ગૂગલ મેપથી આપણે શહેર, વિસ્તાર અને આપણા મકાન સુધી ઝૂમ કરી શકીએ છીએ. એરપોર્ટ કે મોલની તો અંદર પણ જઈ શકીએ છીએ. એ જ ટેક્નોલોજીથી તબીબો હવે શરીરની પણ અંદર ડોકિયાં કરી શકે છે!
સાતેક વર્ષ પહેલાં અખબારમાં શરૂ થયેલી ‘સાયબરસફર’ કોલમનું નામકરણ કર્યું ત્યારે કોલમનો મૂળ વિષય સાયબર, માઉસના તરાપે બ્રાઉઝિંગ માટેનો ગુજરાતી શબ્દ સફર અને બંનેનો સરસ રીતે મળતો પ્રાસ – આથી વિશેષ ખાસ કંઈ વિચાર્યું નહોતું. પણ હવે પાછું વળીને જોઈએ ત્યારે સમજાય છે કે ઇન્ટરનેટની જુદી જુદી વેબસર્વિસ ઉપરાંત, આટલાં વર્ષોમાં આપણે ખરેખર સફર શબ્દ જ સાર્થક કરે એવી કેટકેટલી સફર ખેડી છે – હવે તો મેગેઝિન સ્વરુપે પણ!
કોલમમાં અને મેગેઝિનના જુદા જુદા અંકોમાં ગૂગલ અર્થ, મેપ્સ, સ્ટ્રીટવ્યૂ, મહાસાગરોની અંદર ડૂબકી લગાવીને કોરલ રીફની ઝલક, ચંદ્ર કે મંગળ પરની સફર, અગાશીએથી અવકાશદર્શન, અદ્ભુત પેનોરમિક ફોટોગ્રાફીથી દુનિયાનાં બેનમૂન સ્થળોની વર્ચ્ચુઅલ સફર કે આકાશમાં આપણે પોતે પ્લેન કે હોટએરબલૂન ચલાવી રહ્યા હોઈએ અને નીચે પૃથ્વી પર કાંકરિયા, પ્રયાગ કે નાયગ્રા ધોધ જોઈ રહ્યા હોઈએ એવો અનુભવ… અલગ અલગ ઘણા પ્રકારની સફર આપણે માણી છે અને હવે હજી એક વણખેડાયેલી ભૂમિ સુધી આપણે પહોંચી રહ્યા છીએ, માનવશરીરની અંદર, ઇન્ટરનેટના પ્રતાપે!
તમે ગૂગલ અર્થ કે ગૂગલ મેપ્સમાં જોયું હશે કે આપણે અવકાશમાંથી પૃથ્વી જોઈ રહ્યા હોઈએ અને પછી ઝૂમ કરીને આપણા ગામ કે શહેરમાંના આપણા વિસ્તાર પર ફોકસ કરી શકીએ છીએ (ઉપલા પેરેગ્રાફમાં એક સફરની વાત તો રહી ગઈ, આપણે શહેરમાં વધુ ઝૂમ કરીને એરપોર્ટ કે મોલની અંદરની સફર પણ ખેડી છે, ઘેરબેઠાં!) હવે વાત બિલ્ડિંગની અંદરથી પણ આગળ વધી છે અને માનવશરીરની અંદર સુધી પહોંચી છે!
માર્ચ મહિનાના અંતે, અમેરિકાના લાસવેગાસમાં ઓર્થોપેડિક રીસર્ચ સોસાયટી નામની એક વિશ્ર્વવ્યાપી સંસ્થાના નેજા હેઠળ દુનિયાભરના તબીબો, વૈજ્ઞાનિકો અને અન્ય નિષ્ણાતો એકઠા થયા અને એમાં ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સમાંથી આવેલાં મેલિસા નોથ ટેટ નામનાં એક નિષ્ણાતે પોતાનું નવું સંશોધન રજૂ કર્યું ત્યારે ઓર્થોપેડિક ક્ષેત્રના અભ્યાસુઓ ઉપરાંત આખી દુનિયાનું તેના તરફ ધ્યાન ખેંચાયું.
આપણે જાણીએ છીએ કે અમુક ચોક્કસ પ્રકારની ઇજા કે બીમારીમાં તબીબો એમઆરઆઇ સ્કેન કરાવતા હોય છે. મેગ્નેટિક રેઝોનન્સ ઇમાજિંગ નામની આ પ્રોસિજરમાં, મેગ્નેટિક ફિલ્ડ અને રેડિયો વેવ્ઝની મદદથી માનવ શરીરની વિગતવાર ઇમેજીસ લેવામાં આવે છે, જેનો અભ્યાસ કરીને તબીબો બીમારી અંગે ચોક્કસ નિદાન સુધી પહોંચી શકે છે.
ઓસ્ટ્રેલિયાનાં નિષ્ણાત મેલિસા કહે છે કે આ એમઆરઆઇને અમેરિકા કે યુરોપનો નક્શો જોવા સાથે સરખાવી શકાય, જેમાં જુદાં જુદાં રાજ્ય કે દેશની ફક્ત સરહદો જોઈ શકાય. પણ મેલિસાએ વિક્સાવેલી ટેક્નોલોજીથી આપણે રાજ્ય કે દેશમાંના શહેરો અને એમાં રહેતા લોકો સુધી પણ આપણી નજર પહોંચાડી શકીએ છીએ.
આ નવી ટેક્નોલોજીમાં માનવશરીરની અંદરની લાખો માઇક્રોસ્કોપિક ઇમેજીસ લેવામાં આવે છે. આ તસવીરો અમુક સેન્ટીમીટર લાંબા હાડકાંના સાંધાથી લઈને નેનોમીટરમાં જ માપી શકાય એવા સ્નાયુના કોષની અંદરના નાનામાં નાના અંશ સુધી હોઈ શકે છે. સવાલ એ ઊભો થયો કે આટલી બધી ઇમેજીસ પરથી એક આખું ચિત્ર કેવી રીતે ઊભું કરવું અને તેનો અભ્યાસ કેવી રીતે કરવો?
આ મુદ્દે, આ સંશોધકોએ ગૂગલની મેપિંગ ટેક્નોલોજી કામે લગાડી. જેમ ગૂગલ મેપમાં સંખ્યાબંધ સેટેલાઇટ ઇમેજીસને એકમેક સાથે સ્ટીચ કરવામાં આવે છે, એ જ ટેક્નોલોજીથી માનવશરીરમાંની માઇક્રોસ્કોપીક ઇમેજીસને પણ એકબીજા સાથે જોડીને એક ઝૂમ કરી શકાય એવું પિક્ચર તૈયાર કરવામાં આવે છે.
આ નવી શોધને કારણે પહેલી વાર એવું બન્યું છે કે આપણને ઘૂંટણના સાંધામાં દુ:ખાવો થતો હોય તો નિષ્ણાતો હાડકાંમાં પડેલી તિરાડો તો જોઈ જ શકે છે, પણ ત્યાંથી આગળ ઝૂમ કરતા જઈને, વધુ ઊંડા ઊતરીને, સ્નાયુના કોષોમાંની સ્થિતિ ને રક્તવાહિનીઓનાં નબળાં પડી ગયેલાં જોડાણોની પણ જાણકારી મેળવી શકે છે. મેલિસા કહે છે કે પહેલાં આવો અભ્યાસ કરવો હોય તો ૨૫ વર્ષ જેટલો સમય લાગતો, હવે ગણતરીનાં અઠવાડિયામાં થઈ શકે છે.
પરિણામે, હાડકાં અને સાંધાની સમસ્યાઓથી પીડાતા લોકો માટે, તેમને આવી સમસ્યા ઊભી જ ન થાય અથવા થઈ ગઈ હોય તો વધુ અસરકારક સારવાર આપી શકાય એ માટેનો માર્ગ મોકળો થશે.
આ શોધના લાભ આપણા સુધી પહોંચતાં તો વાર લાગશે, પણ એ નિષ્ણાતોએ એક દર્દીના સાંધાની કેવી ઝૂમેબલ ઇમેજ તૈયાર કરી છે એ જોવામાં બિલકુલ વાર નહીં લાગે, બસ વિઝિટ કરો આ પેજ:http://www.mechbio.org/sites/mechbio/files/maps/index.html

