પેરિસના ડેવલપરે બનાવેલી એક મજાની વેબસાઇટ પર આખી દુનિયાનાં અજબ-ગજબનાં સ્થળો વિશે જોઈ-જાણી શકાય છે
જગત આખું પોતે ખેંચેલા ફોટોઝ સૌ સાથે શેર કરવા માટે ઇન્સ્ટાગ્રામ નામની એપનો ઉપયોગ કરે છે પણ પેરિસ, ફ્રાન્સના એક ડેવલપર બેન્જામિન નેટરને જુદો વિચાર આવ્યો – તેણે ઇન્સ્ટાગ્રામ પર અનેક લોકોએ અપલોડ કરેલી તસવીરોમાંથી, જગતનાં જુદાં જુદાં અનેક રસપ્રદ સ્થળોની સફર બનાવતી એક વેબ એપ્લિકેશન બનાવી ને નામ આપ્યું સમવ્હેર (http://smwh.re/)!
રોજિંદા કામકાજથી થાકો તો બે-ઘડી ફ્રેશ થવા માટે તમે આ વેબસાઇટની મદદથી આખી દુનિયાની સફર ખેડી શકો છો. દરેક ફોટોગ્રાફ સાથે એ સ્થળની થોડી વિગતો (વધુ માહિતીની લિંક સાથે) પણ આપેલી છે, બીજે જવાનું મન થાય એટલે આદેશ આપો ‘સમવ્હેર એલ્સ’ અને તરત જોવા મળશે દુનિયાની વધુ એક અજાયબી, તેની વિગતો સાથે!
દિલ્હી સ્થિત બહાઈ ધર્મસ્થાનક લોટસ ટેમ્પલ આરસ મઢેલી પાંદડીથી બનતા આકારથી જગપ્રસિદ્ધ બન્યું છે. એક સાથે ૨૫૦૦ લોકોને સમાવી શકતા આ મંદિરના મુલાકાતીઓની સંખ્યા એફિલ ટાવર અને તાજ કરતાં પણ વધી ગઈ હોવાનું કહેવાય છે.
આ સ્થાપત્ય અનેક આંતરરાષ્ટ્રીય એવોડર્ર્સ જીતી ચૂક્યું છે.
http://smwh.re/antelope-canyon
આપણા પીસીમાં વોલપેપર તરીકે જોયેલી આ તસવીર અમેરિકાની એન્ટેલોપ કેન્યનની છે. અહીંના સેન્ડસ્ટોનનું ધસમસતા વરસાદી પાણીથી ધોવાણ થતાં આ અજાયબ રચનાઓ નિર્માણ પામી છે. રંગ, વળાંક અને પ્રકાશ ના અજબ સંગથી આ સ્થળ જગવિખ્યાત બન્યું છે. અહીં હજી પણ અણધાર્યાં પૂર આવે છે, ૧૯૯૭માં આવા ફ્લેશ ફ્લડને કારણે અહીં ૧૧ પ્રવાસીઓ મૃત્યુ પામ્યા હતા.
ઇટાલીનું આ જગપ્રસિદ્ધ શહેર ૧૧૮ નાના ટાપુઓનું બનેલું છે. આખું શહેર જળમાર્ગો અને પૂલોથી કનેક્ટેડ છે. અહીંની ઇમારતોએ આ શહેરને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. આ ઇમારતો જમીનમાં ખોદેલા પાયા પર નહીં, પરંતુ વર્ષોથી પાણીમાં ડૂબેલાં લાકડાંના બીમ પર રચાયેલી છે.
http://smwh.re/the-dubai-fountain
દુબઈમાં ૩૦ એકર વિસ્તારમાં ફેલાયેલા માનવસર્જિત બુર્જ ખલિફા લેકમાંના ફુવારા વિશ્વના સૌથી વિશાળ કોરિયોગ્રાફ્ડ ફાઉન્ટેઇન છે. ૬,૬૦૦ લાઇટ્સ અને ૨૫ કલર્ડ પ્રોજેક્ટર ધરાવતા આ ફુવારા ૯૦૨ ફૂટ લાંબા છે અને તેમાં ૫૦૦ ફૂટ જેટલે ઊંચે સુધી પાણી ઉછળે છે. ખર્ચ? આશરે ૧૩૦૦ કરોડ રૂપિયા!
http://smwh.re/chocolate-hills
ફિલિપાઇન્સમાં આવેલી એક ડુંગરમાળાનું નામ છે ચોકલેટ-હિલ્સ! અહીં લગભગ ૫૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ૧૭૭૬ જેટલા નાના-મોટા ડુંગરા છે, જે સામાન્ય રીતે હરિયાળા હોય છે, પણ ગરમીના દિવસોમાં ઘાસ સુકાઈને ચોકલેટી બ્રાઉન રંગનું બને છે પરિણામે આખી ડુંગરમાળાનું નામ પડ્યું ચોકલેટ-હિલ્સ.


