જો તમારા સ્માર્ટફોનમાં ગુજરાતી ફોન્ટ હોય તો તમારે માટે એક સરસ ગુજરાતી કી-બોર્ડની સુવિધા હવે મફતમાં ઉપલબ્ધ છે.
ફેસબુકમાં ગુજરાતી? હા, કમ્પ્યુટરમાં તો પોસિબલ છે. વોટ્સએપમાં ગુજરાતી? ના – એ તો ફક્ત મોબાઇલમાં એટલે એમાં તો ઇંગ્લિશમાં જ ગુજરાતી લખવું પડે છે! તમને આ વાતનો હંમેશા અફસોસ રહેતો હશે.
યુનિકોડ ફોન્ટ આવ્યા પછી ઇન્ટરનેટ પર સ્થાનિક ભાષામાં લખવું એકદમ સહેલું બની ગયું, પણ ઘણા ખરા સ્માર્ટફોનમાં હજી ગુજરાતી ફોન્ટની સગવડ મળી નથી. સ્માર્ટફોન નવાસવા હતા ત્યારથી આપણે ગુજરાતીઓની આ ફરિયાદ ગૂગલે સાંભળી નથી અને એન્ડ્રોઇડનાં એક પછી એક નવાં વર્ઝન આવતાં ગયાં છતાં એન્ડ્રોઇડમાં ગુજરાતી ફોન્ટ હજી હમણાં સુધી મળ્યા નહોતા.
હેન્ડસેટ બનાવતી કંપની પોતાની રીતે એન્ડ્રોઇડ સિસ્ટમમાં ફેરફાર કરીને ગુજરાતી ફોન્ટ ઉમેરે તો જ આપણને તે સગવડ મળે એવી સ્થિતિ હજી હમણાં ગૂગલે સુધારી અને હવે એટલિસ્ટ, એન્ડ્રોઇડ વન ફોનમાં તો ગુજરાતી સહિત ઘણી બધી ભારતીય ભાષાના ફોન્ટ મળતા થયા છે. પરિણામે આપણે મોબાઇલમાંના વેબ બ્રાઉઝરમાં ગુજરાતી સાઇટ્સ વાંચી શકીએ છીએ અને ફેસબુક જેવી એપમાં પણ ગુજરાતી લખવા-વાંચવાની મજા માણી શકીએ છીએ.
જે ફોનમાં પહેલેથી ગુજરાતી ફોન્ટની સગવડ હતી તેમાં એક ખામી એ રહી હતી કે ગૂગલે હિન્દી ભાષામાં લખવાની સગવડ તો આપી હતી, પણ ગુજરાતી માટેની ઇનપુટ મેથડ હજી આપી નથી. કેટલાક મોબાઇલમાં ગુજરાતી કી-બોર્ડ હોય છે. લોકો કેટલીક ગુજરાતી એપની મદદથી કે પછી ગૂગલ ટ્રાન્સલિટરેટશન (http://www.google.com/inputtools/try/)ની સાઇટ પર જઈ, ગુજરાતીમાં લખી, ત્યાંથી કોપી-પેસ્ટ કરવાનો રસ્તો પણ અપનાવતા હતા. આ ઘણો લાંબો રસ્તો છે અને લગભગ કોઈને ફાવે નહીં.
હવે તેનો એક ઉપાય મળ્યો છે.
તમે કદાચ જાણતા હશો તેમ એન્ડ્રોઇડમાં આપણે વિવિધ કી-બોર્ડ ઉમેરી શકીએ છીએ. આવી એક કી-બોર્ડ એપ સ્વિફ્ટકીમાં આવેલા લેટેસ્ટ અપડેશન સાથે, તેમાં ૧૧ ભારતીય ભાષાઓ પણ ઉમેરાઈ છે, જેમાંની એક છે ગુજરાતી!

આમ તો ઓક્ટોબર મહિનામાં જ આ કી-બોર્ડ એપના બીટા વર્ઝનમાં આ ભાષાઓ ઉમેરાઈ ગઈ હતી, પણ નવેમ્બર મહિનામાં તે ઓફિશિયલી લોન્ચ થઈ. આ ૧૧ ભારતીય ભાષા સાથે સ્વિફ્ટકી પર સપોર્ટેડ લેંગ્વેજની કુલ સંખ્યા થઈ ગઈ છે ૮૧.
અગાઉ આ એપ લગભગ રૂ. ૨૫૦માં ખરીદવી પડતી હતી, હવે તે ફ્રી છે!
જો તમારા મોબાઇલમાં ગુજરાતી ફોન્ટ હોય તો સ્વિફ્ટકીનો ઉપયોગ કરી શકશો આ રીતે…
- ગૂગલ પ્લેસ્ટોરમાં જાઓ અને swiftkey સર્ચ કરો.
- એપ કઈ કઈ પરમિશન્સ માગે છે તેના પર ધ્યાન આપી, તેને ડાઉનલોડ કરી ફોનમાં ઇન્સ્ટોલ કરો.
- હવે તમે પ્લે સ્ટોરમાંથી જ એપ ઓપન કરીને સૂચના પ્રમાણે આગળ વધી શકો છો, અથવા ફોનના સેટિંગ્સમાં ‘લેંગ્વેજ એન્ડ ઇનપૂટ’માં જઈને સ્વિફ્ટ કી-બોર્ડ ઇનેબલ કરો અને તેનાં સેટિંગ્સમાં જઈ, લેંગ્વેજ વિભાગમાં ગુજરાતી ભાષા ડાઉનલોડ કરી લો.
જો ‘લેંગ્વેજ એન્ડ ઇનપૂટ’માં આ સ્વિફ્ટકી કી-બોર્ડને આપણું ડિફોલ્ટ કી-બોર્ડ બનાવીશું તો પછી જ્યારે મેસેજ, વોટ્સએપ, ફેસબુક વગેરેમાં કે પછી ઇન્ટરનેટ પર લખવાનું થશે ત્યારે ગુજરાતી કી-બોર્ડ જોવા મળશે! સ્પેસબારને સ્ક્રોલ કરીને આપણે અંગ્રેજી ભાષા પસંદ કરી શકીએ છીએ.
અલબત્ત, સ્વિફ્ટકીનું ગુજરાતી કીબોર્ડ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ (ડીઓઇ)એ ડેવલપ કરેલું સાયન્ટિફિક કી-બોર્ડ છે. તેમાં એક તરફ સ્વર અને બીજી તરફ વ્યંજન છે એટલે એક વાર શીખ્યા પછી આ કી-બોર્ડ પર બહુ ઝડપથી ટાઇપ કરી શકાય છે, પરંતુ શીખ્યા પછી! તમને ઇંગ્લિશમાં gujarat લખતાં ગુજરાતીમાં ગુજરાત લખાય એ પ્રકારના ટાઇપિંગની ફાવટ હોય તો આ કી-બોર્ડની ટેવ પડતાં વાર લાગી શકે છે.
જોકે એક વાર ફાવટ આવ્યા પછી વોટ્સએપ કે ફેસબુક પર તમે મોબાઇલથી ધમાલ મચાવી શકો છો, ગુજરાતીમાં!
એક મુદ્દો ખાસ ધ્યાને લેશો…
આપણા સ્માર્ટફોનમાંનાં કી-બોર્ડ આપણી ઘણી બધી સંવેદનશીલ માહિતી ‘જોઈ’ શકે છે. કી-બોર્ડ ટાઇપ કરવા માટે જ હોય છે એટલે આપણે જે કંઈ ટાઇપ કરીએ તે બધું જ એ ‘જોઈ શકે છે’ અને પરમિશન્સ પર તમે ધ્યાન આપશો તો સમજાશે કે ઘણાં ખરાં કી-બોર્ડ ઇન્ટરનેટ એક્સેસ પણ માગે છે! એટલે કે તે આપણી માહિતી ઇન્ટરનેટની મદદથી પોતાના સર્વર પર મોકલી શકે છે.
સ્વિફ્ટકી કી-બોર્ડ ઇનેબલ કરતી વખતે તમને એવી ચેતવણી મળી શકે છે કે ‘આ ઇનપૂટ મેથડ પાસવર્ડ અને ક્રેડિટ કાર્ડ સહિતનું જે કંઈ આપણે મોબાઇલમાં ટાઇપ કરીએ એ કલેક્ટ કરી શકે છે. તમે તેનો ઉપયોગ કરવા માગો છો?’ સામે પક્ષે, સ્વિફ્ટકી કી-બોર્ડ ઇંગ્લિશ ટાઇપિંગ માટે પણ અત્યંત સુવિધાજનક છે, તેને અદ્દલ પીસીના કી-બોર્ડ જેવા જ લેઆઉટમાં ફેરવી શકાય છે, જેથી તેમાં કર્સરને ડાબે અને જમણે બંને તરફ ખસેડવાની સગવડ પણ મળે છે.
ઝડપી ટાઇપિંગ માટે આ કી-બોર્ડ વિશ્વભરમાં અત્યંત લોકપ્રિય છે (પ્લે સ્ટોરમાં તે ‘એડિટર્સ ચોઈસ’ પણ રહી ચૂકી છે!). આથી, સામાન્ય ઉપયોગ માટે તમે આ કી-બોર્ડને વાપરો અને સંવેદનશીલ માહિતી ટાઇપ કરવા માટે ફોનમાંના એન્ડ્રોઇડ કીબોર્ડ (એઓએસપી)નો ઉપયોગ કરો એવો વચલો રસ્તો કાઢી શકાય – જો પ્રાઇવસીના મુદ્દે તમને બહુ ચિંતા હોય તો!

