તમારે એક સરખા ઇ-મેઇલ જુદા જુદા લોકોને વારંવાર મોકલવાના થાય છે? એક રસ્તો આપણો ઈ-મેઇલ કમ્પોઝ કરીને તેને આપણને પોતાને ઈ-મેઇલ કરીએ અને બાકીના લોકોનાં ઈ-મેઇલ એડ્રેસ બીસીસી (બ્લેન્ક કાર્બન કોપી)માં લખવાનો છે, પણ આપણે એક જ મેઇલ એક વાર નહીં, વારંવાર જુદા જુદા લોકોને મોકલવાની વાત કરીએ છીએ.
આગળ શું વાંચશો?
- તમારા જીમેઈલમાં આ સુવિધા શરૂ કરવા માટે
- પહેલો કેન્ડ રિસ્પોન્સ સેવ કરવા માટે..
- કેન્ડ રિસ્પોન્સ મોકલવા માટે
જેમ કે, તમારો કોઈ બિઝનેસ હોય અને તમારી કોઈ પ્રોડક્ટ કે સર્વિસ માટે એક સરખો માર્કેટિંગ ઈ-મેઇલ તૈયાર કરીને જુદી જુદી કંપનીના ઉચ્ચ અધિકારીઓને મોકલવા માગતા હો. અથવા, તમે તમારી ઓફિસમાં નોકરી માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી હોય અને જેમ જેમ અરજી આવતી જાય તેમ તેમ તમે અરજી મોકલનાર દરેકને થેંક્યુ કે ઇન્ટરવ્યૂની તારીખ, સ્થળ વગેરેનો એક સરખો ઈ-મેઇલ મોકલવા માગતા હો, તો આવી સ્થિતિમાં જો તમે દરેક વ્યક્તિને તેના નામથી સંબોધીને ઈ-મેઇલ મોકલો તો તેની વધુ અસર થાય અને આવું કરવા માટે પેલો બીસીસીવાળો રસ્તો કામ લાગે નહીં.
આવું કરવા માટે એક રસ્તો નોટપેડ કે વર્ડમાં આપણા મેઇલનું લખાણ લખી રાખવાનો અને પછી દર વખતે તેને કોપી-પેસ્ટ કરવાનો છે. પણ, જો તમે જી-મેઇલનો ઉપયોગ કરતા હો તો એક વધુ સહેલો રસ્તો છે – જીમેઇલમાં જ જુદા જુદા ઈ-મેઇલ ડ્રાફ્ટ તરીકે સેવ કરી રાખવાનો.
આને ‘કેન્ડ રિસ્પોન્સ’ કહે છે.
તમારા જીમેઇલમાં આ સુવિધા શરુ કરવા માટે…
- જીમેઇલમાં લોગ-ઇન થાઓ.
- જમણી તરફ ઉપર આપેલા ગિયર પર ક્લિક કરી, સેટિંગ્સમાં અને તેમાં લેબ્ઝમાં જાઓ.
- લેબ્ઝમાં થોડું નીચેની તરફ સ્ક્રોલ કરતાં ‘કેન્ડ રિસ્પોન્સીઝ’નો વિકલ્પ મળશે, તેને ઇનેબલ કરો.
- છેક નીચે સ્ક્રોલ કરી, ‘સેવ ચેન્જીઝ’ પર ક્લિક કરી દો.

પહેલો કેન્ડ રિસ્પોન્સ સેવ કરવા માટે…
કમ્પોઝ બટન પર ક્લિક કરી, નવો ઈ-મેઇલ લખવાનું બોક્સ ઓપન કરો.- તમારે જે ઈ-મેઇલ વારંવાર મોકલવાનો હોય તે ઈ-મેઇલ લખો.
- યાદ રાખો, જો તમે તમારા ઈ-મેઇલ નીચે ડિફોલ્ટ સિગ્નેચરનો ઉપયોગ કરતા હો તો તેેને ડિલીટ કરી દો અને ફક્ત ઈ-મેઇલનું લખાણ રાખો.
- હવે કમ્પોઝ બોક્સમાં છેક નીચે, ડાબી તરફના ખૂણે આપેલા એરો પર ક્લિક કરી, ‘કેન્ડ રિસ્પોન્સીઝ’ પર ક્લિક કરો અને તેમાં ‘ન્યૂ કેન્ડરિસ્પોન્સ’ પર ક્લિક કરો.
- હવે આપણા આ કાયમી ઈ-મેઇલને સેવ કરી રાખવા માટે તેનું નામ પૂછવામાં આવશે. કોઈ નામ આપો, જેમ કે ‘સાયબરસફર’ અને ઓકે કરો.
કેન્ડ રિસ્પોન્સ મોકલવા માટે…
- હવે જ્યારે જ્યારે તમારે એક સરખો માર્કેટિંગ મેઇલ મોકલવાનો થાય ત્યારે કમ્પોઝ બોક્સ ઓપન કરો અને ફરી ડાબી તરફના એરો પર ક્લિક કરો.
- કેન્ડ રિસ્પોન્સીઝમાં જઈને ઇન્સર્ટ નીચે આપણા કેન્ડ રિસ્પોન્સનું નામ દેખાશે – સાયબરસફર. તેના પર ક્લિક કરતાં મેઇલ બોક્સમાં આપણે પહેલેથી લખી રાખેલી ટેક્સ્ટ પેસ્ટ થઈ જશે.
- તમે જોશો તેમ, જો તમે ડિફોલ્ટ સિગ્નેચરનો ઉપયોગ કરતા હશો તો બ્લેન્ક મેઇલમાં નીચે સિગ્નેચર દેખાશે જ. જો આપણે પહેલી વાર કેન્ડ રિસ્પોન્સ સેવ કરતી વખતે સિગ્નેચર ડિલીટ ન કરી હોત તો તે અહીં બે વાર દેખાતી હોત!
બસ, હવે જેમને ઈમેઇલ મોકલવાનો છે તેમનું ઈ-મેઇલ આઇડી, સબ્જેક્ટ અને વ્યક્તિગત સંબોધન લખીને મેઇલ રવાના કરી દો!
