-મેઇલ આઇડી અને નજીકનું શહેર જણાવી, ઈ-મેઇલની ખરાઈ કર્યા પછી આખા એક વર્ષ માટે આપણા શહેરમાં જ્યારે જ્યારે સ્પેસ સ્ટેશન પ્રમાણમાં વધુ સ્પષ્ટ રીતે જોવા મળે તેમ હોય તેના એલર્ટ આપણા ઈ-મેઇલ પર આવી જાય છે.
આ એલર્ટ આ પ્રકારનો હોય છે : “ SpotTheStation! Time: Wed Apr 25 7:45 PM, Visible: 4 min, Max Height: 66 degrees, Appears: WSW, Disappears NE. ”.
આ એલર્ટનો આખો અર્થ એ કે જે તે તારીખે, જણાવેલ સમયે, લગભગ ૪ મિનિટ સુધી સ્પેસ સ્ટેશન જોવા મળશે. સ્ટેશન આકાશમાં ડબલ્યુએસડબલ્યુ દિશામાંથી દેખાવાનું શરુ થશે, ક્ષિતિજથી ૬૬ ડીગ્રી જેટલે ઊંચે સુધી જશે અને પછી એની દિશામાં ગાયબ થશે.
આ આખી વાતમાં ‘ડબલ્યુએસડબલ્યુ’ અને ‘એનઇ’ જેવા શબ્દોથી ગૂંચવાશો નહીં. ઉપરના રેખાચિત્રથી વાત બિલકુલ સ્પષ્ટ થશે કે ‘વેસ્ટ ઓફ સાઉથ-વેસ્ટ’ એટલે કે નૈઋત્ય દિશાથી થોડે પશ્ર્ચિમ તરફથી, ૧૦ ડીગ્રીની ઊંચાઈએથી સ્પેસ સ્ટેશન દેખા દેશે અને નોર્થ-ઇસ્ટ એટલે કે ઇશાન દિશામાં તે ગૂમ થઈ જશે!
તમને જે દેખાયું, એ સ્પેસ સ્ટેશન હતું?
જો નજીકના વીતેલા દિવસોમાં તમે આકાશમાં સામાન્ય તારા કરતાં વધુ પ્રકાશિત ને પ્લેનની જેમ ગતિ કરતું જોયું હોય અને એ સ્પેસ સ્ટેશન હતું કે તેમ તેની ખાતરી કરવી હોય તો?
તો http://www.isstracker.com/historical વેબપેજ પર જાઓ. આ પેજ પરના સર્ચ બોક્સમાં, ત્યાં આપેલા ઉદાહરણ મુજબ ચોક્કસ ફોર્મેટમાં તારીખ અને સમય લખશો તો એ તારીખ અને સમયે સ્પેસ સ્ટેશન ક્યાં હતું તે નક્શા પર જોઈ શકાશે. જો તમે ભારતીય સમય લખી રહ્યા હો તો તારીખના ફોર્મેટમાં અંતે +૫:૩૦ લખવાનું ભૂલશો નહીં કેમ કે આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ લખીશું અને સાઇટ જીએમટી એટલે કે ગ્રીનવીચ મીન ટાઇમનો ઉપયોગ કરશે.
આ સાઇટના હોમપેજ પર, ગૂગલ મેપ પર સ્પેસ સ્ટેશનની ભ્રમણકક્ષા અને હાલના સમયે તે અવકાશમાં ક્યાં છે તે જોઈ શકાશે. થોડી વાર એ વેબપેજ પર રહેશો તો સ્પેસ સ્ટેશનને સતત ખસતું જોઈ શકાશે.
જુઓ અવકાશયાત્રીઓની સ્પેસવોક
૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૫ના દિવસે સ્પેસ સ્ટેશનના બે અવકાશયાત્રીઓએ સ્પેસવોક કરીને સ્ટેશનની બહાર કેટલુંક કામ કર્યું. તેમણે જે કામ કર્યું એ, આ આઠેક મિનિટના વીડિયોમાં, મૂળ સમય કરતાં ૬૦ ગણી વધુ ઝડપના ટાઇમલેપ્સથી દર્શાવવામાં આવ્યું છે.
સ્પેસ સ્ટેશન સાથે જીવંત સંપર્ક
સ્પેસ સ્ટેશન અને સામાન્ય લોકોને પરસ્પરની નજીક લાવવા માટે નાસાએ એક ખાસ વેબસાઇટ તૈયાર કરી છે : http://spacestationlive.nasa.gov આ સાઇટ પર સ્પેસ સ્ટેશન પરથી મળતો લાઇવ ડેટા, ક્રુ મેમ્બરની વિવિધ પ્રવૃત્તિનું લાઇવ સ્ટ્રીમિંગ, સ્પેસ સ્ટેશનના વિવિધ ભાગ વગેરે લાઇવ અથવા કમ્પ્યુટરાઇઝ્ડ ઇન્ટરેક્ટિવ સિમ્યુલેશન સ્વરુપે જોઈ શકાશે. આ સાઇટ યોગ્ય રીતે જોવા સાઇટ પરથી એક વાર યુનિટી ૩ડી વેબપ્લેયર ડાઉનલોડ કરવું પડશે. સાઇટમાં આપેલ વીડિયો ટ્યુટોરિયલ સૌથી પહેલાં જોઈ લેશો તો સરળતા રહેશે. કોઈ એક બ્રાઉઝરમાં આ બધું જોઈ ન શકાય તો તમારે બીજું બ્રાઉઝર અજમાવી જોવું પડે એવું બની શકે છે. મોબાઇલ માટે આ સાઇટની એપ પણ ઉપલબ્ધ છે.

