માર્ચ મહિનામાં વર્લ્ડ વાઈડ વેબને ૨૫ વર્ષ થયાં, ત્યારે આખી દુનિયાને એકમેક સાથે સાંકળી રહેલું આ અજબ-ગજબ જાળું કેવી રીતે ગૂંથાયું એ જાણવું રસપ્રદ બનશે.
૧૨ માર્ચ, ૧૯૮૯
બ્રિટિશ કમ્પ્યુટર વિજ્ઞાની ટીમ બર્નર્સ-લીએ યુરોપીયન સંગઠન સીઇઆરએન સાથે સંકળાયેલા વિશ્વભરના વિજ્ઞાનીઓનાં કમ્પ્યુટરને એકમેક સાથે જોડવાની પ્રપોઝલ રજૂ કરી અને તે સાથે વર્લ્ડ વાઈડ વેબનો પાયો નખાયો. તેમણે ૧૯૯૦માં નાતાલના દિવસે તેનો કોડ સૌને માટે ખૂલ્લો મુક્યો.
૧૯૯૩
કનેક્ટેડ કમ્પ્યુટર્સમાંની માહિતી જોવા યુનિવર્સિટી ઓફ ઈલિનોઈસના માર્ક એન્ડ્રીસેન અને તેમની ટીમે વિકસાવેલા મોઝેક બ્રાઉઝરથી વેબની લોકપ્રિયતા વધી. તે ૧૯૯૪માં નેટસ્કેપ નામના કોમર્શિયલ બ્રાઉઝરનો આધાર બન્યું.
૧૯૯૪
ચીનને સૌપ્રથમ ઈન્ટરનેટ કનેક્શન પ્રાપ્ત થયું, પણ ચીને મર્યાદિત ક્ન્ટેન્ટ જોઈ શકાય એવાં ફિલ્ટર્સ મૂક્યાં.વ્હાઇટ હાઉસે તેની વેબસાઈટ (www.whitehouse.gov) લોન્ચ કરી, પણ જે લોકોએ આ સરનામામાં છેવાડે .com લખ્યું તેમને પોર્ન સાઇટ જોવા મળી. એ જ વર્ષે ‘ડેવિડ એન્ડ જેરીઝ ગાઈડ ટુ ધ વર્લ્ડ વાઈડ વેબ’ લોન્ચ થઈ, જેમાંથી છેવટે યાહૂ અને એમેઝોનનો જન્મ થયો.
૧૯૯૫
માઈક્રોસોફ્ટે ઈન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝર વિક્સાવ્યું અને તેની લોકપ્રિયતા સામે નેટસ્કેપ છેવટે હારી ગયું..ઓનલાઈન ઓક્શન સાઈટ ઈબે પણ આ વર્ષે શરુ થઈ.
૧૯૯૬ફિનલેન્ડમાં નોકિયાએ ઈન્ટરનેટ કનેક્ટીવીટી સાથેનો પ્રથમ મોબાઈલ ફોન રજૂ કર્યો. એ સાથે મોબાઇલ પર ઇન્ટરનેટના એક નવા જ યુગનાં મંડાણ થયાં.
૧૯૯૮
ગૂગલે કામગીરી શરૂ કરી અને ખૂબ ઝડપથી અગ્રણી સર્ચ એન્જિન તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી.અમેરિકન સરકારે વેબ ડોમેઈન પરનો અંકુશ એક ખાનગી સંગઠન ‘ઇન્ટરનેટ કોર્પોરેશન ફોર એસાઇન્ડ નેમ્સ એન્ડ નંબર્સ’ને સોંપ્યો.
૨૦૦૦
ઇન્ટરનેટ વાયરસ ‘આઈ લવ યુ’એ દુનિયામાં લાખો કમ્પ્યુટર્સને અસર કરી અને ત્યારથી સૌને ક્લિક થયું કે ઓનલાઈન સિક્યોરિટીના મુદ્દાને ગંભીરતાથી લેવો પડશે.
ઇન્ટરનેટનો ક્રેઝ નાસ્ડેકને પણ સ્પર્શી ગયો અને તેનો ઇન્ડેક્સ ૫૦૪૮ સુધી પહોંચ્યો, પણ ૨૦૦૨માં ડોટકોમ બબલ ફૂટતાં તેનું ધોવાણ થયું અને ત્યાર પછી ૧૪ વર્ષ સુધી ઇન્ડેક્સ ૫૦૦૦ના આંક સુધી પહોંચી શક્યો નહીં.
૨૦૦૧
ખૂબ લોકપ્રિય બનેલી મ્યુઝિક સ્વેપિંગ સર્વિસ નેપસ્ટર ઓનલાઇન કોપીરાઇટના મુદ્દે ભીંસમાં આવી અને અમેરિકન કોર્ટે તેને બંધ કરવાનો આદેશ આપ્યો. ત્યારથી ઇન્ટરનેટ પર મુકાતા ક્ન્ટેન્ટમાં કોપીરાઇટનો મુદ્દો ચર્ચાતો થયો.
૨૦૦૨
ઇન્ટરનેટ કનેક્શન આપતા ૧૩માંથી ૮ રૂટ સર્વર્સની સેવા બંધ થઈ.
૨૦૦૫
ઇન્ટરનેટ સાથે જોડાનારા લોકોની સંખ્યા એક અબજ સુધી પહોંચી.
૨૦૦૭
ઉત્તર યુરોપમાંના ઇસ્ટોનિયા દેશમાં પહેલી વાર ચૂંટણી વખતે ઇન્ટરનેટ દ્વારા મત આપી શકાય એવી વ્યવસ્થા થઈ.
૨૦૧૨
ઇ-કોમર્સનો આંકડો ૨૦૧૨ સુધીમાં ૧ ટ્રિલિયન ડોલર્સ સુધી પહોંચી ગયો.
સોશિયલ નેટવર્ક ફેસબુકના સભ્યોની સંખ્યા એક અબજ સુધી પહોંચી.
એક વૈશ્વિક ટેલિકોમ સંધિમાં યુએનના ૮૯ સભ્ય દેશોએ હસ્તાક્ષર કર્યા જેમાં કેટલાક દેશોએ અમેરિકા ઇન્ટરનેટ પર વધુ પડતો અંકુશ ધરાવે છે એવો મત વ્યક્ત કર્યો. અમેરિકા અને અન્ય ૫૫ દેશોએ આ સંધિથી ઈન્ટરનેટ પર સરકારી નિયમન આવી જશે એવી દલીલ સાથે તે દસ્તાવેજ ફગાવ્યો.
૨૦૧૩
વિશ્વભરમાં ૨.૭ અબજ લોકો ઈન્ટરનેટ સાથે જોડાયા. આ સંખ્યા કુલ વસતીના ૪૦ ટકા જેટલી છે. ઇન્ટરનેટ પર ઇંગ્લિશ કરતાં ચાઇનીઝ ભાષાનો ઉપયોગ વધી ગયો.

