(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આખરે શું છે આ ‘સ્માર્ટ સિટી’?

લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન અને ત્યાર પછી વારંવાર આપણે આ ‘સ્માર્ટ સિટી’ શબ્દ સાંભળી રહ્યા છીએ. વાસ્તવમાં કેવું હોય આ સ્માર્ટ સિટી? જાણવા માટે પહોંચીએ સ્પેનના એક ખરેખરા સ્માર્ટ શહેરમાં.

આગળ શું વાંચશો?

  • એવું તે શું ચાલી રહ્યું છે સેન્ટેન્ડરમાં?
  • આ સેન્સર્સ શું કામ કરે છે?
  • ખર્ચ બચે એટલે સિટી સ્માર્ટ બની ગયું?
  • શહેરોએ સ્માર્ટ કેમ બનવું?
  • વિશ્વનાં બીજા શહોરમાં…
  • ભારતમાં સ્માર્ટ સિટીઝનું સ્વપ્ન

કલ્પના કરો કે તમે તમારા ગામ કે શહેરના કોઈ સિટી બસસ્ટોપ પર ઊભા છો. તમારે કોઈ સ્થળે પહોંચવું છે, પણ ત્યાં જવા માટે સિટી બસ ક્યારે આવશે એ ખબર નથી. તમે ખિસ્સામાંથી સ્માર્ટફોન કાઢો છો, એક એપ ઓપન કરો છો અને ફોનને બસસ્ટોપ તરફ ધરો છો. તરત તમારા ફોનના સ્ક્રીન પર, એ બસસ્ટોપ પર આવતી અને જતી બસ અને કઈ બસ ક્યાં જશે તેની યાદી જોવા મળે છે. સાથોસાથ, હવે પછી કઈ બસ, કેટલા સમયમાં આવશે એ પણ તમે જાણી શકો છો.

તમારી બસ આવવાને હજી થોડી વાર છે એટલે તમે આમતેમ નજર દોડાવો છો. તમારી નજર સિટી ટાઉનહોલ તરફ જાય છે. તમે ફરી ફોનને ટાઉનહોલ સામે ધરો છો એટલે ફોનના સ્ક્રીન પર ટાઉનહોલમાં હમણાં કયા કાર્યક્રમો ચાલી રહ્યા છે અને આવનારા દિવસોમાં કયા કાર્યક્રમો આવવાના છે તે પણ જાણી શકાશે.

ઇન્ટરનેટ અને સ્માર્ટફોન ટેક્નોલોજી વિકસતાં આવતાં દસેક વર્ષમાં આવું શક્ય બનશે એવું માનતા હો તો તમે ભૂલો છો – આવું અત્યારે જ શક્ય બની રહ્યું છે – સ્માર્ટ સિટીનો એક ક્ન્સેપ્ટ અત્યારે યુરોપમાં પૂરઝડપે આગળ વધી રહ્યો છે અને સ્પેનનું આખું એક શહેર આ ક્ન્સેપ્ટની લેબોરેટરી તરીકે કામ આપી રહ્યું છે.

આપણા ભારતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર સમયે બજેટ વખતે સ્માર્ટસિટીનો મુદ્દો વારંવાર અખબારમાં ચમકતો હતો. હમણાં વડા પ્રધાન જાપાનની મુલાકાત પછી, જાપાનના ક્યોટો શહેરી જેમ આણી પ્રાચીન નગરી વારાણસીમાં પણ સ્માર્ટસિટી બનાવવામાં આવશે એવી જાહેરાતો આપણે અખબારોની હેડલાઇન્સમાં વાંચી.

ગાંધીનગર ગિફ્ટ સિટી પ્રોજેક્ટને પણ એક સ્માર્ટસિટી તરીકે વિક્સાવવાની વાત અવારવાર આવતી રહે છે.

આ ‘સ્માર્ટસિટી’ એટલે એક્ઝેક્ટલી કેવું સિટી? સ્માર્ટ સિટી એટલે શું અને તેમાં શું ખાસિયતો હશે એ સમજવા માટે આપણે સ્પેનના આ શહેર સેન્ટેન્ડરની મુલાકાત લેવી પડે. પણ આપણે જ શા માટે, અત્યારે ગૂગલ, માઇક્રોસોફ્ટ કે આઇબીએમ જેવી ટેક્નલોજીની જાયન્ટ કંપનીઓના અધિકારીઓ પણ સેન્ટેન્ડરના આંટાફેરા મારી રહ્યા છે. તેમના માટે આ આખું શહેર એક મોટી ટેસ્ટિંગ લેબોરેટરી બની ગયું છે.

એવું તે શું ચાલી રહ્યું છે સેન્ટેન્ડરમાં?

જાણતાં પહેલાં, થોડી વાત ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’ની કરી લઈએ. (‘સાયબરસફર’ના જૂના વાચકોને યાદ હશે કે માર્ચ ૨૦૧૨ના અંકમાં આપણે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ વિશે જાણ્યું હતું). સિસ્કો નામની એક જાયન્ટ મલ્ટિનેશનલ ટેક્નોલોજી કંપનીએ મૂકેલા અંદાજો પ્રમાણે વર્ષ ૨૦૦૮માં જ પૃથ્વી પર વસતા લોકો કરતાં વધુ સંખ્યામાં જુદી જુદી વસ્તુઓ ઇન્ટરનેટ સાથે સંકળાઈ ગઈ હતી અને વર્ષ ૨૦૨૦ સુધીમાં આ એકબીજા સાથે ઇન્ટરનેટ મારફત કનેક્ટેડ વસ્તુઓની સંખ્યા ૫૦ અબજને ઓળંગી જશે. આ વસ્તુઓ એટલે ફક્ત કમ્પ્યુટર્સ, આઇપેડ્સ, ટેબલેટ્સ, સ્માર્ટફોન વગેરે જ નહીં, તેમના ઉપરાંત બીજાં અનેક સાધનો ઇન્ટરનેટ સાથે જોડાઈ રહ્યાં છે. એક ડચ કંપનીએ પશુધન પર મૂકી શકાય એવાં વાયરલેસ સેન્સર્સ વિક્સાવ્યાં છે. કોર્વેન્ટીસ નામની એક કંપનીએ માનવશરીરને મોનિટર કરતાં સેન્સર્સ વિક્સાવ્યાં છે.

૨૦૧૦માં ૫૭.૫ કરોડ કમ્પ્યુટર્સ ઇન્ટરનેટ સાથે ટુ-વે કમ્યુનિકેશન કરતાં હોવાનો અંદાજ હતો, વર્ષ ૨૦૨૦ સુધીમાં જુદાં જુદાં મકાનો અને પુલો પરનાં સેન્સર્સ સહિત અબજો ચીજવસ્તુઓ ઇન્ટરનેટ સાથે જોડાયેલી હશે.

બરાબર આ જ વાત સાકાર થઈ રહી છે સ્પેનના સેન્ટેન્ડર શહેરમાં. થયું એવું કે સ્પેનની યુનિવર્સિટી ઓફ કેન્ટેબ્રિયામાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીનો વિષય ભણાવતા લુઇસ મનોઝ નામના એક પ્રોફેસરને યુરોપિયન યુનિયન તરફથી લગભગ ૬૦ કરોડ ‚પિયા જેટલી રકમ સ્માર્ટસિટીનો એક નમૂનો તૈયાર કરવા માટે મળી. પ્રોફેસરે પોતાના પ્રોજેક્ટ માટે બહુ મોટું નહીં અને સાવ નાનું નહીં એવું શહેર પસંદ કરવાનું હતું. તેમણે લગભગ આપણા ગાંધીનગર શહેર જેટલી, ૧,૮૦,૦૦૦ની વસતી ધરાવતા, દરિયાકાંઠે વસેલા સેન્ટેન્ડર શહેરને પસંદ કર્યું. પ્રોજેક્ટ અંતર્ગત આ શહેરમાં ઠેકઠેકાણે ૧૨,૦૦૦ જેટલાં ઇલેક્ટ્રોનિક સેન્સર્સ લગાવવામાં આવ્યાં છે. ઠેકઠેકાણે એટલે ક્યાં ક્યાં એ પણ જાણી લો – રસ્તાઓની નીચે, પાર્કિંગ પ્લોટ્સની નીચે, સિટી બસ પર, વીજળીના થાંભલાઓ પર, કચરાપેટીઓ પર, બગીચાઓમાં અને એવી બીજી કેટલીય જગ્યાઓએ!


 આ સેન્સર્સ શું કામ કરે છે?

આ તમામ સેન્સર્સ શહેરમાંથી લાઇટ, પ્રેશર, ટેમ્પરેચર, હ્મુમિડિટી, વાહનો અને લોકોની અવરજવર સુદ્ધાંનો ઝીણવટભર્યો ડેટા એકઠો કરતાં રહે છે. દર બે-ચાર મિનિટે આ બધો જ  ડેટા પ્રોફેસરની લેબોરેટરીમાં કે મેઇન કમાન્ડ સેન્ટરમાં પહોંચે છે.

આ ડેટો કેવો હોય છે એ પણ જાણીએ. શહેરમાં ફરતી દરેક સિટી બસ, ટેક્સી અને પોલીસ કાર્સ, તેનું લોકેશન અને સ્પીડની વિગતો સેન્ટ્રલ લેબોરેટરીમાં મોકલે છે. એ સાથે આ દરેક વાહન તેની આજુબાજુના વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ કેટલું છે એની વિગતો પણ મોકલે છે. શહેરના નાગરિકો પોતાના જીપીએસ-ઇનેબલ્ડ મોબાઇલમાં એક ખાસ એપ ડાઉનલોડ કરી દે તો તેઓ પણ આવી કેટલીય માહિતી સતત મોકલી શકે છે.

કોર્પોરેશનની મેઇન ઓફિસમાં રહેલું એક સેન્ટ્રલ કમ્પ્યુટર આ તમામ ડેટાને આધારે એક બીગ પિક્ચર તૈયાર કરે છે, જે સતત અપડેટ થતું રહે છે. આ બધાને કારણે…

  • મેઇન ઓફિસમાં બેઠાં બેઠાં જાણી શકાય છે કે બરાબર આ ક્ષણે શહેરના કયા ભાગમાં ટ્રાફિક જામ થયો છે અને ત્યાં જમા થયેલા ટ્રાફિકને કઈ બાજુ વાળી શકાય તેમ છે.
  • કોઈ મોટા રસ્તા પર અકસ્માત થતાં એ રસ્તાનો ટ્રાફિક ખોરવાય તો તેની આજુબાજુના રસ્તાઓ પર કેવી અસર થાય છે પણ મુખ્ય લેબોરેટરીમાં બેઠાં ખબર પડે છે. શહેરના કયા ભાગમાં પ્રદૂષણ વધુ છે, કયા ભાગમાં યુરોપિયન યુનિયનની નિયત મયર્દિા કરતાં પ્રદૂષણ વધી રહ્યું છે.
  • શહેરના બગીચાઓના કયા ભાગમાં છોડવાઓને વધુ પાણી પાવાની જરુર છે અને  કયા ભાગમાં ઓછું, જેથી પાણીનો બગાડ ન થાય.
  • જુદા જુદા વિસ્તારોમાંના કચરાપેટીઓ કચરાથી ભરાઈ જાય તેનો સંદેશ પણ પહોંચે, એટલે એક સાથે રુટ બનાવીને ભરાઈ ગયેલી તમામ કચરાપેટીઓ એક ફેરામાં ખાલી કરી શકાય.
  • લાઇટપોલ્સ પર લાગેલાં સેન્સરની મદદથી, જે તે વિસ્તારમાં જ‚રિયાત અનુસાર પ્રકાશનું પ્રમાણ વધુ-ઓછું પણ કરી શકાય છે.
  • શહેરના રસ્તાઓ પર ઠેકઠેકાણે ઇલેક્ટ્રોનિક સાઇનબોર્ડ મૂકવામાં આવ્યાં છે, જેનાથી વાહનચાલકો નજીકમાં પાર્કિંગ કઈ તરફ છે એ તો જાણી જ શકે છે, ઉપરાંત, ક્યાં તેમને પાર્કિંગની જગા મળી શકશે એ પણ જાણી શકે છે.
  • શહેરમાં પાણીનો વપરાશ મીટર આધારિત તો છે જ, પરંતુ અત્યાર સુધી કોર્પોરેશનના કર્મચારીએ ઘેર ઘેર ફરીને મીટર રીડિંગ કરવું પડતું હતું, હવે તેનાં પણ વાયરલેસ ઇનેબલ્ડ મીટર્સ મૂકાઈ જશે, પરિણામે મીટરનાં રીડિંગ ડાયરેક્ટ મેઇન ઓફિસમાં પહોંચી જશે.

આ બધાને કારણે કોર્પોરેશનનાં એનર્જી બિલ્સમાં ૨૦ ટકા જેટલી બચત થવા લાગી છે અને મેયરને આશા છે હજી બીજા પાંચેક ટકા ખર્ચ બચી જશે.

ખર્ચ બચે એટલે સિટી સ્માર્ટ બની ગયું?

ના, જોકે સિટી મેનેજમેન્ટના નિષ્ણાતો કહે છે કે આ બધી વાતો એવી છે જેને કારણે શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખર્ચ થોડો ઘટે, પણ ફક્ત એટલાથી શહેર ‘સ્માર્ટ’ બની જતું નથી. શહેરના વહીવટમાં, રોજબરોજના કામકાજમાં શહેરના નાગરિકો વધુ ને વધુ સંકળાય તો જ એ શહેર ખરા અર્થમાં સ્માર્ટ બને.

સ્પેનના સેન્ટેન્ડર શહેરમાં આ વાતની ખાસ કાળજી લેવાઈ છે. આપણાં શહેરોની જેમ અહીં રસ્તાઓમાં ખાડા પડ્યા હોય તો કોઈ પણ નાગરિક પોતાના સ્માર્ટફોી એ ખાડાની એક તસવીર ખેંચીને, સ્ક્રીન પર એક-બે ક્લિક કરે એટલે એ તસવીર, એ ખાડો શહેરમાં ચોક્કસ કઈ જગ્યાએ છે તેની જીપીએસ માહિતી સો મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં પહોંચી જાય છે. ત્યાંથી એ તસવીર અને તેને સંબંધિત બીજી માહિતી એ રસ્તાની જાળવણીની જવાબદારી જેની છે એ અધિકારીને અને તેની સાથોસાથ એ વિસ્તારના કોર્પોરેટરને પણ પહોંચી જાય છે. એ સાથે, એ ખાડાને લગતી બધી માહિતી જેમ કે  રસ્તાનું રીપેરિંગ કેટલા સમયમાં, કોણ કરશે, કેટલો ખર્ચ થશે એ બધું શહેરના બીજા નાગરિકો પણ જાણી શકે છે.

આ બધું કામકાજ અત્યારે પ્રોફેસર લુઇસ મનોઝની આગેવાની નીચે ફક્ત ૨૦ લોકોની ટીમ સંભાળી રહી છે. સેન્ટેન્ડરને સ્માર્ટસિટી બનાવવાની શ‚આત તો યુરોપિયન યુનિયન તરફથી મળેલી ગ્રાન્ટમાંથી થઈ શકી, પણ તેને જાળવી રાખવી અને વર્ષોવર્ષ ચલાવવી એ મોટો પડકાર બની શકે છે. કોર્પોરેશનના મેયર કહે છે શહેરને વિવિધ સેવાઓ પૂરી પાડતી યુટિલિટી કંપનીઝ અને સિટી કોન્ટ્રાક્ટર્સ આ ક્ધસેપ્ટને વિસ્તારવાનો ખર્ચ ઉપાડી લેશે, કેમ કે છેવટે તો તેમનો પણ એમાં ફાયદો છે. અત્યારે તો આ શહેર સ્માર્ટસિટીના ક્ધસેપ્ટ માટે એક મોટી લેબોરેટરી બની ગયું છે એટલે મોટી મોટી ટેક્નોલોજીને કંપનીઝને પોતાની વિવિધ ટેક્નોલોજીલ પ્રોડક્ટ્સને આ શહેરના નેટવર્ક પર ટેસ્ટ કરવામાં પડ્યો છે, પરિણામે શહેરને આવકનું એક નવું સાધન મળ્યું છે!

અલબત્ત, આ બધામાં માત્ર ડેટા મહત્ત્વનો નથી. આધારભૂત ડેટા મળ્યા પછી શહેરનું તંત્ર તેના પર કેટલું ઝડપથી અને કેટલી ચોક્સાઈથી પગલાં લઈ શકે છે એ જ નક્કી કરે છે કે શહેર ખરેખર સ્માર્ટ સિટી બન્યું છે કે નહીં.

છેલ્લે છેલ્લે, સ્માર્ટસિટીના ક્ન્સેપ્ટ વિશે એક મજાની વાત જાણી લઈએ. ૧૯૯૭માં ઇંગ્લેડના એક વિખ્યાત ટાઉન પ્લાનરે ભવિષ્યનાં શહેરો કેવાં હશે એ વિશે એક એકેડમિક પેપર તૈયાર કર્યંુ હતું. તેમણએ ભાખ્યું હતું કે વર્ષ ૨૦૫૦ સુધીમાં શહેરોનાં લોકો, હાઇવે અને બિલ્ડિંગ્સ ઇન્ટરનેટની મદદથી કનેક્ટ થશે અને પરિણામે આપણી આસપાસનું બધું જ એક જાતના કમ્પ્યુટરની જેમ વર્તશે અને વિશાળ ઇન્ફર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ તૈયાર થશે. એ વિદ્વાને ભવિષ્યનાં સ્માર્ટસિટીની જે કલ્પના કરી હતી એ સાચી તો પડી, પણ સમયની બાબતમાં એ થાપ ખાઈ ગયા. એમણે કહ્યું હતું કે વર્ષ ૨૦૫૦ સુધીમાં આવું થશે અને થવા માંડ્યું છે અત્યારથી જ!

 શહેરોએ સ્માર્ટ કેમ બનવું પડશે?

૨૦૧૧માં પ્રકાશિત યુએન વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટ અનુસાર, વિશ્ર્વની અડધા કરતાં વધુ વસતિ, ૩.૬ અબજ લોકો શહેરોમાં વસે છે. વર્ષ ૨૦૫૦ સુધીમાં ૬.૩ અબજ લોકો એટલે કે વિશ્વની ૭૫ ટકા વસતિ શહેરોમાં વસતી હશે. અત્યારે જ વિશ્ર્વનાં ઘણાં ખરાં શહેરો વસતિથી ફાટફાટ થઈ રહ્યાં છે અને તેમના રસ્તા, ટ્રાન્સપોર્ટ સર્વિસીઝ, ઇમરજન્સી સર્વિસીઝ, વોટલ-પાવર-વેસ્ટ મેનેજમેન્ટ વગેરે પર તેમની ક્ષમતા કરતાં વધુ ભાર છે.

આ સ્થિતિને પહોંચી વળવા માટે અત્યારે વિશ્ર્વનાં લગભગ ૨,૫૦૦ શહેરોને ‘સ્માર્ટ’ બનાવવાના વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સ શ‚રુ થયા છે. લગભગ દરેક પ્રોજેક્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિવિધ કામકાજ જેમ કે ટ્રાન્સપોર્ટેશન, હેલ્થકેર, પબ્લિક સેફ્ટી, યુટિલિટિઝ અને ગવર્નન્સને લગતો ડિજિટલ ડેટા એકઠો કરવામાં આવી રહ્યો છે, જેથી લાગતાવળતા નિર્ણયો લેવામાં સરળતા રહે, ઝડપથી નિર્ણય લઈ શકાય અને જે કામ થાય તે વધુ અસરકારક બને.

કેટલાક નિષ્ણાતો કહે છે કે વિવિધ સ્થળોએ લગાવેલાં સેન્સરથી મદદથી જે ડેટા એકત્ર થાય છે તેનું પ્રમાણ તેજ ગતિએ વધી રહ્યું છે અને લગભગ બે જ વર્ષમાં, ૨૦૧૬ સુધીમાં પૃથ્વીનાં શહેરોમાં દર ચોરસ કિલોમીટર વિસ્તારમાંથી રોજનો ૪.૧ ટેરાબાઇટ જેટલો ડેટા એકત્ર થવા લાગશે.

 

સેન્ટેન્ડર સિટીનું સ્માર્ટ પ્લાનિંગ

  1. સમગ્ર શહેરમાં જુદાં જુદાં મકાનોની દીવાલો, ફૂટપાથ, સ્ટ્રીટલેમ્પ વગેરેમાં સેન્સર્સ લગાવાયાં
  2. કચરાપેટી અને કચરના ટ્રક બંને પર સેન્સર્સ છે, જેથી જ‚ર પૂરતા જ ફેરા કરવા પડે
  3. સ્માર્ટફોન વાપરતા શહેરીજનો રસ્તાના ખાડા, બંધ પડેલી લાઇટ વગેરે વિશે જાણ કરી શકે છે
  4. બસ, ટેક્સી, પોલીસકાર વગેરે પર પણ સેન્સર્સ
  5. બગીચાઓમાં પણ સેન્સર્સ
  6. ડેટા સર્વર્સમાં બધી માહિતી એકઠી થાય
  7. સંબંધિત અધિકારીઓને યોગ્ય નિર્ણય માટે એ માહિતી પહોંચે

 વિશ્વનાં બીજાં શહેરોમાં…

  • એટલાન્ટામાં વાયરલેસ-ઇનેબલ્ડ વોટર્સ મૂકાઈ ગયાં છે.
  • શિકાગોમાં લાઇટના થાંભલાઓ પર સેન્સર્સ લગાવવાનું કામ શરુ થયું છે, જે આસપાસના વાતવારણમાં પ્રકાશ, અવાજ, પ્રદૂષણ વગેરેનો ડેટા કલેક્ટ કરીને સેન્ટ્રલ ઓફિસમાં પહોંચાડશે.
  • સ્ટોકહોમમાં ડિજિટલ ટ્રાફિક-મેનેજમેન્ટ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે, જેને કારણે લોકોના આવન-જાવનનો અડધોઅડધ સમય બચવા લાગ્યો છે.
  • રિયો ડી જાનેરોમાં પૂર અને જમીન ધસી પડવાનાં જોખમો વિશે અગાઉથી જાણી શકાય એવી સિસ્ટમ વિકસાવાઈ છે.
  • નોર્વેમાં લોકલ ટ્રાન્સપોર્ટ કંપનીનાં બસ સ્ટોપ્સ પર બસ ક્યારે આવશે તેની માહિતી ટવીટર પર સતત અપલોડ કરવામાં આવે છે.
  • બોસ્ટમાં શોટસ્પોટર નામની એક સિસ્ટમ કામે લગાડવામાં આવી છે, જેનાં સેન્સર્સ બંદૂકમાંથી ગોળી છૂટવાના અવાજને પારખીને તેનું લોકેશન નક્કી કરી શકે છે, આથી પોલીસને ગુનાખોરી ઘટાડવામાં મદદ મળે છે.
  • યુરોપનાં ઘણાં શહેરોમાં ટ્રાફિક કે એર પોલ્યુશન માપવા સેન્સર્સનો ઉપયોગ થવા લાગ્યો છે.

ભારતમાં સ્માર્ટ સિટીઝનું સ્વપ્ન

ભારત વર્ષ ૨૦૨૨ સુધીમાં ૧૦૦ સ્માર્ટ સિટીનું નિર્માણ કરવા માગે છે અને નાણા મંત્રાલયે આ માટે રૂ. ૭.૦૬૦ કરોડની ફાળવણી કરી દીધી છે. એક અંદાજ પ્રમાણે, આ ભગીરથ કામ માટે ભારતને આવતાં ૨૦ વર્ષ સુધીમાં કુલ રૂ. ૭ લાખ કરોડની જરૂર પડશે, એટલે કે દર વર્ષે રૂ. ૩૫,૦૦૦ કરોડ રૂપિયા.

ભારતમાં અત્યારે જ ગાંધીનગરના ગિફ્ટ સિટી અને ધોલેરાને સ્માર્ટ સિટી બનાવવાનું આયોજન છે. બેંગલોરમાં સિસ્કો કંપની સ્માર્ટ ગ્રીડ આધારિત એજ્યુકેશન સિટી બનાવી રહ્યું છે. મુંબઈ પાસે લોધા ગ્રૂપે તેના પાલવા સિટી પ્રોજેક્ટને સ્માર્ટ બનાવવા  આઇબીએમ કંપનીને કોન્ટ્રેક્ટ આપ્યો છે. કોચીમાં પણ આ પ્રકારનું કામ ચાલી રહ્યું છે. જાપાનના ક્યોટોની જેમ વારાણસીને સ્માર્ટ સિટી બનાવવાની વાત પણ તાજી જ છે.

સિસ્કો કંપનીએ હજી હમણાં જ બેંગલોર નજીક સિસ્કો કંપનીના પોતાના ભારતના કર્મચારીઓ માટે સિસ્ટો સ્માર્ટ સિટી ઊભું કરવાની જાહેરાત કરી છે, જે કંપનીના દાવા મુજબ ભારતનાં ભાવિ સ્માર્ટ સિટીઝ માટેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી આપશે. કંપનીના બ્લોગ પર લખ્યા મુજબ, સ્માર્ટ સિટી ક્ન્સેપ્ટમાંથી ટેક્નોલોજી કંપનીઓ વર્ષે સાડા સાત અબજ ડોલરની કમાણી કરવાની તક છે.

અમદાવાદની વાત કરીએ તો અહીં લગભગ એક દાયકાના પ્રયાસો પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરની તમામ શહેરી સુવિધાને લગતી માહિતી તેમ જ જે તે મિલકતના વ્યક્તિગત માલિકોને લગતી માહિતી જ્યોગ્રાફિકલ ઇન્ફર્મેશન સિસ્ટમ (જીઆઇએસ) પર ઉપલબ્ધ કરવાની તૈયારીમાં છે. (જીઆઇએસ સંબંધિત માહિતી આપણે મે ૨૦૧૪ના અંકમાં એક ગેમના સંદર્ભે મેળવી હતી).

અમદાવાદમાં જુદા જુદા વોર્ડને લગતી તમામ માહિતી એક જ મેપ પર જુદાં જુદાં લેયર પર ઉપલબ્ધ થશે. એ પછી એએમસી પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા વગેરેની માહિતી નક્શા પર મૂકશે. એ પછીના તબક્કે, ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન વાન પર જીપીએસ ટ્રેકિંગ ડિવાઈસ મૂકાવાનું શરૂ થશે તે પછી એએમસીને વેસ્ટ કલેક્શનને લગતો લાઇવ ડેટા મળવાનું શરૂ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!