ભાષાની મજા એ છે કે તેમાં અનેક શબ્દો સમાયેલા હોય છે અને ઘણા બધા શબ્દો એકબીજા સાથે કંઈક મજાની રીતે સંબંધ ધરાવતા હોય છે.
ડિક્શનરી કે થિસોરસમાં આપણે જુદા જુદા શબ્દો વાંચીએ ત્યારે એના અર્થ અને જે તે શબ્દ સાથે સંબંધિત બીજા શબ્દો જાણવા મળે, પણ કાગળ પર લખાયેલા શબ્દોની મર્યાદા હોય છે, તે પૂરઝડપે દોડતી આપણી કલ્પના સાથે તાલ મિલાવી શકતા નથી.
પરંતુ, એક બીજા સાથે સંબંધ ધરાવતા શબ્દો તેમના સંબંધ અનુસાર ઝડપભેર બદલાઈ શકે એવા ઝૂમખા સ્વરૂપે જોવા મળે, તો?
આવી એક ફ્રી ઓનલાઇન વિઝ્યુઅલ ડિક્શનરી છે સ્નેપી વર્ડ્ઝ (http://www.snappywords) આ વેબસાઇટ ડિક્શનરી પણ છે અને થિસોરસ પણ છે.
તમે આ સાઇટ પર પહોંચીને તેના સર્ચ )બોક્સમાં કોઈ પણ શબ્દ લખી સર્ચ કરો એટલે સ્ક્રીન પરના બોક્સમાં એ શબ્દ અને તેની સાથે જુદી જુદી રીતે સંબંધિત શબ્દોનું ઝુમખું આકાર લેવા લાગે છે.
જેમ કે આપણે ‘એન્વાયર્નમેન્ટ’ લખી સર્ચ કરીએ એટલે આ શબ્દના દૂરના કે નજીકના સગા થતા બધા શબ્દો સ્ક્રીન પર એકમેકના કનેક્શનમાં દેખાવાનું શરુ થાય છે. તેમનાં કનેક્શન દર્શાવતાં તીર જુદા જુદા રંગનાં છે અને જે તે શબ્દ ધરાવતાં વર્તુળ પણ જુદા જુદા રંગનાં છે.
આ દરેક પાછળ અર્થ છુપાયેલો છે. જેમ કે આછા જાંબલી રંગના વર્તુળમાં રહેલા બધા શબ્દો એ નાઉન એટલે કે સંજ્ઞા છે એવું દર્શાવે છે, તો આછા ગુલાબી રંગમાંના શબ્દો એડજેક્ટિવ્સ એટલે કે વિશેષણો છે.
આપણે કોઈ પણ શબ્દ પર માઉસ લઈ જઈએ એટલે એ શબ્દનો અર્થ અને એ શબ્દને સમાવતું કોઈ વાક્ય વાંચવા મળે. કોઈ શબ્દને માઉસથી પકડીને તમે આઘો-પાછો કરી શકો છો અને એ રીતે તેની સાથે સંકળાયેલા શબ્દોને કેન્દ્રમાં લાવી શકો છો.
ચાહો તો કોઈ શબ્દને ડબલ ક્લિક કરો એટલે એ શબ્દ આપણો સર્ચ વર્ડ બનશે અને તેનું વળી નવું ઝુમખું તૈયાર થશે!
આ સુવિધા અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીએ તૈયાર કરેલા શબ્દોના ડેટાબેઝના આધારે વિક્સાવવામાં આવી છે. અંગ્રેજીમાં નવા નવા શબ્દો જાણવાની ઇચ્છા હોય તો આ ઉપયોગી અને રસપ્રદ સાઇટ છે.

