કોલેજમાં અભ્યાસ કરતા પોતાના સંતાનને સ્માર્ટફોન અપાવતાં મા-બાપ ખચકાય છે. અભ્યાસ પર વિપરિત અસર થવાનો ડર સ્વાભાવિક છે, પણ આ જ સ્માર્ટફોન વિદ્યાર્થીઓને ઘણો મદદરૂપ પણ થઈ શકે છે.
ઘાસની ગંજીમાં સોય શોધવી સહેલી, પણ સ્માર્ટફોન માટે એપ સ્ટોરમાંથી સારી એપ શોધી મુશ્કેલ – વાતમાં થોડી અતિશયોક્તિ છે, પણ થોડી જ! એન્ડ્રોઇડ, એપલ, વિન્ડોઝ વગેરે પ્લેટફોર્મ માટેના એપ્સ સ્ટોરમાં હવે એપ્સની સંખ્યા લાખોમાં પહોંચી છે ત્યારે જે સ્થિતિ ઇન્ટરનેટ પર છે એવી જ સ્થિતિ મોબાઇલ માટે સર્જાઈ રહી છે. કામ લાગે એવું ઘણું તેમાં હોય તો ખરું, પણ શોધવું કઈ રીતે?
અહીં મુખ્યત્વે વિદ્યાર્થીઓને, ખાસ કરીને કોલેજ સ્ટુડન્ટ્સને ઉપયોગી થાય તેવી વિવિધ પ્રકારની ફ્રી એપ્સ તારવવાનો પ્રયાસ કર્યો છે. તેમને અભ્યાસના વિષય સમજવામાં સીધેસીધી મદદરૂપ થાય તેવી, અભ્યાસમાં પૂરક હોય તેવી, કારકિર્દી માટે ઉપયોગી થાય તેવી અને નેટ પર ઉપલબ્ધ ઉપયોગી અભ્યાસસામગ્રીને અલગ તારવીને તેને યોગ્ય રીતે સાચવવામાં મદદરૂપ થાય તેવી એપ્સ પર વિશેષ ભાર આપ્યો છે.
અહીં તમને વિકિપીડિયા જેવી સૌની જાણમાં છે એવી એપ જોવા નહીં મળે, તેમ અભ્યાસ માટે એક સારો સ્રોત હોવા છતાં યુટ્યૂબ પણ જોવા નહીં મળે, બંને સર્વિસ જાણીતી જ છે અને તમે તેનો કેટલો ઉપયોગ કરી શકો છો તેના પર બધો આધાર છે. ‘સાયબરસફર’માં આપણે અવારનવાર ગૂગલ ડ્રાઇવ, ફીડલી, પોકેટ વગેરે સર્વિસની વાત કરી છે, જે અભ્યાસમાં ઉપયોગી છે, પણ અહીં પુનરાવર્તન ટાળ્યું છે.
એપ્સની મોટી મુશ્કેલી એ છે કે જો એ ખરેખર સારી હોય તો મોટા ભાગે પેઇડ હોય છે, જેનું ફ્રી વર્ઝન હોય છે પણ લગભગ કોઈ જ માહિતી વિનાનું. ગણિતના અનેક દાખલા સ્ટેપ-બાય-સ્ટેપ સમજાવતી એક એપ ખરેખર સરસ હોવા છતાં અહીં લીધી નથી કેમ તે તેની ફ્રી એપ માત્ર જવાબ આપે છે, રીત સમજવી હોય તો મહિને બારસો રૂપિયા ચૂકવવા પડે!
યાદ રાખશો કે આ માત્ર દિશાસૂચન છે. તમે પોતે પ્રયાસ કરશો તો અહીં આપેલી એપ્સ કરતાં વધુ સારી એપ શોધી શકો એવું પણ બની શકે, કેમ કે તમારી જરૂરિયાત તમારા પોતાના કરતાં વધુ સારી રીતે કોણ સમજી શકે?
Marks++
તમે સ્ટેટ બોર્ડ, સીબીએસઈ કે જેઇઇની એક્ઝામની તૈયારી કરી રહ્યા હો તો તમારા માટે આ એપ ઘણી કામની સાબિત થઈ શકે છે.
આ એપમાં તમે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સનાં પેપર જનરેટ કરી શકો છો, ચાહો તો તેને મોબાઇલમાં જ ઓપન કરો અથવા પીડીએફ સ્વરૂપે પોતાને જ ઈમેઇલ કરી દો. આ ત્રણેય સબ્જેટનાં માત્ર અમુક ચેપ્ટર્સ જ કવર થાય એ રીતે પણ રેન્ડમ પેપર જનરેટ કરી શકાય છે.
એપમાં ટાઇમર, સાયન્ટિફિક કેલ્સી વગેરેની સગવડ પણ છે, તેને સેટ કરીને તમે પેપર લખવાની પ્રેક્ટિસ કરી શકો. અહીં એનસીઇઆરટીનાં જવાબ સાથેનાં પેપર્સ પણ મળશે.
ત્રણેય વિષયની તમામ મહત્ત્વની ફોર્મ્યુલા ફટાફટ જોઈ લેવી હોય તો પણ આ એપ કામની છે.
Trigonometry Formulas
ટ્રિગોનોમેટ્રી ફોર્મ્યુલાઝ, ટ્રિગોનોમેટ્રી ટેબલ્સ, સ્ક્વેર અને ક્યૂબ ટેબલ્સ, ન્યમુરિક ટેબલ્સ… આ બધું જેનો વિષય છે એમને સમજાય, બાકી બીજાને લગભગ માથેથી જાય.
પણ જેમનો આ અભ્યાસનો વિષય છે એમને માટે રેડી રેફરન્સ તરીકે આ એપ સારી એવી કામ લાગશે.
આ એપમાં ગણિતના વિદ્યાર્થીઓ માટે નવું કશું જ નહીં હોય પણ એમને જે બાબતો આંગળીના ટેરવે રહેવી જોઈએ એ બધું જ અહીં તેમને મળશે. જેમ કે સ્ક્વેર, ક્યૂબ અને સ્ક્વેર રુટ, ક્યૂબ રુટના ટેબલમાં છેક ૨૦૦ સુધીના અંકનાં ટેબલ અહીં ફટાફટ જોઈ શકાશે. ‘જો દિખતા હૈ વહ બિકતા હૈ’ એમ જો ‘દિખતા હૈ, વહ યાદ રહેતા હૈ!’
Pocket Physics
અભ્યાસમાં આગળ રહેતા વિદ્યાર્થી દરેક વિષયના રીવિઝન પર ખાસ ભાર મૂકતા હોય છે. તમારા વિષયની મહત્ત્વની બાબતો પર જ્યારે તક મળે ત્યારે નજર ફેરવી લો તો ન સમજાતા મુદ્દા પણ સરળ બનવા લાગે.
આવી ફિઝિક્સ માટેની એપ છે પોકેટ ફિઝિક્સ. કોઈ ચોક્કસ ધોરણ કે કોલેજ યરમાં જ કામ લાગે એ રીતે આ એપ ડિઝાઈન થઈ નથી, પણ તેમાં જુદા જુદા ટોપિકને એકદમ ટૂંકાણમાં પણ સારી એવી સ્પષ્ટતા સાથે સમજાવવામાં આવ્યા છે. ખરેખર દરેક મુદ્દાને ટૂંકમાં આવરી લેવાયો છે એ જ એની ખાસિયત છે. જો આ એપ તમને ગમે તો એ જ ડેવલપરની Pocket Mathematics એપ પણ તમને ચોક્કસ ગમશે.
Fraction Calculator
ત્રીજા-ચોથા ધોરણથી મેથ્સમાં શરુ થઈ જતા ફ્રેક્શન્સ એન્જિનીયરિંગના ઉચ્ચ અભ્યાસ સુધી કામ લાગે છે. જો પાયો કાચો રહે તો ઇમારત ડગુમગુ રહે. આ પાયો મજબૂત કરવામાં અને ખાસ તો મમ્મી-પપ્પાને પણ સ્ટેપ-બાય-સ્ટેપ ફ્રેક્શન્સની ગણતરી સમજવામાં આ એપ કામ લાગશે.
જોકે ફ્રેક્શન ખરેખર શું છે એ આ એપ સમજાવતી નથી, એ સીધી ગણતરીમાં ડૂબકી લગાવે છે. એપની હેલ્પ સાઇટ એક વાર જોઈ લેશો તો ઉપયોગ સહેલો બનશે.
Real Cals
સાયન્સના સ્ટુડન્ટને સાયન્ટિફિક કેલ્ક્યુલેટર વિના ચાલે નહીં.
કાં તો અલગ કેલ્સી લેવાનો ખર્ચ કરો અથવા રીયલ કેલ્કને એપ તરીકે ઇન્સ્ટોલ કરી લો. એન્ડ્રોઇડ પર જબરજસ્ત લોકપ્રિય આ એક ફૂલફીચર્ડ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર છે, જે દેખાવમાં પણ અસલ કેલ્સી જેવું છે!
સામાન્ય ગણતરીઓ ઉપરાંત આ કેસ્લીમાં યુનિટ ક્ન્વર્ઝન, ફિઝિકલ કોન્સ્ટન્ટ્સ ટેબલ, પર્સન્ટેજ, ડીગ્રીઝ, રેડઇન્સ કે ગ્રેડ્સમાં ટ્રીગ ફંક્શન્સ વગેરેનો લાભ મળી શકે છે.
કેલ્સીમાં તમે સાયન્ટિફિક, એન્જિનીયરિંગ કે ફિક્સ્ડ પોઇન્ટ ડિસ્પ્લે મોડ પણ ગોઠવી શકો છો.
ફ્રી વર્ઝનમાં પણ જાહેરાતો નથી એ વધારાનો લાભ!
Periodic Table
સાયન્સના વિદ્યાર્થીએ પીરિયોડિક ટેબલ સાથે ફ્રેન્ડશીપ કર્યા વિના છૂટકો નહીં. કેમિસ્ટ્રી માટે આ ટેબલ સૌથી અગત્યનો રેફરન્સ ગણાય કેમ કે તેમાં તમામ કેમિકલ એલિમેન્ટ્સને તેમના વિવિધ ગુણધર્મોને આધારે એક ટેબલમાં ગોઠવવામાં આવે છે, જેનાથી દરેક તત્ત્વની ખાસિયત સહેલાઈથી સમજી શકાય છે.
પીરિયોડિક ટેબલ એક એવી એપ છે, જેમાં આ ટેબલ તો છે જ પણ દરેક એલિમેન્ટ પર ક્લિક કરીને તેના વિશેની વિગતવાર માહિતી જેમ કે બેઝિક પ્રોપર્ટી, એટમિક પ્રોપર્ટી, થર્મોડાયનેમિક પ્રોપર્ટી, મટિરિયલ પ્રોપર્ટી વગેરે જાણી શકાય છે. કેમિસ્ટ્રીના સ્ટુડન્ટ માટે આ એપ મસ્ટ છે. પ્લે સ્ટોરમાં આ પ્રકારની બીજી એપ્સ પણ મળશે.
Self Control
તમે શાંતિથી અભ્યાસ કરવા બેસો, પણ બાજુમાં સ્માર્ટફોન હોય તો શું થાય છે? યુટ્યૂબ, વોટ્સએપ કે ફેસબુક… અભ્યાસમાંથી મન બીજે જવાનાં અનેક કારણ સ્માર્ટફોન પર મળી શકે છે.
સ્માર્ટફોન બાજુમાં રાખવો જરૂરી હોય, પણ તેને તમારા કંટ્રોલમાં રાખવો હોય તો આ એપ તમારે કામની છે. તમે અભ્યાસ ચાલુ કરો ત્યારે તેમાં સેલ્ફ કંટ્રોલને શરૂ કરી દો અને કેટલા સમય સુધી એકધાર્યો અભ્યાસ કરવા માગો છો તે નક્કી કરી લો. હવે તમે વચ્ચે ગમે ત્યારે સ્માર્ટફોન હાથમાં લઈને મચડશો તો એપ કશું જ કરવા દેશે નહીં અને યાદ અપાવશે કે અત્યારે તમારે ભણવાનું છે! અલબત્ત, ફોન કોલિંગ જેવાં મહત્ત્વનાં ફીચર્સ ચાલુ રહેશે. તમે પોતે અપવાદ પણ નક્કી કરી શકો છો.
Maths Alarm Clock
રોજ સવારે વહેલા ઊઠવાનો કંટાળો આવે છે? મમ્મી આઘીપાછી હોય તો એલાર્મ બંધ કરીને તમે ફરી ઊંઘ ખેંચી લો છો? આ એપ તમારા માટે જ છે.
બહુ જ સિમ્પલ એપ છે. એમાં હંમેશની જેમ એલાર્મ સેટ કરવા સિવાય બીજું કશું કરવાનું નથી. ફેર ફક્ત એટલો છે કે સવારે એલાર્મ વાગશે ત્યારે તેની સાથે મેથ્સની સાદી ગણતરી પૂછવામાં આવશે. સાચો જવાબ નહીં આપો ત્યાં સુધી એલાર્મ બંધ થશે નહીં!
તમારા બાથરૂમ કે કોઈ અન્ય રૂમની તસવીર લો અને સવારે એલાર્મ ચાલુ થયા પછી એ જ જગ્યા તમારા ફોનના કેમેરાને બતાવો નહીં ત્યાં સુધી એલાર્મ બંધ ન થાય એવી એપ પણ મળશે, શોધી કાઢો!
Pocket Aptitude
ઉચ્ચ અભ્યાસ કે સારી નોકરીનો માર્ગ મોટા ભાગે સ્પર્ધાત્મક પરીક્ષાથી નક્કી થાય છે ને તેમાં સફળ થવા માટે એપ્ટિટ્યૂડ ક્વેશ્ર્ચન્સમાં હથોટી હોવી જરૂરી છે. એક ભારતીયએ તૈયાર કરેલી પોકેટ એપ્ટિડ્યૂડ આમાં ઘણી મદદરૂપ થાય તેમ છે. આ પરીક્ષાઓમાં સરેરાશ, ટકાવારી, ક્ષેત્રફળ, વ્યાજ, કેલેન્ડર, સમય, સમય અને અંતર, નફો અને નુક્સાન વગેરે મુદ્દાઓ સંબંધિત સવાલો પૂછવામાં આવતા હોય છે. આ એપમાં ૧૫૦૦થી વધુ સવાલો (જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે) આવરી લેવામાં આવ્યા છે. દરેક સવાલનો જવાબ મેળવવામાં મદદરૂપ થાય એવી ફોર્મ્યુલાની સમજણ આ એપની હાઇલાઇટ છે. આ ડેવલપરની બીજી એપ્સ પણ તપાસવા જેવી છે.
Evernote
ફક્ત સ્ટુડન્ટ નહીં, સૌ કોઈને અત્યંત ઉપયોગી એવી એપ. ઇન્ટરનેટ પર બ્રાઉઝિંગ દરમિયાન કંઈ કેટલાય પ્રકારની અભ્યાસમાં ઉપયોગી વાંચનસામગ્રી નજરે ચઢતી હોય છે. એ બધું જ યોગ્ય રીતે કેપ્ચર કરીને મેનેજ કરવામાં આ એપ સખ્ખત કામની છે.
નેટ પર આ પ્રકારની વિવિધ એપ્સ કે સર્વિસ ઉપલબ્ધ છે, પણ એવરનોટ સૌથી લોકપ્રિય છે. કોઈ સબ્જેટના મહત્ત્વના ટોપિક્સનું નાનું લિસ્ટ તૈયાર કરતા હો કે કોઈ મોટા પ્રોજેક્ટ માટે નેટ પર રિસર્ચ કરી રહ્યા હો, એવરનોટ પર તમે જુદા જુદા વિષયના અગત્યના મુદ્દાઓની નોટ્સ લઈ શકો છો, ઓર્ગેનાઇઝ કરી શકો છો, ફટાફટ સર્ચ કરી શકો છો, ગમે ત્યાંથી એક્સેસ કરી શકો છો, સાથોસાથ ટુ-ડુ લિસ્ટ તૈયાર કરી શકો છો… ટૂંકમાં, એજ્યુકેશનમાં સ્માર્ટ સપોર્ટ માટે માટે અનિવાર્ય એપ.
ElectroDriod
સ્માર્ટફોન, સતત હાથવગા હોવાના કારણે રેડી રેકનર તરીકે તેની ઉપયોગિતા અદભુત છે. આ એપમાં તેની આ ખાસિયતને જ આગળ ધપાવવામાં આવી છે. ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનીયરિંગના વિદ્યાર્થીને ઉપયોગી અપાર માહિતી આ એક એપના ફ્રી વર્ઝનમાં પણ મળી શકે છે.
આ એક એપમાં એન્જિનીયરિંગમાં વપરાતા વિવિધ પ્રકારના કલર કોડ, સર્કિટ સિમ્યુલેટર, વોલ્ટેજ ડિવાઇડર, રેઝિસ્ટર રેશિયો, વોલ્ટેજ ડ્રોપ, પાવર વગેરે કેલ્ક્યુલેટર, ડેસિબલ ક્ધવર્ટર, ફ્રીકવન્સી ક્ધવર્ટર, વિવિધ પ્રકારના કનેક્ટર્સ સંબંધિત માહિતી વગેરે અઢળક માહિતી પલકવારમાં મેળવી શકાય છે.આ પ્રકારની બીજી એપ્સ પણ છે.
Duolingo
ભાષા તમારા રસનો વિષય છે? ઇંગ્લિશ ઉપરાંત તમને ફ્રેન્ચ કે ઇટાલિયન કે એવી બીજી કોઈ ભાષા શીખવામાં રસ છે? મોટા શહેરમાં રહેતા હો તો એના ક્લાસીસ મળી જાય, પણ ધારો તો તમે ફક્ત સ્માર્ટફોનને સહારે પણ ઘણા આગળ વધી શકો છો. ડ્યુઓલિંગો વિવિધ ભાષા શીખવા માટે સારી એવી લોકપ્રિય વેબસર્વિસ છે. તેની ફ્રી એપનો ઉપયોગ કરીને તમે હિંદીમાંથી ઇંગ્લિશ કે ઇંગ્લિશને ટેકે ફ્રેન્ચ જેવી ભાષા શીખી શકો છો. વાત નવી ભાષા શીખવાની છે એટલે તેમાં બને તેટલા ઓછા શબ્દોના ઉપયોગથી વાત આગળ ધપાવવામાં આવે છે. જોકે આ સાઇટનું હિન્દી તમને ભારે પડે એવું બની શકે છે!
IELTS Vocabulary
તમે આઇઇએલટીએસ – ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમની એક્ઝામની તૈયારી કરી રહ્યા હો કે બસ એમ જ ઇંગ્લિશની સમજ વધુ પાકી કરવા ઇચ્છતા તો આ એપ હાથવગી નીડવી શકે છે.
ઇંગ્લિશના વિદ્યાર્થીઓને મોટી મુશ્કેલી એ વાતની હોય છે કે ઇંગ્લિશ શીખવતી એપ કે સાઇટ પર ઇંગ્લિશમાં જ હોય છે. એ વાત ધ્યાને રાખીએ તો પણ આ એપ કામ લાગશે કેમ કે ફક્ત વિવિધ શબ્દોની સમજ કેળવવાની છે. એપમાં ૧૦-૧૦ પ્રશ્ર્નોના ૩૦૦થી વધુ એમસીક્યુ સેટ આપેલા છે. જવાબો આપ્યા પછી આપણે કયા સાચા ને ખોટા જવાબ આપ્યા તે જાણી શકાય છે. ઘડી-બે ઘડીની નવરાશ દરમિયાન આ એપ ખોલો તો બે-ચાર નવા શબ્દ અને તેના અર્થ સમજાશે તે નક્કી.
Pocket Verbal Ability
ઇંગ્લિશ શીખવા માટે સારી એપ શોધવા બેસો તો સંખ્યાબંધ એપ મળે અને ઇંગ્લિશ જેટલી જ ગૂંચવણ એ ઊભી કરે! સાવ પાયેથી શીખવા માટે નહીં, પણ આ ભાષાની થોડી સમજ હોય અને તેની બારીકીઓ પર પકડ મેળવવી હોય તો આ પ્રેક્ટિકલ એપ સારી પડશે. અહીં સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, ઇડિયમ્સ, ફ્રેઝીઝ, ઓર્ડરિંગ ઓફ સેન્ટેન્સીઝ, સેન્ટેન્સ કરેક્શન, સ્પોટિંગ એરર, સ્પેલ ચેક વગેરે વિભાગમાં જે તે બાબત સંબંધિત વિવિધ સવાલ અને તેના જવાબ રૂપે ચાર વિકલ્પો આપેલા હોય છે. જોકે આપણો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા મળે, પણ એનાં કારણ સમજવાં હોય તો આ એપ કામ લાગતી નથી.
Dictionary.com
કોઈ પણ વિદ્યાર્થી કે શિક્ષકને સારી ડિક્શનરી વિના ચાલી શકે નહીં. નેટ પર તમને સંખ્યાબંધ ડિક્શનરી મળી શકે છે. એપ સ્વરૂપે ડિક્શનરી.કોમ વધુ સારી છે કેમ કે તે ડિક્શનરી ઉપરાંત, જે તે સમયને અનુરૂપ શબ્દો, શબ્દો પાછળની રસપ્રદ વાતો, બીજા લોકો કયા શબ્દો જુએ છે વગેરે બીજું ઘણું બધું આપે છે. ડિક્શનરી ઉપરાંત અહીં થિસોરસની સગવડ પણ છે (એટલે શું? એવો સવાલ હોય તો ડિક્શનરી જુઓ!)
બીજી ભાષાની વાત કરીએ તો ગુજરાતી જોડણીકોશ માટે સાર્થ, ગુજરાતી-ઇંગ્લિશ માટે લેક્સિકોન અને ઇંગ્લિશ-હિન્દી ડિક્શનરી માટે શબ્દકોશ બહુ ઉપયોગી નીવડે તેમ છે.


