(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • ૧૮.૪ ઇંચનું ટેબલેટ!
  • જૂની યાદ તાજી કરાવશે ફોટોઝ
  • ફેસબુકનો વધતો વ્યાપ
  • સર્ચનાં રીઝલ્ટ્સ બદલાઈ રહ્યાં છે!
  • આઇફોન યુઝર્સને વોટ્સએપ વેબની સગવડ મળી
  • માઇક્રોમેક્સ પોતાની ઓએસ વિક્સાવશે
  • ટેક્સીમાં ફ્રી વાઇ-ફાઇ
  • શ્રીલંકામાં બલૂનથી ઇન્ટરનેટ કવરેજ

૧૮.૪ ઇંચનું ટેબલેટ!

એક સમાચાર મુજબ, સેમસંગ કંપની ૧૮.૪ ઇંચના ડિસ્પ્લેવાળું એન્ડ્રોઇડ ટેબલેટ વિક્સાવી રહી છે! આ ટેબલેટમાં ૧.૬ ગીગાહર્ટ્ઝ પ્રોસેસર અને ૨ જીબી રેમ હશે.

સામાન્ય રીતે આ સાઇઝનાં લેપટોપ હોય છે. એસસ કંપનીએ આ જ સાઇઝમાં ડેસ્કટોપ કમ ટેબલેટ હાઇબ્રિડ ટ્રાન્સફોર્મર ડિવાઇસ લોન્ચ કરી છે. બાજુમાં આપેલી તસવીર તેની છે, તેની ઉપરથી સેમસંગનું ૧૮.૪ ઇંચનું ટેબલેટ ખરેખર બનશે તો કેવડું હશે તેનો અંદાજ આવશે!


એપલ સપ્ટેમ્બર ૯ના રોજ નવા આઇફોન લોન્ચ કરે તેવી શક્યતા છે


જૂની યાદ તાજી કરાવશે ફોટોઝ

ગૂગલ ફોટોઝ વિશે જુલાઈ ૨૦૧૫ના અંકની કવર સ્ટોરીમાં આપણે વિગતવાર વાત કરી ગયા છીએ, તેમાં એક નવી સુવિધા ઉમેરાઈ છે. જો તમે તમારા સંખ્યાબંધ ફોટોઝ આ સર્વિસમાં અપલોડ કર્યા હોય તો હવે સિસ્ટમ તમે જૂના દિવસોની યાદ અપાવી શકે છે. આ સર્વિસમાં લોગ-ઇન થઈને ડાબી તરફના મેઇન મેનુમાં આસિસ્ટન્ટ પર ક્લિક કરશો એટલે  ‘રીડિસ્કવર ધીસ ડે’ તરીકે ઓળખાતી આ સુવિધાનો તમે લાભ લેવા ઇચ્છો છો કે નહીં એમ પૂછવામાં આવશે. જો તમે હા કહેશો તો સિસ્ટમ તમને પાછલાં ત્રણ વર્ષ સુધી, બરાબર જે તે દિવસે કે તેની આસપાસના દિવસોમાં તમે લીધેલા ફોટોગ્રાફ તમને બતાવશે અને જૂની યાદો તાજી કરાવશે! આ ફોટોગ્રાફ પ્રાઇવેટ જ રહેશે, સિવાય કે તમે પોતે તેને બીજા સાથે શેર કરો. આ નવી સુવિધા વેબસર્વિસમાં તેમ જ એન્ડ્રોઇડ અને આઇઓએસ એપમાં ઉપલબ્ધ છે.

એક વાર જુદો જુદો ડેટા સિસ્ટમને મળે પછી તેનો કેટકેટલી જુદી રીતે ઉપયોગ થઈ શકે એનું આ એક ઉદાહરણ છે!


ફેસબુકનો વધતો વ્યાપ

ફેસબુકનો વ્યાપ સતત વધી રહ્યો છો. જૂન ૩૦, ૨૦૧૫ના છેલ્લા અંદાજ મુજબ હવે દર મહિને ૧.૪૯ અબજ લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે.

અત્યારે દુનિયાના લગભગ ૩ અબજ લોકો સુધી ઇન્ટરનેટ પહોંચી ગયું છે અને તેમાંથી અડધોઅડધ લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે, એટલું જ નહીં, લગભગ ૧ અબજ લોકો રોજેરોજ ફેસબુક પર સક્રિય હોય છે.

ફેસબુક પર પ્રાઇવસીનો મુદ્દો હંમેશા વિવાદાસ્પદ રહ્યો છે અને ગૂગલ જેવી જાયન્ટ કંપનીએ ગૂગલ પ્લસથી ફેસબુકને હંફાવવાની કોશિશ કરી છે, તેમ છતાં ફેસબુકની આગેકૂચ હજી સુધી વણથંભી ચાલુ રહી છે.


સર્ચનાં રીઝલ્ટ્સ બદલાઈ રહ્યાં છે!

સામાન્ય રીતે આપણે ગૂગલ પર કંઈ પણ સર્ચ કરીએ તો આપણું બધું ધ્યાન સર્ચનાં રીઝલ્ટ પર જ હોય, પરંતુ આપણું ફોકસ આપણને જોઈતી માહિતી શોધવા પર હોય એટલે સર્ચના રીઝલ્ટ પેજ પર આવી રહેલા ફેરફાર તરત આપણી નજરે ચઢે નહીં.

તમે એ તો નોંધ્યું જ હશે કે આપણે ગૂગલ પર કંઈ પણ સર્ચ કરીએ એટલે તેને સંબંધિત, ગૂગલની વિવિધ સર્વિસની લિંક પહેલાં જોવા મળે.


જેમ કે કોઈ જાણીતી રેસ્ટોરાંનું નામ સર્ચ કરીએ તો ગૂગલ મેપ પર આપણી નજીકમાં તે રેસ્ટોરાંનું લોકેશન, તેની ડિરેક્શન વગેરેની લિંક ખૂલે. વિકિપીડિયા પર આપણી સર્ચ સંબંધિત સંબંધિત વિગતવાર માહિતી હોય તો તેમાંથી તારવેલી વિગતો જમણી તરફ જોવા મળે.

અનામત આંદોલન જેવું કંઈક સર્ચ કરીએ તો ગૂગલ ન્યૂઝમાંથી તારવેલા તાજા સમાચાર જોવા મળે (નોલેજ ગ્રાફ તરીકે ઓળખાતી આ સર્ચ ટેક્નોલોજી વિશે વધુ જાણવા માટે વાંચો ‘સાયબરસફર’નો ફેબ્રુઆરી ૨૦૧૩ અંક).

એ ઉપરાંત, હવે ગૂગલે ટવીટર સાથે પણ જોડાણ કર્યું છે. પરિણામે, જો આપણે ‘નરેન્દ્ર મોદી’ જેવું કંઈક સર્ચ કરીએ તો ન્યૂઝમાંથી તેમના સમાચાર, જમણી તરફ વિકિપીડિયામાંથી તેમને સંબધિત માહિતી અને ટવીટર પર તેમણે કરેલા ટવીટ્સ પણ સર્ચ પેજ પર જ જોઈ શકાશે. આ ટવીટ્સ સ્લાઇડર સ્વરૂપે હોય છે, એટલે અગાઉના દિવસોના ટવીટ્સ પણ સ્લાઇડ કરીને જોઈ શકાય છે.

જો તમે ટવીટરનો ખાસ્સો ઉપયોગ કરતા હો અને હેશટેગ્સથી પરિચિત હો તો હેશટેગ સાથેનો કોઈ શબ્દ સર્ચ કરતાં, તેને સંબંધિત ટવીટ્સ સર્ચ પેજ પર જ જોઈ શકાશે.


ગૂગલે આખરે કન્ફર્મ કર્યું છે કે નવા એન્ડ્રોઇડ એમનું નામ માર્શમેલો રહેશે


આઇફોન યુઝર્સને વોટ્સએપ વેબની સગવડ મળી

આ વર્ષની શ‚રૂઆતમાં એન્ડ્રોઇડ કે વિન્ડોઝ ફોન પર વોટ્સએપનો ઉપયોગ કરતા લોકો પોતાના પીસી પરથી પણ વોટ્સએપનો ઉપયોગ કરી શકે એવી સગવડ મળી હતી, પણ ત્યારે આઇઓએસ પ્લેટફોર્મના અંતરાયોને કારણે આઇઓએસના યુઝર્સને આ લાભ મળ્યો નહોતો. હવે તેમને પણ આ સુવિધા મળશે અને તેઓ web.whatsapp.com પર પર જઈ, ત્યાં જોવા મળતા ક્યુઆર કોડને સ્માર્ટફોનથી સ્કેન કરીને પીસી પરથી વોટ્સએપનો ઉપયોગ કરી શકશે.


માઇક્રોમેક્સ પોતાની ઓએસ વિક્સાવશે

માઇક્રોસોફ્ટ, સેમરંગ અને ઝિયોમી જેવી કંપનીને પગલે, ભારતીય સ્માર્ટફોન મેન્યુફેક્ચરર માઇક્રોમેક્સ પણ હવે તેની પોતાની ઓપરેટિંગ સિસ્ટમ વિક્સાવી રહી છે. આ ઓએસ કંપનીના સ્માર્ટફોન, ટેબલેટ્સ, ટીવી અને વેરેબલ ડિવાઇસીઝ બધામાં ચાલે તેવી હશે. એ સાથે માઇક્રોમેક્સ વિવિધ સર્વિસીઝ અને એપ્સનો એક કોમન પ્રોગ્રામ પણ વિક્સાવી રહી છે. આ નવી ઓએસ સાથેના પહેલા સ્માર્ટફોન માર્ચ ૨૦૧૬ સુધીમાં બજારમાં મૂકાવાની શક્યતા છે.


ટેક્સીમાં ફ્રી વાઇ-ફાઇ

વિવાદમાં ઘેરાયેલી રહેતી ટેક્સી સર્વિસ ઉબેરે એરટેલ કંપની સાથે જોડાણ કર્યું છે. પરિણામે, ઉબેરની કેબમાં મુસાફરી કરતા લોકોને કારમાં ૪જી વાઇ-ફાઇની મફત સુવિધા મળશે. મુસાફરો એરટેલ મની દ્વારા ભાડું પણ ચૂકવી શકશે. આ સુવિધા મુંબઈમાં શ‚રૂ થઈ ગઈ છે, ધીમે ધીમે બીજાં શહેરોમાં વિસ્તરશે.


શ્રીલંકામાં બલૂનથી ઇન્ટરનેટ કવરેજ

‘સાયબરસફર’ના જૂના વાચકોને યાદ હશે કે આપણે જુલાઈ ૨૦૧૩ અંકની કવર સ્ટોરીમાં વર્તમાન ઇન્ટરનેટ નેટવર્કમાં સામેલ ન હોય એવા વિસ્તારો સુધી ઇન્ટરનેટના લાભ પહોંચાડવા માટે આકાશમાં વિશાળ બલૂનનું નેટવર્ક બનાવવાના ગૂગલના પ્રોજેક્ટ લૂનની વિગતવાર વાત કરી હતી. એ કવર સ્ટોરીનું હેડિંગ હતું, ‘ગૂગલનો આકાશી તુક્કો કે દૂરગામી તીર?’ હવે લાગે છે કે આ પ્રોજેક્ટ તીર બની રહ્યો છે. એક અહેવાલ મુજબ, શ્રીલંકાની સરકારે ગૂગલ સાથે એક કરાર કર્યો છે, જે મુજબ ગૂગલ શ્રીલંકા પરના આકાશમાં બલૂન્સ તરતાં મૂકશે એમને તેમના થકી આખા શ્રીલંકામાં યુનિવર્સલ ઇન્ટરનેટ કવરેજ મળશે. આવી સુવિધા ધરાવતો શ્રીલંકા વિશ્વનો પહેલો દેશ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!