જરા વિચારીને કહો, તમારે ઉચ્ચ અભ્યાસ કરવો હોય તો એમઆઇટી, બર્કલી, સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, પ્રિન્સટન કે યેલ યુનિવર્સિટી કેવીક રહેશે? ખરેખર ફોરેન યુનિવર્સિટીમાં અભ્યાસ માટે પ્રયાસ કરતા લોકો બરાબર જાણતા હશે કે આ બધી યુનિવર્સિટી કેવી છે અને ત્યાં પહોંચવું હોય તો કેટલા વીસે સો થાય. પણ, જો તમે ધારો તો માત્ર માઉસને ઇશારે આ યુનિવર્સિટીઝ સુધી પહોંચી શકો છો. રિયલ વર્લ્ડમાં તમે એક્ટ્રાઓર્ડિનરીલી (જી, સાચો જ શબ્દ છે) બ્રિલિયન્ટ હો તો આમાંથી કોઈ એક યુનિવર્સિટીમાં એડ્મિશન મેળવી શકો, પણ સાયબરવર્લ્ડમાં, તમે ધારો તો એકસાથે આ બધી યુનિવર્સિટીનું બેસ્ટ એજ્યુકેશન મેળવી શકો છો, એ પણ ઘેરબેઠાં!
www.academicearth.org વેબસાઇટ પર વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઝમાં અપાતાં અનેક વિષય પરનાં લેક્ચર્સના વીડિયોનું સંકલન કરીને આપણી સમક્ષ મૂકવામાં આવે છે. આખા વિશ્વના સદનસીબે, છેલ્લા કેટલાય વખતથી વિશ્વના અનેક નિષ્ણાત પ્રોફેસર્સ જ્ઞાનને યુનિવર્સિટીની સરહદોમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આવી પહેલ સૌથી પહેલાં ૨૦૦૧માં એમઆઇટીએ કરી હતી (મેસેચ્યુસેટ્સનું આ ઇન્સ્ટિટ્યૂટ ટેક્નોલોજીના ક્ષેત્રે વર્લ્ડ બેસ્ટ ગણાય છે). એમઆઇટીએ તેના ક્લાસમમાં અપાતાં લેક્ચર્સના વીડિયો નેટ (http://ocw.mit.edu) પર મૂકવાની શરૂઆત કરી હતી. એ પછી હાર્વર્ડ, બર્કલી, યેલ, પ્રિન્સટન અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ પણ તેમના લોકપ્રિય કોર્સીઝના વીડિયો નેટ પર મૂકવાની શરૂઆત કરી દીધી. હવે એકેડ્મિક અર્થ સાઇટ આ બધા જ વીડિયોેનું સંકલન કરી, તેનું વિવિધ વિષય, યુનિવર્સિટી અને ઇન્સ્ટ્રક્ટર્સ મુજબ વર્ગીકરણ કરીને આપણી સમક્ષ મૂકે છે.
સાઇટ પર અત્યારે લગભગ ૧૫૦૦ વીડિયો મુકાયા છે. તમે ધારો તો આ લેક્ચર્સને ડાઉનલોડ પણ કરી શકો છો.
સાઇટની મજા એના એકદમ ઇઝી ઇન્ટરફેસમાં છે. બહુ ગણતરીની ક્લિક્સ સાથે તમે તમારા રસના વિષયના લેક્ચર સુધી પહોંચી શકો છો. દરેક વીડિયો સાથે તેની ટેક્સ્ટમાં તેનું ટૂંકું વર્ણન અને મુખ્ય મુદ્દાઓ આપેલા છે. મોટા ભાગનાં લેક્ચર્સ કોઈ સિરીઝના ભાગ હોય છે એટલે આખી સિરીઝમાં કયા કયા મુદ્દાઓ આવરી લેવાયા છે તેનું લિસ્ટ પણ તમે જોઈ શકો છો. ઇચ્છો ત્યાંથી શરૂ કરો અને ઇચ્છો ત્યાં પૂરું કરો! આવનારી પેઢી માટે શિક્ષણ કેવું મુક્ત અને ખરા અર્થમાં અમૂલ્ય હશે એનો આ સાઇટ અંદાજ આપે છે.
આટલું વાંચ્યા પછી એક પાક્કા ને સાચ્ચા ગુજરાતી તરીકે તમને ત્રણ સવાલ થયા હશે. પહેલો સવાલ, બધું અંગ્રેજીમાં હશે? જવાબ છે સોરી, હા! બીજો સવાલ, બધું મફત છે? જવાબ છે, હા (વાઉ! કેમ?) અને ત્રીજો મુદ્દાનો સવાલ – ડિગ્રી ન મળે તો આ લેક્ચર્સ કામનાં શું? આનો જવાબ મુશ્કેલ છે. સાદો જવાબ એ છે કે તમે આ સાઇટ પરથી જે તે યુનિવર્સિટીના કોર્સમાં એનરોલ થવાની પ્રક્રિયા શરૂ કરી શકો છો. અવળો જવાબ એ છે કે ડિગ્રી વિના તમને આ લેક્ચર્સ કામનાં ન લાગતાં હોય તો ડિગ્રી મળે તોય તમને એ બહુ કામ લાગશે નહીં!

