કમ્પ્યુટરમાં શોર્ટકટની તો હવે લગભગ સૌને આદત પડી ગઈ છે, સ્માર્ટફોનમાં પણ એવું કરી શકાય છે.
તમે કમ્પ્યુટર કે મોબાઈલના પાવર યુઝર છો? વિન્ડોઝ સાથે પનારો પાડતી વખતે, માઈક્રોસોફ્ટ વર્ડ કે એક્સેલ જેવા પ્રોગ્રામમાં કામ કરતી વખતે કે પછી ક્રોમ કે ફાયરફોક્સ જેવા બ્રાઉઝરમાં સર્ફિંગ કરતી વખતે તમે જાત ભાતના શોર્ટકર્ટસનો ઉપયોગ કરી શકતા હો અને તમારું કામ બીજા કરતાં ખાસ્સી એવી ઝડપે કરી શકતા હો તો તમે આજના સમયના ટેક સાધનોના પાવર યુઝર ગણાઈ શકો.
એક રીતે જોઈએ તો શોર્ટકટની મજા અત્યાર સુધી મોટા ભાગે કમ્પ્યુટર પૂરતી મર્યિદિત હતી પરંતુ હવે આપણે સ્માર્ટફોનમાં પણ જુદી જુદી જાતના શોર્ટકટનો લાભ લઈ શકીએ છીએ.
એન્ડ્રોઈડ ફોનની મજા જ એ છે કે તેના ઓપન સોર્સ ફોર્મેટને કારણે જુદા જુદા ડેવલપર્સ તેમના દિમાગને કામે લગાડીને આપણા સ્માર્ટ ફોનને વધુ સ્માર્ટ બનાવી શકે છે.
આવી એક કમાલની સગવડ છે ક્વિક ક્લિક.
તમે કોઈ ક્ષણને ફટાફટ કેમેરામાં કેદ કરી લેવા માગતા હો તો હવે સ્માર્ટફોન એકદમ હાથવગા હોય છે, પરંતુ તેમાં કેમેરા એપ એટલી હાથવગી હોતી નથી. કેટલાંક મોડેલમાં રાઈટ સ્વિપ કરવાથી કેમેરા એપ ઓપન કરી શકાય છે પણ ઘણા ખરા સરેરાશ મોડેલમાં આપણે જો હોમસ્ક્રીન પર કેમેરાનો શોર્ટકટ રાખ્યો હોય તો તેને શોધીને પછી કેમેરા એપ ઓપન કરવી પડે.
હોમસ્ક્રીન પર નવા નવા શોર્ટકટ ઉમેરાયા હોય તો કેમેરા એપના શોર્ટકટના જગ્યા પણ બદલાઈ હોય. પરિણામે આપણે તેને દર વખત તેને શોધવા ફાંફાં મારવા પડે. કેમેરા એપ ઓપન થઈ રહે ત્યાં તો આપણે જેનો ફોટોગ્રાફ લેવા માંગતા હોઈએ એ સ્થિતિ જ બદલાઈ ગઈ હોય!
તેના બદલે એવી કલ્પના કરો કે કશુંક સરસ જોવા મળ્યું, તમે તેની સામે કેમેરા ધર્યો અને વોલ્યુમની અપ કી એક-બેવાર પ્રેસ કરી એ સાથે એ ક્ષણનો ફોટોગ્રાફ લેવાઈ જાય, તો ?
સાદા ફોનનો ઉપયોગ કરનારા ઘણા લોકોની ફરિયાદ હોય છે કે સ્માર્ટફોનમાં કોઈને ફોન કરવો એ બહુ મગજમારીવાળું કામ છે. ફોન એપ ઓપન કરો, આપણે જોઈતી વ્યક્તિનું નામ સર્ચ કરો, પછી તેનો નંબર દેખાય તેના પર ક્લિક કરો અને પછી કોલ ડાયલ કરવા ફરી ક્લિક કરો ત્યારે છેક ફોન લાગે. ફોનના મોડેલ અનુસાર આ વિધિ થોડી લાંબીટૂંકી હોઈ શકે પરંતુ કંટાળાજનક તો ચોક્કસ હોય. તેના બદલે તમે કોઈ વ્યક્તિને વારંવાર ફોન કરતા હો તો ફક્ત વોલ્યૂમ કીને અમુક ચોક્કસ રીતે પ્રેસ કરતાં તરત જ એ વ્યક્તિને ફોન લાગે તો? એવું જ કોઈને મેસેજ મોકલવા માટે.
ટૂંકમાં જો તમે તમારા સ્માર્ટફોનમાં વારંવાર કરવાનાં થતાં એકશન્સ માટે શોર્ટકટ સેટ્સ કરવા માગતા હો તો ક્વિકક્લિક નામની એપથી ફક્ત વોલ્યુમ કીનાં જુદાં જુદાં કોમ્બિનેશનથી આપણે અલગ અલગ એકશન એકદમ ઝડપથી લઈ શકીએ છીએ.
આ એપ ડાઉનલોડ કર્યા પછી તે આપણને ‘ક્રિએટ ન્યુ એકશન’નો વિકલ્પ આપે છે. તેના પર ક્લિક કરતાં ફ્લેશ લાઈટ ઓન કરવી, ફોટોગ્રાફ કે વીડિયો લેવાનું સ્ટાર્ટ કરવું, ઓડિયો રેકોર્ડિંગ સ્ટાર્ટ કરવું, કોઈ ચોક્કસ વ્યક્તિને કોલ જોડવો કે મેસેજ મોકલવો કે ફોનમાંની કોઈ એપ ઓપન કરવી, વાઈ-ફાઈ, બ્લ્યૂટૂથ વગેરે ઓન-ઓફ કરવા, મ્યુઝિક પ્લેયરનાં એકશન સેટ કરવાં, ગૂગલ સર્ચ ઓન કરવું વગેરે જુદાં જુદાં ઘણાં કામ વોલ્યુમ કીના વિવિધ કોમ્બિનેશનથી સેટ કરી શકાય છે. જેમ કે, કોઈ ચોક્કસ વ્યક્તિને ફોન જોડવા માટેનું સેટિંગ આપણે કરવું હોય તો એ વ્યક્તિ માટે વોલ્યુમની ડાઉન કી ત્રણ વાર પ્રેસ કરવાથી તેમને ફોન જોડાઈ જાય તેવું સેટિંગ કરી શકાય છે.
તમારા સ્માર્ટફોનને વધુ સ્માર્ટ ફોન બનાવવા માટે આ એપ કામની છે પરંતુ તેના ઉપયોગથી બેટરીનો વપરાશ વધવાની શક્યતા છે. આથી આ એપને સતત ઓન રાખવાના બદલે ફોન અનલોક્ડ હોય ત્યારે જ તે એક્ટિવ થાય તેવું સેટિંગ કરવું સલાહભર્યું છે.
સ્માર્ટફોનમાં વોલ્યુમ કીનું મૂળ કામ વોલ્યુમ અપડાઉન કરવાનું છે આથી તેની પાસેથી બીજું કામ કરાવવાની તમારે થોડી પ્રેક્ટિસ પાડવી પડશે. એક સાથે ઘણા બધા શોર્ટકર્ટસ સેટ કરશો તો ગૂંચવાઈ જશો.

